કાવડયાત્રાને લઈને હવે યુપી બાદ ઉત્તરાખંડમાં વિવાદિત આદેશ, ઢાબા પર નામ દર્શાવવાનો મામલો શું છે

    • લેેખક, રાજેશ ડોબરિયાલ
    • પદ, બીબીસી હિંદી માટે

ઉત્તર પ્રદેશની જેમ જ ઉત્તરાખંડમાં પણ કાવડ યાત્રાના રૂટ પર ખાવાપીવાનો સામાન વેચતી હોટલો, ઢાબાઓ અને રેકડીવાળાઓને પોતાનું નામ દેખાડવું પડશે.

આ મામલો શુક્રવારે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્ર ડોભાલે આ વિશે એક નિવેદન આપ્યું હતું.

જોકે, મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે આ નિર્ણય ગયા અઠવાડિયે જ કરવામાં આવ્યો હતો.

હરિદ્વાર પોલીસે આ નિર્ણયને શનિવારે બપોરથી લાગુ કરાવવાની પ્રક્રિયા શરૂ પણ કરી દીધી હતી.

હરિદ્વારના એસએસપીએ શું કહ્યું?

નોંધનીય છે કે ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૈડી અને ઋષિકેશમાં નીલકંઠથી જળ લેવા માટે દર વર્ષે કરોડોની સંખ્યામાં કાવડિયા આવે છે.

ગત વર્ષે આ સંખ્યા ચાર કરોડનો આંકડો પાર કરી ગઈ હતી અને આ વર્ષે આ સંખ્યા વધશે તેવી શક્યતાઓ છે.

આટલી મોટી સંખ્યામાં આવનારા કાવડિયાઓ માટે વ્યવસ્થાને જાળવી રાખવી વહીવટીતંત્રની સૌથી મોટી પરીક્ષા હોય છે અને બધા જ પ્રયત્નો છતાં દર વર્ષે નાની-મોટી ઘટનાઓ બને જ છે.

ઉત્તરાખંડ સરકારે ઢાબા અને રેકડીઓ પર નામ ડિસ્પ્લે કરાવવાના નિર્ણય પાછળનું આ કારણ ગણાવ્યું.

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર ઢાબા, રેકડીઓ પર નામ ડિસ્પ્લે કરવાનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારબાદ હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્ર ડોભાલે કહ્યું, "બધા જ એસએચઓ, સર્કલ ઑફિસરને આદેશ આપવામાં આવ્યો છે કે બધી દુકાનોની ચુસ્તપણે ચકાસણી થવી જોઈએ."

"દુકાનોમાં કેટલા લોકો અને કોણ-કોણ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત દુકાનના પ્રોપરાઇટર કોણ છે તેનું નામ લખેલું હોવું જોઈએ. કારણ કે ક્યૂઆર કોડમાં ઘણી વખત ગોટાળાની ફરિયાદો આવે છે અને વિવાદ ઊભા થાય છે. જે યાત્રીઓ ત્યાં આવી રહ્યા છે તેઓ કઈ દુકાન પરથી વસ્તુ ખરીદી રહ્યા છે તેના વિશે તેમને જાણકારી રહે."

મુખ્ય મંત્રી ધામીએ શું કહ્યું?

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ગત શુક્રવારે એક પ્રેસવાર્તાને સંબોધતા દાવો કર્યો હતો કે આ નિર્ણય એક અઠવાડિયા પહેલાં જ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, "12 તારીખે કાવડ મેળાને લગતી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે કે ઘણા લોકોએ કહ્યું હતું કે પાછળથી એવી સ્થિતિ ઊભી થાય છે કે લોકો નામ બદલીને અને પોતાની ઓળખાણ છુપાવીને દુકાન ખોલે છે. બીજો વેપાર કરે છે. આ વાત યોગ્ય નથી. દરેક વ્યક્તિની ઓળખ થવી જોઈએ.”

તેમણે ઉમેર્યું, "આ નિર્ણય કોઈને ટારગેટ કરવા અથવા નુકસાન પહોંચાડવા માટે નથી."

જોકે, મુખ્ય મંત્રીની આ વાત સાથે બધા લોકો સહમત નથી.

'જાતીય અસહિષ્ણુતા વધે એવો નિર્ણય'

ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી હરીશ રાવતે ફેસબુક પર લખ્યું, "કાવડ યાત્રાના રૂટ પર આવતી હોટલો, ઢાબા, રેસ્ટોરાં અને રેકડીવાળા લોકોએ પોતાનું આખુ નામ હોટલ કે રેકડી પર લગાવવું પડશે."

"આ ઉપરાંત પોતાને ત્યાં કામ કરતા લોકોનું નામ પણ પોતાની છાતી પર લગાડવું પડશે. 21મી સદીમાં જ્યારે જ્ઞાતીવાદના બંધનો તૂટી રહ્યા છે ત્યારે વંશીય અસહિષ્ણુતા વધે એવો નિર્ણય શા માટે?"

તેમણે ઉમેર્યું, "આપણા દેશ અને હિંદુઓએ અસ્પૃશ્યતાની પીડાને સેંકડો વર્ષો સુધી સહન કરી છે. આ પીડાને ઓછી કરવા માટે ગાંધી સહિત કેટલાય મહાપુરુષોએ પોતાનું આખું જીવન ખપાવી દીધું."

"ઉત્તર પ્રદેશની સરકાર ધન્ય છે! ધન્ય છે તેમની અનુયાયી ઉત્તરાખંડ સરકાર! તમે તે જખમોને ફરીથી ખોતરવા માંગો છો?"

"એક પ્રકારની અસ્પૃશ્યતા બીજી અસ્પૃશ્યતાઓને પણ પ્રોત્સાહન આપશે. હું બંને સરકારોને સાવચેત કરવા માંગુ છું કે તમે આ એક ખતરનાક શરૂઆત કરી રહ્યા છો."

ભીમ આર્મીના પ્રવક્તા રહેલા મહંમદ મોનિસ આઝાદ સમાજ પાર્ટીથી 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

તેમણે કહ્યું કે આ નિર્ણય મુસ્લિમો અને દલિતોને ટારગેટ કરવા માટે લેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર ઇચ્છે છે કે કોઈ અસામાજિક તત્ત્વ કામ ન કરે તો પોલીસ તેમની આઈડી તપાસે. નામ ડિસ્પ્લે કરાવવાથી તો માત્ર એ જાણકારી મળશે કે વ્યક્તિની જાતી અને ધર્મ ક્યાં છે.

મોનિસે કહ્યું કે આ કારણે ઝઘડો થવાની પણ શંકા છે. જો સરકારનો ઇરાદો સાચો હોય તો તેમણે યોગ્ય સુરક્ષા પણ આપવી જોઈએ.

મોનિસે કહ્યું કે મુસ્લિમો જ નહીં, પરંતુ દલિતો પર પણ આ નિર્ણયની સીધી અસર થશે. તેમણે કહ્યું, "આપણું સામાજિક માળખું એવું છે કે (લોકો) દલિતોના હાથનું ભોજન લેતા નથી. સામાન્ય રીતે લોકો ભોજન કરી લે છે, પરંતુ જ્ઞાતિની જાણ થાય તો ખાશે નહીં."

તેમણે ઉમેર્યું કે કાવડ યાત્રી રૂડકી અને મંગલૌર વિધાનસભામાં લગભગ 20 કિલોમીટરનું અંતર કાપે છે. આ રૂટ પર જો હજાર નાની-મોટી રેકડીઓ અને ઢાબાઓ પૈકી 30 ટકા દલિતો અને 40 ટકા મુસ્લિમોના હશે.

આ નિર્ણયને કારણે આ લોકોને સીધી અસર થશે તેવી આશંકા છે.

રાજ્યમાં બધાએ ઓળખાણ જાહેર કરવી પડશે

ઉત્તરાખંડ સરકારે ગત બુધવારે રાજ્યના બધા જ રેકડીવાળાને ઓળખાણપત્ર આપવાનું એલાન કર્યું હતું.

શહેરી વિકાસ નિદેશાલયે રાજ્યના બધા જ મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી અધિકારીઓએ પત્ર જાહેર કરીને રેકડીવાળાની વિગતો એકત્રિત કરવા અને તેમને ઓળખ કાર્ડ આપવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આ ઓળખ કાર્ડને રેકડી પર ફરજિયાત પણે દર્શાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

આ પત્ર થકી સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે ઓળખ કાર્ડમાં વિક્રેતાનું નામ, કોડ, સરનામું અને ફોટો હોવો જોઈએ.

હરિદ્વાર પોલીસે શનિવારે બપોરથી આ નિર્ણયને લાગુ કરી દીધો હતો. પોલીસ કાવડ યાત્રાના રૂટ પર લાગતી ખાવાની, ફળો-શાકભાજીની રેકડીઓ અને ઢાબા તથા રેસ્ટોરાંના નામ ડિસ્પ્લે કરવા માટે અથવા તો દુકાન બંધ કરવા માટે કહી રહી છે.

મંગલૌર બસ સ્ટેન્ડ પાસે ફળોની રેકડી લગાવતા દિલનવાઝ ખાને જણાવ્યું કે પોલીસ કર્મચારીઓએ મને નામ ડિસ્પ્લે કરવાનું અને ત્યાંથી રેકડી હટાવવા માટે કહ્યું હતું.

નામ ડિસ્પ્લે કરવા બાબતે દિલનવાઝના મનમાં શંકા હતી. તેમણે કહ્યું કે આમ કરવાથી નુકસાન જ થશે. "કોઈ ભાઈ હશે તો લઈ જશે નહીંતર તો કોઈ લેશે નહીં."

આ શંકા અને ભય કાવડ યાત્રાના રૂટ પર ઘણા લોકોમાં જોવા મળ્યો અને મોટા ભાગના લોકો આ વિશે વાત કરવા પણ તૈયાર ન થયા. કારણ કે તેઓ નથી ઇચ્છતા કે લોકો તેમને ઓળખે.

જોકે, તેમને હવે પોતાની ઓળખાણ જાહેર કરવી પડશે.