You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તિરુપતિ મંદિર: પ્રસાદના લાડુમાં 'પશુની ચરબી' હોવાનો દાવો, શું છે વિવાદ?
આંધ્ર પ્રદેશના તિરુમાલા મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુ બાબતે વિવાદ સર્જાયો છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે લાડુમાં પશુઓની ચરબી ભેળવવામાં આવી હતી.
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ આક્ષેપ કર્યો છે કે આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કૉંગ્રેસ પાર્ટી સત્તા પર હતી ત્યારે તિરુમાલા મંદિરના લાડુમાં શુદ્ધ ઘીને બદલે “પ્રાણીની ચરબી”નો ઉપયોગ કરવામાં આવતો હતો.
અમરાવતીમાં યોજાયેલી એનડીએ યુતિના વિધાનસભ્યોની એક બેઠકમાં ચંદ્રાબાબુએ આ ટિપ્પણી કરી હતી.
વાયએસઆર કૉંગ્રેસના નેતાઓએ ચંદ્રાબાબુની ટિપ્પણી સામે વાંધો લીધો છે.
રાજ્યના વિવિધ રાજકીય પક્ષો અને કામદાર સંઘના નેતાઓએ આ બાબતે પ્રતિભાવ આપ્યો છે.
સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપી જે રિપોર્ટના હવાલાથી દાવો કરે છે, તે રિપોર્ટનો બીબીસી પુષ્ટિ કરતું નથી.
લાડુ વિવાદ પર કોણે શું કહ્યું
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે તેમણે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "મેં ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે. મેં તેમને કહ્યું છે કે આ મામલે જે પણ ઉપલબ્ધ જાણકારી છે તેનો રિપોર્ટ મને મોકલી આપે. હું સ્ટેટ રેગ્યુલેટરો સાથે પણ વાત કરી લઈશ. જે સ્રોતથી રિપોર્ટ આવ્યો છે તેમની સાથે પણ હું વાત કરીશ. બધા પાસાંને ધ્યાનમાં રાખીને ઉચિત કાર્યવાહી કરવામાં આવશે."
બીજી તરફ આંધ્ર પ્રદેશ કૉંગ્રેસનાંઅધ્યક્ષ શર્મિલા રેડ્ડીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો આગ્રહ કર્યો છે.
તેમણે લખ્યું કે, "આ મામલાની ગંભીરતાને જોતાં અમે તમને તરત જ સીબીઆઈ તપાસ કરાવવાની વિનંતી કરીએ છીએ. જો આરોપ સાચા હોય તો જવાબદાર લોકોએ પરિણામ ભોગવવાં પડશે."
ચંદ્રાબાબુએ ખરેખર શું કહ્યું હતું?
એનડીએ યુતિના વિધાનસભ્યો સાથેની એક બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ રાજ્યની પુરોગામી સરકારની ટીકા કરી હતી.
એ સંદર્ભમાં જ તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકારના શાસનકાળમાં તિરુમાલા લાડુ બનાવવામાં ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરવામાં આવતું ન હતું.
ચંદ્રાબાબુએ કહ્યું હતું, "હલકી ગુણવત્તાવાળા તિરુમાલા લાડુ બનાવવામાં આવતા હતા. અમે આ બાબતે અનેક વાર કહ્યું હતું."
"અન્નદાનમાં પણ ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતું ન હતું. તેમણે એવી રીતે કામ કર્યું હતું કે ભગવાનને ધરવામાં આવેલો પ્રસાદ પણ અપવિત્ર થઈ ગયો હતો. આ બધાથી ક્યારેક બહુ દુઃખ થાય છે."
"ઘીની જગ્યાએ હલકી કક્ષાની સામગ્રી સ્વરૂપે પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. અમે ગુણવત્તામાં સુધારો કરીશું. ભગવાન વેંક્ટેશ્વરની પવિત્રતાનું રક્ષણ કરવાની આપણા બધાની જવાબદારી છે."
ગુરુવારે ચંદ્રબાબુએ ફરી એક વાર આ વિવાદ અંગે જવાબ આપ્યો હતો. ચંદ્રબાબુએ કહ્યું હતું કે કરોડો લોકો દ્વારા પવિત્ર મનાતા તિરુમાલા લાડુના પ્રસાદમાં ‘ભેળસેળ’ કરાઈ, અને હવે તેઓ તેને સુધારી રહ્યા છે. હવે તેઓ ગુણવત્તાપૂર્ણ સામગ્રીનો ઉપયોગ કરીને પવિત્ર લાડુ તૈયાર કરી રહ્યા છે.
જે રિપોર્ટના આધારે આરોપ લાગ્યા તે રિપોર્ટમાં શું છે?
આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ જાય છે. મંદિરે દર્શન કરવા જતા લોકોને પ્રસાદમાં લાડુ આપવામાં આવે છે.
ટીડીપીએ ગુજરાતની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો હવાલો આપીને કહ્યું કે લાડુમાં પશુની ચરબીનો ઉપયોગ થવાની પુષ્ટિ થઈ છે.
અંગ્રેજી સમાચારપત્ર ધી ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી કહ્યું, "લાડુ અને બીજા પ્રસાદ બનાવવા માટે ઘીનો ઉપયોગ થાય છે. આ ઘી વાઈએસઆર કૉંગ્રેસ પાર્ટની સરકારના સમયમાં ઘણી એજન્સીઓ પાસેથી લેવામાં આવ્યું."
ટીડીપીએ જે રિપોર્ટ જાહેર કર્યો છે તેમાં ઘણી વસ્તુનો ઉલ્લેખ છે.
રિપોર્ટમાં સોયા બીન, સૂર્યમુખી, કપાસનું બીજ, નારિયેળ જેવી વસ્તુનો ઉલ્લેખ છે. જોકે, જે વસ્તુઓ સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે તે લાર્ડ, બીફ ટેલો અને માછલીનું તેલ છે.
લાર્ડ એટલે કે કોઇપણ ચરબીને ઓગાળી ત્યારે નીકળતું સફેદ પદાર્થ. બીફ ટેલો એટલે કે બીફની ચરબીને ગરમ કરીને કાઢવામાં આવતું તેલ.
આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે તેમાં યોગ્ય માપદંડ પ્રમાણે વસ્તુઓ ન હતી. આ માપદંડને એસ વૅલ્યુ કહેવામાં આવે છે. એટલે કે ઉપર જણાવેલા પદાર્થોની એસ વૅલ્યુ બરાબર નથી તો કંઈક ગોટાળો છે.
બોર્ડની ભૂમિકા અને જવાબ
તિરૂપતિ મંદિર સાથે જોડાયેલો ટ્રસ્ટ તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ એટલે કે ટીટીડીના નામથી ઓળખાય છે. આ ટ્રસ્ટ મંદિરમાં જોડાયેલાં કામોમાં સામેલ છે.
આ ટ્રસ્ટ સાથે જોડાયેલા લેબર યૂનિયનના કંદારપુ મુરલીએ મુખ્ય મંત્રી નાયડુના નિવેદનની ટીકા કરી છે. તેમણે નિવેદનને ટીટીડીના કર્મચારીઓનું અપમાન ગણાવ્યું.
મુરલીએ કહ્યું, "ટીટીડીમાં પારદર્શી પ્રક્રિયા છે જ્યાં પ્રસાદમાં ઉપયોગમાં લેવાતી દરેક સામગ્રીની તપાસ કરવામાં આવે છે. સામગ્રીની તપાસ પછી જ તેનો ઉપયોગ પ્રસાદમાં થાય છે."
મુરલીએ કહ્યું કે ટીટીડીને જે પ્રસાદ મળે છે તે રોજ સર્ટિફાઇડ થયા પછી જ મળે છે.
ફૅક્ટચેકર મહમદ ઝુબૈરએ ટીટીડીનું એક જૂનું ટ્વીટ શૅર કર્યું છે.
આ ટ્વીટની તસવીરોમાં જૂન 2024માં ટીટીડીના ઍક્ઝિક્યૂટિવ ઑફિસર શ્યામલા રાવ દેખાય છે.
21 જૂને ટીટીડીના ઍક્સ અકાઉન્ટથી તસવીરો શૅર કરીને લખવામાં આવ્યું કે શુદ્ધ ઘીમાંથી બનેલા સેમ્પલ લાડુ ટ્રાઈ કર્યા.
આ પોસ્ટમાં લાડુઓ બનાવવા માટે સારા શુદ્ધ ઘી અને ચણાના લોટના ઉપયોગની વાત જણાવી હતી.
મહમદ ઝુબૈરે આ તસવીરોની સાથે લખ્યું, "ટીડીપી સરકારે 14 જૂન 2024માં શ્યામલા રાવની નિમણૂંક કરી હતી. તેઓ 21 જૂને સારા ઘીના પ્રસાદ બનાવવાની વાત આ ટ્વીટમાં કહી રહ્યા છે."
વાયએસઆર કૉંગ્રેસ પાર્ટી શું કહે છે?
વાયએસઆર સરકારના શાસનકાળમાં વાય વી સુબ્બારેડ્ડી તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (ટીટીડી) ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેમણે ચંદ્રાબાબુની ટિપ્પણીને વખોડી કાઢી છે.
વાય વી સુબ્બારેડ્ડીએ જણાવ્યું હતું કે તિરુપતિની પવિત્રતાને નુકસાન કરીને તથા કરોડો હિન્દુઓની શ્રદ્ધાને ઠેસ પહોંચાડીને ચંદ્રાબાબુએ મોટું પાપ કર્યું છે.
તેમણે ઍક્સ પર લખ્યું હતું, "તિરુમાલા પ્રસાદ વિશેની ચંદ્રાબાબુની ટિપ્પણી અત્યંત દુષ્ટતાપૂર્ણ છે."
લાડુ પ્રસાદના વિવાદ અંગે કોણે શું કહ્યું?
23 જુલાઈએ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) યુતિ સરકારની રચના પછી યોજાયેલી એક પત્રકારપરિષદમાં ટીટીડીના એક અધિકારીએ ઘીમાં ભેળસેળની વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ટીટીડીને સપ્લાય કરવામાં આવતા ઘીમાં માર્ગરિન જેવી વેજિટેબલ ફેટ્સની ભેળસેળ હોય છે.
કુલ પાંચ પૈકીની એક ઘી સપ્લાયરે આ ભૂલ કરી હતી.
ટીટીડી બોર્ડના ભૂતપૂર્વ સભ્ય રામન્નાએ આક્ષેપ કર્યો હતો કે ચંદ્રાબાબુની ટિપ્પણી સાચી છે અને વાયએસઆર કૉંગ્રેસના શાસનકાળમાં લાડુમાં પ્રાણીની ચરબી ભેળવવામાં આવતી હતી.
સીબીઆઈ તપાસ કરેઃ શર્મિલા
એપીસીસીનાં પ્રમુખ વાયએસ શર્મિલા રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે ટીડીપી અને વાયસીપી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવા રાજકારણ રમી રહ્યા છે.
શર્મિલાએ જણાવ્યું હતું કે લાડુ પ્રસાદમાં ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેવું મુખ્ય મંત્રી તરીકે ચંદ્રાબાબુએ કરેલું નિવેદન તિરુમાલાની પવિત્રતા અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે.
શર્મિલાએ માગણી કરી હતી કે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવી જોઈએ અથવા સીબીઆઈ મારફત આ પ્રકરણની તપાસ કરાવવી જોઈએ.
પગલાં લેવાવાં જોઈએ : ભાજપ
ભાજપના સાંસદ અને ઓબીસી મોરચાના નેતા લક્ષ્મણે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે તિરુમાલા લાડુમાં ‘પ્રાણીની ચરબી’ના ઉપયોગની બાબત દુર્ભાગ્યપૂર્ણ છે.
તેમણે કહ્યું કે આખો હિંદુ સમાજ આ ઘટનાને વખોડે છે.
તેમણે ચંદ્રબાબુ નાયડુની આગેવાનીવાળી રાજ્યની એનડીએ સરકાર દ્વારા મામલામાં કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી છે. નાયડુએ આ હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચડનારા એ સમયના અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
લૅબ પરીક્ષણોમાં ખુલાસો થયો : અનમ
ટીડીપીના પ્રવક્તા અનમ વેંકટરમના રેડ્ડીએ કહ્યું કે ટીટીડી દ્વારા મોકલાયેલા નમૂના ગુજરાત ખાતે આવેલ નૅશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડમાં ટેસ્ટિંગ માટે મોકલાવાયા હતા.
આ લૅબમાં તપસાયેલા નમૂનામાં પ્રાણીની ચરબી હોવાના અહેવાલ હોવાનું તેમણે કહ્યું હતું.
જો ખાદ્યસામગ્રીમાં ‘S’નું મૂલ્ય નક્કી કરાયેલી મર્યાદા કરતાં વધુ હોય તો તેને ‘ફોરેન ફૅટ’ ગણવામાં આવે છે.
કોઈ પણ ખાદ્યસામગ્રીમાં ‘S’ની મર્યાદા 95.68થી 104.32 વચ્ચે હોવી જોઈએ.
સોયાબીન, સૂર્યમૂખી, ઓલિવ, ફિશ ઑઇલ અને પામ ઑઇલ દ્વારા તૈયાર કરાયેલ ખાદ્યસામગ્રી ‘ફોરેન ફૅટ’ ગણાય છે.
જોકે, અહીં નોંધનીય છે કે બીબીસી નૅશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડના હોવાનો મનાતા આ રિપોર્ટની સ્વતંત્રપણે પુષ્ટિ કરી નથી.
લાડુ પહેલાં પણ વિવાદમાં રહ્યા છે
સપ્ટેમ્બર 2024ની શરૂઆતમાં લાડુ મેળવવા માટે ટોકન દેખાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
એક લાડુ બધાને મફતમાં આપવામાં આવે છે. તમારે જો બીજો એક લાડુ જોઇતો હોય તો 50 રૂપિયા ચૂકવવા પડશે.
શ્રદ્ધાળુઓ માટે આધાર કાર્ડ દેખાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે લોકોએ દર્શન ન કર્યા તે આધાર કાર્ડ દેખાડીને લાડુ મેળવી શકે છે.
2008 સુધી એક લાડુ ઉપરાંત કોઈને પ્રસાદ જોઈ તો 25 રૂપિયામાં બે લાડુ આપવામાં આવતા હતા. ત્યારબાદ કિંમત વધારીને 50 રૂપિયા કરી દીધી હતી.
2023માં આ લાડુને બ્રાહ્મણ દ્વારા જ બનાવવા જેવી એક નોટિફિકેશન પર પણ વિવાદ થયો હતો.
ઇતિહાસકાર ગોપીકૃષ્ણા રેડ્ડીએ બીબીસીને કહ્યું, “શરૂઆતથી જ એવો કોઈ ઉલ્લેખ મળતો નથી કે લાડુ કઈ જ્ઞાતિના લોકોએ બનાવવા જોઇએ અને કઈ જ્ઞાતિએ નહીં. શરૂઆતમાં ખ્રિસ્તી અને મુસ્લિમો પણ ટીટીડીમાં હતા. અત્યારે પણ રહી શકે છે. બધા લોકોને સામેલ કરવા જોઇએ.”
તિરૂમાલા મંદિર અને લાડુ
ભગવાન વેંકટેશ્વરને સમર્પિત તિરૂમાલા તિરૂપતિ મંદિર ભારતના સૌથી પવિત્ર મંદિરો પૈકીનું એક છે.
આ મંદિરમાં સોનાના દાનના સમચારો વારંવાર સાંભળવ મળે છે. મંદિરમાં દરરોજ લગભગ એક લાખથી વધારે શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરે અને દાન પણ આપે છે.
મંદિરની દાનપેટીમાં લાખો રૂપિયા તો આવે જ છે પણ ઘરેણાં ચઢાવનાર લોકોની પણ અછત નથી.
તિરૂપતિ મંદિરને દેશનું સૌથી ધનાઢ્ય મંદિર મનાય છે.
પ્રાચીન માન્યતા છે કે ભગવાન વેંકટેશ્વર જ્યારે પદ્માવતી સાથે પોતાના લગ્ન કરી રહ્યા હતા ત્યારે તેમને પૈસાની અછત પડી હતી. આ કારણે તેઓ ધનના દેવતા કુબેર પાસે ગયા અને એક કરોડ રૂપિયા અને એક કરોડ સોનાની ગિન્નિઓ માગી હતી.
માન્યતા છે કે ભગવાન વેંકટેશ્વર આજે પણ તે ઉધારી છે અને શ્રદ્ધાળુઓ આ ઉધારના વ્યાજને ચૂકવવા અને તેમની મદદ કરવા માટે દિલ ખોલીને દાન કરે છે.
તિરૂમાલા મંદિરને દર વર્ષે લગભગ એક ટન સોનું દાનમાં મળે છે. મુખ્ય મંદિરનો ભાગ મજબૂત દિવાલોથી ધેરાયેલા છે અને મંદિરના અંદરના ભાગમાં કોઇપણ પ્રકારની ફોટોગ્રાફીની મંજૂરી નથી.
જે લાડુ ચર્ચામાં છે, તેને મંદિરના ગુપ્ત રસોઈ ઘરમાં તૈયાર કરવામાં આવે છે. આ રસોઈ ઘરને પોટૂ કહેવાય છે.
માનવામાં આવે છે કે અહીં દરરોજ હજારો લાડુ તૈયાર કરવામાં આવે છે.
વર્ષ 2009માં તિરૂપતિના લાડુને જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર તરીકે ઓળખ આપવામાં આવી હતી.
લાડુને ચણાનો લોટ, માખણ, ખાંડ, કાજુ, કિશમીશ અને એલચી નાખીને બનાવવામાં આવે છે.
કહેવાય છે કે આ લાડુને બનાવવાની રીત લગભગ 300 વર્ષ જુની છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન