પાકિસ્તાન જશે ઝાકિર નાઇક, કેટલાકે કહ્યું વેલકમ તો કેટલાકે ઉઠાવ્યા સવાલો

ઝાકિર નાઇક, પાકિસ્તાન, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝાકિર નાઇક

ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક ઑક્ટોબર મહિનામાં પાકિસ્તાનના પ્રવાસે જશે.

આ પ્રવાસમાં તેમની સાથે પુત્ર શેખ ફરીક નાઇક પણ હશે. ઝાકિર નાઇક કરાચી, લાહોર અને ઇસ્લામાબાદમાં કાર્યક્રમ આપશે.

ઝાકિર નાઇકના સોશિયલ મીડિયા પેજ પર આ વિશે જાણકારી આપવામાં આવી છે. સાથે જ એમ પણ લખવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે ઝાકિર નાઇકને નોતરું પાઠવ્યું છે.

ઝાકિર નાઇક ભારતમાં મની લૉન્ડરિંગ અને હૅટ સ્પીચ જેવા મામલામાં આરોપી છે. તેઓ હાલ મલેશિયામાં રહે છે અને ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. એવા સંજોગોમાં તેમનું પાકિસ્તાન જવું ચર્ચાસ્પદ બન્યું છે.

ઝાકિરના પાકિસ્તાન પ્રવાસ વિશે શું છે ચર્ચા?

ઝાકિર નાઇક ભારતમાં મની લૉન્ડરિંગ અને હૅટ સ્પીચ જેવા મામલામાં આરોપી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝાકિર નાઇક ભારતમાં મની લૉન્ડરિંગ અને હૅટ સ્પીચ જેવા મામલામાં આરોપી છે

ઝાકિર નાઇકના પાકિસ્તાન પ્રવાસ અંગે સોશિયલ મીડિયા પર કેટલાક અભિપ્રાય જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનથી ઝાકિર નાઇકને કહેણ આવ્યું છે તેની સામે કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક સ્વાગત કરી રહ્યા છે.

ઝાકિર અને ફરીક ત્યાં જે કાર્યક્રમોમાં જવાના છે એના નામ જોઈએ તો, - શું કુરાનને સમજીને વાચવું જરૂરી છે? આપણા જીવનનો હેતુ શો છે?

આમીર મોગલ કે જેઓ પાકિસ્તાન સરકારમાં અધિકારી રહી ચૂક્યા છે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "પોતાના દેશ ભારતમાં ઝાકિરનું સ્વાગત થતું નથી, એવામાં તેમને પાકિસ્તાન બોલાવવા માટેનું કહેણ મોકલવામાં આવ્યું છે. તેનું ટાઇમિંગ જુઓ. ઝાકિરને અલ કાયદા, આઈએસઆઈએસ અને ઓસામા બિન લાદેનનો સમર્થક માનવામાં આવે છે."

આમીર મોગલે ઝાકિર નાઇકનો એક જૂનો વીડિયો પણ મૂક્યો છે. જેમાં ઝાકિર નાઇક એવું કહેતા સંભળાય છે કે, "આ દેશ સાથે જે સૌથી ખરાબ થયું એ હતું વિભાજન. મુસલમાનો જો એક દેશ તરીકે સાથે રહેતા હોત તો તેમના માટે એ સારું હોત. તેઓ એક મોટી તાકાત તરીકે સામે આવ્યા હોત."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઝાકિર નાઇક, ઓસામા બિન લાદેન અને તાલીબાનની હરકતોને વાજબી ઠેરવતા હોય તેવા વીડિયો પાકિસ્તાનમાં પણ શૅર થઈ રહ્યા છે.

પાકિસ્તાનમાં તમારું ઉમળકાભેર સ્વાગત છે. – આવું ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા અબ્દુલ બાસિતે સોશિયલ મીડિયા પર તેમનો કાર્યક્રમ મૂકીને લખ્યું છે.

મદીહા નામની મહિલાએ સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું છે કે, "પાકિસ્તાને ઘણી ચીજો પર ધ્યાન આપવાની જરૂર છે. સૌથી પહેલા તો ઝાકિર નાઇક, તારીક જમીલ જેવા લોકોને કૉલેજ અને યુનિવર્સિટીમાં બોલાવવાનું બંધ કરી દેવું જોઈએ."

આગળ તેઓ લખે છે કે, "છેલ્લાં ત્રીસ વર્ષમાં તબલીગી જમાત તરફથી વિદ્યાર્થીઓને કટ્ટરપંથ તરફ ધકેલવામાં આવી રહ્યા છે. હજી કેટલું નુકસાન ઈચ્છો છો?"

2008થી 2011 સુધી અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા હુસૈન હક્કાનીએ લખ્યું હતું કે, "પાકિસ્તાને આ આમંત્રણ પર પુનર્વિચાર કરવો જોઈએ. ધાર્મિક કટ્ટરપંથીઓને બોલાવવાથી દેશની છબીને અસર થાય છે. કટ્ટર ઉપદેશકોના મામલે પાકિસ્તાન પોતાનામાં જ પર્યાપ્ત છે. બહારથી તેડાવવાની જરૂર નથી."

ઇમ્તિયાઝ મસૂદે લખ્યું હતું કે, "ઝાકિર નાઇક પાકિસ્તાન આવી રહ્યા છે, બંને પરસ્પર પૂરક છે."

ઝાકિર નાઇક અત્યાર સુધી પાકિસ્તાન કેમ નહોતા ગયા?

ઝાકિર નાઇક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની ઑફિસ

ભારતમાં ઝાકિર નાઇકની તકલીફ વધી એટલે તેઓ મલેશિયા જતા રહ્યા હતા.

હાલમાં જ એક પાકિસ્તાની યુટ્યૂબરે આ વિશે ઝાકિર નાઇકને સવાલ કર્યો હતો કે, "તમે ભારત કેમ નથી જઈ શકતા? અને જ્યારે તમે મલેશિયા ગયા ત્યારે પાકિસ્તાન કેમ પસંદ ન કર્યું?"

જવાબમાં ઝાકિર નાઇકે કહ્યું હતું કે, "બધા જાણે છે કે પાકિસ્તાનનો વીઝા મેળવવો મારા માટે સરળ છે. મેં ધાર્યું હોત તો જઈ શકત. ઇસ્લામનો નિયમ છે કે મોટાં નુકસાનથી બચવા માટે નાનું નુકસાન ખમી લો. હું જો પાકિસ્તાન ગયો હોત તો મારા પર ઇલ્જામ લાગી શકત કે હું આઇએસઆઇ સાથે જોડાયેલો છું. એ ડરને કારણે હું પાકિસ્તાન ગયો ન હતો.''

ઝાકિર નાઇકે કહ્યું હતું કે, "પાકિસ્તાનને હું પ્રેમ કરતો હતો. બહાર ક્યાંય જતો અને જે રાજદૂતો મળતા તો તે પણ મોટે ભાગે પાકિસ્તાનના જ હતા. 2019માંં જ્યારે એવું થયું કે હવે (ભારત) પરત જવાની શક્યતા નથી તો મેં કહ્યું હતું કે હવે પાકિસ્તાન જઈ શકાય છે. 2020ના અંતમાં હું ત્યાં જાઉં એવું મારું આયોજન હતું. મેં લોકોનો સંપર્ક કર્યો તો આખો પ્લાન બની ગયો હતો. સરકારના માણસો પણ તૈયાર હતા પણ કોરોના આવી ગયો હતો.''

શું હવે પાકિસ્તાન જવાનો ઇરાદો છે?

ઝાકિર નાઇકે કહ્યું હતું કે, "હા બિલકુલ છે. આમંત્રણો મળવાંના શરૂ થઈ ગયાં છે.''

ભારત જવાની શક્યતાઓ વિશે તેમણે કહ્યું હતું કે, "ભારત જવું સરળ છે. ત્યાંથી બહાર નીકળવું મૂશ્કેલ છે. લાલ જાજમ પાથરીને બોલાવવામાં આવશે કે આવો અંદર જેલમાં બેસો. મારી ધરપકડ કરી લેશે. તેમની યાદીમાં નંબર વન આતંકવાદી ઝાકિર નાઇક જ છે.''

આ જ મુલાકાતમાં ઝાકિર નાઇકે 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "મોદી નબળા પડી ગયા છે."

ઝાકિર નાઇક અને ભારત

ઝાકિર નાઇક

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઝાકિર નાઇક

ઝાકિર નાઇકનાં ભાષણો જે પીસ ટીવી પર પ્રસારિત થાય છે તેના પર ભારત, બ્રિટન અને બાંગ્લાદેશ સહિત કેટલાંક દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પીસ ટીવીના માલીક પણ ઝાકિર નાઇક જ છે.

ભાષણોમાં તેઓ ઇસ્લામ વિશે વાત કરે છે.

2015માં તેમને ઇસ્લામની સેવા કરવા બદલ સાઉદી અરબે પોતાના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. કિંગ સલમાને તેમને સન્માનિત કર્યા હતા.

આ સન્માન મળ્યું તેના પંદરેક વર્ષ અગાઉ વર્ષ 2000ની આસપાસ ઝાકિર નાઇકે પોતાનાં ભાષણોથી મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન ખેંચવાનું શરૂ કર્યું હતું. તે પછી તેમના પર અન્ય ધર્મોની તુલનામાં ઇસ્લામને શ્રેષ્ઠ અને અન્ય ધર્મોને ઉતરતા દર્શાવવાના આરોપ લાગ્યા હતા.

તેમના ભાષણોને કટ્ટરતા ફેલાવતા હોવાનું કહેવાતું.

ઝાકિર નાઇકના જીવનમાં તકલીફ ત્યારે શરૂ થઈ જ્યારે 2016માં બાંગ્લાદેશમાં ચરમપંથીઓના એક હુમલામાં ઘણાં લોકો મૃત્યુ પામ્યાં હતાં.

તપાસ મુજબ – ધરપકડ કરાયેલા ચરમપંથીઓ પૈકી એકે કહ્યું હતું કે તે ઝાકિર નાઇકના ભાષણોથી પ્રભાવિત હતો.

ડિસેમ્બર 2024માં ઝાકિર નાઇકે આપેલી અક મુલાકાતમાં એ વિશે કહ્યું હતું કે, "હુમલો કરનારાઓમાંથી કોઈ એક મને સોશિયલ મીડિયા ફેસબુક પર ફૉલો કરતો હતો. એ આધાર પર મારા પર આરોપ લાગ્યા હતા."

એ મામલામાં પછી મુંબઈ પોલીસની વિશેષ શાખાએ તપાસ શરૂ કરી હતી. શરૂઆતી તપાસ પછી ઝાકિર નાઇકના સંગઠન આઇઆરએફ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

એ પછી તેઓ ભારત છોડીને મલેશિયા જતા રહ્યા હતા. ભારત સરકારે પણ તેમને ભાગેડુ જાહેર કર્યા છે.

2019માં શ્રીલંકામાં ઇસ્ટર સન્ડે વિસ્ફોટમાં 250 લોકોનાં મોત પછી પણ ઝાકિર નાઇક પર આરોપ લાગ્યા હતા.

2021માં ગૃહ મંત્રાલયે ઝાકિર નાઇકના ઇસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન એટલે કે આઈઆરએફ પર લગાવેલા પ્રતિબંધને પાંચ વર્ષ માટે વધારી દીધો હતો. 2016માં કેન્દ્ર સરકારે એના પર યૂએપીએ હેઠળ પ્રતિબંધ મૂક્યો હતો.

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું હતું કે, "દેશની સુરક્ષા માટે ખતરારૂપ કેટલીક ગતિવિધિઓમાં આ સંગઠન સક્રિય છે. એને લીધે દેશની શાંતિ અને સાંપ્રદાયિક એકતા ડહોળાઈ શકે છે.''

નૉટિફિકેશનમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, "ઝાકિર દેશ અને વિદેશમાં મુસ્લિમ યુવાઓને ચરમપંથી ગતિવિધિઓ માટે પ્રેરિત કરી રહ્યા છે.

2016ના ઑગસ્ટમાં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, "તપાસમાં માલૂમ પડ્યું છે કે જમાત-ઉદ-દાવા, ઇન્ડિયન મુજાહિદ્દીન અને હીઝબુલ મુજાહિદ્દીન જેવા ચરમપંથી સંગઠનો સાથે ઝાકિર નાઇકના સંબંધ છે.''

ઝાકિર નાઇક સામે ભારતમાં વૉરંટ છે.

ઝાકિર નાઇકનું બાળપણ

ઝાકિર નાઇક, પાકિસ્તાન, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝાકિર નાઇક સામે ભારતમાં વૉરંટ છે

ઝાકિર નાઇકનો જન્મ મુંબઈના ડોંગરી વિસ્તારમાં 1965માં થયો હતો. તેમના પરિવારમાં ઘણા ડૉક્ટર છે. તેમના પિતા અને ભાઈ ડૉક્ટર છે.

તેમણે પ્રારંભિક શિક્ષણ સેન્ટ મેરી હાઇસ્કૂલમાં લીધું હતું. પછી તેમણે ટોપીવાલા નેશનલ મેડિકલ કૉલજથી મેડિકલનો અભ્યાસ કર્યો હતો.

1991માં મેડિકલ પ્રૅક્ટિસ છોડીને તેમણે ઇસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. હવે તે ફાઉન્ડેશન અને શાળા પણ સીલ કરવામાં આવ્યાં છે.

ઝાકિર નાઇકના પીસ ટીવીની યુટ્યુબ ચૅનલ પણ ભારતમાં જોઈ શકાતી નથી. એવું કહેવાય છે કે તેમના ફૉલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

ઝાકિરના પ્રત્યાર્પણ સાથે સંકળાયેલા સમાચાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામે આવ્યા હતા.

મલેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે.

ઑગષ્ટમાં જ્યારે મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહીમ ભારત આવ્યા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, મોદી સાથેની મુલાકાતમાં ઝાકિર નાઇકના પ્રત્યાપ્રણનો મુદ્દો પણ હતો?

તેમણે જવાબ આપ્યો હતો કે, "સૌથી પહેલી વાત તો એ કે તે મુદ્દો નહોતો ઉઠાવવામાં આવ્યો. કેટલાંક વર્ષો અગાઉ મોદીએ આ મુદ્દો ઊઠાવ્યો હતો. હું કોઈ એક વ્યક્તિની વાત નહીં પણ અતિવાદની ભાવનાઓની વાત કરી રહ્યો છું. જેમાં કોઈ નક્કર મામલામાં એવા સબૂત હોય કે જે દર્શાવતા હોય કે એમાં કોઈ વ્યક્તિ કે સંગઠને અત્યાચાર કે કંઈ ખોટું કર્યું હોય.''

અનવર ઇબ્રાહિમે કહ્યું હતું કે, "અમે આતંકવાદને હળવાશથી નહીં લઇએ. અમે કડક હાથે કામ લઇ રહ્યા છીએ અને ભારત સાથે મળીને આતંકવાદ સામે કામ કરી રહ્યા છીએ. મને નથી લાગતું કે આ એક મામલાને લીધે ભારત સાથે અમારો આગળના સહયોગ અને દ્વિપક્ષીય સંબંધ પર અસર પડશે.''

જાણકારોનું માનવું છે કે ઝાકિર નાઇક ભલે મલેશિયામાં વસવાટ કરતા હોય પણ ત્યાં જો તેઓ કોઈ એક વિવાદ કે ભૂલ કરશે તો તેમનું પ્રત્યાર્પણ થઈ શકે છે.

સ્વાભાવિક છે કે ઝાકિરનો પ્રયાસ રહેશે કે તેઓ એવી કોઈ ભૂલ ન કરે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.