You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પાછાં લાવવામાં ડ્રૅગન યાનને 17 કલાક કેમ લાગ્યા, રશિયાના સોયુઝને માત્ર ત્રણ જ કલાક થાય છે
- લેેખક, શારદા વી.
- પદ, બીબીસી
અમેરિકન અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર નવ મહિના વિતાવ્યા પછી પૃથ્વી પર સુરક્ષિત પાછાં ફર્યાં છે.
તેઓ મંગળવારે, ભારતીય સમય અનુસાર સવારે 10:35 વાગ્યે આઇએસએસ પરથી પૃથ્વી પર પાછાં આવવા નીકળ્યાં અને બુધવારે સવારે 3:30 વાગ્યે અમેરિકાના ફ્લૉરિડાના તટ નજીક સમુદ્રમાં ઊતર્યાં.
તેમણે ખાનગી અમેરિકન અંતરિક્ષ કંપની સ્પેસએક્સના ડ્રૅગન અંતરિક્ષયાનમાં કુલ 17 કલાકની સફર કરી.
જોકે, રશિયાનું સોયુઝ અંતરિક્ષયાન એ જ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પરથી અંતરિક્ષયાત્રીઓને લઈને ત્રણ કલાકમાં પૃથ્વી પર પહોંચી શકે છે.
એક જ સ્થળ પરથી ઊડનારાં અંતરિક્ષયાન વચ્ચેના યાત્રા સમયમાં 14 કલાકનો ફરક શા માટે છે?
મુસાફરીનો સમય કઈ બાબત પર આધાર રાખે છે?
અંતરિક્ષયાત્રા ભૌતિકશાસ્ત્રના નિયમો પર આધારિત છે. અંતરિક્ષમાંથી પૃથ્વી પર પાછા ફરતાં સમયે અંતરિક્ષયાન અંતરિક્ષમાંથી સીધાં નીચે નથી ઊતરતાં.
તેમને ધીરે ધીરે આવવા અને સુરક્ષિત રીતે ઊતરવાની આવશ્યકતા હોય છે. તેથી, જરૂરી સમય અંતરિક્ષયાનના આકાર અને લૅન્ડિંગમાં ઉપયોગમાં લેવાઈ રહેલી તકનીક પર આધારિત રહે છે.
ડ્રૅગન અને સોયુઝ અંતરિક્ષયાન અલગ-અલગ તકનીકનો ઉપયોગ કરે છે. તેથી, બંને અંતરીક્ષયાનના લૉન્ચિંગથી લઈને આઈએસએસ પર ઊતરવા સુધીના સમય અલગ-અલગ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોયુઝ અંતરિક્ષયાનમાં સમય કેમ ઓછો લાગે છે?
રશિયાના સોયુઝ અંતરિક્ષયાનની ડિઝાઇન 1960ના દાયકામાં બનાવવામાં આવી હતી. તેનો આકાર એક નાના અને નક્કર અંતરિક્ષયાન જેવો છે, જે અંતરિક્ષયાત્રીઓને ખૂબ ઝડપથી પૃથ્વી પર પાછા લઈ આવે છે.
તેમાં એક સમયે વધુમાં વધુ ત્રણ લોકો મુસાફરી કરી શકે છે.
આઈએસએસ પરથી ઉડાન ભર્યા પછી અંતરિક્ષયાન તીવ્ર ગતિથી પૃથ્વી તરફ યાત્રા કરે છે. તેના દ્વારા અંતરિક્ષયાત્રી માત્ર ત્રણ કલાકમાં પૃથ્વી પર પહોંચી જાય છે.
યુરોપીય અંતરિક્ષ એજન્સીએ સોયુઝ અંતરિક્ષયાન વિશે કહ્યું છે, "કઝાકિસ્તાનના મેદાની પ્રદેશમાં લૅન્ડિંગ એક ખૂબ જ ઝડપી પ્રક્રિયા હોય છે, જેમાં લગભગ સાડા ત્રણ કલાક થાય છે."
સોયુઝ અંતરિક્ષયાનના ત્રણ ભાગમાંથી બે ભાગ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરતાં જ સળગી જાય છે. માત્ર એક જ ભાગ જ ઊતરે છે. લૅન્ડિંગની 15 મિનિટ પહેલાં ચાર પૅરાશૂટ ખોલવામાં આવે છે.
સૌથી પહેલાં બે પૅરાશૂટ ખૂલે છે, પછી ત્રીજી મોટું પૅરાશૂટ ખૂલી જાય છે. તેનાથી અંતરિક્ષયાનની ગતિ 230 મીટર પ્રતિ સેકન્ડથી ઘટીને 80 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે.
અંતમાં, ચોથી પૅરાશૂટ ખોલવામાં આવે છે. તે ત્રીજી પૅરાશૂટ કરતાં 40 ગણો મોટો હોય છે.
અંતરિક્ષયાનનો ખૂણો એવી રીતે બનાવવામાં આવે છે કે તે સીધું ઊતરી શકે. અંતરિક્ષયાનની ગતિ પણ ઘટાડીને 7.3 મીટર પ્રતિ સેકન્ડ કરી દેવામાં આવે છે.
જોકે, લૅન્ડિંગ માટે આ ઝડપ પણ ખૂબ વધારે હોય છે. તેને વધારે ઘટાડવા માટે અંતરિક્ષયાનની નીચેના ભાગમાં લગાડવામાં આવેલાં બે એન્જિન લૅન્ડિંગ થવાની થોડીક વાર પહેલાં ચાલુ થઈ જાય છે. તેનાથી અંતરિક્ષયાનની ઝડપ વધારે ઘટી જાય છે.
સોયુઝ અંતરિક્ષયાનનું લૅન્ડિંગ કઈ રીતે થાય છે?
સોયુઝ પૃથ્વીની કક્ષાને છોડતાં અને પછી લગભગ 90 ડિગ્રીના ખૂણે પૃથ્વીના વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરતાં સમયે પોતાની ગતિ ધીમી કરવા માટે પોતાનાં એન્જિનનો ઉપયોગ કરે છે.
બિલકુલ સીધા પ્રવેશ દરમિયાન, તીવ્ર ગતિથી આવી રહેલા અંતરિક્ષયાનની ગતિ હવાના ઘર્ષણના કારણે ઘટી જાય છે.
આ પ્રક્રિયામાં અંતરિક્ષયાન પર ખૂબ વધારે ઉષ્મા અને શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. અંતરિક્ષયાત્રીઓને આ ઉચ્ચ તાપમાનથી બચાવવામાં એક હીટ શીલ્ડ મદદ કરે છે. પરંતુ આ સુરક્ષા ઉપાયો છતાં અંતરિક્ષયાત્રીઓને ગુરુત્વાકર્ષણથી અનેક ગણા વધારે શક્તિશાળી બળનો અનુભવ થાય છે.
જ્યારે વાયુમંડળ અંતરિક્ષયાનની ગતિને ધીમી કરી દે છે, ત્યારે સોયુઝ પોતાના પૅરાશૂટ તહેનાત કરવાનું શરૂ કરી દે છે.
તેનાથી અંતરિક્ષયાનની ગતિ વધારે ઘટી જાય છે. સોયુઝ અંતરિક્ષયાનની જ વાત કરીએ તો, તેની વિશેષતા તેની ગતિ છે.
અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષના રેડિએશન અને શૂન્ય ગુરુત્વાકર્ષણના પ્રભાવોનો અનુભવ ઓછા સમય સુધી કરવો પડે છે. પરંતુ, તેનું લૅન્ડિંગ ખૂબ મુશ્કેલ હોય છે.
ડ્રૅગન અંતરિક્ષયાનનું લૅન્ડિંગ કઈ રીતે થાય છે?
ડ્રૅગન અંતરિક્ષયાનમાં સાત લોકો મુસાફરી કરી શકે છે. તેમાં લૅન્ડિંગ માટે એક અલગ રીત અપનાવાય છે. પૃથ્વી પર પાછા આવવા માટે ઝડપી, સીધા લૅન્ડિંગના બદલે તે એક ધીમી ક્રમિક સફર કરે છે.
અંતરિક્ષયાત્રીઓની પૃથ્વી પર પાછા ફરવાની યાત્રાને સુરક્ષિત અને આરામદાયક બનાવવાને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવે છે.
ડ્રૅગન અંતરિક્ષયાનને પોતાની કક્ષા યોગ્ય રીતે ગોઠવવામાં જ ઘણા કલાકો થાય છે. આ કામ ડ્રૅગન અંતરિક્ષયાનમાં જોડાયેલાં ડ્રેકો થ્રસ્ટર્સ નામનાં 16 એન્જિન દ્વારા કરવામાં આવે છે. તેનાથી પ્રોજેક્ટ નિયંત્રકોને લૅન્ડિંગ દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવામાં મદદ મળે છે.
સોયુઝ અંતરિક્ષયાનથી વિપરીત, ડ્રૅગન અંતરિક્ષયાન એક નમેલા ખૂણાના આધારે પૃથ્વીના વાયુમંડળમાં પુનઃ પ્રવેશ કરે છે.
આ રીતે વાયુમંડળના સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થનારું તાપમાન, લાંબા સમય સુધી અને વધારે ક્ષેત્રમાંથી પસાર થઈ જાય છે.
તેનાથી અંતરિક્ષયાત્રીઓ પર પડનારી અસર ઘટી જાય છે. આ ઉપરાંત, આ દરમિયાન અંતરિક્ષયાન ધીમે ધીમે પોતાની ગતિ ઘટાડતું હોય છે.
વાયુમંડળમાં પુનઃ પ્રવેશ કર્યા પછી અંતરિક્ષયાનને સ્થિર રાખવા માટે બે મોટી પૅરાશૂટનો ઉપયોગ કરવામાં આવે છે. તદ્ ઉપરાંત, લૅન્ડિંગની બરાબર પહેલાં અંતરિક્ષયાનની ગતિ ધીમી કરવા માટે ચાર પૅરાશૂટ પણ હોય છે.
બંનેનાં લૅન્ડિંગ વચ્ચે શો તફાવત છે?
સોયુઝ અંતરિક્ષયાન જમીન પર ઊતરે છે, પરંતુ, ડ્રૅગન સમુદ્રના પાણીમાં ઊતરે છે. સોયુઝ સામાન્ય રીતે રશિયાની સરહદ પાસે આવેલા કઝાકિસ્તાનના વિશાળ મેદાની વિસ્તારો (સ્તેપી)માં ઊતરે છે.
ડ્રૅગન કૅપ્સૂલ સમુદ્રી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમેરિકન રાજ્ય ફ્લૉરિડાની નજીક સમુદ્રની સપાટી પર ઊતરે છે.
જમીનની સરખામણીએ પાણી પર ઊતરવા માટે વધારે તૈયારીની જરૂર પડે છે. કેમ કે, અંતરિક્ષયાન અને અંતરિક્ષયાત્રીઓને સમુદ્રમાં ડૂબતા બચાવવા એ પણ એક પડકારરૂપ કામ છે.
બચાવદળોએ તે સ્થળની નજીક હોડીઓમાં તૈયાર રહેવાનું હોય છે, જ્યાં આંતરિક્ષયાન પાણીમાં ઊતરવાની શક્યતા હોય છે.
તેમણે અંતરિક્ષયાનની નજીક જઈને એ તપાસ કરવાની હોય છે કે, અંતરિક્ષયાન પર ઝેરી રેડિએશન તો નથી ને.
ત્યાર પછી કૅપ્સૂલને નજીકમાં આવેલી રિકવરી સાઇટ પર લઈ જવામાં આવે છે, જ્યાં અંતરિક્ષયાત્રીઓને તેમાંથી બહાર કાઢવામાં આવે છે.
તેનો લાભ એ છે કે, તમે લૅન્ડિંગ સાઇટ પર વધુ નિયંત્રણ રાખી શકો છો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન