'વોટ ચોરી' મામલે વિપક્ષના સાંસદોની અટકાયત : રાહુલ ગાંધીએ કહ્યું કે 'ચૂંટણીપંચ ડરે છે'

સોમવારે વિપક્ષી સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી વિરોધ માર્ચનું આયોજન કર્યું હતું. આ દરમિયાન દિલ્હી પોલીસે તેમને અટકાવ્યા હતા, તેથી આ સાંસદો ધરણા પર બેસી ગયા હતા.

દરમિયાન તેમણે સરકાર સામે નારેબાજી પણ કરી. રસ્તા પર ધરણા પર બેઠેલા સાંસદોની પોલીસે અટકાયત કરી હતી.

આ માર્ચ લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં કાઢવામાં આવી. જેમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, એનસીપી-એસપીના અધ્યક્ષ શરદ પવાર, સંજય રાઉત, રણદીપ સુરજેવાલા તથા કેસી વેણુગોપાલ પણ સામેલ થયા હતા. સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવ પણ તેમાં જોડાયા હતા.

આ માર્ચમાં પ્રિયંકા ગાંધી, મહુઆ મોઇત્રા, ડિંપલ યાદવ જેવાં મહિલા સાંસદો પણ સામેલ થયાં હતાં.

વિરોધ માર્ચ દરમિયાન લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને વાયનાડનાં સાંસદ પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે 'તેઓ ડરે છે'

રાહુલ ગાંધીએ કહ્યું કે, "ભારતની લોકશાહીની હાલત જુઓ. 300 સાંસદ ચૂંટણીપંચને મળવા માગે છે અને કહે છે કે અમે એક પ્રતિનિધિમંડળ લઈને આવીશું અને અમે તમને એક દસ્તાવેજ આપવા માગીએ છીએ. ચૂંટણીપંચ કહે છે કે 300 સાંસદ નહીં આવી શકે."

તેમણે કહ્યું કે, "તેઓ ડરે છે, 300 સાંસદ આવી ગયા અને અહીંયા સત્ય નીકળીને આવ્યું તો શું થશે. બસ આટલી વાત છે."

રાહુલ ગાંધીએ કહ્યું કે, "આ લડાઈ હવે રાજકીય લડતથી આગળ નીકળી ગઈ છે. હવે આ દેશના આત્માની લડત છે. આ બંધારણની લડાઈ છે. એક વ્યક્તિ, એક વોટ બંધારણનો આધાર છે. "

રાહુલ ગાંધીએ ચૂંટણીપંચની ગરબડને લઈને કહ્યું કે, "અમે કર્ણાટકમાં સ્પષ્ટ દેખાડ્યું છે કે આ એક વ્યક્તિ, એક મત નથી. અહીં એક વ્યક્તિનો ઘણી જગ્યાએ મત ચાલી રહ્યો છે. પૂર્ણ વિપક્ષ આ લડાઈ લડી રહ્યું છે અને યુવાનોને આ વાત સમજાઈ ગઈ છે."

રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ પર આરોપ લગાવ્યો કે, "ચૂંટણીપંચ ભ્રમિત કરી રહ્યું છે. તેમનો જ ડેટા છે અને અમે તે જ બતાવ્યું છે. આ માત્ર બેંગ્લુુરુમાં નથી થયું. આ દેશના અલગઅલગ ચૂંટણીક્ષેત્રોમાં થયું છે. ચૂંટણીપંચ જાણે છે કે તેમને ડેટા હવે ફાટશે."

રાહુલ ગાંધીએ અટકાયત બાદ શું કહ્યું?

અટકાયત કરાઈ ત્યાર પછી રાહુલ ગાંધીએ કહ્યું, "વાસ્તવમાં આપણે વાત નથી કરી શકતા, સત્ય આ છે. આ જે લડાઈ છે તે રાજકીય નથી. આ બંધારણને બચાવવાની લડાઈ છે. 'વન મૅન, વન વોટ'ની લડાઈ છે. તેથી અમને સ્પષ્ટ મતદાર યાદી જોઈએ."

આ પહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેટલાંક રાજ્યોમાં 'વોટ ચોરી'ના આરોપ લગાવ્યા હતા.

તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણી પંચ પર આ પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા હતા.

તેમણે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં "વોટર લિસ્ટમાં મોટા પાયે ગેરરીતિ" થઈ છે.

રવિવારે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધીની સામે નોટિસ જારી કરી હતી. આ નોટિસમાં તેમના એ દાવા સામે પુરાવા માગ્યા છે, જેમાં તેમણે કહ્યું હતું કે એક મહિલાએ બે વખત વોટ નાખ્યાં હતાં.

વિપક્ષે મુખ્ય ચૂંટણી પંચના કમિશનર અને અન્ય બે કમિશનરો સાથે મુલાકાત માટે સમય માગ્યો છે.

સાથે એજન્સીએ સૂત્રોના હવાલેથી કહ્યું છે કે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોમવારે ઇન્ડિયા ગઠબંધનના સાંસદો માટે ડિનરનું આયોજન કરશે.

આ બેઠક બિહારમાં મતદાતા યાદીના વિશેષ પુનઃનિરીક્ષણ તથા કથિત 'ચૂંટણીમાં ગેરરીતિ'ની સામે વિપક્ષોના એકજૂટ થવાની કોશિશ વચ્ચે થઈ રહી છે.

ભાજપે વિપક્ષની માર્ચ મામલે શું કહ્યું?

બીજી તરફ વિપક્ષના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે દેશમાં સંવિધાન વિરોધી કામ જો કોઈ કરતું હોય તો તેના નેતા રાહુલ ગાંધી છે.

તેમણે દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "એસઆઈઆર પહેલી વાર નથી થઈ રહ્યું. આ ચૂંટણી પંચની નિયમિત પ્રક્રિયા છે. એક નિરંતર પ્રક્રિયા છે. કૉંગ્રેસ પાર્ટી પહેલાં જ ઈવીએમ પર જૂઠ્ઠં બોલી રહી છે. ક્યારે મહારાષ્ટ્રમાં તો ક્યારે હરિયાણામાં, તે જૂઠનો પહાડ બનાવે છે."

તો બીજી તરફ વિપક્ષના સાંસદોની અટકાયત મામલે દિલ્હી પોલીસે કહ્યું છે કે સાંસદોની સંખ્યા વધારે હતી, જેને કારણે તેમની અટકાયત કરવામાં આવી.

નવી દિલ્હીના ડીસીપી દેવેશકુમારે કહ્યું, "ચૂંટણી પંચે લગભગ 30 સાંસદોને મળવાની અનુમતિ આપી હતી. સાંસદોની સંખ્યા વધારે હોવાને કારણે તેમની અટકાયત કરવામાં આવી છે."

"તેમને જણાવી દેવામાં આવ્યું હતું કે 30 લોકોની અનુમતિ છે. કોઈ પણ 30 લોકો આવી શકે છે. પરંતુ તેમની સંખ્યા વધારે હતી તેથી તેમની અટકાયત કરવામાં આવી."

ચૂંટણી પંચની કચેરીના ગેટ સામે મીડિયાકર્મીઓને જવાની પણ અનુમતિ નહોતી. એક પોલીસ અધિકારીએ નામ ન દેવાની શરતે બીબીસી સંવાદદાતા આશય યેડગેને જણાવ્યું, "અમને પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવાનો નિર્દેશ મળ્યો છે. તથા મીડિયાને ચૂંટણી પંચની કચેરીના મુખ્ય ગેટથી દૂર રાખવાનો આદેશ પ્રાપ્ત થયો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન