શૅરબજારમાં મૂડી રોકતા શું બીક લાગે છે, રોકાણ માટે બીજા પાંચ વિકલ્પો કયા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લા છ મહિનાથી શૅરબજારમાં ઊથલપાથલ વચ્ચે રોકાણકારોએ ડાયરેક્ટ ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ બંનેમાં ભારે નુકસાન સહન કર્યું છે.
બીએસઈ સેન્સેક્સ સપ્ટેમ્બર 2024ના અંતે લગભગ 86,000 પૉઇન્ટના ઊંચા સ્તરે હતો. જે હાલમાં ઘટીને 75,300 પર આવી ગયો છે. એટલે કે સેન્સેક્સમાં લગભગ છ મહિનામાં 13 ટકાનો ઘટાડો થયો છે. સ્મૉલ અને મિડકૅપ કંપનીઓમાં રોકાણ કરનારાઓએ તો આ ગાળામાં 25થી 30 ટકા સુધી ખોટ સહન કરી છે.
મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા રોકાણ કરનારાઓને પણ આ ગાળામાં 20 ટકા કે તેનાથી પણ વધારે નૅગેટિવ વળતર મળ્યું છે.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઇનફ્લો ઘટી ગયો છે. ખાસ કરીને ટ્રમ્પે સત્તા સંભાળી અને ટેરિફ વૉરની જાહેરાત કરી ત્યાર પછી માર્કેટને પ્રચંડ આંચકો લાગ્યો છે.
આ દરમિયાન ઘણા રોકાણકારો શૅરબજારથી દૂર જઈને ઇક્વિટી સિવાયના રોકાણના વિકલ્પો વિચારી રહ્યા છે.
બીબીસી ગુજરાતીએ નાણાકીય નિષ્ણાતો સાથે વાત કરીને રોકાણના એવા પાંચ વિકલ્પોની વાત કરી જેમાં રોકાણકારો મૂડી રોકી શકે છે. આ તમામ વિકલ્પોના ફાયદા અને ગેરફાયદા બંને છે.
1. કૉર્પોરેટ બૉન્ડમાં કેવી રીતે રોકાણ કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
નાણાકીય નિષ્ણાતોના માનવા પ્રમાણે એક વર્ષથી લઈને ત્રણ વર્ષના ગાળા માટે સ્થિર વળતર જોઈતું હોય તો કૉર્પોરેટ બૉન્ડમાં રોકાણ કરી શકાય છે.
તેમાં ફુગાવા કરતા વધારે વળતર મળે, ફિક્સ્ડ ડિપૉઝિટ કરતા વધારે વ્યાજ મળે છે. પરંતુ તેની સામે બૉન્ડનું રેટિંગ જોવું પણ જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર ઍડવાઇઝર મિથુન જાથલ કહે છે કે, "કૉર્પોરેટ બૉન્ડ એ ફિક્સ્ડ ઇન્કમ અને ડેટની કૅટેગરીમાં આવે છે. ભારતમાં ચાર પ્રકારના બૉન્ડ હોય છે, કેન્દ્ર સરકારના બૉન્ડ, રાજ્ય સરકારના બૉન્ડ, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ના બૉન્ડ અને કૉર્પોરેટ બૉન્ડ."
"બૉન્ડની સાથે બે પ્રકારના રિસ્ક સંકળાયેલા હોય છે - ડિફૉલ્ટ રિસ્ક અને વ્યાજનું રિસ્ક."
"ભારત સરકાર કે રિઝર્વ બૅન્કના બૉન્ડ સૌથી વધારે સુરક્ષિત હોય છે અને તેમાં ડિફૉલ્ટનું જોખમ લગભગ શૂન્ય હોય છે. પરંતુ કંપનીઓના બૉન્ડમાં સમજી વિચારીને મૂડી રોકવી જોઈએ કારણ કે ઊંચા વ્યાજના ચક્કરમાં લોકો નબળું રેટિંગ ધરાવતા બૉન્ડમાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને આવી કંપનીઓ મૂડી ચૂકવવામાં ડિફૉલ્ટ થાય તો બધી રકમ ગુમાવવી પડે છે."
મિથુન જાથલે કહ્યું કે, "એક વર્ષથી વધારે સમય માટે રોકાણ કરવું હોય તો કેશ રિચ કંપનીઓનો વિચાર કરો જેનું રેટિંગ AAA હોય."
"એક વર્ષ કરતા ઓછા સમય માટે મૂડી રોકવી હોય તો A1+ રેટિંગ એ સૌથી ઊંચું રેટિંગ હોય છે." તેમના કહેવા પ્રમાણે, હંમેશાં AA અથવા તેનાથી ઊંચું રેટિંગ હોય તેવી કંપનીઓના બૉન્ડ ખરીદવાનું વિચારવું જોઈએ. તેનાથી નીચું રેટિંગ હોય તો જોખમી સાબિત થઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતકાળમાં 2018માં IL&FS કંપની તેના બૉન્ડની ચૂકવણીમાં ડિફૉલ્ટ થઈ હતી અને નાણાકીય બજારમાં કટોકટીની સ્થિતિ પેદા થઈ હતી. તેવી જ રીતે 2019માં દીવાન હાઉસિંગ ફાઇનાન્સના બૉન્ડ પણ ડિફૉલ્ટ થયા હતા.
મિથુન જાથલ કહે છે કે, "બૉન્ડમાં સીધું રોકાણ કરવું હોય તો રેટિંગ જોવું જરૂરી છે. સરકારી બૉન્ડમાં ડાયરેક્ટ રોકાણ કરવું નાના રોકાણકારો માટે મુશ્કેલ છે, કારણ કે કેટલાક બૉન્ડમાં ઓછામાં ઓછા 10 લાખથી રોકાણ શરૂ થાય છે. તેના બદલે તેઓ ડૅટ મ્યુચ્યુઅલ ફંડ મારફત કૉર્પોરેટ બૉન્ડમાં રોકાણ કરી શકાય છે."
એવું તેઓ કહે છે, "કોઈ કંપનીના બૉન્ડ 9 ટકા કરતા વધારે વ્યાજ ઑફર કરતા હોય ત્યારે તેમાં જોખમની સમીક્ષા કરવી જોઈએ."
અમદાવાદ સ્થિત ઇન્વેસ્ટર પૉઇન્ટના સ્થાપક અને નાણાકીય સલાહકાર જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, "શેરબજારમાં રોકાણ કરવું ન હોય તો નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર (એનસીડી) પણ એક રોકાણનો વિકલ્પ છે. આ ઉપરાંત ડેટ અને ડેરિવેટિવ્ઝના મિક્સ હોય તેવા ફંડ પણ આવે છે જેમાં ટેક્સેશનના લાભો ઇક્વિટી જેવા જ હોય છે. તેમાં જાણીતી કંપનીઓ 9 ટકાથી લઈને 9.60 ટકાની આસપાસ વ્યાજ આપી શકે છે."
2. બૅન્ક કે કંપનીની ફિક્સ્ડ ડિપૉઝિટમાં કેવી રીતે પૈસા રોકવા?

ઇમેજ સ્રોત, Getty Images
બૅન્ક એફડી એ રોકાણ માટેનો સદાબહાર વિકલ્પ છે અને ઘણા સિનિયર સિટિઝન્સ તેના પર ભરોસો મૂકે છે. જોકે, તેમાં પણ વ્યાજના દર, બૅન્ક દ્વારા દેવાળું ફૂંકવાના જોખમ અને અધૂરી મુદતે નાણાં ઉપાડવા પર લાગતી પેનલ્ટીનો વિચાર કરવો જોઈએ.
બૅન્ક દેવાળું ફૂંકે તો પણ પાંચ લાખ રૂપિયા સુધીની બૅન્ક એફડીને વીમાનું છત્ર મળે છે જેથી આટલી રકમ સુરક્ષિત છે તેમ કહી શકાય.
નાણાકીય સલાહકાર મિથુન જાથલ કહે છે કે, "સરકારી બૅન્કે કે મોટી પ્રાઇવેટ બૅન્કોની એફડીમાં રોકાણ કરો ત્યાં સુધી ઠીક છે. પરંતુ વધારે વ્યાજની લાલચમાં કો-ઑપરેટિવ બૅન્કોમાં એફડી કરતા પહેલાં વિચારવું જોઈએ કારણ કે તેમાં મૂડી ગુમાવવી પડે તેવું બની શકે છે."
પાંચ લાખ સુધીની એફડી સુરક્ષિત છે. પરંતુ બૅન્ક ડૂબી જાય તો રકમ હાથમાં આવવામાં સમય લાગે છે.
તેઓ કહે છે કે, "કોવિડ વખતે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઑપરેટિવ બૅન્ક ડૂબી ગઈ હતી અને લોકો લાચાર સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. બૅન્ક ડૂબી જાય તો થાપણદારોને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ મળી જશે, પરંતુ બૅન્કની એસેટ વેચાય, કાનૂની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે."
"આ ઉપરાંત બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટને અધૂરી મુદ્દતે તોડવામાં આવે તો તેના પર પેનલ્ટી લાગે છે જેનો વિચાર કરવો જરૂરી છે."
બૅન્કોની જેમ ખાનગી કંપનીઓની પણ ફિક્સ્ડ ડિપોઝિટ હોય છે જેમાં બૅન્ક કરતા બે-ત્રણ ટકા વધારે વ્યાજ મળતું હોય છે. તેમાં પણ કંપનીઓને ટ્રૅક રેકૉર્ડ જોવો જરૂરી છે.
જાથલ કહે છે, "ખાનગી કંપનીઓ બહુ ઊંચા વ્યાજદર ઑફર કરે તો ચેતી જવું જોઈએ કારણ કે કંપની ઊંચું વ્યાજ આપવા તૈયાર થાય ત્યારે તેનો અર્થ એવો થયો કે તેને નીચા દરે મૂડી આપવા કોઈ તૈયાર નથી. તેથી વ્યાજ જેમ વધારે તે રિસ્ક પણ વધુ હોય છે."
નિશ્ચિત અને સુરક્ષિત આવક જોઈતી હોય તેઓ પૉસ્ટ ઑફિસની સ્કીમ્સ અથવા પબ્લિક પ્રૉવિડન્ટ ફંડમાં પણ રોકાણ કરી શકે છે.
3. સોના અને ચાંદીમાં રોકાણ કરીને કેવી રીતે કમાણી થાય?

ઇમેજ સ્રોત, Getty Images
સોનામાં રોકાણ કરવાનું ભારતીયોને હંમેશાંથી આકર્ષણ રહ્યું છે. લગ્નગાળા દરમિયાન ઘરેણા માટે ગોલ્ડની ધૂમ ખરીદી થતી હોય છે. આ ઉપરાંત રોકાણના હેતુસર લોકો ડિજિટલ ગોલ્ડ કે સિક્કાની ખરીદી કરતા હોય છે.
અત્યાર સુધી સરકારે સોવેરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમ બહાર પાડી હતી, પરંતુ તેનાથી ભારતની વ્યાપાર ખાધ વધતી હોવાથી આ યોજના બંધ કરવામાં આવી છે. લોકો પાસે હવે ડિજિટલ કે પેપર ગોલ્ડમાં રોકાણ કરવાનો વિકલ્પ છે જેમાં ગોલ્ડ ઈટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે. ચાંદીમાં રોકાણ કરવું હોય તો સિલ્વર ઈટીએફ અને સિલ્વર મ્યુચ્યુઅલ ફંડના વિકલ્પો છે.
ડિજિટલ સ્વરૂપમાં ગોલ્ડ કે સિલ્વર ખરીદવાનો ફાયદો એ છે કે તેને સંગ્રહ કરવાની કે તેની શુદ્ધતાની કોઈ ચિંતા હોતી નથી. સોનાનાં ઘરેણાં ખરીદવા માટે હજારો રૂપિયાની જરૂર પડે છે જ્યારે ડિજિટલ ગોલ્ડની ખરીદી એક રૂપિયા જેવી નાનકડી રકમથી પણ થઈ શકે.
4. મકાન, દુકાનમાં પૈસા રોકીને કેવી રીતે કમાણી કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં રિયલ ઍસ્ટેટ એ રોકાણ કરવા માટે હંમેશાંથી એક આકર્ષક વિકલ્પ રહ્યો છે. લોકો મોટા ભાગે મકાન, દુકાન, ફાર્મ હાઉસ, જમીન વગેરેમાં રોકાણ કરતા હોય છે, પરંતુ તેમાં ઘણી વખત સોદા પારદર્શક નથી હોતા અને બ્લૅકમનીનો પુષ્કળ ઉપયોગ થાય છે.
આ ઉપરાંત રિયલ ઍસ્ટેટ ખરીદવા માટે પુષ્કળ નાણાંની જરૂર પડે છે. તેના ઉપાય તરીકે હવે રિયલ ઍસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT)ના વિકલ્પ હાજર છે.
નાણાકીય સલાહકાર જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, "ફિક્સ્ડ ઇન્કમ મેળવવા માટે REITનો વિકલ્પ ઘણા રોકાણકારો અપનાવે છે. આરઈઆઈટી એ રિયલ ઍસ્ટેટની માલિકી ધરાવતી અથવા તેને ઑપરેટ કરતી કંપનીઓ હોય છે. તેમની પાસે ઑફિસ બિલ્ડિંગ, વેર હાઉસિસ, શૉપિંગ મૉલ, ડેટા સેન્ટર જેવી પ્રૉપર્ટી હોય છે."
"રોકાણકારો 10 હજાર રૂપિયા જેવી નાની રકમથી શરૂઆત કરી શકે છે. તેમાં કોઈ ભાડુઆત શોધવાની કે પેપરવર્ક કરવાની જરૂર રહેતી નથી. બધું કામ REIT જ કરે છે અને 90 ટકા કરપાત્ર આવક શેરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે આપવી ફરજિયાત છે."
તેવી જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અથવા InvITનો પણ વિકલ્પ મળે છે. InvIT એ મ્યુચ્યુઅલ ફંડ જેવા હોય છે. તે રોકાણકારો પાસેથી મૂડી એકઠી કરીને હાઈવે, રોડ, પાઇપલાઇન, વેરહાઉસિસ, પાવર પ્લાન્ટ જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍસેટમાં રોકાણ કરે છે અને ડિવિડન્ડ ચૂકવે છે.
5. અન્ય રોકાણના વિકલ્પો

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત ભારતમાં સિનિયર સિટિઝન્સની રોકાણ યોજનાઓ, પિયર ટુ પિયર (પીટુપી) લેન્ડિંગ, એસેટ લિઝિંગ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.
પિયર ટુ પિયર લેન્ડિંગમાં જરૂરિયાતમંદ લોકોને તમે રૂપિયા ઊછીના આપો છો જેમાં બૅન્ક એફડી કરતા વધારે વ્યાજ મળે છે. જોકે, તેમાં યોગ્ય પ્લૅટફૉર્મ શોધવું જરૂરી છે કારણ કે નહીંતર તમારી મૂડી એનપીએ (નૉન પરફૉર્મિંગ ઍસેટ) બની જવાની શક્યતા રહે છે.
ઘણી વખત સ્ટાર્ટ અપ્સને મૂડીની જરૂર હોય છે ત્યારે તેઓ રોકાણકારો શોધે છે. તમે ઊંચું જોખમ લેવા તૈયાર હોવ તો સ્ટાર્ટ અપ ઇક્વિટીમાં રોકાણ કરી શકો જેના માટેના ચોક્કસ પ્લૅટફૉર્મ્સ હોય છે. જોકે, તેમાં મૂડી રોકતા પહેલાં પૂરતું રિસર્ચ કરવું જરૂરી છે.
(સ્પષ્ટતાઃ શૅરબજારમાં રોકાણમાં નાણાકીય નુકસાનનું જોખમ રહેલું છે. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે અને તેને નાણાકીય સલાહ ગણવી ન જોઈએ. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જાતે સંશોધન કરે અને રોકાણના કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે. બીબીસી ગુજરાતી આ માહિતીના આધારે થયેલા રોકાણથી થતા કોઈ પણ નાણાકીય નુકસાન માટે જવાબદાર નથી.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












