ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની અસર વચ્ચે ભારતમાં રેપો રેટ ઘટ્યો, તમને શું ફાયદો થશે?

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો, હોમલોન ઓટો લોનના ઈએમઆઈ ઘટશે, શું અસર થશે. ટ્રમ્પના ટેરિફ વૉરની અસર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, અમદાવાદ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 27% રેસિપ્રૉકલ ટેરિફ લાદ્યા હતા, જોકે હવે ટ્રમ્પે ટેરિફનો અમલ 90 દિવસો સુધી અટકાવી દીધો છે.

એ સમયે ફાર્મા સહિત અમુક ચીજવસ્તુઓ અને સેવાઓને આ યાદીમાંથી બાકાત રાખ્યા હતા, પરંતુ હવે ટ્રમ્પે અણસાર આપ્યા છે કે ફાર્મા ઉત્પાદનો પર પણ ટેરિફ લાદવામાં આવશે.

ભારતીય ફાર્મા કંપનીઓ મોટા પાયે અમેરિકાની બજારોમાં જેનરિક દવાઓ વેચે છે, જેમને આ ટેરિફની અસર થઈ શકે છે. આની અસરથી બુધવારે દવા કંપનીઓના શૅરોમાં કડાકો બોલી ગયો હતો.

ટ્રમ્પના આ નિર્ણયોની ભારતીય બજારો અને ખરીદશક્તિ ઉપર અસર જોવા મળી શકે છે, જેના માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) સજ્જ થઈ રહી હોય તેમ જણાય છે.

આરબીઆઈએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. 6.25 ટકાના દરને ઘટાડીને 6.00% ટકા કરવામાં આવ્યો છે.

છેલ્લાં લગભગ પાંચ વર્ષમાં બીજી વખત આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે.

આરબીઆઈનું અનુમાન છે કે ચાલુ વર્ષ દરમિયાન જીડીપીનો દર 6.5 ટકા રહેશે, અગાઉ આ ટકાવારી 6.7 ટકા જેટલી રહેશે, એવું અનુમાન મૂકવામાં આવ્યું હતું.

ટ્રમ્પના ટેરિફની અસરને ઘટાડવાનો પ્રયાસ?

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો, હોમલોન ઓટો લોનના ઈએમઆઈ ઘટશે, શું અસર થશે. ટ્રમ્પના ટેરિફ વૉરની અસર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશના જળાશયોમાં સંતોષજનક જળસપાટી અને કૃષિ ઉત્પાદનની સારી સ્થિતિ પ્રત્યે આરબીઆઈ આશાસ્પદ

સંજય મલ્હોત્રાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે "વેપારઘર્ષણ અંગે જે ચિંતાઓ હતી, તે ખરી થઈ રહી હોય તેમ જણાય છે."

મલ્હોત્રાએ ઉમેર્યું હતું કે વેપારમાં વિક્ષેપ એ આગામી સમયમાં ભારતીય અર્થતંત્ર માટે પડકાર ઊભા કરશે. અગાઉ અર્થશાસ્ત્રીઓને લાગતું હતું કે ચાલુ વર્ષ દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં ઘટાડો થયા પછી આરબીઆઈ વધુ એક ઘટાડો કરશે.

પરંતુ વર્તમાન સંજોગો જોતા અર્થતંત્રની ગતિને જાળવી રાખવા માટે રેપો રેટમાં વધુ કેટલાક ઘટાડા અપેક્ષિત છે.

આઈસીઆઈસીઆઈ બૅન્કે તેની નોટમાં જણાવ્યું કે "તાજેતરના ચક્ર દરમિયાન એક ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે."

કેટલાક બ્રોકરેજ હાઉસના અનુમાન પ્રમાણે, ટ્રમ્પના વૈશ્વિક વ્યાપાર વિગ્રહને કારણે વિકાસની ગતિમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે, ત્યારે ધિરાણખર્ચને ઘટાડી મોંઘવારીનું નિયમન કરવાનું આરબીઆઈને પાલવે તેમ છે.

એચએસબીસીના અનુમાન પ્રમાણે, નિકાસ ઉપરાંત વિદેશી ભંડોળની આવકમાં ઘટાડાને કારણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં (કુલ ઘરેલુ ઉત્પાદન) અડધા ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

રેપો રેટ શું છે તથા તેના ઘટાડાની શું અસર થશે?

વીડિયો કૅપ્શન, Surat : એક સમયે બાળકની સ્કૂલની ફી ભરવાના પણ પૈસા નહોતા તે આજે કેવી રીતે સારી કમાણી કરે છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મધ્યસ્થ બૅન્ક દેશની વેપારી બૅન્કોને સામાન્યતઃ સરકારી જામીનગીરીઓ સામે જે દરે ટૂંકા ગાળાનું ધિરાણ આપે, તેને રેપો રેટ કહેવાય.

આરબીઆઈ તેનો ઉપયોગ અર્થતંત્રમાં નાણાકીય પુરવઠો જાળવી રાખવા તથા મોંઘવારીને કાબૂમાં રાખવા માટે કરે છે. ભારતમાંથી બહાર જઈ રહેલું વિદેશી રોકાણ, શૅરબજારમાં ઘટાડા, ટેરિફ વૉર તથા ઘટતા જતા રૂપિયાના કારણે આરબીઆઈની સામે જટિલ પરિસ્થિતિ ઊભી થઈ હતી.

આરબીઆઈએ અત્યારસુધી નાણાકીય નીતિમાં 'તટસ્થ' વલણ અપનાવ્યું હતું, પરંતુ હવે તેણે 'સમાવેશક' વલણ અપનાવ્યું છે. આનો અર્થ એ થયો કે આગામી સમયમાં વધુ કેટલાક ઘટાડા થઈ શકે છે.

ફેબ્રુઆરી મહિનાની સમીક્ષા બેઠક દરમિયાન આરબીઆઈએ આ દરને 6.5%થી ઘટાડીને 6.25% કર્યો હતો, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

એ સમયે જ આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ અણસાર આપ્યા હતા કે વિકાસનો દર જાળવી રાખવા માટે રેપો રેટમાં વધુ ઘટાડો કરવામાં આવશે અને બુધવારે તેની અસર જોવા મળી હતી.

રેપો રેટમાં ઘટાડાથી હોમ, ઑટો તથા અન્ય કન્ઝ્યુમર લોનના વ્યાજદરમાં ઘટાડો થશે, જેથી કરીને લોકોની પાસે ખર્ચવા માટે હાથ પર નાણા વધશે.

આ દરઘટાડાથી જેની જૂની પર્સનલ લોન ચાલી રહી હોય, તેમને કોઈ ફરક નહીં પડે, પરંતુ જો કોઈ વ્યક્તિ નવી પર્સનલ લોન લેવા માગતી હોય, તો તેને નીચાદરનો લાભ મળી શકે છે.

આ સાથે જ બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ તેમના માર્જિન જાળવી રાખવા માટે ડિપૉઝિટના દર ઘટાડી દેતી હોય છે, એટલે રોકાણ કરનારને તેની થાપણ ઉપર ઓછું વ્યાજ મળશે.

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો, હોમલોન ઓટો લોનના ઈએમઆઈ ઘટશે, શું અસર થશે. ટ્રમ્પના ટેરિફ વૉરની અસર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હોમ તથા ઑટો સેક્ટર સાથે અનેક પ્રકારના આનુષંગિક ઉદ્યોગો જોડાયેલા હોય, તેમાં થતી માગની વૃદ્ધિની રોજગારસર્જન પર 'મલ્ટીપ્લાયર ઇફૅક્ટ' હોય છે. હાલ મોંઘવારી પણ કાબૂમાં હોવાથી આરબીઈ રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય કરી શક્યું હતું.

જોકે, બૅન્કો તથા નાણાકીય સંસ્થાઓ આ ઘટાડાનો લાભ કેટલો જલદી ગ્રાહકો સુધી પહોંચાડે છે, તેના ઉપર પણ આધાર રહેશે. જો હોમલોન લેનારે ફ્લૉટિંગ વ્યાજદરનો વિક્લ્પ અપનાવ્યો હશે તો તેનો લાભ તત્કાલ મળશે.

એચએસબીસી પોતાની નોટમાં લખે છે, ટ્રમ્પના ટેરિફની અસર ઘટાડીને અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવાની સરકારની ક્ષમતા ખૂબ જ મર્યાદિત છે, કારણ કે "કારણ છેલ્લા કેટલાક સમયથી લોકોની ખર્ચ કરવાની ક્ષમતા તથા ટૅક્સમાંથી થતી આવકમાં ઘટાડો થયો છે."

અમેરિકાએ શરૂ કરેલા ટ્રેડ વૉરની અસર વિશ્વના અન્ય દેશો ઉપર પણ પડી શકે છે, જેથી ત્યાંની ખરીદશક્તિ ઘટશે તથા એ દેશોમાં થતી ભારતીય નિકાસો ઉપર પણ ઘટશે.

6.5 ટકાના વિકાસદર સાથે ભારત વિશ્વની સૌથી ઝડપભેર વિકસતી મોટી ઇકૉનૉમી હશે છતાં તે નાણાકીય વર્ષ 2023- '24 દરમિયાન રેકૉર્ડ 9.2 %ના સ્તરે પહોંચી ગયો હતો, જેના કરતાં ઘણી ઓછી છે.

ટ્રેડ વૉર ક્યાર સુધી ચાલશે અને શું અસર થશે?

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો, હોમલોન ઓટો લોનના ઈએમઆઈ ઘટશે, શું અસર થશે. ટ્રમ્પના ટેરિફ વૉરની અસર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટેરિફ વૉર બાદ વિશ્વભરમાં અનેક શૅરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

ટ્રમ્પે ચીન ઉપર 104 ટકાનો ટેરિફ લાદ્યો છે. આ સિવાય વિયેતનામ ઉપર 46 ટકા તથા કંબોડિયા ઉપર 49 ટકા ટેરિફ લાદ્યા છે. આ બધાને જોતા ભારત પર લાદવામાં આવેલો 27 ટકાનો દર ઓછો છે.

ચીને પણ વળતાં પગલાં લીધાં છે અને અમેરિકાથી આયાત થતાં ઉત્પાદનો ઉપર 34 ટકાની જકાત લાદી હતી, એ પછી તેમાં વધારો કરીને 84 ટકા કરી છે. આ સિવાય યુરોપિયન સંઘ પણ 'વળતાં પગલાં' લેવા વિચારણા કરી રહ્યું છે.

આ બધાની સરખામણીમાં ભારતે સંયમિત વલણ અપનાવ્યું છે અને અમેરિકાની સાથે વેપારસંધિ કરવા માટે પ્રયાસરત્ છે.

રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ, "ટેરિફદરની જાહેરાત કેટલા સમય સુધી ચાલે છે" એ પછી ભારત ઉપર તેની અંતિમ અસર શું થાય છે, તે નક્કી થશે.

"અન્ય દેશો કેવા પ્રકારના વળતાં પગલાં લે છે અને કેવા પ્રત્યાઘાત આપે છે, તે પણ ભારત પર થનારી અંતિમ અસરને નિર્ધારિત કરશે."

જેપી મૉર્ગનનું અનુમાન છે કે વૈશ્વિક મંદી આવવાની શક્યતા 60 ટકા છે, તો રેટિંગ્સ એજન્સી મૂડીઝના મતે તેની સંભાવના 35 % છે. ટેરિફની જાહેરાત થઈ, તે પહેલાં મૂડીઝે 15 % અનુમાન મૂક્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.