શોરમા ખાધાના 24 કલાકમાં થયું મૃત્યુ, શું સાવચેતી રાખવી?

    • લેેખક, તંગદુરાઈ કુમારપાંડિયન
    • પદ, બીબીસી તમિલ સંવાદદાતા

આપણે અત્યારે આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ. વિજ્ઞાને એટલી પ્રગતિ કરી લીધી છે કે આપણે ઇન્ટરનેટનાં માધ્યમથી દુનિયાની સંસ્કૃતિ, ખાણીપીણી, પહેરવેશ, રીતિ-રિવાજો અને જીવનશૈલી વિશે તરત જ જાણકારી મેળવી શકીએ છીએ. જે આચાર-વિચારો, પહેરવેશ, ખાણીપીણી અને રહેણીકરણીમાં આપણને સારૂં લાગે છે તેને આપણે તરત જ અપનાવી લઈએ છીએ.

ઇન્ટરનેટની મદદથી આપણને જાણે કે એક નવી ખાદ્ય સંસ્કૃતિની જાણકારી મળી છે. શાકાહારીઓ માટે દુનિયાભરની વાનગીઓ ઉપલબ્ધ છે એમ માંસાહારીઓ માટે પણ ગ્રિલ્ડ ચિકન, બર્ગર, સ્પ્રિંગ રૉલ, શોરમા (શાવરમા), નૂડલ્સ, ફ્રાઇડ રાઇસ અને વિભિન્ન પ્રકારની માંસની વાનગીઓ ઉપલબ્ધ થઈ રહી છે.

આવાં ફાસ્ટ-ફૂડ બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી સૌ કોઈને ભાવે છે.

તેના માટેની ફાસ્ટ-ફૂડ રેસ્ટોરાં મોટાભાગના શહેરોમાં જોવા મળે છે. લોકો ત્યાં જાય છે અને ફાસ્ટ-ફૂડનો આનંદ લે છે, પરંતુ એ ખાવાનું હવે ઝેર બની ગયું છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી.

ગત વર્ષે કેરળમાં 2 વિદ્યાર્થીઓનું શોરમા ખાધા પછી તબિયત બગડવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. માંસાહારી લોકો માટે આ ખૂબ આશ્ચર્યજનક અને આઘાતજનક ઘટના હતી.

આ જ પ્રકારની એક ઘટના હવે તમિલનાડુમાં સામે આવી છે. નમક્કલ જિલ્લાના પરમથી વેલ્લોર વિસ્તારની કલૈયારાસી નામની એક 14 વર્ષીય કિશોરી તેના સંબંધીઓ સાથે નજીક આવેલી એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં શોરમા ખાવા માટે ગઈ હતી.

થોડા સમય પછી તેને ગભરામણ થવા લાગી અને તેને એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. પછીના દિવસે સવારે તેના બેડરૂમમાં તે મૃત અવસ્થામાં જોવા મળી.

એ જ દિવસે એ રેસ્ટોરન્ટમાં ખાનાર 5 બાળકો સહિત કુલ 43 લોકો બીમાર પડી ગયા હતા અને તેમને સારવાર માટે સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટના પછી નમક્કલના જિલ્લા કલેક્ટરે સમગ્ર જિલ્લામાં શાવરમાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલામાં દુકાનના માલિક અને અન્ય 4 લોકોની અટકાયત કરવામાં આવી છે.

શાવરમા એ માંસથી બનતું સ્ટ્રીટ ફૂડ છે. તેને ઘણીવાર ચિકન કે બીફમાંથી પણ બનાવવામાં આવે છે. તેને શેકીને બ્રેડ કે રોટીમાં તેનું પૂરણ કરીને સ્પેશિયલ સોસ સાથે પીરસવામાં આવે છે.

ખાદ્ય સુરક્ષા માટે નિરીક્ષણનો આદેશ

આ ઘટનાને કારણે સમગ્ર તમિલનાડુ રાજ્યમાં ઉત્તેજના ફેલાઈ ગઈ છે. તમિલનાડુના ચિકિત્સા અને લોક કલ્યાણ મંત્રી એમ. સુબ્રમણ્યમે ખાદ્ય સુરક્ષા અધિકારીઓને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટોનું નિરીક્ષણ કરવાનો અને ખરાબ ખાદ્યપદાર્થો વેચનારાઓ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલા બાદ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સમગ્ર તમિલનાડુમાં પોતપોતાના જિલ્લામાં સક્રિય થઈ ગયા છે અને કડક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વાસી ચિકન અને હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થો જપ્ત કરીને રેસ્ટોરાંને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

પરંતુ બધી રેસ્ટોરાં ખરાબ છે એવું નથી.

તમિલનાડુના ખાદ્ય સુરક્ષા અધિકારી જયારામા પાંડિયને માંસાહારી ભોજન માટે ગુણવત્તાયુક્ત રેસ્ટોરાં કઈ રીતે પસંદ કરવી જોઇએ એ અંગે બીબીસી સાથે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું હતું કે અમે ખાદ્ય સુરક્ષા વિભાગ તરફથી અનેક ઉપાયો કરી રહ્યા છીએ જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે લોકોને ચોખ્ખું ભોજન મળી શકે.

તેમણે કહ્યું કે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ)થી ગુણવત્તા પ્રમાણપત્ર પ્રાપ્ત શાકાહારી અને માંસાહારી રેસ્ટોરાંમાં જવાથી આ પ્રકારનું નુકસાન નહીં થાય.

ભોજનાલયોના માલિકો આ પ્રમાણપત્રને તેમનાં ભોજનાલયોનાં પ્રવેશદ્વાર પાસે જ રાખે છે.

ખાદ્ય સુરક્ષા વિભાગ તરફથી અમે દર 90 દિવસે રોડસાઇડમાં આવેલી દુકાનો, નાનાં ભોજનાલયો અને મોટી રેસ્ટોરાંમાં જઈએ છીએ અને ભોજનની ગુણવત્તાની તપાસ માટે નમૂનાઓ લઈને લૅબોરેટરીમાં મોકલીએ છીએ.

જયારામા પાંડિયને વધુમાં જણાવ્યું હતું કે જો તપાસમાં ખોરાક હલકી ગુણવત્તાનો હોવાનું જણાશે તો રેસ્ટોરાં સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તે રેસ્ટોરાંને સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.

જયારામા પાંડિયન કહે છે કે રેસ્ટોરાંની ગુણવત્તાનો અંદાજો તેની સ્વચ્છતા અને પીવાના પાણીની વ્યવસ્થા દ્વારા નક્કી કરી શકાય છે.

તદુપરાંત ફૂડ સેફ્ટી વિભાગ વતી વિભાગીય અધિકારીઓ દ્વારા અમે રેસ્ટોરાંમાં કામ કરતા કર્મચારીઓને ખોરાકને સુરક્ષિત અને સાફ કઈ રીતે રાખવો તેના માટે વિશેષ તાલીમ પણ આપી રહ્યા છીએ.

એકલા મદુરાઈ જિલ્લામાં 7000થી વધુ કર્મચારીઓને ફૂડ મૅનેજમૅન્ટની તાલીમ આપવામાં આવી છે. જયારામા પાંડિયને કહ્યું કે સમગ્ર તમિલનાડુમાં આ રીતે કામ ચાલી રહ્યું છે.

તમે ભોજનની ગુણવત્તા કઈ રીતે નક્કી કરો છો?

ખાદ્ય સુરક્ષા વિભાગ જ ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરી શકે છે. પરંતુ એ જરૂરી છે કે લોકો પણ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને સારી રેસ્ટોરાંમાં ભોજન કરે.

જયારામા પાંડિયન કહે છે કે, “તમે તમારી થાળીમાં રહેલા ખોરાકને ચાખીને અને સૂંઘીને તેની ગુણવત્તા નક્કી કરી શકો છો.”

જે લોકો ખરાબ ગુણવત્તાવાળું ભોજન કરે છે તેમને અને પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ?

જો બગડેલો ખોરાક લેવાઇ જાય તો શું કરવું?

ડૉ. ક્લાઉડિયા મર્લિને આ વિષયે બીબીસી તમિલ સાથે વાતચીત કરી.

તબીબી દૃષ્ટિકોણથી ભોજનને આપણે ભોજન તરીકે જ નહીં, પરંતુ શરીરને ઊર્જા આપનાર પદાર્થ તરીકે પણ જોઈએ છીએ.

ડૉ. ક્લાઉડિયા મર્લિન કહે છે, “બીજથી લઈને ભોજન આપણી થાળી સુધી પહોંચે ત્યાં સુધીની યાત્રા યોગ્ય હોવી જોઈએ. જો આમાં સહેજ પણ આઘુંપાછું થાય તો એ મનુષ્યો માટે ઝેર બની જાય છે.”

એક ડૉક્ટર તરીકે અમે ફાસ્ટ ફૂડ ન ખાવાની ભલામણ કરીએ છીએ કારણ કે એ ખોરાકમાં શરીરને જરૂરી પોષકતત્ત્વોની યોગ્ય માત્રા હોતી નથી.

ફાસ્ટ ફૂડમાં કૅલરી અને ચરબીનું પ્રમાણ વધારે હોય છે. તમે દિવસ દરમિયાન જે ખોરાક લો છો તેમાં એક ભાગ શાકભાજી, એક ભાગ પ્રોટીન અને એક ભાગ પાણીનો સમાવેશ થવો જોઈએ. જો તમે સંતુલિત આહાર લેશો તો જ તમારું વજન વધશે નહીં અને તમારું શરીર યોગ્ય રીતે કાર્ય કરશે.

ફાસ્ટ ફૂડ ખાવાથી સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ થઈ શકે છે. ક્યારેક તેનાથી કૅન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.

આજના યુવાનો બહારનું ખાવામાં વધુ રસ ધરાવે છે. તેમને દરરોજ બહાર ખાવાની આદત છે. તેનાથી વજન વધે છે અને શરીરના આંતરિક અંગો પર અસર થાય છે.

બહારનો ખોરાક બે અઠવાડિયે માત્ર એક જ વાર ખાવો જોઈએ જેથી શરીર પર તેની અસર ન થાય.

બગડેલો ખોરાક અથવા નબળી ગુણવત્તાવાળો ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ઊલટી, ઝાડા, શરદી અને તાવ થઈ શકે છે.

દરેક વ્યક્તિમાં સમાન અસરો જોવા મળતી નથી. કેટલાક લોકોમાં ખોરાક લીધાના 6થી 24 કલાક પછી અસર જોવા મળે છે. કેટલાક લોકો બે-ત્રણ દિવસ પછી પણ બીમાર પડી શકે છે.

જો આવાં લક્ષણો દેખાય તો પ્રાથમિક સારવાર તરીકે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભલામણ કરવામાં આવેલ ઓઆરએસ પાવડર લેવો જોઈએ. ઝાડાને કારણે શરીરમાં પાણીની ઊણપ ઊભી થાય છે. ઓઆરએસથી તેમાં રાહત મળે છે.

જો તમારી પાસે ઘરમાં ઓઆરએસ પાવડર નથી, તો 1:6 ચમચી મીઠું, 6 ચમચી ખાંડ અને એક લીંબુ પાણીમાં મેળવીને આ પાણીને હૉસ્પિટલ પહોંચો ત્યાં સુધી સતત પીતા રહો. એ ધ્યાનમાં રાખો કે શરીરમાં પાણીનું સ્તર ઓછું ન થવું જોઈએ.

ડૉક્ટર ક્લાઉડિયા મર્લિન ચેતવણી આપે છે કે આવા કિસ્સાઓમાં હૉસ્પિટલમાં જવું અને યોગ્ય સારવાર લેવી જરૂરી છે. બીમારીની અવગણના જીવલેણ બની શકે છે.

"કોઈપણ ખોરાક લેતી વખતે જો તમને તેના સ્વાદ કે ગંધમાં કોઈ ફરક લાગે, તો તમારે તે ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. જો તમે આવો ખોરાક વધુ પ્રમાણમાં ખાશો તો તેનાથી એ ઝેર બની શકે છે."

નમક્કલ જિલ્લામાં એક કિશોરીના મૃત્યુનું કારણ દૂષિત ખોરાક છે. એક જ રેસ્ટોરાંમાં જમનારા 43 લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ. એવી સંભાવના છે કે રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલ માંસ બગડી ગયું હોય.

ડૉ. મર્લિન કહે છે, “જો બાળકોને સ્વાસ્થ્ય સમસ્યાઓથી તમે બચાવવા માંગો છો તો માતાપિતાએ પહેલા ભોજનને ચાખ્યા બાદ જ તેમને પીરસવું જોઈએ.”

ડૉ. મર્લિન કહે છે, "જો તેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ ટાળવા માંગતા હોય, તો માતાપિતાએ બાળકોને પીરસતાં પહેલાં માંસ આધારિત ખોરાકનો સ્વાદ લેવો જોઈએ."