રાજકોટ : પતિપત્નીએ કમળપૂજા કરી, 'મોક્ષ મેળવવા' પોતાનાં જ ગળાં કાપી નાખ્યાં?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભયંકર ગરમીમાં એક બાળકી પારિવારિક ખેતરમાં જાય છે. જેવી તે ખેતરના ખૂણામાં આવેલા મંદિરમાં પ્રવેશે છે, જોરથી ચીસો પાડી ઉઠે છે.

ચેતવણી - આ લેખમાં કરેલું વર્ણન અને કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.

મંદિરમાં બનાવેલા હવનકુંડ પાસે બે ધડ પડ્યાં હોય છે. એક માથું હવનકુંડમાં સળગેલી હાલતમાં પડ્યું હોય છે, જ્યારે બીજું એક હવનકુંડની બાજુમાં.

આ મૃતદેહો બીજા કોઈના નહીં પણ એ બાળકીનાં સગા મા-બાપના હતા.

સનસનાટીભરી આ ઘટના બાદ રાજકોટના નાના વિંછીયા ગામમાં હાલ ભારે સન્નાટો છે.

ગામના લોકો હેબતાઈ ગયા છે તો અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતા કાર્યકરોનું કહેવું છે કે અંધશ્રદ્ધાના આ કિસ્સાઓને રોકવા જાગૃતિની સાથે કડક પગલાં અને કાયદાની જરૂર છે.

ગામમાં એક સમયે જ્યાંથી આરતી અને ભજનો સંભળાતાં હતાં, ત્યાંથી કોથળામાં લઈ જવાતાં માથાં અને જીપમાં અલગથી લઈ જવાતાં ધડને જોઈને લોકો હેબતાઈ ગયા છે.

ઘટના એ હતી કે અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવતા દંપતીએ કથિત રીતે મોક્ષ પામવાની ઘેલછાએ 'કમળ પૂજા' કરીને આત્મહત્યા કરી છે.

આ ઘટનામાં બે પ્રશ્નો છે જે રહસ્યમય છે. 'કેમ' અને 'કેવી રીતે?'

જેનો જવાબ મેળવવા અમે મૃતકોના પરિવારજનો અને પોલીસનો સંપર્ક કર્યો.

બે મહિના પહેલાં જ ખેતરમાં બનાવ્યું હતું બીજું મંદિર

નાના વિંછીયા ગામના છેવાડે આવેલા મોઢુકામાં હેમુ મકવાણા તેમનાં પત્ની હંસાબહેન અને બે સંતાનો સાથે રહેતાં હતાં.

તેમના ભાઈ રાજુભાઈ હાલ એટલા હેબતાઈ ગયા છે કે તેઓ વારંવાર એક જ વાત કહી રહ્યા છે, "મને ખબર હોત કે આવું કંઇક થવાનું છે તો તેમને જવા જ ન દીધા હોત."

હેમુભાઈના પિતા ભોજાભાઈ કહે છે, "મારા ચાર દીકરા પૈકી હેમુ સૌથી વધુ ધાર્મિક હતો. નાનપણથી કર્મકાંડ કર્યા કરતો હતો. હાલ પણ એ દિવસભર મજૂરી કરતો અને સમય મળે ત્યારે એ અને તેની પત્ની ભક્તિમાં જ પોરવાયેલાં રહેતાં હતાં."

તેઓ આગળ કહે છે, "તેને પૈસાની પણ કોઈ તકલીફ ન હતી. એના ભાઈઓ જ્યારે પણ બાળકો માટે કોઈ વસ્તુ લાવતા તો એ ખોટા ખર્ચા કરવાની ના પાડતો હતો. તેણે ઘરમાં પણ રામદેવપીરનું મંદિર બનાવ્યું હતું. જ્યાં તે અને તેની પત્ની હંસા પૂજા કરતાં હતાં."

ઘરમાં બનાવેલા મંદિર સિવાય તેમણે પોતાના ખેતરમાં પણ એક મંદિર બનાવ્યું હતું. આ વિશે વાત કરતાં રાજુભાઈ કહે છે, "ભાઈએ ત્રણ મહિના પહેલાં અમને કહ્યું હતું કે ઘરમાં બાળકોને ભણવામાં તકલીફ પડતી હોવાથી અમારે વાડીમાં એક મંદિર બનાવવું છે. જ્યાં પૂજાપાઠ કરી શકીએ."

રાજુભાઈ સહિત તેમના અન્ય ત્રણ ભાઈઓને કોઈ વાંધો ન હોવાથી ખેતીમાં નડે નહીં તે રીતે એક ઝૂંપડી બાંધી અને ત્યાં પૂજાપાઠ કરવાનું શરૂ કર્યું.

તેઓ આગળ કહે છે, "ત્યાં તેમણે એક હવનકુંડ બનાવ્યો હતો અને પૂજાપાઠ કરતા હતા. અમે ક્યારેક ત્યાં જતા તો હાથેથી બનાવેલી એક મૂર્તિના દર્શન કરાવતા અને પૂજાપાઠ કરતાં હતાં."

મરતા પહેલા ચિઠ્ઠીમાં શું લખ્યું?

દંપતીએ કરેલી 'કમળ પૂજા' વિશે વાત કરતા રાજુભાઈ જણાવે છે, "રવિવારે ભાઈએ કહ્યું હતું કે તેઓ સાળાને મળવા જાય છે. બાળકોને ત્યાં મૂકીને તેઓ બપોરે પાછા આવ્યા હતા. એ પછી રાબેતા મુજબ બંને પૂજાનો સામાન લઈને ખેતરમાં બનાવેલા મંદિરે ગયાં હતાં. "

"બીજા દિવસે જ્યારે બાળકો મામાના ઘરેથી પાછાં આવ્યાં તો તેઓ પોતાનાં માતાપિતાને શોધતાં હતાં અને જ્યારે તેમની દીકરી ખેતરમાં બનાવેલા મંદિરે પહોંચી તો તે ત્યાંનું દૃશ્ય જોઈને ચોંકી ઊઠી."

તેણે આ ઘટનાની જાણ પરિવારને કરી અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે આ પૂજા કરતા પહેલાં તેમણે એક ચિઠ્ઠી પણ લખી હતી. જેના પર હેમુભાઈની સહીં અને હંસાબહેનના અંગૂઠાની છાપ હોવાનું પોલીસે જણાવ્યું છે.

ચિઠ્ઠીમાં તેમણે લખ્યું છે -

"અમે બેઉ અમારા હાથે રાજીખુશીથી જીવનો ત્યાગ કરીએ છીએ. મારા ઘરનાં હંસાબહેનને મજા નથી રહેતી. મારા ભાઈઓ, બહેનો અને બાપુજીએ અમને કંઈ કહ્યું નથી એટલે તેમની પૂછપરછ ન કરશો.

મારાં સાસુ સસરાએ પણ અમને ક્યારેય કંઈ કહ્યું નથી એટલે એમની પણ પૂછપરછ ન કરશો.

અમને કોઈએ કંઈ કીધું નથી. અમે અમારા હાથે આ કરીએ છીએ. એટલે કોઈ પારકાની પણ પૂછપરછ ન કરતા."

ચિઠ્ઠીના બીજા પાને પોતાના ભાઈઓને સંબોધીને લખ્યું છે -

"તમે ત્રણેય સંપીને રહેજો અને મા-બાપનું અને બહેનોનું ધ્યાન રાખજો. ત્રણેય ભેગા થઈને મારાં સંતાનોનું પણ ધ્યાન રાખજો. મને મારા ભાઈઓ પર પૂરો ભરોસો છે."

કેવી રીતે લીધો ખુદનો જીવ?

મૃત્યુદંડના દોષિતોની અંતિમ પળો ઓછી પીડાદાયક રહે તે માટે ફ્રૅન્ચ ચિકિત્સક જોસેફ ઇગ્નેસ ગિલોટિન 18મી સદીના અંતે એક યંત્રની શોધ કરી હતી અને તેમના નામ પરથી મૃત્યુદંડ માટેના યંત્ર અને પદ્ધતિને 'ગિલોટિન' નામ આપવામાં આવ્યું હતું.

ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન પણ આ પદ્ધતિથી સેંકડો લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

કંઈક આવું જ હેમુભાઈએ પણ પોતાના મંદિરમાં બનાવ્યું હતું. તેમના કેસની તપાસ કરી રહેલાં વિંછીયા પોલીસમથકના પીએસઆઈ આઈ. બી. જાડેજાએ કહ્યું, "તેમણે ખેતરમાં બનાવેલી ઝૂંપડીમાં 30 ફૂટની ઊંચાઈએ એક માંચડો તૈયાર કર્યો હતો. જેની ઉપર એક લોખંડની ધારદાર બ્લેડ ચઢાવી હતી."

જોકે, 'ગિલોટિન'માં મૃત્યુદંડ આપવા માટે દોરી છોડી શકે એ માટે દોષિત સિવાય અન્ય એક વ્યક્તિની પણ જરૂર રહેતી હતી, પરંતુ આ કિસ્સામાં અત્યાર સુધીની તપાસમાં પતિ-પત્ની સિવાય અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવી નથી.

ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે તેમણે દોરડું છોડ્યું કેવી રીતે હશે?

આ પ્રશ્નનો જવાબ આપતા આઈ. બી. જાડેજા કહે છે, "તેમણે દોરડું હવનકુંડની બાજુમાં બાંધીને રાખ્યું હતું અને દોરડાની નીચે એક દીવો રાખ્યો હતો. દીવાના કારણે દોરડું ધીરેધીરે બળતું રહ્યું અને એ દરમિયાન બંને માંચડાની નીચે પોતાની ગરદન રાખીને સૂઈ ગયા. દોરડું તૂટતા જ બ્લેડ બંનેની ગરદન પર પડી અને ધડ-માથું અલગ થઈ ગયા."

પોલીસ અનુસાર હંસાબહેનનું માથું હવનકુંડમાં પડવાથી સળગી ગયું હતું. જ્યારે હેમુભાઈનું માથું હવનકુંડથી થોડે દૂર પડ્યું હતું.

તાંત્રિક કે ભૂવાની સંડોવણી?

ઘટનાની જાણ થયા બાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને પરિવાર અને ગામના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

પીએસઆઈ જાડેજાના કહેવા પ્રમાણે તેમના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે કે તેમને કોઈ કૌટુંબિક ઝઘડો ન હતો. ભાઈઓ વચ્ચે સંબંધો પણ સારા હતા. ગામમાં પણ હેમુભાઈની છાપ સારી હતી. અને પતિ-પત્ની વચ્ચે પણ કોઈ ખટરાગ ન હતો.

આ સિવાય પોલીસ અન્ય એક ઍંગલની તપાસ કરી રહી છે કે શું તેમણે કોઈ ભૂવા કે તાંત્રિકના કહેવા પર આ પૂજા કરી હતી કે કેમ?

આ વિશે રાજકોટ (ગ્રામ્ય)ના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા કહે છે, "અમે હેમુભાઈની કૉલ ડિટેઇલ કાઢી રહ્યા છીએ. જેથી તેઓ કોઈ તાંત્રિકના સંપર્કમાં હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે લખેલી ચિઠ્ઠીમાં જે અક્ષરો છે તેની પણ તપાસ કરી રહ્યા છે."

એનસીઆરબીના આંકડા અનુસાર ગુજરાતમાં વર્ષ 2021માં 'મેલીવિદ્યાની પ્રથા'ના કેસમાં હત્યાના બે કેસ નોંધાયા હતા. જોકે બાળ અથવા નરબલિનો એક પણ કેસ નહોતો નોંધાયો.

ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે વિંછીયાના જ સામાજિક કાર્યકર અને પાંચાળ પથક ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ વાળા કહે છે કે તેઓ આ વિસ્તારમાં આ પ્રકારની અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજોને દૂર કરવા આગામી દિવસોમાં જાગૃતિના કાર્યક્રમ કરશે.

ત્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતા વિજ્ઞાન જાથાના ચૅરમૅન જયંત પંડ્યાએ આ ઘટનાની નિંદા કરી. તેમણે કહ્યું કે "વિછિયાની આ ઘટનામાં બહુ ક્રૂરતા સાથે પતિપત્નીએ નરબલિ આપી હોવાની વાત સામે આવી છે. સવાલ એ છે કે આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ."

"રાજ્યમાં વારંવાર અંધશ્રદ્ધાનો બનાવ બને છે. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરવું જરૂરી છે."

તેમણે કહ્યું કે, "તંત્રવિદ્યામાં કંઈક મેળવવા માટે કરવામાં આવેલાં કૃત્યોમાં માનવના જીવ જાય છે. ભારતમાં તંત્રવિદ્યાની અંદર માનનારો વર્ગ મોટો છે. સરકારે ઠોસ કદમ ઉઠાવીને કડક પગલાં લેવાની જરૂર છે."

ગુજરાતના આદિવાસી અને દલિત વિસ્તારમાં અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરતા સામાજિક કાર્યકર જે એમ મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કર્ણાટક અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ અંધશ્રદ્ધા વિરૂદ્ધ કાયદો બનવો જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે "ગુજરાતમાં જેમ પશુબલિ વિરૂદ્ધ કાયદો બન્યા પછી કુકડા અને બકરાની બલિ આપવાનું રોકી શકાય છે એમ આવો કાયદો બન્યા પછી અંધશ્રદ્ધા ફેલાવનારા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે તો આવા કમળપૂજા જેવા કિસ્સાઓને રોકી શકશે અને અંધશ્રદ્ધા ફેલાવનારા ભૂવા અને તાંત્રિકો પર અંકુશ લાવી શકાશે."

ધાર્મિક ચમત્કાર અને અંધશ્રદ્ધા

આ પહેલાં પણ વર્ષ 1995માં આ જ રીતે જામજોધપુર પાસેના એક શિવમંદિરમાં લાલજી નામક યુવાને 'કમળ પૂજા' કરીને પોતાનું મસ્તક કાપી નાખ્યું હતું.

તાજેતરમાં ઑક્ટોબર 2022માં ગીર સોમનાથના ધવપીર ગામમાં એક સગીર યુવતીની એના પિતાએ બલિ ચઢાવી હતી.

આ પ્રકારની અંધશ્રદ્ધા અને ધાર્મિક ચમત્કારમાં માનતા લોકોની માનસિકતા વિશે વાત કરતા મનોચિકિત્સક ડૉ. ગોપાલ ભાટિયા કહે છે, "તેના મૂળમાં શિક્ષણનો અભાવ છે. ઓછું ભણેલા લોકોના મગજમાં ધાર્મિક ચમત્કાર અને અંધશ્રદ્ધાઓ ઘર કરી જાય છે. માણસની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય, એ ક્યારેય શક્ય નથી. માણસ તેના સમાધાન માટે રસ્તા શોધતો હોય છે."

"એવામાં નાનપણથી જે ધર્મની વાતો તેમના મગજમાં ઠોસી દીધી હોય છે, એ તેમને સાચી લાગવા લાગે છે અને એ મુજબ તેઓ પગલાં ભરી બેસતા હોય છે. આ એક પ્રકારનો ડિસઑર્ડર છે. જેના કારણે લોકો પોતાનું ભાન ભૂલી જાય છે."