ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુ બાદ હવે દેશ કોના હાથમાં?

ઇમેજ સ્રોત, EPA
ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીનું એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે જેના કારણે દેશમાં નવેસરથી રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની સંભાવનાએ આકાર લીધો છે.
પરંતુ કટ્ટરપંથી મૌલવી તરીકે ઓળખાતા આ નેતાના આકસ્મિક અવસાનથી આ ઇસ્લામિક દેશના રાજકારણ પર નોંધપાત્ર અસર થવાની વધુ અપેક્ષા નથી. કારણ કે આ દેશમાં સત્તા આખરે દેશના સર્વોચ્ચ નેતા પાસે જ રહે છે.
હવે ઈરાનમાં શું થશે?

સામાન્ય રીતે જોઈએ તો જ્યારે રાષ્ટ્રપતિ બીમારી, મૃત્યુ અથવા મહાભિયોગ અને સંસદ દ્વારા હઠાવવાના કારણે તેમની ફરજો નિભાવવામાં અસમર્થ નીવડે ત્યારે શું કરવું એ અંગે ઈરાનના બંધારણમાં સ્પષ્ટ નિર્દેશો છે.
રઈસીના મૃત્યુ પછી દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખેમેઈનીએ દેશને ચલાવવા માટે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરની નિમણૂક કરી છે.
મોખ્બર એ નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણીનું આયોજન કરશે. તેના માટે તેઓ સંસદ અને ન્યાયપાલિકાના વડાઓ સાથે કામ કરશે. આ ચૂંટણી 50 દિવસની અંદર યોજાય તેવી શક્યતા છે.
છેલ્લે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ માટેના તમામ ગંભીર પ્રતિસ્પર્ધીઓને ચૂંટણી લડતાં અટકાવવામાં આવ્યાં હતાં. જેના કારણે રઈસી સૌથી ઓછા મતદારો સાથે પણ સત્તા મેળવવામાં સફળ થયા હતા.
બહુમતી લોકોએ એ ચૂંટણી પહેલેથી જ ફિક્સ હોવાની વાત કરીને તેનો બહિષ્કાર કર્યો હતો.
ઈરાનના સુપ્રીમ લીડરના હાથમાં કેટલી તાકાત છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ અયાતુલ્લાહ ખમેનેઈની મનાય છે જેઓ 1989થી દેશના સુપ્રીમ લીડર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ રાજ્યના વડા અને કમાન્ડર-ઇન-ચીફ છે.
તેમની પાસે ‘નેશનલ પોલીસ’ અને ‘મોરાલિટી પોલીસ’ પણ છે.
અયાતુલ્લાહ ખમેનેઈની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કૉર્પ્સ (IRGC)ને નિયંત્રિત કરે છે, જે આંતરિક સુરક્ષાનો હવાલો ધરાવે છે. તેની સ્વયંસેવક પાંખ બસિજ રૅઝિસ્ટન્સ ફૉર્સ - ઈરાનમાં અસંમતિના અવાજને ડામવા માટે વપરાય છે.
રાષ્ટ્રપતિના હાથમાં કેટલી સત્તા છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ ચૂંટાયેલા હોય તેવા સૌથી ટોચના અધિકારી ગણાય છે અને સુપ્રીમ લીડર પછી બીજા ક્રમે તેઓ આવે છે.
તેઓ સરકારના રોજિંદા સંચાલન માટે જવાબદાર છે અને સ્થાનિક નીતિનિર્ધારણ તથા વિદેશી બાબતો પર પણ તેમનો નોંધપાત્ર પ્રભાવ છે.
જોકે, તેમની શક્તિઓ પ્રમાણમાં મર્યાદિત છે. ખાસ કરીને સુરક્ષા બાબતોમાં તેમની પાસે સંપૂર્ણ શક્તિઓ નથી.
રાષ્ટ્રપતિનું આંતરિક મંત્રાલય રાષ્ટ્રીય પોલીસ દળનું સંચાલન કરે છે. જોકે, તેના કમાન્ડરની નિમણૂક સુપ્રીમ લીડર દ્વારા કરવામાં આવે છે તથા તે તેને જ જવાબદાર હોય છે.
ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કૉર્પ્સ અને બસિજના કમાન્ડર પણ આ જ રીતે નક્કી થાય છે.
રાષ્ટ્રપતિની સત્તાઓ સંસદને આધિન હોય છે. સંસદમાં નવા કાયદાઓ રજૂ થાય છે.
તો બીજી તરફ ગાર્ડિયન કાઉન્સિલમાં સુપ્રીમ લીડરના નજીકના સાથી હોય છે. આ કાઉન્સિલ નવા કાયદાઓને મંજૂરી આપવાનું કામ કરે છે અને તેના પર વીટો પણ ચલાવી શકે છે.
કઈ રીતે ઈરાનમાં સરકારની સત્તાને પડકાર મળ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના સખત ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવાને કારણે 22 વર્ષીય મહસા અમીનીની મોરાલિટી પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ ફાટી નીકળેલાં વિરોધપ્રદર્શનોને કારણે ઈરાનની સત્તા ધ્રૂજી ગઈ હતી.
માનવઅધિકાર સંગઠનોનું કહેવું છે કે આ પ્રદર્શનોમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારો લોકોને કેદ કરવામાં આવ્યા હતા.
ધીમેધીમે આ ડ્રેસ કોડથી ચાલુ થયેલો વિરોધ ફેલાતો ગયો અને તે સત્તા વિરોધી ગુસ્સામાં પરિવર્તિત થઈ ગયો.
મોરાલિટી પોલીસ શું છે?
મોરાલિટી પોલીસ અથવા તો ગાઇડન્સ પૅટ્રોલ્સ એ ઈરાનની નેશનલ પોલીસનો જ એક ભાગ છે.
આ દળની સ્થાપના 2005માં કરવામાં આવી હતી. તેની પાછળનો ઉદ્દેશ્ય ઇસ્લામિક સિદ્ધાંતો અને કાયદાઓનું પાલન કરાવવાનો હતો. ખાસ કરીને ડ્રેસ કોડ જેવા નિયમો કે જેઓ 1979ની ઈરાની ક્રાંતિ પછી અમલમાં આવ્યા હતા.
એક અનુમાન પ્રમાણે આ દળમાં રહેલા સાત હજારથી વધુ પુરુષ અને મહિલા અધિકારીઓ પાસે ચેતવણી, દંડ અને શંકાસ્પદોની ધરપકડ કરવાની સત્તા છે.
2022ના વિરોધપ્રદર્શનો પહેલાં જ રાષ્ટ્રપતિ રઈસીએ ઈરાનના ‘હિજાબ અને પવિત્રતા કાનૂન’ને વધુ કડક બનાવવાનો આદેશ આપ્યો હતો.
મહિલાઓ પર નજર રાખવા માટે અનેક જગ્યાએ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા હતા. હિજાબના નિયમોનો સોશિયલ મીડિયા પર વિરોધ કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરવાનો નિયમ લાવવામાં આવ્યો હતો.
રિવોલ્યૂશનરી ગાર્ડ્ઝ શું છે?

આઈઆરજીસી એ આંતરિક સુરક્ષા જાળવવા માટે ઈરાનનું મુખ્ય સંગઠન છે. તે હવે 150,000થી વધુ કર્મચારીઓ સાથે દેશમાં એક મુખ્ય લશ્કરી, રાજકીય અને આર્થિક દળ છે.
તેના પોતાનાં ભૂમિદળ, નૌકાદળ તથા વાયુદળ સાથે તે ઈરાનનાં વ્યૂહાત્મક હથિયારોની દેખરેખ રાખે છે.
તેની પાસે કુડ્સ ફૉર્સ નામનું વિદેશી સહાયક દળ છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં તેના સાથીઓને ગુપ્ત રીતે નાણાં, શસ્ત્રો, ટેકનૉલૉજી અને તાલીમ આપે છે.
તે બસિજ રૅઝિસ્ટન્સ ફોર્સને પણ નિયંત્રિત કરે છે.
બસિજ શું છે?
બસિજ રૅઝિસ્ટન્સ ફૉર્સ કે જેને ઔપચારિક રીતે ‘ઑર્ગેનાઈઝેશન ફૉર ધી મૉબિલાઈઝેશન ઑફ ધ ઑપ્રેસ્ડ’ તરીકે ઓળખાય છે. તેની રચના 1979 માં એક સ્વયંસેવક અર્ધલશ્કરી સંગઠન તરીકે કરવામાં આવી હતી.
ઈરાનના દરેક પ્રાંત અને શહેરમાં તેની શાખાઓ છે અને તે દેશની ઘણી સત્તાવાર સંસ્થાઓમાં પણ ફેલાયેલી છે.
તેનાં પુરુષ અને સ્ત્રી સભ્યોને "બસિજ" તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ક્રાંતિ માટે વફાદાર છે અને તે આઈઆરજીસીના આદેશોનું પાલન કરે છે.
લગભગ એક લાખ લોકો આંતરિક સુરક્ષાની આ ફરજ બજાવે છે તેવું માનવામાં આવે છે.
બસિજ સંગઠન એ 2009ની વિવાદિત પ્રમુખપદની ચૂંટણીથી જ સરકાર સામેના વિરોધને દબાવવામાં સતત સક્રિય છે.












