ઈરાની ક્રાંતિનાં 45 વર્ષઃ લોકો શું ઇચ્છતા હતા અને આજે શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અલી હમેદાની
- પદ, બીબીસી પર્શિયન
ઈરાનની ઇસ્લામિક ક્રાંતિની 45મી વર્ષગાંઠ 11 ફેબ્રુઆરી છે. 1979માં પરિવર્તન માટે લડેલા લોકો એ ક્રાંતિ વિશેના તેમના વિચારો અહીં વ્યક્ત કરે છે. કેટલાકને તેનો અફસોસ છે, જ્યારે અન્યો અડગ છે અને માને છે કે તે કરવું યોગ્ય હતું.
સાદેગ ઝિબાકલમે કહ્યું હતું, “45 વર્ષ પહેલાં એકેય ક્રાંતિકારીએ કલ્પના કરી ન હતી કે એક દિવસ એવો આવશે જ્યારે લોકો તેમને ગુનેગાર ગણશે.” સાદેગ એવા લાખો ઈરાની પૈકીના એક છે, જેઓ 1979ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન શાહનો વિરોધ કરવા દેશની શેરીઓમાં ઊતર્યા હતા.
હવે તેની 45મી વર્ષગાંઠ પર ઘણા યુવાનો ઈરાનના નેતાઓ, ક્રાંતિ અને તેને ટેકો આપનારાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. 22 વર્ષીય મહસા અમીનીનું મૃત્યુ, તેમને મોરાલિટી પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યાં એ પછી 2022માં થયું હતું અને તેને પગલે શાસન સામેના વિરોધને વેગ મળ્યો હતો.
માનવાધિકારોના ઉલ્લંઘન, સામાજિક સ્વતંત્રતા પર નિયંત્રણ અને ઈરાનના અર્થતંત્રની હાલતે પણ અસંતોષની લાગણીમાં ફાળો આપ્યો છે.
ઈરાનની પરમાણુ પ્રવૃત્તિ પર પશ્ચિમ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો નુકસાનકારક સાબિત થયા છે. જાન્યુઆરીમાં ફુગાવો 43 ટકા થઈ ગયો હતો. એ પછી પ્રદેશમાંના ઈરાન સમર્થિત જૂથો પર અમેરિકાએ હુમલા કર્યા છે.
યુવા પેઢીના કેટલાક લોકો ક્રાંતિકારીઓએ ઈરાન માટે અપનાવેલા માર્ગને દોષી ઠેરવે છે અને સવાલ કરે છે કે તેઓ ખરેખર આ સ્થિતિ માટે લડ્યા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા ઝિબાકલમે કહ્યું હતું, “હું જીદ, નફરત, અભિમાન અને પૂર્વગ્રહથી આવું નથી કહેતો, પરંતુ હું 1979માં પાછો જઈશ તો ફરીથી તે જ કરીશ અને ક્રાંતિમાં ભાગ લઈશ.”
“અમે શું ઇચ્છતા હતા? અમે મુક્ત ચૂંટણી ઇચ્છતા હતા. અમને કોઈ રાજકીય કેદીઓ જોઈતા નથી. અમે ઇચ્છીએ છીએ કે દેશનું નેતૃત્વ કરનાર વ્યક્તિ તે ઇચ્છે એ ન કરે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ દેશની વર્તમાન સમસ્યાઓ માટે ક્રાંતિને નહીં, પરંતુ ઈરાનના નેતાઓને જવાબદાર માને છે.
તેમણે કહ્યું હતું, “મેં અને મારા જેવા લોકોએ તે ભૂલ કરી હતી કે સ્વાતંત્ર્ય તથા લોકશાહી જેવા ક્રાંતિના લક્ષ્યને અનુસરવાને બદલે અમે ‘ડેથ ટુ અમેરિકા’ અને ‘ડેથ ટુ ઇઝરાયલ’ તથા ‘અમે ઇઝરાયલને ખતમ કરીશું’ જેવાં સામ્રાજ્યવાદ વિરોધી સૂત્રોને અનુસર્યા હતા.”
તેમના કહેવા મુજબ, જે સિદ્ધાંતો માટે તેઓ 1970ના દાયકામાં લડ્યા હતા તેમાં તેમને આજે પણ વિશ્વાસ છે. દેશની “વીમેન, લાઇફ, ફ્રીડમ” ચળવળના ક્રૂર દમનનો વિરોધ કર્યા પછી ગયા વર્ષે તેમણે તહેરાન યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના શિક્ષક તરીકેની નોકરી ગુમાવવી પડી હતી.
તેમણે સમજાવ્યું હતું કે 45 વર્ષ પહેલાં આઝાદી એ હતી, જેનું વચન ઇસ્લામિક ગણતંત્રના સ્થાપક આયાતુલ્લા રુહોલ્લાહ ખોમેનીએ તેમને અને તેમના સાથી ક્રાંતિકારીઓને વારંવાર આપ્યું હતું.
ખોમેનીએ 1978માં ફ્રાન્સમાં દેશનિકાલ દરમિયાન આપેલા ભાષણમાં કહ્યું હતું, “સ્વતંત્રતા લોકોનો અધિકાર છે. દેશની સ્વતંત્રતા દરેકનો અધિકાર છે. તેમણે કોઈ વ્યક્તિને કેદ કરવી જોઈએ નહીં અને મુક્તપણે બોલતી અટકાવવી જોઈએ નહીં.”
હવે આ ભાષણો સાંભળવાથી ઘણાને, ખાસ કરીને ખોમેનીના યુગનો અનુભવ ન ધરાવતી પેઢીના લોકોને કાર્યકરો અને વર્તમાન વહીવટીતંત્ર વચ્ચેના સંઘર્ષનો વિચાર આવે છે.
ક્રાંતિમાં શાહ અને ખોમેનીની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
મોહમ્મદ રેઝા પહલવીએ ઈરાનના રાજા તરીકે 37થી વધુ વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમણે પશ્ચિમીકરણ, આર્થિક વૃદ્ધિના તેમજ ઈરાનના પ્રાચીન વારસા અને પૂર્વ-ઇસ્લામિક ઇતિહાસમાં રાષ્ટ્રીય ગૌરવ જગાવવાના નક્કર પ્રયાસ કર્યા હતા.
1960ના દાયકામાં મહિલાઓને મતાધિકાર મળ્યો હતો અને પુરુષ સમાન અધિકારો મળ્યા હતા. નાઇટ ક્લબ્સ અને કેબરે સાથેનું તહેરાન પાર્ટી સિટી તરીકે ઓળખાતું થયું હતું તથા ઈરાન પર્શિયન વાઇનની નિકાસ કરતું હતું.
જોકે, આવી સામાજિક સ્વતંત્રતા છતાં શાહે તેમની આપખુદ શૈલી અને લોકશાહીના અભાવ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
ઇસ્લામિક મૂલ્યોને નબળા પાડવા બદલ શિયા મુસ્લિમ ધર્મગુરુઓ તેમની ટીકા કરતા હતા, જ્યારે ઈરાનના ઉત્તરી પાડોશી સોવિયેત સંઘથી પ્રભાવિત ડાબેરી સમૂહો દેશમાં વધુ સમાનતાનું આહ્વાન કરતા હતા.
ઈરાનને સંપૂર્ણપણે બદલી નાખે તેવી ક્રાંતિની કલ્પના 1978ના મધ્ય સુધી કેટલાક લોકોએ જ કરી હતી, પરંતુ ક્રાંતિ થઈ ત્યારે ડાબેરી બુદ્ધિજીવીઓ, રાષ્ટ્રવાદીઓ, બિનસાંપ્રદાયિકતાવાદીઓ અને ઇસ્લામવાદીઓ તેમાં સામેલ થઈ ગયા હતા.
વર્ષ આગળ વધ્યું તેમ શાહવિરોધી પ્રદર્શનકર્તાઓએ પોતાની માગ ધાર્મિક સંદર્ભમાં વધારવાનું શરૂ કર્યું હતું. વર્ષના અંત સુધીમાં તો રસ્તાઓ પર ઇસ્લામી બયાનબાજીએ જોર પકડ્યું હતું.
ખોમેનીએ ખુદને ઇસ્લામી સરકારના વિવિધ પાસાંને એકત્ર કરતી મુખ્ય વ્યક્તિ તરીકે રજૂ કર્યા હતા. લાખો લોકો તેમને એક એવી પવિત્ર વ્યક્તિ તરીકે પૂજતા હતા, જે ઈરાનને પવિત્ર કુરાનમાં આપવામાં આવેલા વચન અનુસાર ઇસ્લામી સમાજમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરતા હતા. ખોમેનીએ ઈમામ એટલે મુસ્લિમ સમુદાયના વડાનું પદ મેળવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
1979ના ટેલિવિઝન અહેવાલોમાં ભાવનાનો સાગર જોવા મળ્યો હતો, કારણ કે 15 વર્ષના દેશનિકાલ પછી વતન પાછા ફરી રહેલા ખોમેનીને આવકારવા તહેરાનની શેરીઓમાં લાખો લોકોએ લાઈન લગાવી હતી.
વીડિયોઝ દર્શાવે છે કે લોકો તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમની કારને અવરોધતા હતા અને તેમના તરફ કાપડના ટુકડા ફેંકતા હતા.
તેમના આગમન પહેલાં દેશમાં એવી અફવા ફેલાઈ હતી કે લોકો નિર્ધારિત દિવસે રાતે 10 વાગ્યે આકાશમાં નજર કરશે તો તેમને તેમની સફળતાના પ્રતીક તરીકે ખોમેનીનો ચહેરો દેખાશે. ઘણા તેને અનુસર્યા હતા.
હવે દેશનિકાલમાં રહેતા ઈરાનનાં ભૂતપૂર્વ મહારાણી ફરાહ પહલવીએ કહ્યું હતું, “અમે ચોંકી ગયા હતા. અમારી જાતને સવાલ કર્યો હતો કે કયા કારણસર લોકો આવી વાતમાં વિશ્વાસ કરવા પ્રેરાયા હશે.”
ફરાહ પહલવીએ તેમના પતિ અને ત્રણ સંતાનો સાથે 1979માં ‘વેકેશન’ માટે ઈરાન છોડ્યું હતું અને પછી ક્યારેય પાછાં ફર્યાં નહીં.
ક્રાંતિ પૂર્વેનાં અઠવાડિયાંની વાત કરતાં તેમણે કહ્યું હતું, “મારા પતિ માટે, તેમણે દેશ માટે કરેલા તમામ પ્રયાસ પછી આવી ઘટનાઓ જોવી તે ખૂબ નિરાશાજનક હતું.”
તેમના પતિ હવે હયાત નથી. મુખ્યત્વે વિદ્વાનો અને બૌદ્ધિકો પ્રદર્શનમાં ભાગ લેતા હતા, એ નોંધતાં તેમણે કહ્યું હતું, “અમે અમારી જાતને પૂછતા હતા કે કયા પ્રકારનાં સંગઠિત જૂથો લોકોના દિમાગ ભરમાવીને તેમને શેરીઓમાં લાવી રહ્યાં છે.”
ખોમેનીના ટેકેદાર ડાબેરી અને ધર્મવિરોધી જૂથોમાં ઈરાનની સામ્યવાદી તુદેહ પાર્ટી પણ હતી. હાલ લંડનમાં રહેતા શાહરાન તાબારી તે પક્ષના સભ્ય હતા અને તેમના કાકા પક્ષના નેતા હતા.
શાહને ઊથલાવવાના નિર્ણય બાબતે તાબારી હવે સવાલ ઉઠાવે છે. તેમણે કબૂલ્યું હતું, “લોકશાહી શું છે તે અમને સમજતા ન હતા.” તેમના કહેવા મુજબ, જે થઈ રહ્યું હતું તેની સાથે વિરોધ પક્ષના કેટલાક લોકો સહમત ન હતા, પરંતુ મૌન રહ્યા હતા.
તેમણે કહ્યું હતું, “દરેક વ્યક્તિ ગમે તે ભોગે શાહને હટાવવા ઇચ્છતી હતી. એવું કેવી રીતે થયું તે સમજવું મુશ્કેલ છે. એવું લાગતું હતું હતું કે અમારા બધાનું બ્રેઇનવૉશ કરવામાં આવ્યું હતું અને અમારી સાથે ચાલાકી કરવામાં આવી હતી.”
‘સાધનને ન્યાયી ઠેરવે છે અંત’

ઇમેજ સ્રોત, Getty Images
શાહરાન તાબારી સાથે, ક્રાંતિ દરમિયાન તહેરાન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરી ચૂકેલાં હોમા નાતેગ સહમત હતાં. નાતેગનું 2016માં અવસાન થયું હતું. નાતેગ પણ માનતાં હતાં કે તેઓ વ્યક્તિગત રીતે જવાબદાર છે.
ક્રાંતિના ડાબેરી માસ્ટરમાઇન્ડ તરીકે જાણીતા હોમા નાતેગે આ ચળવળને ટેકો આપતાં પુસ્તકો તથા લેખો લખ્યાં હતાં અને તેનું ભાષાંતર કર્યુ હતું.
ક્રાંતિકારીઓએ સત્તા સંભાળ્યાના થોડા મહિનાઓ પછી નાતેગનો ધાર્મિક સત્તાવાળાઓથી મોહભંગ થયો હતો અને તેઓ ફ્રાન્સ ભાગી ગયાં હતાં. ત્યાં તેમણે તેમની ભૂમિકા વિશે ચિંતન કર્યું હતું.
1990ના દાયકાના એક લેખમાં તેમણે લખ્યું હતું, “મારો દોષ અન્યો કરતાં વધારે હોઈ શકે, કારણ કે ક્રાંતિ દરમિયાન મેં એક શિક્ષક અને સંશોધક બન્નેની ભૂમિકા ભજવી હતી. અફસોસની વાત એ છે કે હું મારા વિચારો તથા જ્ઞાનને ત્યાગીને આવેશમાં આવી ગઈ હતી અને શેરીઓમાં લોકોની સાથે ભળીને ભીડની અજ્ઞાનતામાં મારી જાતને ગોઠવી હતી.”
એ સમયે તેમણે બીબીસીને સંખ્યાબંધ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે તેમના કામને લીધે લોકો શાહને ઊથલાવી દેવા ઉશ્કેરાયા હતા. તેમણે જણાવ્યુ હતું કે તેમણે 1970ના દાયકામાં જે લખ્યું હતું તેની સાથે તેઓ હવે સહમત નથી.
તેમણે કહ્યું હતું, “અંત સાધનને ન્યાયી ઠેરવે છે. અમે આઝાદી માટે પોકાર કરતા હતા, પરંતુ અમને તેના સાચા અર્થની બહુ ઓછી સમજ હતી. હું કે આઝાદીની ચર્ચા કરતી કોઈ અન્ય વ્યક્તિ તેના સારને સમજ્યા ન હતા. અમે તેની વ્યાખ્યા અમારા હિતની અનુકૂળતા મુજબ કરી હતી.”
જોકે, લોકોને બ્રેઇનવૉશ કરવામાં અને છેતરવામાં આવ્યા હોવાની વાતને સાદેગ ઝિબાકલમ નકારી કાઢે છે.
તેમણે કહ્યું હતું, “એવું બિલકુલ ન હતું. માત્ર પિક્ચર્સ જુઓ. તેઓ અજાણ હતા એવો દાવો તમે ન કરી શકો. ક્રાંતિકારીઓ કોણ હતા? તેઓ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના પ્રોફેસરો હતા. તેઓ પ્રચારથી દોરવાઈ ગયા હોવાનું કહેવું અનાદરજનક લાગે છે.”
તેમ છતાં ક્રાંતિ પછી વિવિધ ડાબેરી જૂથો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમના સભ્યો અને કેટલાક અગ્રણી ક્રાંતિકારીઓ, જેમણે ખોમેનીને ઇસ્લામિક રિપબ્લિક સ્થાપવામાં મદદ કરી હતી તેમને ફાંસી આપવામાં આવી હતી, કારણ કે તેઓ માનતા હતા કે “ટીકા વર્તમાન શાસન પ્રત્યેના લોકોના અસંતોષમાંથી જન્મે છે.”
ઈરાનના નેતાઓ કહે છે કે ક્રાંતિએ ઈરાનને વિદેશી પ્રભુત્વ, ખાસ કરીને અમેરિકા તથા પશ્ચિમી શક્તિઓથી મુક્ત કરાવ્યું છે. તેઓ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અને આત્મનિર્ભર સંરક્ષણના પુરાવા તરીકે રાષ્ટ્રીય શસ્ત્ર ઉદ્યોગની સ્થાપના તરફ આંગળી ચીંધે છે. તેઓ ખાસ કરીને ગરીબ લોકોની આરોગ્ય સંભાળ અને શિક્ષણમાં સુધારાનું શ્રેય લે છે.
‘હું કડવાશ સાથે લઈ જવા ઇચ્છતી નથી’

ઇમેજ સ્રોત, Getty Images
પહલવી શાસનનો અંત લાવનાર ક્રાંતિના ચાર દાયકા પછી ઇસ્લામિક રિપબ્લિકે નવી સમસ્યાનો સામનો કરવો પડે છે, કારણ કે કેટલાક વિરોધ પ્રદર્શનકર્તાઓ પહલવી રાજાઓની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા છે.
“રેઝાસાહેબ, તમારા આત્માને આશીર્વાદ” અને “રાજા વિના ઈરાન યોગ્ય નથી,” એવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે.
એ ઉપરાંત કેટલાક ભૂતપૂર્વ ક્રાંતિકારીઓ માફી માગી રહ્યા છે.
ભૂતપૂર્વ મહારાણી ફરાહ પહલવીએ કહ્યું હતું, “ઘણાં વર્ષોના પ્રચાર છતાં રાજાએ ઈરાન માટે શું કર્યું હતું તે લોકો હવે સમજે છે, તે ખૂબ જ પ્રોત્સાહક છે. ઘણા લોકો મને ઈમેલ કરીને જણાવે છે કે તેમણે ક્રાંતિમાં ભાગ લીધો હતો, પરંતુ હવે તેમને પસ્તાવો થાય છે. તેઓ મને માફી આપવા કહે છે.”
મેં પૂછ્યું, “તમે તેમને માફ કરશો?”
તેમણે કહ્યું હતું, “ઑફકોર્સ, કારણ કે હું કડવાશ સાથે લઈ જવા ઇચ્છતી નથી.”












