ભોપાલની હૉસ્ટેલમાંથી 26 છોકરી 'ગાયબ' થતાં હોબાળો, શું છે મામલો?

ભોપાલ

ઇમેજ સ્રોત, SHURIAH NIAZI/BBC

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, બીબીસી માટે, ભોપાલથી

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની નજીક તારાસેવનિયા ગામમાં ચાલતી હૉસ્ટેલમાંથી ગાયબ થયેલી છોકરીઓ મળી ગઈ છે. છોકરી તેમના પરિવારો સાથે સુરક્ષિત છે.

પોલીસે હૉસ્ટેલના સંચાલક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને સંપૂર્ણ ઘટનાની તપાસ કરી રહી છે.

આ ઘટનામાં બેદરકારીના આરોપને કારણે પ્રોજેક્ટ ઑફિસર સહિત અન્ય બે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શનિવારે ખબર પડી કે હૉસ્ટેલમાં કુલ 68 છોકરીનાં નામ હતાં પણ માત્ર 41 છોકરી જ હાજર હતી.

26 છોકરીના ગાયબ થવાની માહિતી મળતા સાથે જ પ્રશાસન સક્રિય બન્યું હતું અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.

હૉસ્ટેલના સંચાલકે જણાવ્યું કે આ છોકરીઓને તેમનાં માતા-પિતાને સોંપી દેવાઈ છે પરંતુ આ વાતનું સમર્થન કરતા દસ્તાવેજો તેઓ આપી શક્યા નહોતા.

પોલીસનું શું કહેવું છે?

ભોપાલ

ઇમેજ સ્રોત, SHURIAH NIAZI/BBC

ભોપાલ ગ્રામીણના પોલીસ અધીક્ષક પ્રમોદકુમાર સિન્હાએ કહ્યું, “અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ આ 26 છોકરીઓ હૉસ્ટેલમાં પોતાનું નામ દાખલ કરાવીને પોતાનાં માતા-પિતા સાથે રહેવા જતી રહી હતી. અત્યારે તપાસ ચાલી રહી છે.”

તેમણે ઉમેર્યું કે આ ઘટના સાથે જોડાયેલા તમામ લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે અને પછી જ તપાસ આગળ વધશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું, “અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે છોકરીઓ સાથે મારપીટ કે તેમના યૌનશોષણની કોઈ વાત સામે આવી નથી.”

આ ઘટનાની ધર્માંતરણના દૃષ્ટિકોણથી પણ તપાસ થઈ રહી છે. એવા આરોપ લાગી રહ્યા છે કે આ ઘટના પાછળ ધર્માંતરણ પણ એક કારણ હોઈ શકે છે.

છોકરીઓ ગુમ થવાની વાત કેવી રીતે બહાર આવી?

પ્રિયંક કાનૂનગો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ પ્રિયંક કાનૂનગો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસને મળેલી જાણકારી અનુસાર “આંચલ” નામની આ હૉસ્ટેલમાં કુલ 68 છોકરીનાં નામ હતાં. જોકે રાજ્ય બાળસંરક્ષણ આયોગના અધ્યક્ષ અને સભ્યો જ્યારે નિરીક્ષણ કરવા માટે શુક્રવારે હૉસ્ટેલ પહોંચ્યા ત્યારે માત્ર 41 છોકરીઓ જ હાજર હતી.

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ આ મામલે એક પત્ર લખીને મુખ્ય સચિવ વીરા રાણા પાસેથી સાત દિવસની અંદર આ ઘટના વિશે રિપોર્ટ માગ્યો છે.

આરોપ એવા છે કે આ હૉસ્ટેલ કોઈ પણ મંજૂરી વગર ચાલી રહી હતી.

કાનૂનગોએ પોતાના પત્રમાં લખ્યું કે હૉસ્ટેલના નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે આ હૉસ્ટેલ ન તો નોંધાયેલી છે, ન તો માન્ય. જે છોકરીઓ આ હૉસ્ટેલમાં રહે છે તે પણ બાળકલ્યાણ સમિતિના આદેશ વગર જ રહે છે.

પ્રિયંક કાનૂનગોનો આરોપ છે કે હૉસ્ટેલના સંચાલકે આ છોકરીઓને ગેરકાયદે રાખી છે અને આ હૉસ્ટેલનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવેલું નથી.

હૉસ્ટેલના સંચાલક પર એવા પણ આરોપ છે કે હૉસ્ટેલમાં અનેક ધર્મની છોકરીઓ રહેતી હતી પરંતુ પ્રાર્થના માત્ર ખ્રિસ્તી ધર્મ પ્રમાણે જ થતી હતી.

હૉસ્ટેલમાં છોકરીઓની સુરક્ષા માટે પણ કોઈ વ્યવસ્થા જોવા મળી નહોતી.

કેવી છે આ હૉસ્ટેલ?

ભોપાલ

ઇમેજ સ્રોત, SHURIAH NIAZI/BBC

આ હૉસ્ટેલ ખ્રિસ્તી મિશનરી સંચાલિત છે અને સંચાલક અનિલ મૅથ્યુ છે.

મધ્ય પ્રદેશ સિવાય બીજા રાજ્યની છોકરીઓ પણ આ હૉસ્ટેલમાં રહે છે. રાજ્ય બાળઆયોગની ટીમના મતે મોટા ભાગની છોકરીઓ હિંદુ છે. ઉપરાંત અમુક છોકરીઓ મુસ્લિમ અને ખ્રિસ્તી પણ છે.

હાલમાં મળી રહેલી જાણકારી પ્રમાણે આ હૉસ્ટેલને સંચાલિત કરતી સંસ્થા પહેલાં રેલવે ચાઇલ્ડ લાઇન પણ ચલાવતી હતી.

રાજ્ય બાળઆયોગનાં સભ્ય નિવેદિતા શર્માને જ્યારે આ હૉસ્ટેલની અનિયમિતતા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “આ હૉસ્ટેલ જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ નોંધાયેલી નથી. સંચાલકે પહેલાં ના પાડી દીધી કે ત્યાં કોઈ અનાથ બાળકો નથી રહેતાં પણ વાતચીતમાં એ સામે આવ્યું કે ત્યાં કેટલીક છોકરીઓ છે જેમનાં માબાપ નથી.”

નિવેદિતા શર્માએ જણાવ્યું કે આ હૉસ્ટેલમાં પ્રાર્થના માત્ર ખ્રિસ્તી ધર્મ અનુસાર જ થતી હતી પણ ત્યાં માત્ર બે ખ્રિસ્તી અને કેટલીક મુસ્લિમ છોકરીઓ હતી, જ્યારે બાકીની બધી છોકરીઓ હિંદુ જ હતી.

નિવેદિતાએ કહ્યું કે અમે આ છોકરીઓનાં માતા-પિતા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યાં છીએ.

તેમણે જણાવ્યું, “સૌથી મહત્ત્વની વાત એ છે કે જે સ્થાનિક છોકરીઓ છે તેમનાં માતા-પિતાએ પણ પોતાની છોકરી વિશે જાણકારી મેળવવા માટે પ્રયત્ન કર્યો નથી.”

ખ્રિસ્તી મિશનરી સંસ્થા નિશાને?

ભોપાલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

એક સામાજિક કાર્યકરે નામ ન છાપવાની શરતે બીબીસીને કહ્યું કે આ વિષય પર તપાસ પછી જ સત્ય સામે આવશે.

જોકે તેમણે જણાવ્યું કે ખ્રિસ્તી મિશનરી સંચાલિત સ્કૂલ અને હૉસ્ટેલો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષના નિશાના પર શરૂઆતથી છે.

ખ્રિસ્તી સમુદાયના લોકોએ રાજ્યના સાગર વિસ્તારમાં ગયા વર્ષે પ્રદર્શન કર્યું હતું અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ પર તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

સાગરસ્થિત સેન્ટ ફ્રાન્સિસ સેવાધામ સંસ્થા પર આયોગના અધ્યક્ષ કાનૂનગોએ ધર્માંતરણ અને ગેરકાયદે પ્રવૃત્તિનો આરોપ લગાવ્યો હતો.

સંસ્થાએ આ આરોપોને આધારહીન ગણાવ્યા હતા.

આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સૌથી પહેલા આ ઘટના પર કાર્યવાહી કરવા સરકારને કહ્યું છે.

સોશિયલ મીડિયા એક્સ પર તેમણે લખ્યું, “ભોપાલના પરબલિયા ક્ષેત્રમાં કોઈ પણ મંજૂરી વગર ચાલતા બાળગૃહમાંથી 26 છોકરીઓ ગાયબ હોવાની ઘટના મારા ધ્યાનમાં આવી છે. આ ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા સરકારને જલદી કાર્યવાહી કરવા માટે આગ્રહ કરું છું.”

આના જવાબમાં કૉંગ્રેસે આ ઘટના પર ભાજપ સરકાર પર હુમલો કર્યો છે.

કૉંગ્રેસના નેતા સજ્જનસિંહ વર્માએ આરોપ લગાવ્યો કે જ્યારે જ્યારે ભાજપની સરકાર રહી છે ત્યારે આ પ્રકારના ગેરકાયદેર બાળસંરક્ષણગૃહો ઝડપથી વધે છે.

તેમણે કહ્યું, “ધર્માંતરણની સાથે-સાથે માનવતસ્કરીનો ઘૃણાસ્પદ ખેલ ચાલી રહ્યો છે. અનૈતિક પ્રવૃત્તિઓ ઘણી છે. ભાજપ ધર્મના નામે રાજનીતિ કરે છે અને તેમના શાસનમાં આવી પ્રવૃત્તિઓ થાય છે તે શરમજનક છે.”