You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ભારે વરસાદથી તારાજી, 23871 લોકોનું સ્થળાંતર, કેટલાંય ગામ અને શહેર બેટમાં ફેરવાયાં
ગુજરાતમાં ત્રણ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદથી ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 48 કલાકથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને પ્રમાણમાં ઘટાડો ન થતાં કેટલાંય ગામડાં અને શહેરો બેટમાં ફેરવાઈ ગયાં છે.
જળમગ્ન રસ્તાઓ, લોકો ફસાયા હોય અને મદદની રાહ જોતાં હોય, વાહનો ધસમસતા પાણીમાં અટવાઈ ગયા હોય અને હાઈવે પર વાહનોની લાંબી કતાર હોય એવા દૃશ્યો સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર જોવા મળી રહ્યાં છે.
સૌરાષ્ટ્ર ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં સર્વત્રિક ધોધમાર વરસાદ પડતા જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો હતો. નદીઓનું પાણી નજીકના વિસ્તારોમાં પ્રવેશતા લોકોએ સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી હતી.
ગુજરાત સરકાર અનુસાર ભારે વરસાદના કારણે અત્યાર સુધી 23,871 લોકોને સુરક્ષિત સ્થળે ખેસડવામાં આવ્યા છે. વડોદરા અને જામનગરમાં રેસ્ક્યુ માટે ઍરફોર્સને તહેનાત કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 1696 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલા આંકડા મુજબ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે બે દિવસમાં કુલ 16 લોકોનાં મૃત્યુ થયાં.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં વરસાદને કારણે ઊભી થયેલી પૂર જેવી પરિસ્થિતિ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજ્યા સરકારને પ્રાકૃતિક આપદાની અસરોને ઘટાડવા માટે જરૂર પગલાં લેવાની વિનંતી કરી છે.
વરસાદે સૌરાષ્ટ્રને ધમરોળ્યું
રવિવાર સાંજથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે પંથકના મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 454 મિલીમીટર વરસાદ પડ્યો છે. જામનગર તાલુકામાં 387 મિલીમીટર, જામજોધપુર તાલુકામાં 329 મિલીમીટર, લાલપુર તાલુકામાં 324 મિલીમીટર, રાણાવાવ તાલુકામાં 292 મિલીમીટર અને કાલાવાડ તાલુકામાં 284 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્ર પંથકના 13 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 240 મિલીમીટર અથવા તેના કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 26 તાલુકાઓ એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 100 મિલીમીટર કરતાં વધારે વરસાદ થયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર-ગાંધીનગર અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકામાં 4 ઇંચથી વધુ, 8 તાલુકામાં 3 ઇંચથી વધુ, 27 તાલુકામાં 2 ઇંચથી વધુ તેમજ 95 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 105 ટકાથી વધુ નોંધાયો છે.
ગુજરાત સરકારના માહિતી વિભાગ અનુસાર રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે 76 જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયાં છે અને 46 જળાશયોમાં 70 ટકાથી પાણીની આવક થઈ ગઈ છે. રાજ્યનાં કુલ 207 જળાશયોમાં કુલ ક્ષમતાની સામે 78 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
ખેતીને વ્યાપક નુકસાન
ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતી છે. સૌરાષ્ટ્રમાં મોટા ભાગનાં ગામોમાં ખેતરમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવવાનો વારો આવી શકે છે.
બીબીસી સહયોગી સચીન પીઠવા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં આવેલાં ગામોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થવાનો અંદાજ છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે જેની સીધી અસર પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર પડી શકે છે.
"નળકાંઠાનાં 20 ગામો જેમ કે નાની કઠેચી, મોટી કઠેચી, રાણાગઢ અને સાંકળમાં ખેતરોમાં ત્રણથી ચાર ફીટ પાણી ભરાઈ ગયાં છે. ખેતરોમાં વાવવામાં આવેલા કપાસ, મગફળી અને અન્ય પાકોને ભારે નુકસાન થઈ શકે છે. વરસાદ સતત પડી રહ્યો હોવાના કારણે ખેડૂતો હજુ સુધી નુકસાનનો અંદાજ મેળવી શક્યા નથી."
ભારે વરસાદના કારણે મોરબી અને માળિયા તાલુકાના અંદાજિત 50 જેટલાં ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે.
બીબીસી સહયોગી રાજેશ આંબલિયા અનુસાર મોરબી - માળિયા હાઈવેની બંને તરફનાં ગામોમાં ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મુખ્યત્વે મગફળી અને કપાસની ખેતી કરતા ખેડૂતોનાં ખેતરોમાં ક્યાંક બે ફૂટ તો ક્યાંક ચાર ફૂટ પાણી છે. ખેતરોમાં પાણી ફરી વળતાં મગફળી અને કપાસને મોટું નુકસાન થયું છે. પાણી ઊતર્યા બાદ સરવે થયા પછી નુકસાનીનો સાચો આંક જાણી શકાશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ વરસાદ ક્યાર સુધી પડશે
હજુ ગુજરાતને વરસાદથી જલદી રાહત મળે તેમ નથી લાગી રહ્યું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બુધવારે પણ ભારેથી અતિભારે વરસાદ પડશે.
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે પીટીઆઈને કહ્યું કે, "આજે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોના બધા જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. કાલથી (ગુરુવારથી) અતિભારે વરસાદની આગાહી છે અને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન