You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં જન્માષ્ટમી પર આ વર્ષે આટલો ભારેથી અતિભારે વરસાદ કેમ પડ્યો, શું છે કારણો
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિનામાં બે મહિના વધારે વરસાદ થતો હોય છે અને બે મહિના ઓછો વરસાદ પડતો હોય છે. આ વખતે હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ એટલો અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતની પરંપરા અનુસાર મહિનાને ધ્યાનમાં રાખીને જોઈએ તો જેઠ મહિનામાં ગુજરાતમાં વરસાદની શરૂઆત થતી હોય છે અને અષાઢ તથા શ્રાવણ મહિનામાં વધારે વરસાદ થતો હોય છે. ભાદરવા મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને તડકા નીકળવાના શરૂ થઈ જાય છે.
સામાન્ય વ્યવહારમાં વપરાતા ગ્રેગોરિયન કૅલેન્ડર પ્રમાણે મહિનાની વાત કરીએ તો ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે અને જુલાઈ તથા ઑગસ્ટ મહિનામાં વરસાદ વધારે પડે છે. આ બે મહિનામાં કેટલાક દિવસો ભારેથી અતિભારે વરસાદ પણ પડે છે. જે બાદ સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પરત ફરતું હોવાથી વરસાદનું પ્રમાણ ઘટી જાય છે.
સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીની આસપાસ આ પહેલાં 'હેલી' થતી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવી હેલી જોવા નથી મળી રહી પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં થોડા કલાકોમાં ખૂબ જ વધારે વરસાદ પડી જાય છે. કેટલાક દિવસો સુધી સતત અટક્યા વિના વરસાદ પડતો રહે તેને 'હેલી' કહેવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે ધીમીધારે વરસાદ પડતો હોય છે.
હાલ ગુજરાતમાં જન્માષ્ટમી પર રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં એટલો વરસાદ પડ્યો કે એક જ દિવસ કે કલાકોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે.
ગુજરાતમાં જન્માષ્ટમી પર અત્યંત ભારે વરસાદ કેમ પડ્યો?
ગુજરાતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય રીતે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમને કારણે આવતો હોય છે. સિસ્ટમ બન્યા બાદ તે મધ્ય ભારત પરથી દક્ષિણ રાજસ્થાન કે ગુજરાત પર આવે ત્યારે ભારેથી અતિભારે વરસાદ થતો હોય છે.
સિસ્ટમ જ્યારે રાજસ્થાન કે ગુજરાત પર પહોંચે ત્યારે અરબી સમુદ્રમાંથી તેને મદદ મળે છે એટલે કે અરબી સમુદ્ર પરથી પસાર થતા પવનો ભેજ લઈને આ સિસ્ટમ સાથે ભળે છે અને તેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડતો હોય છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગના વડા અને સહ પ્રાધ્યાપક ડૉ. મનોજ એમ. લુણાગરિયાના જણાવ્યા પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ માટે બે બાબતો અસર કરતી હોય છે, જેમાં એક સિસ્ટમની તીવ્રતા અને બીજી સિસ્ટમ કેટલી ગતીથી આગળ વધી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ જે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે એ મામલે વાત કરતા લુણાગરિયા કહે છે, 'આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બની ગઈ છે, આ સિસ્ટમ હાલ ડીપ ડિપ્રેશનના રૂપમાં ગુજરાત પરથી પસાર થઈ રહી છે એટલે તે વધારે તીવ્ર છે અને તેના કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.'
'બીજું કે સામાન્ય રીતે સિસ્ટમ ઝડપથી આગળ વધે છે અને ગુજરાત પરથી પસાર થઈ જાય છે પરંતુ આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને તેની આગળ વધવાની ઝડપ ઓછી હોવાથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં સતત અતિભારે વરસાદ થઈ રહ્યો છે.'
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હેડ રામાશ્રય યાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે આ સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને તેને અરબી સમુદ્રના ભેજવાળા પવનોની તાકાત મળી રહી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને અને સિસ્ટમની ધીમી ગતિને કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.
બીજી તરફ મજબૂત સિસ્ટમ બનતાની સાથે જ મૉન્સૂન ટ્રફ જે ઉત્તર ભારતના વિસ્તારો પર હતી તે તેની દક્ષિણની સામાન્ય સ્થિતિ પર આવી ગઈ છે. એટલે કે મૉન્સૂન ટ્રફ રેખા ગુજરાતની નજીક આવી ગઈ છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા પણ સક્રિય છે. આ તમામ સ્થિતિઓ એકઠી થતાં ગુજરાતમાં જન્માષ્ટમી પર અતિભારે વરસાદ પડી રહ્યો છે.
ગુજરાત પર પહોંચતા પહેલાં આ સિસ્ટમ આટલી મજબૂત કેમ બની?
બંગાળની ખાડીમાં સૌપ્રથમ સર્જાયેલી આ સિસ્ટમ આગળ વધીને બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળના વિસ્તારો પર ત્રણથી ચાર દિવસ સુધી સ્થિર રહી હતી. જેના કારણે બાંગ્લાદેશ અને ત્રિપુરામાં પણ પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
જે બાદ આ સિસ્ટમ ઝડપથી આગળ વધી અને તે બાદ તે મધ્ય પ્રદેશ પર આવીને મજબૂત બની. 25 ઑગસ્ટના રોજ આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હતી. જે બાદ આ સિસ્ટમ આગળ વધીને રાજસ્થાન પર આવી અને ખૂબ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હતી.
રામાશ્રય યાદવના કહેવા પ્રમાણે પશ્ચિમ તરફથી આવતા પવનો નબળા હોવાથી આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધવાને બદલે દક્ષિણ તરફ નમીને આગળ વધી હતી. જેથી તે ગુજરાત પર આવી અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આપી રહી છે.
ત્યારે લુણાગરિયાના કહેવા પ્રમાણે આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર પહોંચી ત્યારે તેને વધારે એનર્જી મળી અને તેના કારણે તે વધારે મજબૂત બની હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસા દરમિયાન લૉ-પ્રેશર એરિયા મજબૂત બનીને ડિપ્રેશન બનતાં હોય છે. જેમાં આ ડિપ્રેશનની શરૂઆત બંગાળની ખાડી, અરબી સમુદ્રમાં થાય છે અથવા સિસ્ટમ જમીન પર આવે પછી મજબૂત બને છે.
આવી મજબૂત સિસ્ટમનો ફેલાવો હજાર કિલોમીટર સુધી હોઈ શકે છે, એટલે કે હાલની એક સિસ્ટમ આખા ગુજરાત પર છવાયેલી છે અને તેના કારણે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે જ્યારે આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધે છે ત્યારે સૌથી વધારે વરસાદ દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં થાય છે. જોકે, સામાન્ય રીતે ચોમાસામાં બનતાં ડિપ્રેશન વાવાઝોડાં પરિવર્તિત થતાં નથી.
હાલ ગુજરાતમાં જેમ જેમ ડીપ ડિપ્રેશનની સિસ્ટમ આગળ વધી રહી છે તેમ-તેમ ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. આ તમામ સ્થિતિઓને કારણે આ વર્ષે જન્માષ્ટમી પર ભારેથી અતિભારે વરસાદ થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન