IPL 2023 : પ્લેઑફ સુધી પહોંચવાનું દિલ્હી કૅપિટલ્સનું સપનું માત્ર પાંચ ઓવરમાં કેવી રીતે રગદોળાઈ ગયું?

પંજાબ આઈપીએલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

હરપ્રીત બરારની અફલાતુન બૉલિંગના કારણે પંજાબ કિંગ્સે આઈપીએલ 2023ની 59મી મૅચમાં દિલ્હી કૅપટિલ્સને 31 રને માત આપી છે.

દિલ્હી કૅપિટલ્સની ટીમ એક સમયે ધીમી પીચ પર 168 રનના લક્ષ્યાંક તરફ સરળતાથી કૂચ કરી રહી હતી પરંતુ પંજાબ કિંગ્સે છેલ્લી પાંચ ઓવરમાં છ વિકેટ લઈને મૅચ જીતી લીધી.

દિલ્હીની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટના નુક્સાને 136 રન બનાવી શકી. પંજાબ માટે હરપ્રીત બરારે 30 રન આપીને ચાર વિકેટ લીધી. એ પહેલાં પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહે ટીમ માટે 103 રન ફટકાર્યા.

પ્રભસિમરન સિંહે બૅટથી અને હરપ્રીત બરાર બૉલથી પોતાની ટીમ માટે મૅચ બદલી નાખી.

આઈપીએલ 2023માં આ પંજાબની છઠ્ઠી જીત છે. તેમના ખાતામાં 12 પૉઇન્ટ આવી ચૂક્યા છે અને ટીમ પૉઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા ક્રમાંકે આવી ગઈ છે. અંતિમ ક્રમાંકે રહેલી દિલ્હીની ટીમનું પ્લેઑફ સુધી પહોંચવાનું સ્વપ્ન રગદોળાઈ ગયું છે.

આઈપીએલ 2023

પંજાબ vs દિલ્હી કૅપિટલ્સ

  • પંજાબે દિલ્હીને 31 રને હરાવ્યું
  • પંજાબ કિંગ્સ - 167 / 7 (20 ઓવર) પ્રભસિમરન સિંહ 103 રન, ઈશાંત શર્મા 2 / 27
  • દિલ્હી કૅપિટલ્સ - 136 / 8 (20 ઓવર) ડેવિડ વૉર્નર 54 રન, હરપ્રીત બરાર 4 / 30
  • પ્રભસિમરન સિંહ બન્યા પ્લેયર ઑફ ધ મૅચ
આઈપીએલ 2023

દિલ્હીની ઇનિંગ

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીને પંજાબે જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ઓપનિંગ કરવા ઊતરેલા દિલ્હીના કપ્તાન ડેવિડ વૉર્નરે ફિલ સૉલ્ટ સાથે મળીને પોતાની ટીમ માટે સારી શરૂઆત કરી. બંનેએ પ્રથમ વિકેટ માટે 6.2 ઓવરમાં 69 રન ફટકાર્યા. વૉર્નર જે રીતે બેટિંગ કરી રહ્યા હતા, તેણે પંજાબની ટીમને બૅકફૂટ પર લાવી દીધી હતી અને મૅચ સંપૂર્ણ રીતે દિલ્હીની પકડમાં લાગી રહી હતી.

સાતમી ઓવરના બીજા બૉલ પર હરપ્રીત બરારે ફિલ સૉલ્ટને બોલ્ડ કર્યા અને ત્યારથી મૅચ પલટાવાની શરૂ થઈ.

ત્યાર પછીની ઓવરના બીજા બૉલ પર રાહુલ ચાહરે મિચેલ માર્શને પેવેલિયન ભેગા કર્યા. બૉલ માર્શના પેડને અડ્યો હતો અને અમ્પાયરે આઉટ આપ્યો હતો. માર્શે રિવ્યૂ લીધો પણ તેમને રાહત ન મળી.

દિલ્હીની ત્રીજી વિકેટ નવમી ઓવરમાં પડી. હરપ્રીત બરારે રાઇલી રૂસો (પાંચ રન)ને આઉટ કર્યા.

આ ઓવરના અંતિમ બૉલ પર દિલ્હીને સૌથી મોટો ઝાટકો લાગ્યો હરપ્રીતે દિલ્હીના કપ્તાન વૉર્નરને 54 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પાછા મોકલ્યા. જોકે, અમ્પાયરનો શરૂઆતનો નિર્ણય નૉટઆઉટ હતો, પરંતુ પંજાબ કિંગ્સે રિવ્યૂ લીધો અને વૉર્નરે જવું પડ્યું.

ત્યાર પછીની ઓવરના પ્રથમ બૉલ પર ચાહરે અક્ષર પટેલ (1 રન)ને આઉટ કર્યા.

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, Getty Images

11મી ઓવરના પ્રથમ બૉલ પર જ હરપ્રીત બરારે દિલ્હીના ઇમ્પૅક્ટ પ્લેયર મનીષ પાંડેને બોલ્ડ કર્યા. તેઓ ખાતું પણ ન ખોલાવી શક્યા. છઠ્ઠી વિકેટ પડી ત્યારે દિલ્હીનો સ્કોર હતો 88 રન.

દિલ્હીની ટીમે 23 બૉલમાં 19 રન બનાવીને છ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી પંજાબે મૅચ પર પોતાનો અંકુશ સ્થાપિત કરી લીધો હતો.

અમન ખાન અને પ્રવીણ દુબેએ સાથે મળીને સાતમી વિકેટ માટે 30 રન બનાવ્યા, છતાં પણ તેઓ દિલ્હીને સંકટમાં ઉગારી ન શક્યા. દિલ્હીની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટના નુક્સાને માત્ર 136 રન બનાવી શકી.

ગ્રે લાઇન

પંજાબ કિંગ્સની ઇનિંગ

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, Getty Images

પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહની શતકીય ઇનિંગના કારણે પંજાબ કિંગ્સ દિલ્હી કૅપિટલ્સને 168 રનોનો લક્ષ્યાંક આપી શક્યું.

પંજાબના 22 વર્ષીય ઓપનર પ્રભસિમરન સિંહે એકલા હાથે દિલ્હીના બૉલર્સને બૅકફૂટ પર ધકેલી દીધા હતા. તેમણે 10 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 103 રન ફટકાર્યા હતા.

તેમની આ ઇનિંગના કારણે પંજાબની ટીમે 20 ઓવરમાં સાત વિકેટના નુક્સાને 167 રન બનાવ્યા હતા.

પંજાબની ટીમના ટૉપ અને મિડલ ઑર્ડરના અન્ય ખેલાડીઓ કંઈ સારું પ્રદર્શન નહોતા કરી શક્યા. પ્રભસિમરન બાદ સૌથી વધુ રન સૅમ કરને ફટકાર્યા. તેમણે 20 રન માર્યા. જ્યારે અંતિમ ઓવરોમાં સિકંદર રઝાએ અણનમ 11 રન ફટકાર્યા હતા.

પ્રભસિમરન, સૅમ કરન અને સિકંદર રઝાને બાદ કરતા અન્ય ખેલાડીઓએ ભેગા મળીને માત્ર 51 રન માર્યા હતા.

ધવન અને અન્ય બેટ્સમૅનો નિષ્ફળ રહ્યા

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારની બીજી મૅચનો ટૉસ દિલ્હીએ જીત્યો અને પંજાબ કિંગ્સને બેટિંગ આપી.

પંજાબની શરૂઆત સારી ન રહી. 100મી આઈપીએલ મૅચ રમી રહેલા ઈશાંત શર્માએ બીજી જ ઓવરમાં પંજાબના કપ્તાન શિખર ધવનને પેવેલિયનભેગા કર્યા. ધવને પાંચ બૉલમાં સાત રન બનાવ્યા હતા.

બીજા ઓપનર પ્રભસિમરન સિંહ સારી લયમાં હતા. તેમણે સતત ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા.

જોકે, સામે છેડેથી લિયમ લિવિંગસ્ટોન વધુ ન ટકી શક્યા. ચોથી ઓવરમાં ઈશાંત શર્માએ તેમને બોલ્ડ કર્યા. પણ પ્રભસિમરન સિંહ ફૉર્મમાં હતા અને સતત રન ફટકારી રહ્યા હતા.

છઠ્ઠી ઓવરમાં પંજાબને ત્રીજો ઝટકો પડ્યો હતો. અક્ષર પટેલે પાંચ રન બનાવીને રમી રહેલા જિતેશ શર્માને પેવેલિયનભેગા કર્યા હતા.

ગ્રે લાઇન

પ્રભસિમરનની ધમાકેદાર ઇનિંગ

આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, Getty Images

પ્રભસિમરનસિંહની શરૂઆત પણ ધીમી રહી હતી. તેઓ 44 બૉલમાં 53 રને હતા.

પરંતુ તે બાદ તેઓ આક્રમક બેટિંગના મૂડમાં આવી ગયા.

પરંતુ આ દરમિયાન જ તેમને 68 રનના વ્યક્તિગત સ્કોરે જીવનદાન મળ્યું.

15મા ઓવરમાં પ્રવીણ દુબેના બૉલ પર રુશોએ તેમનો કૅચ ન ઝડપી શક્યા. આ જીવનદાનનો પ્રભસિમરને પણ પૂરો ફાયદો ઉઠાવ્યો.

અંતે તેમણે છેલ્લા 17 બૉલમાં જ 49 રન બનાવી પોતાની સદી પૂરી કરીને બધાને લગભગ ચોંકાવી દીધા.

તેમની આ ઇનિંગ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ હતી કારણ કે પંજાબની આખી ટીમ જાણે તેમની બેટિંગ પર જ નિર્ભર હોય એવું લાગી રહ્યું હતું. તેમની ટીમના અન્ય કોઈ બૅટર 20 રનનો સ્કોર પણ પાર નહોતા કરી શક્યા. પરંતુ પ્રભસિમરન અડગ રહ્યા.

રેડ લાઇન
રેડ લાઇન