You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ટાઇટન્સના હાથમાં આવેલી બાજી પટલાવનાર પંજાબ કિંગ્સના શશાંક સિંહ કોણ છે?
ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની રોમાંચક મૅચમાં પંજાબ કિંગ્સે અંતિમ ઓવરમાં ત્રણ વિકેટથી જીત મેળવી.
પંજાબ કિંગ્સના કૅપ્ટન શિખર ધવને ટૉસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો.
પહેલા બૅટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે ચાર વિકેટ ગુમાવીને 199 રનનો સ્કોર ખડક્યો.
પંજાબ કિંગ્સ તરફથી કગિસો રબાડાને બે વિકેટો, જ્યારે હર્ષલ પટેલ અને હરપ્રીત બરાડને એક-એક સફળતા મળી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત સારી ન રહી અને ટીમે માત્ર 70 રનના સ્કોર પર ચાર વિકેટો ગુમાવી દીધી હતી. આ સમયે એવું લાગતું હતું કે ગુજરાત આ મૅચ સરળતાથી જીતી જશે.
ગુજરાત પર 199 રનોનો સ્કોર પંજાબ માટે ભારે પડી રહ્યો હતો. લગભગ 15 ઓવર સુધી ગુજરાતની ટીમ મૅચમાં આગળ ચાલી રહી હતી, પરંતુ 32 વર્ષના શશાંક સિંહે મોરચો સંભાળ્યો હતો.
જોકે, પંજાબના બિનઅનુભવી બૅટ્સમૅનએ આક્રમક અંદાજ દર્શાવ્યો અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારી અને જીત મેળવી.
ગિલનો આક્રમક અંદાજ પણ ગુજરાત ટાઇટન્સને જિતાડી ન શક્યો
ગુજરાત તરફથી કૅપ્ટન શુભમન ગિલે નૉટ આઉટ 89 રન ફટકાર્યા. તેમણે 89 રન માત્ર 48 બૉલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 185.41ની સ્ટ્રાઇક રેટ બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૅચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી ઓપનિંગ કરતા ઋદ્ધિમાન સાહા 13 બૉલમાં માત્ર 11 રન જ બનાવી શક્યા. આઈપીએલમાં 2024માં પોતાની પ્રથમ મૅચ રમી રહેલા કેન વિલિયમસન પણ કોઈ ખાસ પ્રદર્શન કરી ન શક્યા અને હરપ્રિતનો શિકાર બન્યા. તેમણે 22 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી માત્ર 26 રન બનાવ્યા.
જોકે, સાંઈ સુદર્શને 19 બૉલમાં 33 રન ફટકાર્યા અને કૅપ્ટન ગિલ સાથે ટીમ માટે એક મહત્ત્વપૂર્ણ ભાગેદારી નોંધાવી. જ્યારે રાહુલ તેવટિયાએ માત્ર આઠ બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 23 રન ફટકાર્યા. ગિલ અને રાહુલ તેવટિયાએ અંતિમ બે ઓવરમાં 33 રન ફટકાર્યા હતા.
પંજાબની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત સારી ન રહી અને બીજી ઓવરના પ્રથમ બૉલ પર જ પંજાબના કૅપ્ટન શિખર ધવન ઉમેશ યાદવનો શિકાર બન્યા.
જોકે, બીજી તરફ ઓપનર જૉની બેયરસ્ટોએ પાવર પ્લેમાં કેટલાક આક્રમક શૉટ્સ ફટકાર્યા પરંતુ તેઓ પણ ક્રિઝ પર લાંબો સમય ટકી ન શક્યા અને પાંચમી ઑવરમાં 22 રનનાં નીજી સ્કોર પર નૂર અહેમદનો શિકાર બન્યા. 200 રનનાં ટારગેટનો પીછો કરતા પાવર પ્લેના અંતે પંજાબ કિંગ્સે બે વિકેટો ગુમાવીને 54 રન કર્યા હતા.
જોકે, સાતમી અને આઠમી ઓવરમાં પંજાબની ટીમે પ્રભસિમરન અને સેમ કરનની વિકેટો ગુમાવી દીધી અને ટીમનો સ્કોર ચાર વિકેટ પર 70 રન હતો.
પંજાબ કિંગ્સ માટે પરિસ્થિતિ ત્યારે વધારે ગંભીર બની જ્યારે સિકંદર રઝા પણ 16 બૉલમાં 15 રન બનાવીને 13મી ઑવરમાં મોહિત શર્માનો શિકાર બન્યા. આમ, પંજબની ટીમ 13 ઓવરના અંતે 119 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી ચુકી હતી.
પંજાબ કિંગ્સને જીતવા માટે અંતિમ સાત ઓવરમાં 81 રનની જરૂર હતી અને ટીમના એકપણ અનુભવી બૅટ્સમૅન ક્રિઝ પર હાજર ન હતા. પંજાબની હાર નિશ્ચિત માનવામાં આવી રહી હતી.
શશાંક સિંહનો જાદુ
લગભગ 15 ઓવર સુધી ગુજરાતની ટીમ પંજાબની ટીમ પર ભારે પડી રહી હતી પણ સામાન્ય રીતે પાંચમા નંબર પર બૅટિંગ માટે ઊતરનારા શશાંક આ વખતે પણ પાંચમાં નંબર પર આવ્યા.
સિકંદર રઝાની વિકેટ જતાની સાથે જ શશાંક સિંહ ક્રિઝ પર આવ્યા હતા અને કોઈપણ સમય વેડફ્યા વગર આક્રમક શૉટ્સ ફટકારવા લાગ્યા. તેમણે અને જીતેશ શર્માએ 19 બૉલમાં 39 રનની ભાગેદારી સાથે ટીમની આશા જીવંત રાખી.
તેમના મનમાં એક જ વાત હતી- કોચે કહ્યું હતું કે બસ સામેવાળાના બૉલને જુઓ અને તેના પર રિએક્ટ કરીએ. શશાંકે બસ આવુંજ કર્યું.
જીતેશ શર્મા આઠ બૉલમાં 16 રન બનાવ્યા બાદ રાશિદ ખાનનો શિકાર બન્યા.
પંજાબને અંતિમ ચાર ઓવરમાં મૅચ જીતવા માટે 47 રનની જરૂર હતી. અને ગુજરાત ટાઇટન્સ તરફથી 17મી ઓવરમાં માત્ર છ રન જ આપ્યા. આમ, અંતિમ ત્રણ ઓવરમાં મૅચ જીતવા માટે પંજાબ કિંગ્સને 41 રનની જરૂરિયાત હતી.
શશાંક સિંહ અને આશુતોષ શર્માએ 18મી ઑવરમાં 16 રન ફટકાર્યા અને આ દરમિયાન શશાંક સિંહે આઈપીએલમાં પોતાની પ્રથમ અડધી સદી પણ નોંધાવી પરંતુ લક્ષ્ય હજી દૂર હતો.
પંજાબને આ મૅચ જીતવા માટે અંતિમ બે ઑવરમાં 25 રનની જરૂરત હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી અંતિમ ઓવરમાં પોતાની ચુસ્ત બૉલિંગ માટે જાણીતા મોહિત શર્માને 19મી ઓવર આપવામાં આવી.
જોકે, ઓવરના બીજા જ બૉલ પર આશુતોષ શર્માએ છગ્ગો ફટકાર્યો. અંતિમ સાત બૉલમાં 13 રનની જરૂર હતી અને 19મી ઓવરના અંતિમ બૉલ પર શશાંક સિંહે એક જોરદાર છગ્ગો ફટકાર્યો.
આમ, બન્ને બૅટ્સમૅનોએ મોહિત શર્માની 19મી ઓવરમાં 18 રન ફટકાર્યા અને હારેલી બાજીને જીતમાં પલટી દીધી.
અંતિમ ઓવરમાં જીતવા માટે પંજાબને હવે માત્ર સાત રનની જ જરૂરત હતી પરંતુ 20મી ઑવરના પ્રથમ બૉલ પર જ ગુજરાત ટાઈટન્સને આશુતોષ શર્માની વિકેટ મળી. અને ત્યાર પછીના બે બૉલ પર ક્રિઝ પર આવેલા હરપ્રિત માત્ર એક જ રન કરી શકયા.
ટીમને અંતિમ ત્રણ બૉલમા પાંચ રનની જરૂરત હતી અને શશાંક સિંહ સ્ટ્રાઇક પર હતા. તેમણે અંતિમ ઓવરના ચોથા બૉલ પર ચોગ્ગો ફટકાર્યો અને પંજબે સ્કોર લેવલ કર્યો.
હવે જીત પંજાબની મુઠ્ઠીમાં હતી અને શશાંક સિંહે લેગ બાયના સહારે એક બૉલ રહેતા જ ટીમને જીત અપાવી.
શશાંક સિંહે પોતાની મૅચ જિતાડનારી 29 બૉલની નાબાદ ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 210.34ની સ્ટ્રાઇક રેટ સાથે 61 રન ફટકાર્યા. તેમના આ શાનદાર પ્રદર્શન માટે તેમને મૅન ઑફ ધી મૅચનો ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ઍવૉર્ડ સ્વીકારતી વખતે શશાંક સિંહે કહ્યું, "મને મારા પ્રયત્નો પર ગર્વ છે. મારામાં આત્મવિશ્વાસ હતો. હું જ્યારે પણ બૅટિંગ માટે જાવ છું ત્યારે વિચારું છું કે હું બેસ્ટ છું. કોચિંગ સ્ટાફ અને ટીમ માલિકોનો આભાર કે તેમણે મારા પર ભરોસો કર્યો."
કોણ છે શશાંક સિંહ?
ઇએસપીએન ક્રિકઇન્ફોની માહિતી પ્રમાણે, શશાંક સિંહ કૂલ 59 ઘરેલુ ટી-20 મૅચો રમ્યા છે, જેમાં તેમણે 141ની સ્ટ્રાઈક રેટ સાથે 815 રન બનાવ્યા છે. ઘરેલુ ટી-20 મૅચોમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 61 રન રહ્યો છે. 32 વર્ષીય ઑલ-રાઉન્ડર રાષ્ટ્રીય સ્તરે છત્તીસગઢ તરફથી રમે છે.
શશાંક સિંહ પંજાબ કિંગ્સ પહેલા આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી ડેરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા હતા.
આઈપીએલ 2024 ની નિલામીમાં પંજાબ કિંગ્સના માલિકો પ્રીતિ ઝિન્ટા અને નેસ વાડિયા શશાંક સિંહ માટે બિડ જીત્યાં પછી મૂંઝવણમાં જોવાં મળ્યાં. એવું લાગતું હતું કે આઈપીએલ ફ્રેન્ચાઇઝી ખેલાડીને ખરીદવાનો ઇરાદો ધરાવતી ન હતી. જોકે, પંજાબ કિંગ્સે ખરીદી સાથે આગળ વધવાનું નક્કી કર્યું અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક પોસ્ટ થકી તેમની ટીમમાં શશાંક સિંહનું સ્વાગત પણ કર્યું.
પંજાબ કિંગ્સે લખ્યું, "આઈપીએલની યાદીમાં બે સરખાં નામવાળા ખેલાડીઓ હોવાને કારણે આ મુંઝવણ થઈ હતી. અમને જણાવતા આનંદ થાય છે કે શશાંક સિંહને ઑનબોર્ડ કરવામાં આવ્યો છે. તેમણે કેટલાંક નોંધપાત્ર પ્રદર્શન કર્યાં છે, અને અમે તેની પ્રતિભાને નિખારવા માટે તૈયાર છીએ."