You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રના જંગલમાં અમેરિકન મહિલા પગમાં સાંકળ બાંધેલી હાલતમાં મળી આવી
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના જંગલમાંથી એક અમેરિકન મહિલાને પગમાં બાંધેલી સાંકળ તોડીને બચાવાઈ છે.
આ મહિલાને ખુદ એમના પતિએ જ અહીં બાંધી હોવાનું જાણવા મળે છે. ખુદ મહિલાએ આ અંગે કાગળ પર લખીને જણાવ્યું છે.
મૂળ અમેરિકાની આ મહિલા છેલ્લાં કેટલાંય વર્ષોથી તામિલનાડુમાં રહેતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના આધારકાર્ડમાં તામિલનાડુનું સરનામું લખાયેલું છે.
જોકે, મહિલા પાસેથી મળેલા પાસપૉર્ટના અધારે એ મૂળ અમેરિકન હોવાનું જાણવા મળ્યું હતું.
સિંધુદુર્ગ પોલીસે મહિલાને વધુ સારવાર માટે ગોવા મેડિકલ કૉલેજમાં ભરતી કરાવી છે. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે.
આ મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે. આ મામલે અમેરિકન દૂતાવાસને જાણકારી આપવામાં આવી છે કે કેમ એ અંગે પૂછતાં પોલીસે જણાવ્યું છે કે દૂતાવાસને ટૂંક સમયમાં આ મામલે માહિતગાર કરાશે.
આ સમગ્ર મામલો શનિવારે સામે આવ્યો, જ્યારે ઘટનાસ્થળ નજીકથી પસાર થઈ રહેલા ગામલોકોએ મહિલાઓની બૂમો સાંભળી અને તેઓ અવાજની દિશામાં જોવા ગયા. જે દિશામાંથી અવાજ આવતો હતો, એ દિશામાં જતાં ગામલોકોને સાંકળથી બંધાયેલી હાલતમાં આ મહિલા મળી આવી હતી.
એ બાદ મહિલાને બચાવવામાં આવી હતી અને નજીકમાં આવેલા સાવંતવાડીની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે, કેટલાય દિવસોથી અન્નપાણી વગર, જંગલમાં બંધાયેલી હાલતમાં રહેવાને લીધે મહિલાની હાલત શરૂઆતમાં કથળી રહી હતી પણ બાદમાં એમની સ્થિતિમાં સુધારો જણાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે મહિલાની બૂમો સંભળાઈ
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રોણાપળ સોનુર્લી ગામમાં કરાળીની ટેકરીઓ આવેલી છે. ગામલોકો આ ટેકરી પર પશુઓ માટે ઘાસ લેવા જતા હોય છે.
શનિવારે આવા જ કેટલાક લોકોએ મહિલાની બૂમો સાંભળી હતી અને અવાજની દિશામાં જતાં એમણે સાંકળથી બંધાયેલી આ મહિલા મળી આવી હતી.
એમણે જોયું હતું કે સાંકળથી મહિલાને બાંધી રાખવામાં આવી છે અને સાંકળનો બીજો છેડો નજીકના ઝાડના થડ સાથે બાંધેલો હતો.
મહિલાને આવી અવસ્થામાં જોતાં ગામલોકો ડરી ગયા હતા અને તેમણે તત્કાલ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાને સાંકળથી મુક્ત કરાવી હતી અને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી. આ મહિલા બરોબર બોલી શકવાની હાલતમાં નહોતી. પોલીસે જાહેર કરેલાં વીડિયો અને તસવીરોમાં મહિલાના શરીર ઉપર ઈજાનાં નિશાન જોઈ શકાય છે.
મહિલાનો પતિ જ આવી હાલત માટે જવાબદાર?
હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ મહિલાના જીવમાં જીવ આવ્યો હતો. જોકે, બોલી શકવા અસમર્થ હોવાથી તેમણે પેન અને પેપર માગ્યાં હતાં અને એમાં એમણે ખુદની આવી હાલત અંગે વાત કરી હતી.
મહિલાએ તેમની આવી હાલત તેમના પતિએ કરી હોવાનું લખ્યું હતું. જોકે, પતિએ મહિલાની આવી હાલત કેમ કરી એ અંગે કોઈ જાણકારી મળી શકી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર મહિલા બોલવાની સ્થિતિમાં નથી અને એટલે એમની સાથે ખરેખર શું થયું એ હજુ પણ તપાસનો વિષય છે.
મહિલાએ પોતાની જે આપવીતી લખી છે એ પ્રમાણે એમને કોઈ ખાસ પ્રકારનાં ઇન્જેક્શનો આપવામાં આવ્યાં છે અને એટલે એ પોતાનું જડબું હલાવી નથી શકતી. મહિલાના જણાવ્યા અનુસાર એ પાણી પણ પી શકે એવી હાલતમાં પણ નથી.
મહિલાએ લખ્યું હતું, "મારા પતિએ મારી આવી હાલત કરી છે. એમણે મને જંગલમાં મરવા માટે છોડી દીધી હતી અને એ પોતે ભાગી ગયો હતો."
પોલીસે આ મામલે મહિલાના પતિની તપાસ કરવા માટે તાલિમનાડુ પણ ટીમ મોકલી છે.
મહિલાનો દાવો છે કે એ જંગલમાં આવી હાલતમાં તે છેલ્લાં 40 દિવસથી બંધાયેલી હતી. જોકે, આટલા દિવસોથી કોઈ અન્નપાણી વગર કેવી રીતે જીવી શકે એ સવાલનો હજુ સુધી જવાબ મળ્યો નથી.