સુરત : સસરાને જમાઈએ લૂંટ્યો, જમાઈને લૂંટવા નકલી જેલર આવ્યો, કઈ રીતે પકડાયો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરતમાં એક બિલ્ડરે તેના કાકાસસરાને બ્લૅકમેઇલ કરીને લૂંટવાનો પ્રયાસ કર્યો; પણ છેવટે સસરાએ પોલીસમાં ફરિયાદ કરતાં, આરોપી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો.

એવામાં હવે આ બિલ્ડર અને તેના સાથીઓને લૂંટવા ગયેલા નકલી જેલરને પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં 5 નવેમ્બરે એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી કે તેના મોર્ફ કરેલા ફોટાથી તેને અને સુરતના બિલ્ડર વજરંગ જીલડિયાને બ્લૅકમેઇલ કરીને ત્રાસ આપવામાં આવે છે.

આરોપીઓ જીલડિયાના નાના ભાઈ કનુ જીલડિયાના જમાઈ જય ડાંગર અને તેના સાથીદારો હતા. ડાંગર પર આરોપ હતો કે એમણે સાથીઓ સાથે મળીને પોતાના જ કાકાસસરા વજરંગ જીલડિયાને બ્લૅકમેઇલ કરી પાંચ લાખ પડાવ્યા અને પછી કરોડો રૂપિયાની માંગણી કરી.

સુરતના ડીસીપી જયદીપસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "જય ડાંગર અને બીજા બે સાથીદારો પ્રશાંત કાછડિયા અને સ્મિત ધોળકિયાના બ્લૅકમેઇલથી ત્રાસેલી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે ત્રણેયની ધરપકડ બાદ કોર્ટના આદેશ મુજબ જેલ મોકલી દેવામાં આવ્યા."

કેવી રીતે ખુલાસો થયો?

સુરતનાં અખબારોમાં રોજ આ કેસના સમાચાર છપાતા હતા.

આ દરમિયાન સુરતના સોશિયલ મીડિયામાં એક ઑડિયો ક્લિપ વાયરલ થઈ કે જેમાં સ્મિતનાં પત્નીએ સુરત લાજપોર જેલના જેલર પરષોત્તમ ચાવડા પર કેદીઓને સારું ભોજન અને સુવિધા આપવા માટે 15 હજાર રૂપિયાની માંગણી કરી હોવાનો આરોપ લગાવ્યો.

જેલર ચાવડાએ બીબીસી ગુજરાતીને કહ્યું, "જેલમાં આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી જ નથી. આ ત્રણેય આરોપીને 8 નવેમ્બરે રાત્રે 10.25 વાગ્યે જેલમાં લાવવામાં આવ્યા અને એમનાં સગાંને સાંજે સાડા છ વાગ્યે કોઈએ ફોન કરીને પૈસા માંગ્યા. એટલે અમે એ ફોનનંબરના આધારે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી."

નકલી જેલર કેવી રીતે પકડાયો?

ફરિયાદ નોંધાતાં નંબર અમદાવાદનો હોવાનું જણાયું, એટલે અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપે તાત્કાલિક તપાસ હાથ ધરી.

અમદાવાદ ઝોન-2ના ડીસીપી ભારત રાઠોડે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે તપાસ કરતાં તે નંબર નરેન્દ્ર ત્રિવેદી નામના માણસનો હોવાનું જણાયું. અમે તેની ધરપકડ કરી. ત્રિવેદી સામે આવી રીતે ભૂતકાળમાં છ ફરિયાદ નોંધાઈ છે, જેમાં તે નકલી પોલીસ, ઇન્કમટૅક્સ ઑફિસર, ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઑફિસર બનીને લોકોને છેતરતો હતો."

રાઠોડના જણાવ્યા અનુસાર ત્રિવેદીની ઉંમર 49 વર્ષની છે. તે અખબારમાં જે લોકોના કેસ બહુ ચર્ચામાં હોય તેની ઉપર નજર રાખતો હતો અને કોર્ટ આવા લોકોને જેલમાં મોકલવાનો આદેશ આપે ત્યારે જે તે પોલીસ સ્ટેશનમાં પોતે વકીલ બની જતો હતો.

નકલી વકીલ બનીને તે પોલીસ સ્ટેશનમાં પોતે આરોપીનો વકીલ હોવાથી તેના અંગેની માહિતી માંગતો હતો. અને એના આધારે કેદીના પરિવારની માનસિક સ્થિતિનો લાભ ઉઠાવી ફોન કરતો અને કહેતો કે તે જેલર બોલે છે, 'જેલમાં જનારને ઘરનું ભોજન, સારી પથારી જોઈતાં હોય તો 15 હજાર રૂપિયા આપવા પડશે, નહીં તો જેલમાં ટૉર્ચર કરવામાં આવશે.'

પોલીસ અનુસાર ત્રિવેદી હિસ્ટ્રી-શીટર છે અને એની સામે અમદાવાદ સહિત રાજ્યમાં કુલ છ ગુના નોંધાયા છે.

કોણ છે નકલી જેલર નરેન્દ્ર ત્રિવેદી?

મૂળ સુરેન્દ્રનગરના નરેન્દ્ર ત્રિવેદી ઉર્ફે રાજેન્દ્ર ત્રિવેદી ઘણાં વર્ષોથી અમદાવાદના ઇસનપુરમાં રહે છે. ઇસનપુર શાંતિ સમિતિના સભ્ય રસિક બારોટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું:

"આનંદ સોસાયટીમાં રહેતા ત્રિવેદીની બેઠક મુખ્યત્વે ઇસનપુર બી.આર.ટી.એસ.ના બસ સ્ટેન્ડ પાસે હતી. એક-બે વાર પોલીસ તેના ઘરે આવી હોવાથી તે ઘરે લોકોને ઓછા બોલાવતો હતો."

"તેણે સોસાયટીમાં એવું કહ્યું હતું કે તે ટાઇલ્સની દલાલીનો ધંધો કરે છે અને કેટલાક લેભાગુ બિલ્ડર સાથે તેને પૈસાની રકઝક થઈ હોવાથી પોલીસ ફરિયાદ કરી હતી. નજીકમાં નારોલ અને ચંડોળાથી લોકો તેને અહીં મળવા આવતા અને તેને 'ચકો', 'રાજેશ', 'રાજુ' અને 'દત્તા' નામથી વધુ ઓળખતા."

"પોતાની પોલીસ, જેલ અને ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગમાં મોટી ઓળખાણો હોવાની વાત કરતો હતો. તે આજના જમાનામાં પણ સ્માર્ટફોનના બદલે જૂના ફોન વાપરતો હતો. બોલવાની ચાલાકીને કારણે ઘણા લોકો તેની જાળમાં ફસાઈ જતા, પણ તે જેલર બનીને લોકોને છેતરતો હતો તેનો કોઈને અંદાજ નહોતો."

બીબીસી ગુજરાતીએ જે આરોપીના પિતા પર ફોન આવ્યો હતો, તે જય ડાંગર અને પ્રશાંત કાછડિયા તથા સ્મિત ધોળકિયાની પત્ની સ્વીટી ધોળકિયા સાથે સંપર્ક કર્યો, પણ ત્રણેય લોકોએ કેસ અંગે કંઈ કહેવાનો ઇન્કાર કરતાં કહ્યું:

"અમને જેલરનો ફોન હોય એવું એટલા માટે લાગ્યું કે અમને જે નંબરથી ફોન આવ્યો હતો, તે ટ્રૂ-કૉલરમાં તપાસતાં તેમાં 'લાજપોર મહેન્દ્રસિંહ જેલર' લખાઈને આવતું હતું, એટલે અમને આ કૉલ સાચો હોય એવું લાગ્યું હતું."

ત્રિવેદી હાલ પોલીસના કબજામાં છે અને એની વધારાની પૂછપરછ કરાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન