You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં જજથી લઈને કોર્ટ અને ચલણી નોટો, શું-શું નકલી ઝડપાયું?
2024નું વર્ષ અલવિદા કહેવા પર છે અને નવું વર્ષ દરવાજે ટકોરા દઈ રહ્યું છે. આ સમયે આપણે સામાન્ય રીતે નવા વર્ષ માટે નવી નેમ વ્યક્ત કરીએ છીએ અને વિદાય લઈ રહેલાં વર્ષનું સરવૈયું કાઢીએ છીએ.
ગત વર્ષ દરમિયાન ગુજરાતમાં બનેલાં છેતરપિંડી અને ઠગાઈના કિસ્સાઓનું સરવૈયું કાઢીએ તો રાજ્યમાં નકલી જજ અને નકલી અદાલતથી માંડીને ફિલ્મ અભિનેતાની તસવીરવાળી નોટોના કિસ્સા બહાર આવ્યા હતા.
એક શખ્સની છેતરપિંડી 43 વર્ષ સુધી ચાલી હતી, જેને ચાલુ વર્ષે કાયદાએ સજા આપી હતી
ત્યારે કેટલાક એવા કિસ્સાની ચર્ચા કરીએ, જેણે લોકો અને મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
આવા જ કેટલાક કિસ્સાઓ ઉપર નજર કરીએ.
43 વર્ષે ખુલાસો અને પછી સજા
માણસને જ્યારે કોઈ શારીરિક તકલીફ થાય કે બીમાર પડે તો તરત એ ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર પર દર્દીઓ ભરોસો મૂકીને તેમણે આપેલી સૂચનાનું પાલન કરતા હોય છે.
પણ આખી જિંદગી જે ડૉક્ટરે પ્રૅક્ટિસ કરી હોય, દર્દીઓની સારવાર કરી હોય અને એ જ ડૉક્ટર જો નકલી હોય તો...?
કંઈક આવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે અને ડૉક્ટરને કોર્ટે દોષિત ઠરાવીને સજા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વ્યક્તિએ નકલી માર્કશીટના આધારે મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને તબીબ પણ બની ગઈ.
આ દરમિયાન તેની છેતરપિંડી બહાર આવી અને તેની સામે કેસ થયો. 33 વર્ષ સુધી કેસ ચાલ્યો.
આરોપી ડૉક્ટર 61 વર્ષનો થયો ત્યારે એટલે કે બનાવનાં 43 વર્ષ બાદ ચુકાદો આવ્યો. નીચેની લિંકમાં વાંચો આ રસપ્રદ કિસ્સો.
નકલી નોટો, અસલી સોનું
બાળકો રમી શકે અને પોતાની નાનકડી દુનિયામાં ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ કરી શકે તે માટે નકલી નોટો બજારમાં ઉપલબ્ધ હોય છે.
જેની ઉપર રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના સ્થાને 'ચિલ્ડ્રન્સ બૅંક' કે 'ચૂરન બૅંક' જેવાં નામ લખેલાં હોય છે.
આવી જ નોટોનો ઉપયોગ કરીને અમદાવાદમાં ઠગોએ રૂ. એક કરોડ 60 લાખના સોનાની છેતરપિંડી કરી હતી. તેમણે મહાત્મા ગાંધીના સ્થાને ફિલ્મ અભિનેતા અનુપમ ખેરની તસવીરોવાળી નકલી નોટો છપાવી હતી અને રોકડ વ્યવહારને સાટે પકડાવી હતી.
જ્યાં સુધીમાં ઠગાઈનો ભોગ બનનારી કંપનીના કર્મચારીઓને જાણ થઈ, ત્યાં સુધીમાં તેઓ નીકળી ગયા હતા. તેમની પાસે સરદારજીનો નકલી વેશ, નકલી નોટો, નકલી ઑફિસ અને પૈસા ગણવાની મશીનો હતી.
ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ છતાં આરોપીઓને ઝડપવામાં પખવાડિયા જેટલો સમય નીકળી ગયો હતો. નીચેની લિંકમાં વાંચો આ કિસ્સો.
નકલી જજની નકલી અદાલત
ગુજરાતના પાટનગર ગાંધીનગરના વ્યસ્ત કહી શકાય એવા વિસ્તારમાં આવેલું એક શોપિંગ સેન્ટર. સવારથી લોકો એક સાંકડા દાદરમાં પોતાની વારો આવે તેની રાહ જોઈને બેસી રહે.
બેલિફના યુનિફૉર્મમાં ઊભેલો માણસ બૂમ પાડે એટલે લોકો પોતાના વકીલ સાથે અંદર જાય એટલે જજની ખુરશી પર બેસેલી વ્યક્તિ દલીલો સાંભળે અને ચુકાદો આપે.
લગભગ નવ વર્ષ સુધી સામાન્ય કોર્ટમાં ચાલતું હોય તેવું રાબેતા મુજબનું કામકાજ ચાલતું રહ્યું.
કોઈ ફિલ્મની વાર્તાને ટક્કર આપે એવી આ ઘટના ગાંધીનગરમાં સામે આવી હતી, જ્યાં એક 'નકલી કોર્ટ' અને તેમાં લવાદ (આર્બિટ્રેશન) કેસો ચલાવતા અને ચુકાદા આપતા નકલી જજની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.
જ્યારે પોલીસે આરોપી મોરિસ સૅમ્યુઅલ ક્રિશ્ચિયનને નકલી જજ બનવાના આરોપ સબબ કોર્ટમાં રજૂ કર્યા ત્યારે અદાલતમાં ન્યાયાધીશ સમક્ષ પણ પોતે આર્બિટ્રેટર જજ અને લવાદ હોવાનો દાવો કર્યો હતો. નીચેની લિંકમાં વાંચો સંપૂર્ણ કિસ્સો.
નકલી કૉલેજમાંથી બનાવટી ડૉક્ટર
સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી ડૉક્ટરો પ્રૅક્ટિસ કરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.
તેમની પાસેથી ઍલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિતની સામગ્રીઓ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા તેમની પાસેથી ડિગ્રીઓ પણ મળી આવી હતી.
જોકે, તેમણે સુરતની જ એક કૉલેજમાંથી સર્ટિફિકેટ મેળવ્યાં હતાં. પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ડિગ્રી માટે રકમ ચૂકવી હતી.
અમુક હજાર લઈને લઈને ડિગ્રી આપનારાઓ દ્વારા ખાતરી આપવામાં આવતી કે તેમણે આપેલાં પ્રમાણપત્રોના આધારે તેઓ તબીબી પ્રૅક્ટિસ કરી શકશે.
નીચેની લિંકમાં વાંચો સંપૂર્ણ કિસ્સો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન