You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બુલડોઝર ઍક્શન' પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, યોગી આદિત્યનાથની સરકારનો શો જવાબ છે
દેશનાં કેટલાંક રાજ્યોમાં આરોપીઓની સંપત્તિ પર કથિત બુલડોઝર ઍક્શનની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે સોમવારે તીખી ટિપ્પણી કરી હતી.
ન્યાયધીશ બી. આર. ગવઈ અને કે. વી. વિશ્વનાથની ખંડપીઠે કહ્યું કે કોઈનું ઘર માત્ર એટલા માટે તોડી પાડવામાં આવે છે કારણ કે તે આરોપી છે.
બૅન્ચે કહ્યું કે સુપ્રીમ કોર્ટ નિયમો નક્કી કરશે. જે કંઈ તોડફોડની કાર્યવાહીની જરૂર પડશે તે આ નિયમોના આધારે જ કરવામાં આવશે.
જસ્ટિસ બી. આર. ગવઈએ ઉત્તર પ્રદેશ સરકારનો પક્ષ રાખનાર સૉલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું, “કોઈનું ઘર માત્ર એ આધારે કેમ તોડી શકાય કારણ કે તે કોઈ મામલામાં આરોપી છે?”
તેમણે ઉમેર્યું, “કોઈ વ્યક્તિ આરોપી પણ હોય તો પણ કોઈ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર તેમના ઘરને તોડી ન શકાય.”
ઉત્તર પ્રદેશ સરકારે શું જવાબ આપ્યો?
ઉત્તર પ્રદેશ સરકારનો પક્ષ રાખતા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોઈ પણ મકાન તોડવાની કાર્યવાહી એટલા માટે કરવામાં નથી આવી કારણ કે તે વ્યક્તિ કોઈ ગુનામાં આરોપી હતી.
તુષાર મહેતાએ કહ્યું, “અમે ઍફિડેવિટ થકી દર્શાવ્યું છે કે નૉટિસ ઘણા સમય પહેલાં જ મોકલવામાં આવી હતી.”
તેમણે વિસ્તારથી જણાવ્યું કે ઘર તોડવાની પ્રક્રિયા સ્વતંત્ર મામલો છે જેનો ગુના સાથે કોઈ સંબંધ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ ફરિયાદીના વકીલ દુષ્યંત દવે અને સી. યૂ. સિંહે જવાબ આપતા કહ્યું કે ઘરો એ કારણે તોડવામાં આવ્યાં કારણ કે તેઓ કોઈ કેસમાં આરોપી હતા.
સુપ્રીમ કોર્ટ બનાવશે નિયમો
ન્યાયધીશની બૅન્ચે સુનાવણી દરમિયાન મૌખિક કહ્યું કે કોઈ પણ ઇમારતને તોડવા માટે કાયદાઓ છે. જોકે, આ કાયદાનું ઘણી વખત ઉલ્લંઘન થયું છે.
સુપ્રીમ કોર્ટની બૅન્ચે સ્પષ્ટપણે કહ્યું, “અમે આખા દેશ માટે નિયમો નક્કી કરીશું. જોકે, તેનો અર્થ એ નથી કે કોઈ પણ ગેરકાયદેસર નિર્માણને સંરક્ષણ આપીશું.”
બૅન્ચે બંને પક્ષોને કહ્યું કે આ મામલે તેઓ નિયમો નક્કી કરવા માટે સૂચનો સાથે આવે અને આ કેસની આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.
કોણે અરજી દાખલ કરી હતી?
દેશનાં કેટલાંક રાજ્યોમાં વહીવટી તંત્ર દ્વારા બુલડોઝરથી બિલ્ડિંગો તોડવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
દિલ્હીના જહાંગીરપુરીમાં એપ્રિલ 2022માં તોડફોડની કાર્યવાહીની યોજના સમયે ઘણી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
જહાંગીરપુરીમાં વર્ષ 2022માં હનુમાનજયંતીના દિવસે શોભયાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ત્યારબાદ વહીવટી તંત્રએ ગેરકાયદેસર નિર્માણના આધારે વિસ્તારના કેટલાંક ઘરો પર ગેરકાયદેસર નિર્માણની નૉટિસ મોકલી હતી અને બુલડોઝર કાર્યવાહી શરૂ કરવાની વાત કરી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ કાર્યવાહી પર રોક લાગી હતી. જોકે, અરજદારોએ એ નિર્દેશ આપવાની માંગણી કરી હતી કે અધિકારી દંડ આપવા માટે બુલડોઝરનો ઉપયોગ ન કરી શકે.
આ અરજદારો પૈકી એક અરજદાર પૂર્વ રાજ્યસભા સાંસદ અને સીપીએમ નેતા વૃંદા કરાત પણ હતાં. તેઓ જહાંગીરપુરીમાં બુલડોઝર કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળ પર પણ પહોંચ્યાં હતાં.
સપ્ટેમ્બર 2023માં જ્યારે આ કેસમાં સુનાવણી થઈ રહી હતી તે સમયે કેટલાક અરજદારોના વકીલ દુષ્યંત દવેએ રાજ્ય સરકાર દ્વારા આરોપીના ઘરને તોડી પાડવાના વધતા કિસ્સા પર ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે એ સમયે દલીલ આપતી વખતે એ વાત પર ભાર મુક્યો હતો કે ઘરનો અધિકાર કલમ 21 હેઠળ જીવનના અધિકારનો જ એક ભાગ છે.
તેમણે કોર્ટને અરજી કરી હતી કે તોડી પાડેલાં ઘરોને ફરીથી બનાવવાં માટેનો આદેશ આપવામાં આવે.
શું બોલ્યા નેતા અને વકીલ?
'બુલડોઝર ઍક્શન' મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ઘણા નેતાઓનાં નિવેદનો આવ્યાં છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સપા નેતા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, “અન્યાયના બુલડોઝરથી મોટું છે ન્યાયનું ત્રાજવું”
કૉંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આરોપી હોય કે આરોપ સાબિત થાય, જ્યારે બુલડોઝરની કાર્યવાહી ચાલી જાય પછી અદાલતની શી જરૂર છે.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “બર્બર યુગની યાદ અપાવે છે કે દેશમાં તાનાશાહી છે અને સંવિધાન છે જ નહીં. અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવે કે ઘર પાડવામાં આવે કે નહીં, જેલ જવાનું છે કે નહીં, દંડ કરવાનો છે કે નહીં.”
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ આ મામલે ટિપ્પણી કરી છે. તેમણે એક્સ પર લખ્યું, “સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરવી જોઈએ કે તેણે આખરે કાયદાના શાસન માટે આ જોખમને જાણ્યું છે. ન્યાયને ધ્વસ્ત કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન