ડિજિટલ અરેસ્ટથી મહિલા ડૉક્ટરને હાર્ટ ઍટેક, મોત બાદ પણ ધમકીભર્યા મૅસેજ આવે છે

    • લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
    • પદ, બીબીસી તેલુગુ

હૈદરાબાદમાં 'ડિજિટલ અરેસ્ટ'ના નામે 76 વર્ષીય નિવૃત્ત મેડિકલ ઑફિસર સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે.

સાયબર ક્રિમિનલ્સને કારણે આ વૃદ્ધાનું કાર્ડિક અરેસ્ટથી મૃત્યુ થયું છે.

આ અંગે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે કેસ દાખલ કર્યો છે. ડિપાર્ટમેન્ટનાં ડીસીપી કવિતાએ બીબીસી સાથેની વાતચીતમાં આ કેસમાં તપાસ ચાલી રહી હોવાની પુષ્ટિ કરી હતી.

ડીસીપી કવિતાએ જણાવ્યું કે, "1669/2025 નંબરથી કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે."

ડીસીપી કવિતાના કહેવા પ્રમાણે, મહિલાનું નામ અને પરિવાર સંબંધિત માહિતી સાર્વજનિક કરી શકાય એમ નથી, કારણ કે સાયબર અપરાધોમાં પીડિતોનાં નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે તથા વિવરણ આપી ન શકાય.

શૅલ ઍકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા

મળતી માહિતી મુજબ, હૈદરાબાદના યુસૂફગુડા વિસ્તારમાં સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં આ ઘટના ઘટી હતી, જેની વિગતો હવે બહાર આવી છે.

સાયબર અપરાધીઓની જાળમાં ફસાયેલાં મહિલા એક હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે કામ કરતાં હતાં.

ડીસીપી કવિતાના જણાવ્યા પ્રમાણે, પાંચથી આઠ સપ્ટેમ્બર દરમિયાન આ મહિલાને 'ડિજિટલ અરેસ્ટ'નાં નામે ધમકાવાયાં અને તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે, પાંચમી સપ્ટેમ્બરે મહિલાને પહેલી વખત ફોન આવ્યો હતો. એ પછી બીજા દિવસે છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ તેમના બૅન્ક ઍકાઉન્ટમાંથી મહારાષ્ટ્રના એક બૅન્ક ખાતામાં રૂ. છ લાખ 60 હજાર 543 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પોલીસના કહેવા પ્રમાણે, આ 'શેલ એકાઉન્ટ' હતું. તપાસકર્તાઓના કહેવા પ્રમાણે, સાયબર ક્રિમિનલ ઠગાઈનાં નાણાં પહેલાં એક શેલ એકાઉન્ટમાં નાખે છે. પછી ત્યાંથી અલગ-અલગ બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરીને તેને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરી દે છે. આમ રકમ 'ગુમ' થઈ જાય છે.

મહિલાના મૃત્યુ પછી પણ ફોન પર મૅસેજ આવે છે

પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું કે આઠમી સપ્ટેમ્બરે મહિલાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને હૉસ્પિટલે પહોંચે તે પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું. બીજા દિવસે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.

પરિવારે જોયું કે મૃત્યુ પછી પણ મહિલાના ફોન પર સતત મૅસેજ આવતા હતા. ત્યારે તેમને શંકા પડી હતી કે મૃતક સાથે સાયબર ઠગાઈ થઈ હતી. આના આધારે તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

પરિવારે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે સાયબર અપરાધીઓના ત્રાસ અને ધમકીઓને કારણે મહિલાનું મૃત્યુ થયું.

પોલીસના કહેવા પ્રમાણે, "અમને માલૂમ પડ્યું કે તેમના મૃત્યુ પછી પણ સાયબર ક્રિમિનલ્સે કેટલાક મૅસેજ મોકલ્યા હતા. પહેલી વખત જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો, એ નંબર ઉપરથી આ સંદેશ નહોતા આવ્યા, પરંતુ અન્ય નંબરો પરથી કૉલ કરવામાં આવ્યા હતા."

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ આ ઘટનાને રિપોર્ટ કરતા લખ્યું છે કે પીડિતાએ 'જયશંકર સર'ના નામથી ફોન સેવ કર્યો હતો. તેમને વૉટ્સઍપ પર નકલી કોર્ટ નોટિસ મળી હતી તથા કેટલાક વીડિયો કૉલ્સ પણ આવ્યા હતા.

ડીસીપી કવિતાએ તપાસ ચાલી રહી હોય, વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

ડિજિટલ અરેસ્ટ શું છે?

સાયબર ક્રાઇમ નીતનવું સ્વરૂપ ધારણ કરે છે. લોકોમાં આ પ્રકારના ગુના અને છેતરપિંડી અંગે જાગૃતિ આવી છે. જોકે, સાયબર ક્રિમિનલ્સ પણ ઝડપભેર તેમની વ્યૂહરચના બદલી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑક્ટોબર-2024માં 'ડિજિટલ અરેસ્ટ' અંગે જાગૃતિ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો.

આ પ્રકારના ગુનામાં ક્રિમિનલ્સ પોલીસ સ્ટેશન કે અન્ય કોઈ તપાસ એજન્સીની કચેરી જેવું નકલી બૅકગ્રાઉન્ડ બનાવે છે, જેથી કરીને તે વાસ્તવિક લાગે. તે પોલીસ જેવો યુનિફૉર્મ પહેરે છે અને નકલી આઈડી કાર્ડ પણ દેખાડે છે. તે પોતાને સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન, ઇન્કમટૅક્સ, નાર્કોટિક્સ બ્યૂરો કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખાવે છે અને વ્યક્તિને ધમકાવે છે.

એ પછી તેઓ લોકોને ડરાવે છે કે તેમણે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા હતા કે તેમના ફોનનો ઉપયોગ ગેરકાયદેસર કામો માટે થઈ રહ્યો છે. આ સિવાય ઘણી વખત ડીપ ફૅક વીડિયો કે બનાવટી ધરપકડ વૉરંટનો ઉપયોગ પણ કરે છે.

એ પછી પીડિતોના બૅન્ક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવીને તેમની સાથે નાણાકીય ઠગાઈ કરવામાં આવે છે.

કેવી રીતે ફરિયાદ કરશો?

ડીસીપી કવિતાના કહેવા પ્રમાણે, જો તમારી પાસે સાયબર ક્રાઇમ અંગે માહિતી હોય કે તમે ખુદ ભોગ બન્યા હો, તો તરત જ 1930 ઉપર કૉલ કરીને ફરિયાદ દાખલ કરાવી શકો છો.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના નૅશનલ સાયબર ક્રાઇમ સેલ દ્વારા 1930નું સંચાલન કરવામાં આવે છે.

આ સિવાય પીડિત https://cybercrime.gov.in પોર્ટલ પર પણ ફરિયાદ દાખલ કરાવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન