ઉત્તરકાશી: 15 દિવસથી મજૂરો સુરંગમાં, તેમને કેવી તકલીફ હશે અને શું થઈ શકે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ફૈસલ મહોમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાંથી 41 કામદારોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
આ કામદારો છેલ્લા 15 દિવસથી ટનલમાં ફસાયેલા હોવાથી તેમના સ્વાસ્થ્ય બાબતે પણ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
આ કામદારોને બહાર કાઢ્યા પછી તેમના સ્વાસ્થ્ય વિશે શું કરવું જોઈએ અને તેમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તે સમજવા બીબીસીએ રાંચીની સૅન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઈકિયાટ્રીના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. સંજયકુમાર મુંડા અને રાંચીની સરકારી કંપનીના ખાણ વિભાગમાં ચિકિત્સક ડૉક્ટર મનોજકુમાર સાથે વાત કરી.
ડૉ. સંજયકુમાર મુંડા કહે છે કે સુરંગમાં ફસાયેલા લોકોમાં હતાશાથી લઈને મૂંઝવણ સુધીની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી તેમને બહાર કાઢ્યા પછી તેમનું વ્યાપક મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવું જોઈએ જેથી તેમને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
તેમણે કહ્યું કે "આવી સ્થિતિમાં અનેક પ્રકારની સંવેદનાથી વંચિત થવા લાગે છે. જેમ કે સાંભળવું, સૂંઘવું કે જોવું. આનું પહેલું પરિણામ ઊંડી ચિંતા હોય છે. બેચેની ધીરે ધીરે વધતી જાય છે. સારી વાત એ છે કે તે લોકો સાથે સતત વાતચીત થઈ રહી છે. તેમને કૅમેરાથી જોવામાં આવે છે.”
તેઓ કહે છે, “સંવેદનાથી વંચિત થવા અને ઊંડી ચિંતા વચ્ચે ફસાયેલા લોકો વચ્ચે હતાશાની ભાવના ઊભી થવાની સંભાવના છે. તેમને સુરંગમાંથી બહાર કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે. તેમાં સંપૂર્ણ સફળતા નથી મળી રહી અને તેનો અંદાજ અંદર રહેલા લોકોને પણ આવતો હશે. આનાથી કેટલી વધારે હતાશા તેમનામાં ઊભી થઈ રહી હશે તેનો અંદાજ ના લગાવી શકાય.”

ઇમેજ સ્રોત, ANI
ડૉ. સંજય કહે છે, “મને આશા છે કે બચાવ દળ તરફથી ફસાયેલા લોકોની આશા બંધાયેલી રહે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. પણ ચિંતા અને હતાશાથી જે ખરાબ હાલત છે તે છે માનસિક ભ્રાંતિની, જે આવી સ્થિતિમાં લોકોમાં પેદા થઈ શકે છે. ભ્રાંતિનો અર્થ છે એમને એ વસ્તુઓ દેખાય કે સંભળાય જે છે જ નહીં. તેને અસ્વસ્થ થવા જેવી સ્થિતિ પણ કહી શકાય.”
“આવામાં કોઈને ઘરના કોઈ વ્યક્તિ કે મિત્ર બોલાવતા હોય તેવા અવાજ સંભળાય છે. બિહામણા ચહેરાઓ કે અવાજ માથામાં ગુંજી શકે છે. આવું બધા સાથે થાય એ જરૂરી નથી પણ કેટલાક લોકો સાથે થઈ શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર સંજય કહે છે, “જ્યારે શરીરમાં પાણીની ઊણપ થવા લાગે છે ત્યારે આવું થાય છે. જ્યારે એ વ્યક્તિને લાગે છે કે તેની પાસે બચવાનાં સાધનો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયાં છે. આવામાં વિચારો પૂરી રીતે બેકાબૂ બની જાય છે. વ્યક્તિને લાગશે કે તે પોતાના વિચારો પર કોઈ રીતે કાબૂ નથી રાખી શકતી.”
પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શું બહાર નીકળ્યા પછી પણ આ લક્ષણો રહેશે? આ સવાલ પર પ્રોફેસર મુંડાનું કહેવું હતું કે જે અમે અત્યાર સુધી તમને જણાવ્યું તે ટૂંકા ગાળા માટેની પ્રતિક્રિયા છે. પણ એક વાર અંદર ફલાયેલા રહેવાનો આઘાત પૂરો થઈ જશે તો દૂરોગામી લક્ષણો દેખાવા લાગશે જેને મનોવૈજ્ઞાનિકોની ભાષામાં પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર કહે છે.
તેઓ કહે છે, “આમાં વ્યક્તિ ફ્લૅશબૅકમાં જતી રહે છે. એને તે જ સુરંગમાં ફસાયેલા હોવાની સ્થિતિ અનુભવાશે. જોકે તે અહીં લોકોની વચ્ચે હશે અને જ્યારે તે આ સ્થિતિને ફરી અનુભવવા લાગે છે તો વધારે ચિંતાની સ્થિતિ પેદા થાય છે.”
તો શું કોઈ મજૂરને બહાર લાવ્યા પછી માનસિક સારવારની જરૂર પડી શકે છે.
આના પર તેમણે કહ્યું, “હાલ તો આ ઇમરજન્સીની સ્થિતિ છે. આમાં કોઈ રાહત આપનારી કે તણાવમુક્ત કરી શકે તેવી દવાની જરૂર પડી શકે છે. એવી દવા કે જેનાથી ચિંતા ઓછી થાય અને ઊંઘ આવી શકે.”
તેઓ કહે છે, “પીટીએસડી ના થાય એ માટે ઘણું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન થવું જોઈએ. કોઈ વ્યક્તિનું મગજ આ ઘટના કે અન્ય કોઈ ઘટનાથી કઈ રીતે અસર પામ્યું છે તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે.”
“આવી સ્થિતિની અસર અલગઅલગ લોકો પર અલગ પડી શકે છે. આ માટે તેના મૂલ્યાંકન પછી એ નક્કી થઈ શકશે કે કોની સારવાર કઈ પ્રકારે કરવી.”
શરીર પર શું અસર પડી શકે છે?

એક સરકારી કંપનીના ખાણ વિભાગમાં કામ કરતા ડૉક્ટર મનોજકુમાર કહે છે કે મજૂરો બહાર આવે ત્યારે સૌથી પહેલા તેમના પેશાબથી માંડી લોહી, બ્લડપ્રેશર અને અન્ય તપાસ થશે.
બીબીસીએ તેમને પૂછ્યું કે બહાર નીકળ્યા પછી મજૂરોને કઈ સમસ્યાઓ થઈ શકે છે.
તો તેમણે કહ્યું, “શક્ય છે કે સુરંગમાં ફસાયેલા મજૂરમાંથી કોઈ પહેલેથી જ કોઈ બીમારી ધરાવતો હોય, જેમ કે સુગર (ડાયાબિટીસ) કે બ્લડપ્રેશર. તો આવી સ્થિતિમાં તેની બીમારી વધી શકે છે, કારણ કે ઘણી વાર આવી દવાઓની પ્રતિકૂળ અસર આ બીમારીઓ પર પડી શકે છે. આનાથી પાચનશક્તિ પર અસર થઈ શકે છે.”
તેઓ કહે છે, “જો અંદર ફસાયેલા લોકોને ખોરાક અને પાણી બરાબર રીતે નથી મળી રહ્યું તો તેની પણ અસર થશે. પાણીની ઊણપથી ચક્કર આવી શકે છે, પેશાબ ઓછો થઈ શકે છે. આનાથી કિડની પર પણ અસર થઈ શકે છે. ખોરાક ઓછો લેવાતો હોવાના કારણે શરીર નબળું પડી શકે છે જેના દૂરોગામી પરિણામ હોઈ શકે છે.”
પ્રોફેસર મુંડા કહે છે કેવા દર્દીને તણાવમુક્ત કેવી રીતે કરાય છે એ મહત્ત્વનું હોય છે.
તેઓ કહે છે, “યોગ પણ તેમાં મદદ કરી શકે છે. સિસ્ટમમાં પણ કોઈ કમી રહી ગઈ છે તેને લઈને ચીડિયાપણું ઊભું થઈ શકે છે, જેને સ્વીકારવાની ક્ષમતાને વધારવી તે પણ સારવારનો એક ભાગ હોઈ શકે છે.”

પ્રોફેસર મુંડા કહે છે, “ઘટના વિશે કોઈ પણ પ્રકારની નિશ્ચિત માન્યતા ન બનાવવી એ પણ મનોવૈજ્ઞાનિક સારવારનો એક ભાગ છે જેમાં વ્યક્તિને તે ઘટના સંબંધિત બધી બાબતો કહેવા માટે પ્રેરિત કરવામાં આવે છે, જેથી ડિપ્રેશન બહાર આવી શકે.”
કેટલાક લોકો આવા મામલામાં બહુ વધારે માનસિક દબાણમાં આવી જાય છે તો તેમને તબીબો દવાઓ આપી શકે છે. જે લોકોમાં ડર બેસી જાય છે તેમના માટે અલગ પ્રકારની સારવાર હોય છે.
પ્રોફેસર મુંડા કહે છે, “બહાર રહેલા લોકો ખાસ કરીને પરિવારના લોકો સાથે વાત થવી જરૂરી છે. જે બચાવકાર્ય ચાલી રહ્યું છે તેની જાણકારી કેવી રીતે અંદર ફસાયેલા લોકોને અપાઈ રહી છે તે પણ મહત્ત્વપૂર્ણ રહે છે. પણ આ બધા સાથે એ પણ જોવું જરૂરી છે કે તેમણે ખોરાક અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે કે નહીં.”
જે લોકો અંદર ફસાયેલા છે તેમના પરિવારજનો પણ અસર પડતી હશે. તેઓ કઈ પ્રકારની માનસિક સ્થિતિમાંથી પસાર થતા હશે!
આ સવાલનો જવાબ આપતા પ્રોફેસર મુંડાએ કહ્યું, “હાલ તો બધાનું ધ્યાન અંદર ફસાયેલા લોકો પર છે. પરિવાર પર શું વીતતી હશે એના વિશે તો વિચાર પણ નથી કરવામાં આવતો.”
“અનિશ્ચિતતા ખતરનાક હોય છે, કોવિડમાં બધાએ જોયું છે”

જે લોકો સુરંગમાં ફસાયેલા છે તેમને ઊંઘ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અથવા તેમના મનોભાવ પર પણ અસર થઈ શકે છે. એવામાં આવી સમસ્યાઓ તેમના સંબંધોને પણ અસર કરી શકે છે?
આ વિશે વાત કરતા ડૉક્ટર મનોજકુમાર કહે છે, “જ્યારે કોઈ સુરંગમાં કે ખાણમાં ફસાઈ જાય છે તો સૌથી વધારે ગૂંગળામણ અનુભવાય છે. ચિંતા અને અકળામણ પેદા થવા લાગે છે અને અંતે તે શરીર પર અસર કરવાનું શરૂ કરે છે. ઊંઘ ન આવવાની તકલીફ થઈ શકે છે. તેમને ભૂખ પણ ના લાગે એવું પણ બની શકે છે.”
“એવું પણ થાય કે જ્યાં તમે ફસાયેલા છો તે ધૂળવાળી જગ્યા છે તો ઓક્સિજનની ઊણપ થવા લાગે છે. આનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ પ્રારંભિક લક્ષણ છે.”
તેમનું કહેવું હતું કે અલગઅલગ સ્થિતિમાં લોકો પર અલગ પ્રકારની અસર થઈ શકે છે.
તેઓ કહે છે કે ફસાયેલા હોવાના સમયે જો તે જગ્યા પર પાણી વહેતું થાય તો શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
“ઠંડીને કારણે શરીરની ગરમી ઓછી થવા લાગે છે. ઓક્સિજન ના મળવાને કારણે ફેફસાંને અસર થઈ શકે છે. શ્વાસની તકલીફ થઈ શકે છે. તેની અસર હૃદય પર પણ થઈ શકે છે અને તેનાથી ધીરે ધીરે અન્ય અંગોને પણ અસર થાય છે. હાઇપોથર્મિયામાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે. આનાથી મગજની કામ કરવાની ક્ષમતાને અસર થઈ શકે છે.”














