ઉત્તરકાશી ટનલમાં ફરી ડ્રિલિંગનું કેમ રોકાયું, શું મુશ્કેલી પડી રહી છે?

ઉત્તરકાશી ટનલ

ઇમેજ સ્રોત, REUTERS

    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તરકાશીથી

ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને કાઢવાનું કામ ઑગર ડ્રિલ મશીનમાં આવેલી ખરાબી બાદ ફરી એક વાર રોકી દેવાયું છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ શુક્રવાર સાંજે આપેલા સમાચાર અનુસાર ટનલમાંથી મજૂરોને બહાર કાઢવાના કામમાં ટેકનિકલ સમસ્યા આવતાં ઑગર મશીનને ફરીથી બહાર કાઢવામાં આવ્યું હતું.

મજૂરોને રેસ્ક્યૂ માટેના કામમાં 14 કલાકના અવરોધ બાદ ગુરુવારે સવારે દસ વાગ્યા ફરી એક વાર ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

પરંતુ રાત્રે ડ્રિલિંગનું કામ મશીનમાં આવેલી ખરાબીને કારણે રોકી દેવું પડ્યું હતું. એ સમયે ફસાયેલા મજૂરો માત્ર દસથી 13 મીટરના અંતરે હતા.

ડ્રિલિંગ દરમિયાન મશીન જે પ્લૅટફૉર્મ પર ચઢાવવામાં આવ્યું હતું, તેમાં તિરાડો પડી ગઈ હતી. જેના કારણે એ પ્લૅટફૉર્મ હલવા લાગેલું.

આ ખરાબી બાદ ડ્રિલિંગનું કામ રોકી દેવાયું હતું. હવે તકનીકી ટીમ 25 ટનના આ પ્લૅટફૉર્મને ફરી વખત સ્થિર કરવાના કામમાં લાગેલી છે.

આ ખરાબી ઠીક કર્યા બાદ જ ફરી એક વાર ડ્રિલિંગ શરૂ કરી શકાશે.

મજૂરોને કાઢવા માટે પાઇપલાઇન પાથરવામાં આવી

વીડિયો કૅપ્શન, ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોના બચાવ માટેની કામગીરી ચાલી રહી છે.

આ પહેલાં મજૂરોને કાઢવા માટે નવી પાઇપલાઇન પાથરવામાં આવી હતી.

પરંતુ પહાડ અને તેની ભારે શિલાઓ આ સમગ્ર ઑપરેશનમાં ઘણા પડકારો સર્જી રહ્યાં છે.

આ પડકારોની ઝલક અમને પણ જોવા મળી. જ્યારે 57 મીટર લાંબી પાઇપલાઇન પાથરવાના કામમાં એક સળિયાના કારણે અવરોધ સર્જાયો.

તમામ વિકલ્પોમાંથી અંતે સરકારે હૉરિઝૉન્ટ્લ રેસ્ક્યૂનો વિકલ્પ અપનાવવાનો નિર્ણય કર્યો.

તેમાં 800 એમએમ (32 ઇંચ)ની પહોળાઈવાળી પાઇપની શૃંખલા પાથરવાનું કામ કરાયું.

પહેલાં ઑગર મશીનો લગાવાયાં, જેનો પાઇપ માટે જગ્યા બનાવવા ડ્રિલિંગ કરવાના કામમાં ઉપયોગ કરાય છે. પછી આ પાઇપોની લાઇન પાથરવામાં આવે છે.

ખરેખર તો, પાઇપલાઇનનો લગભગ અડધો ભાગ 900 એમએમનો છે. અને બાદમાં આગળ 800 મીટરની પહોળાઈવાળી પાઇપ લગાવાશે.

વેલ્ડિંગમાં બેથી ત્રણ કલાકનો સમય લાગતો હતો. કારણ કે એ ટૉર્ક વેલ્ડિંગની રીત છે, જેમાં લોખંડ ગરમ હોય છે અને તેને ઠંડું થવામાં અને યોગ્ય પ્રકારે સેટ થવામાં બે થી ત્રણ કલાકનો સમય લાગે છે.

જો એ પહેલાં અન્ય પાઇપ જોડવાની કોશિશ કરાય તો વેલ્ડિંગ અને પાઇપને પણ નુકસાન પહોંચી શકે છે.

અવરોધ સળિયા કાપીને કરાયો માર્ગ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

બુધવારે સાંજે પણ પાઇપલાઇન પાથરવાના કામમાં લોખંડના સળિયાને કારણે અવરોધ સર્જાયો હતો. આના કારણે ઑગર મશીનનું કામ રોકી દેવાયું હતું.

સ્થળ પર હાજર ઇન્ટરનૅશનલ ટનલિંગ અંડરગ્રાઉન્ડ સ્પેસના પ્રમુખ અર્નાલ્ડ ડિક્સે ગુરુવારે સાંજે જણાવેલું કે, “અમે કાલે આ સમય સુધી મજૂરોને બહાર કાઢી લેવાની આશા રાખી રહ્યા હતા. આજે સવારે અને બપોરે પણ આવી જ આશા હતી. પરંતુ એવું લાગે છે કે જાણે પહાડની ઇચ્છા કંઈક ઓર જ હતી. અમારે ઑગર મશીનને રોકવું પડ્યું અને મશીનમાં અમુક રિપૅરિંગ કામ ચાલી રહ્યું છે.”

તેમણે કહ્યું, “કદાચ અમે એ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં આપણે અન્ય વિકલ્પો અંગે વિચાર કરવો પડે.”

ઑગર મશીનથી ડ્રિલિંગ કામ કરાય છે અને તેનો ઉપયોગ કરીને જ પાઇપલાઇન પાથરવા માટે જગ્યા કરાઈ રહી છે.

ઝોઝિલા ટનલ એ ભારતની સૌથી લાંબી (13 કિલોમીટર) ટનલ છે. આ પ્રોજેક્ટના હેડ હરપાલસિંહ પણ સ્થળ પર પહોંચ્યા અને જણાવ્યું કે જ્યારે ડ્રિલિંગ કામ થઈ રહ્યું હતું ત્યારે વચ્ચે ગર્ડર (સળિયો) આવી જવાને કારણે તે કાપવા માટે ગૅસ કટર લગાવાયાં અને તે બાદ ફરીથી ડ્રિલિંગનું કામ શરૂ કરાયું હતું.

છેલ્લાં 12 મીટરના અંતરનો સંઘર્ષ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

હરપાલસિંહે કહ્યું કે, “પાઇપને પુશ કરવામાં, તેની વેલ્ડિંગમાં, ગર્ડર કાપવામાં થોડો સમય લાગે છે.”

બુધવારે સાંજ સુધી તેમણે જણાવેલું કે 44 મીટર સુધી પાઇપલાઇન પાથરી દેવાઈ છે અને 12 મીટર પાઇપલાઇનનું કામ થવાનું બાકી હતું. લક્ષ્ય પાર પાડવા માટે 57 મીટર લાંબી પાઇપલાઇન પાથરવાની હતી.

ગત બે દિવસથી છ મીટરની ત્રણ પાઇપ નાખીને તેમને એકબીજા સાથે જોડવાનો સંઘર્ષ ચાલી રહ્યો છે.

જો પાઇપ અધવચ્ચેથી થોડી દબાઈ પણ જાય અને તેમ છતાં તેમાંથી મજૂરોને કાઢી શકાય છે, કારણ કે એ 24 ઇંચ પહોળી છે. તેથી વધુ પહોળાઈવાળી પાઇપનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

બીજી તરફ, મજૂરોને સુરક્ષિત હૉસ્પિટલ પહોંચાડવા માટે એનડીઆરએફના કર્મચારી સ્થળ પર હાજર છે. ડઝન જેટલી ઍમ્બુલન્સ પણ ટનલની અંદર ઊભી રાખવામાં આવી છે અને સ્ટ્રેચર પણ લવાયાં છે.

બચાવકાર્યમાં જોતરાઈ એજન્સીઓ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

એસજીવીએનએલ ડ્રિલિંગ અને પાઇપલાઇનનું કામ કરી રહી છે. આ એક સરકારી પ્રોજેક્ટ છે.

રેલવેમાં પણ સુરંગ બનાવવાનાં કામ થતાં હોય છે તેથી તેના નિષ્ણાતો અને અધિકારીઓ પણ ત્યાં હાજર છે.

એનએચઆઇડીસીએલ આ ટનલનું નિર્માણ કરી રહી છે અને તેના અધિકારી અને કર્મચારી પણ સ્થળે હાજર છે.

આઈટીબીપીના જવાન પણ સ્થળે છે. એનડીઆરએફ અને એસડીઆરએફ (રાજ્યનું યુનિટ)ની ટીમો પણ રેસ્ક્યૂ ઑપરેશનમાં જોડાયેલી છે.

રેડ લાઇન
રેડ લાઇન