જ્યારે 69 દિવસ અંધારી ટનલમાં ફસાયેલા મજૂરોને દિલધડક ઑપરેશન કરી બચાવાયા

ઇમેજ સ્રોત, Getty Images
તારીખ 12મી નવેમ્બર એટલે કે દિવાળીના દિવસથી 41 શ્રમિક ઉત્તરકાશીની ટનલમાં ફસાઈ ગયા છે. એનડીઆરએફ, એસડીઆરએફ, ડીઆરડીઓ, સતલજ જલવિદ્યુત નિગમ, ઓએનજીસી, ભારતીય વાયુદળ, બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન જેવા ભારત તથા ઉત્તરાખંડ સરકારના એકમો એકજૂટ થઈને ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે પ્રયાસરત છે.
સમગ્ર ઘટનાક્રમે વર્ષ 2010ની ચીલીની ખાણ દુર્ઘટનાની યાદ અપાવી છે, જેમાં 69 દિવસ સુધી બચાવકામગીરી ચાલી અને 33 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પૃથ્વીના પેટાળમાં તેમની હયાતીની માહિતી મેળવવામાં બે અઠવાડિયાં કરતાં વધુ સમય વીતી ગયો હતો.
આ કામગીરી દરમિયાન સમગ્ર દેશ એક થઈ ગયો હતો અને વિદેશમાંથી પણ મદદ અને પ્રાર્થનાઓ પહોંચી હતી. શિફ્ટ સુપરવાઇઝરે ખરા અર્થમાં નેતૃત્વનું નિદર્શન કર્યું. અનુભવી એંજિનિયરો પણ મુંજાયેલા હતા, ત્યારે 23 વર્ષીય યુવકની યોજના કામ કરી ગઈ હતી.
આ દુર્ઘટનાએ અનેક શ્રમિકોના પરિવારોને એક કરી દીધા, તો ખાણિયાએ છુપાવી રાખેલા વ્યક્તિગત રહસ્ય પણ બહાર આવી ગયાં હતાં. આ દુર્ઘટનાને પગલે લવસ્ટૉરી પણ પાંગરી.

17 દિવસનો સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
તા. 5મી ઑગસ્ટ 2010ના દિવસે ચીલીના અટેકામા રણવિસ્તારમાં આવેલી સેન હોઝે ખાણમાં કામ કરવા માટે ચીલીના 32 અને બૉલિવિયાના એક શ્રમિક શિફ્ટ પર હતા.
આ ખાણ તાંબું અને સોનું ઉત્પદાન કરતી હતી. અચાનક જ ખાણનો પ્રવેશદ્વાર ધસી પડ્યો હતો. ખાણના કર્મચારીઓને વિશ્વાસ હતો કે નીચે તેમના સાથીઓ જીવિત હશે. આ આશાએ તેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ તેમનાં સંસાધનો ઊણા ઊતર્યાં હતાં.
બે દિવસ પછી વધુ એક વખત ખાણનો હિસ્સો ધસી પડ્યો, જેના કારણે જમીનથી 400 મીટર અને અડધો કિલોમીટર નીચે બનાવવામાં આવેલા ઍક્ઝિટ રૂટ બંધ થઈ ગયા હતા.
54 વર્ષીય લુઈસ ઓર્ઝવા શિફ્ટના ઇન્ચાર્જ હતા. તેમણે સાથીઓને એકઠા કર્યા. કટોકટીના સંજોગો માટેના આશ્રયસ્થાનમાં ત્રણ-ચાર દિવસ ચાલે એટલો ખોરાક-પાણી હતા. તેની ખૂબ જ કરકસરપૂર્વક ફાળવણી કરવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ સાથી કર્મચારીઓને મજાકમાં કહેતા, 'આપણી આ શિફ્ટ લાંબી રહેવાની છે, પણ આપણે બધા સાથે છીએ અને પાર ઉતરીશું.' તેમણે પોતાના અનુભવના આધારે સાથી કર્મચારીઓનું મનોબળ જાળવી રાખ્યું.
તેમની પાસે ખાણનો લગભગ એક કિલોમીટર જેટલો વિસ્તાર હતો, જેમાં તેઓ હરતા-ફરતા તથા રોજિંદી ક્રિયાઓ કરતા. આમ ને આમ દિવસો પસાર થઈ રહ્યા હતા.
બચાવદળ દ્વારા અંદરની સ્થિતિનો તાગ મેળવવા માટે બોર કરવામાં આવી રહ્યા હતા, જેથી કરીને ઍન્ડોસ્કૉપિક કૅમેરા મોકલી શકાય. આ બોરનો અવાજ નીચે ખાણિયાઓ સુધી પણ પહોંચી રહ્યો હતો, જે તેમના માટે આશાના કિરણ સમાન હતા.
અંદર રહેલા ખાણિયાઓ વારાફરતી સામૂહિક રીતે હથોડાથી લયબદ્ધ રીતે અવાજ કરતા હતા, જેથી કરીને અવાજ સાંભળવા માટે લગાડવામાં આવેલાં યંત્રો તેમની હયાતી છતી કરે. બહાર શ્રમિકોના પરિવારજનો બેબાકળા થઈ રહ્યા હતા અને સરકારની ઉપર બચાવ કામગીરીમાં ગતિ લાવવા દબાણ કરી રહ્યા હતા.
17મા દિવસે દાર કરતું મશીન ખાણમાં પહોંચ્યું, ત્યારે ખાણિયાઓએ ચિઠ્ઠી મોકલી 'અમે તમામ 33 હયાત છીએ અને સલામત આશ્રયસ્થાનમાં છીએ.' કદાચ આ સંદેશ ન પહોંચે તો એટલે ટનલમાં રહેલા શ્રમિકોએ દારના મશીનના ભાગ લાલ રંગથી તેમાં લીટા કર્યા.
જ્યારે ડ્રિલિંગ મશીન બહાર આવ્યું અને તેમને ચિઠ્ઠી મળી, ત્યારે બહાર રહેલાં પરિવારજનો અને સરકારી અધિકારીઓએ રાહતના શ્વાસ લીધા. હવે, તેમની સામે ફસાયેલા ખાણિયાઓને સલામત રીતે બહાર કાઢવાનો પડકાર હતો.
ત્રણ બોર કરીને ખાણિયાઓને બૉટલમાં ખોરાક, દવા, પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું, કૅમેરા અને સંચાર પ્રણાલી પ્રસ્થાપિત કરવામાં આવી, જેથી કરીને તેઓ પરિવારજનો સાથે વાત કરી શકે અને પરિવારજનો તેમને સાંત્વના પાઠવી શકે.
કપડાં અને જીવનજરૂરિયાતની બીજી ચીજો પણ મોકલવામાં આવી. સંપર્ક માટેના આ માધ્યમોને 'કબૂતર' એવું નામ આપવામાં આવ્યું હતું.
23 વર્ષીય યુવકની યોજના

ઇમેજ સ્રોત, Getty Images
ખાણિયાઓને બચાવવા માટે પહેલી યોજના શરૂ કરવામાં આવી અને પછી 'પ્લાન બી' અને 'પ્લાન સી' પણ અમલમાં મૂકવામાં આવ્યા. ચીલીના તત્કાલીન રાષ્ટ્રપતિએ કહ્યું કે આ કામમાં મહિનાઓ લાગી શકે છે, પરંતુ 'હેપી ઍન્ડિંગ' હશે.
તા. 30મી ઑગસ્ટે ઘટનાના 26મા દિવસે બચાવ માટેની પહેલી યોજના અમલમાં મૂકવામાં આવી. જે મુજબ, સીધો દાર કરવામાં આવી રહ્યો હતો, જેનો છેડો શ્રમિકોએ જ્યાં આશ્રય લીધો હતો, તે સ્થળ પાસે નીકળવાનો હતો. વિસ્ફોટકો વગર ઊંડા દાર કરવા માટેની મશીનરી કામે લગાડવામાં આવી હતી. આ કામમાં ચાર મહિના લાગવાના હતા અને ડિસેમ્બર મહિનામાં શ્રમિકો સુધી પહોંચી શકાશે એવું અનુમાન મૂકવામાં આવ્યું હતું.
આવા સમયે 23 વર્ષીય યુવક ઇગોર પ્રૉસ્ટાકેસને લાગતું હતું કે આ ખૂબ જ લાંબો સમય હતો અને નીચે ખાણિયાઓને માટે માનસિક રીતે તણાવપૂર્ણ સમય બની રહેશે.
ઇગોરે સરકાર સમક્ષ 'પ્લાન-બી' રજૂ કર્યો. જે મુજબ આશ્રય સ્થાનથી થોડે દૂર મશીનરૂમમાં ખુલતા સંપર્ક માટેના હયાત 'કબૂતર દાર'ને પહોળો કરવામાં આવે. સરકારે આ યોજનાનો સ્વીકાર કર્યો. તા. 17મી સપ્ટેમ્બરે આ મશીને તેનો પહેલો નમૂનારૂપ દાર કર્યો.
આ સાથે જ 'પ્લાન સી' પણ શરૂ કરવામાં આવ્યો. જેથી કરીને જો કોઈ એક પ્લાનમાં લાગેલી મશીનરી ખોટકાઈ જાય અને તેની કામગીરી પડતી મૂકવી પડે તો બીજા બે પર બચાવકામગીરી ચાલુ રહે.
પતિ, પત્ની ઔર વો

ઇમેજ સ્રોત, AFP
ખાણના પ્રવેશદ્વાર અને આસપાસનો વિસ્તાર બચાવ કામગીરી સાથે સંકળાયેલા લોકો, સરકારી અધિકારીઓ અને એકમો અને તબીબી લોકોએ ઘેરેલો હતો.
ત્યારે શ્રમિકોના બેબાકળા પરિવારજનોએ બધા કામકાજ પડતા મૂકીને ત્યાં પાસે જ ડેરાતંબુ તાણ્યા હતા. જેને તેમણે 'ઉમ્મીદનો આશરો' એવું નામ આપ્યું હતું, તેઓ ત્યાં જ કામ રહેતા, જમવાનું બનાવતા અને નવા અપડેટ્સ મેળવવા આતુર રહેતા. કેટલાક સ્વૈચ્છિક સંગઠનો અને સ્થાનિકતંત્ર તેમની સવલતોની સંભાળ લેતા.
આ દુર્ઘટના દરમિયાન યોની બોરિયોસ નામના ખાણમજૂરે પત્નીથી છુપાવી રાખેલું રહસ્ય બહાર આવી ગયું હતું. બોરિયોસનાં લગ્ન માર્ટા સેલિના સાથે થયાં હતાં.
17મા દિવસે જ્યારે ખાણિયાઓ જીવિત હોવાની બહાર આવી ત્યારે મારતાને સુઝાના વાલેન્ઝુએલા વિશે માલૂમ પડ્યું હતું. 'યોની બોરિયસ કોના?' એના વિશે માર્ટા અને સુઝાના વચ્ચે ઝગડા થતાં હતાં. જેને સ્થાનિક મીડિયામાં ખૂબ જ ચકચાર જગાવી હતી અને તેઓ 'સૅલિબ્રિટી કપલ' બની ગયાં હતાં.
બચાવકામગીરી સાથે સંકળાયેલા ડૉક્ટરના કહેવા પ્રમાણે, 'શરૂઆતમાં બોરિયસના કપડાં કોણ ધુએ તેના માટે માર્ટા અને સુઝાના વચ્ચે ઝગડો થયો હતો. માર્ટા કપડાં ધોવા પણ તૈયાર ન હતાં અને સુઝાનાને આપવા પણ તૈયાર ન હતાં. ત્યારે બોરિયસ અંદરથી કપડાં માટે કરગરતા રહેતા. અમે વચલો રસ્તો ન કાઢ્યો, ત્યારસુધી અવઢવ રહી.'
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, માર્ટા અને સુઝાના બંને એકબીજા વિશે જાણતાં હતાં અને યોની બોરિયસ બંનેને એકસાથે સાચવવાનો પ્રયાસ કરતા હતા.
ભાંગવાના આરે લગ્નજીવન

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર ઘટનાક્રમ દરમિયાન 34 વર્ષીય ઍડિસન પેનાએ 'દોડવીર' તરીકેની ઉપમા મેળવી હતી. તેઓ પોતાના ગુસ્સા અને ભયને દૂર કરવા માટે દોડવાની આદત ધરાવતા હતા.
ખાણમાં અંદર હતા ત્યારે તેઓ પોતાની જાતને ફિટ રાખવા માટે દરરોજ પાંચ કિલોમીટર દોડતા. આ રીતે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવા માટે પ્રયાસ કરતા હતા. જ્યારે પરિવારને તેમની સાથે વાત કરવાની તક આપવામાં આવી ત્યારે શરૂ-શરૂમાં બધું સામાન્ય હતું, પરંતુ આગળ જતાં ઍડિસનનાં પત્ની એન્જલિકા અલ્વારેઝ ગભરાઈ ગયાં અને તેમની સાથે વાત કરતાં ખચકાવા લાગ્યાં.
એલ્વિસ પ્રેસલીના ફેન એવા ઍડિસને એક મુલાકાત દરમિયાન તેમનાં ગીતો ગાવાનું ચાલુ કર્યું અને તેમના વર્તન પરથી એન્જલિકાને તેમના પતિના માનસિક સંતુલન અંગે ચિંતા થવા લાગી હતી.
ખાણમાં પણ ઍડિસન અતડાં રહેવા લાગ્યા હતા. એન્જલિકાને લાગતું હતું કે જો ઍડિસનનું વર્તન આવું જ રહેશે તો તેમના સાથે આગળનું જીવન પસાર કરવું મુશ્કેલ હશે.
ઍડિસને અંદર દોડવા માટે જૂતાની માગ કરી હતી. નિયમ પ્રમાણે, આવી વસ્તુઓ આપી શકાય તેમ ન હોવા છતાં દાણચોરી મારફત વૉકમૅન તથા જૂતાં તેમને મોકલવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પાર્સલ મોટું હોવાને કારણે એમ કરવું શક્ય બન્યું ન હતું.
સંકટ સમયના સુકાની

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે ખાણમાં ફસાયેલા શ્રમિકો અને બચાવદળની વચ્ચે પાઇપ મારફત સંપર્ક થયો એટલે આશાનું કિરણ ઊગ્યું હતું. છતાં અમુક શ્રમિકની ઉંમર નાની હતી, મોટી ઉંમરના શ્રમિકની ઉંમર 64 વર્ષ હતી. તો એક શ્રમિકને કામે લાગ્યાને હજુ પાંચ દિવસ જ થયા હતા. બે ભાઈઓ શિફ્ટમાં સાથે હતા અને ફસાઈ ગયા હતા.
તા. નવમી ઑક્ટોબરે 'પ્લાન બી'ને સફળતા મળી. લગભગ 24 ઈંચ પહોળા બોરનો છેડો મશીનરૂમમાં નીકળતો હતો. શિફ્ટના ઇન્ચાર્જ લુઈસ ઓર્ઝવાએ તમામનું મનોબળ જળવાય રહે તે માટે તેમને પ્રવૃત રાખ્યા. 33 ખાણિયાઓને ગ્રૂપ રેફ્યુજિયો, ગ્રૂપ રૅમ્પા અને ગ્રૂપ 105 એમ ત્રણ જૂથમાં વિભાજીત કર્યા. તેમણે શિફ્ટમાં કામ સોંપવામાં આવ્યું.
આ શ્રમિકોનું કામ બોર કરવાથી નીચે પડેલા કાટમાળને ત્યાંથી હઠાવવાનું, આવેલી સામગ્રી જે-તે ખાણિયા સુધી પહોંચાડવાનું તથા મળેલી ખાદ્ય અને રાહતસામગ્રીનું વિતરણ કરવાનું હતું.
જ્યારે શ્રમિક શિફ્ટ પર ન હોય ત્યારે ઊંઘતા, પત્ર લખતા તથા અન્ય ખાણિયાઓ સાથે રમત રમતા. એક વખત ચીલીના રાષ્ટ્રપતિએ ખાણિયાઓ સાથે વીડિયો ઉપર વાત કરી ત્યારે લુઈસે કહ્યું હતું, 'આ શિફ્ટ સલામત રીતે તમને સોંપવાનું હું વચન આપું છું.'
બોરની તપાસ કરતા શરૂઆતના 96 મીટરની માટી પોલી હતી અને તે ધસી પડે તેમ હતી, એ પછી જમીન નક્કર હતી. એટલે છ મીટરની લંબાઈના 16 પાઈપને અંદર ઉતારવાનું નક્કી થયું, જેથી કરીને સલામત માર્ગ બનાવી શકાય.
ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે વિશેષ કૅપ્સ્યૂલ લિફ્ટ બનાવવામાં આવી, જેનો વ્યાસ 23 ઈંચ જેટલો હતો. તેમાં જાળી હતી અને ગરગડી મારફત તેને ખેંચવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ લિફ્ટમાં ઉપર તથા નીચેની બાજુએ પૈડાં લગાડવામાં આવ્યા હતા, જેથી કરીને ગરગડી મારફત સહેલાઈથી ઉપર-નીચે કરી શકાય તથા ઉપર લાવતી વખતે તે પાઇપ સાથે અથડાય નહીં.
આ લિફ્ટને દંતકથારૂપ પક્ષી પરથી 'ફિનિક્સ' એવું નામ આપવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ફિનિક્સ નામનું આ પક્ષી રાખમાંથી પણ બેઠું થઈ શકે છે. આ ખાણિયાઓ પણ કાટમાળના ઢગમાંથી બહાર નીકળવાના હતા.
પ્રયોગાત્મક રીતે લિફ્ટને અંદર ઉતારીને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. એક તબક્કે લિફ્ટ વચ્ચે અટકી જતાં લોકોના શ્વાસ અદ્ધર થઈ ઘયાં અને ફસાયેલાં શ્રમિકોને બહાર કાઢવા માટે વધુ રાહ જોવી પડશે એમ લાગવા માંડ્યું હતું.
....અને પછી એક પ્રેમ કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
દેશ વિદેશના મીડિયાની હાજરીમાં એક પછી એક ખાણિયા બહાર આવતા ગયા. તાળીઓ પાડીને રાષ્ટ્રગાન કરીને બહાર રહેલાં લોકો તેમને આવકાર્યા. એક અનુમાન પ્રમાણે એક અબજ લોકોએ આ દૃશ્યોને ઑનલાઇન અને ટીવી પર નિહાળ્યા હતા. સોશિયલ મીડિયાની શરૂઆતમાં તત્કાલીન ટ્વિટર ઉપર આના વિશે અનેક સંદેશ વહેતા થયા હતા.
છેલ્લા બહાર નીકળનારા શ્રમિક શિફ્ટ ઇન્ચાર્જ લુઈસ ઓર્ઝવા હતા. તેમણે રાષ્ટ્રપતિને કહ્યું, 'મેં મારું વચન પૂર્ણ કર્યું અને તમને શિફ્ટ સોંપું છું.' જેના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું, 'હું શિફ્ટને સંભાળું છું, તમે તમારી ફરજ પૂર્ણ કરી. સારા કપ્તાનની જેમ છેલ્લે બહાર નીકળ્યા.'
હોલીવૂડે આ ખાણિયાઓના જીવનની ઉપર 'ધ 33' નામની ફિલ્મ બનાવી. જોકે, કેટલાક શ્રમિકોનો આરોપ હતો કે વકીલોએ તમની સાથે છેતરપીંડી કરી અને તેમને પૂરતા પૈસા મળ્યા ન હતા.
યોની બોરિયોસે તેમનાં પત્ની માર્ટાને છોડીને પ્રેમિકા સુઝાનાને પસંદ કર્યાં. જોકે, માર્ટા તેમની ગલીના ખૂણા પર જ રહેતાં હતાં.
દોડવીર ઍડિસન પેના ખાણમાંથી બહાર નીકળ્યા ત્યારે અલ્વારેઝ તેમની સામે હતાં, બંને એકબીજાને ભેંટી પડ્યા. ઍડિસને અમેરિકા અને યુરોપમાં અનેક મૅરેથૉન દોડી, ખેલકાર્યક્રમોમાં ભાગ લીધો. એન્જલિકા સાથેનાં તેમનાં સંબંધ સામાન્ય બન્યાં. આ તમામ કાર્યક્રમો દરમિયાન અલ્વારેઝ તેમની સાથે હતાં.
લગભગ 10 અઠવાડિયાના માનસિક તણાવ દરમિયાન ખાણિયા તથા તેમના પરિવારજનો માટે સ્થાનિકતંત્ર દ્વારા માનસશાસ્ત્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય અચાનક મળેલી પ્રસિદ્ધિમાં પણ સંતુલિત રહી શકે તે માટે છ માસ સુધી માનસશાસ્ત્રીનો ટેકો આપવામાં આવ્યો હતો. આમાનાં એક હતાં સામાજિક કાર્યકર માર્ટા કૉન્ટ્રેરાસ.
એ સમયે 27 વર્ષીય શ્રમિક કાર્લોસ બૉરિયોસ, ને તેમનો પ્રેમ મળ્યો. માર્ટાના કહેવા પ્રમાણે, તેમને ક્યારેય નહોતું લાગતું કે તેઓ કોઈ ખાણિયાના પ્રેમમાં પડશે, પરંતુ બીજાને મદદ કરવાની તેમની વૃત્તિ મને ગમી ગઈ. બંનેએ લગ્ન કરી લીધાં.
ફસાયેલા અનેક શ્રમિકોએ માનસિકસમસ્યાઓની ફરિયાદ કરી અને કાર્લોસ બૉરિયોસ પણ તેમાના એક હતા. ચીલીની સરકારે ખાણકામને લગતાં નિયમો કડક બનાવ્યા, છતાં તેનું પાલન ન થતું હોવાની ફરિયાદ રહેવા પામી છે.
(બીબીસી ન્યૂઝ રિપોર્ટના આધારે)














