બહુમાળી ઇમારતમાં આગ લાગે ત્યારે શું કરવું, ખુદનો બચાવ કેવી રીતે કરી શકાય?

ઇમેજ સ્રોત, Reuters
વિશ્વમાં વધતી વસ્તી સાથે ખાસ કરીને શહેરોમાં બહુમાળી ઇમારતોની સંખ્યા પણ રહી છે અને ગયા અઠવાડિયે હૉંગકૉંગમાં લાગેલી વિનાશક આગ પછી વિશ્વભરની આવી ઊંચી ઇમારતોમાં રહેતા તેમજ કામ કરતા લાખો લોકોને કદાચ એવો સવાલ થતો હશે કે "મારા ઍપાર્ટમેન્ટમાં આગ લાગે તો મારે શું કરવું જોઈએ?"
યુનાઈટેડ કિંગ્ડમની નૅશનલ ફાયર ચીફ્સ કાઉન્સિલ ફાયર્સ ઇન ટૉલ બિલ્ડિંગ્સ ગ્રૂપના અધ્યક્ષ બૅન લેવી બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને કહે છે, "ઇમારતો જેટલી ઊંચી હોય, તેટલા જ તેના રહેવાસીઓ આગ દરમિયાન સલામત સ્થળથી દૂર હોય છે."
અલબત્ત, તેઓ કેટલીક મૂળભૂત બાબતો વિશે જણાવે છે, જેનું અનુસરણ કરીને વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં આગથી પોતાના બચાવની શક્યતા વધારી શકે છે.
બૅન લેવી કહે છે, "તમે કોઈ આગ લાગી હોય તેવી ઇમારતને જુઓ ત્યારે તત્કાળ અગ્નિશામકદળને ફોન કરો. તમારા વિસ્તારમાં આગ લાગી હોય તો પહેલાં ખુદની સલામતી નિશ્ચિત કરો અને તમારી આસપાસના લોકોને સાવધ કરો. પછી ઇમર્જન્સી લાઇન પર ફોન કરો. કોઈએ પહેલાં ફોન કરી દીધો હશે, એવું ધારી લેશો નહીં. આગની ઘટનામા દરેક સેકંડ મહત્ત્વપૂર્ણ હોય છે. આપણે તેના વિશે જેટલું વહેલું જાણીશું તેટલી ઝડપથી આપણે મદદ મોકલી શકીશું અને એ રીતે શક્ય તેટલા વધુ લોકોના જીવ બચાવી શકીશું."
"બીજુઃ શાંત રહો. દોડાદોડી કરશો નહીં. નજીકની ફાયર ઍક્ઝિટ તરફ શિસ્તબદ્ધ રીતે પ્રયાણ કરો. આ વ્યવસ્થા સ્થળાંતરને વધુ સરળ બનાવશે. બચવાના માર્ગો અને ફાયરમૅનને બચાવ કાર્યને અવરોધિત કરવાનું ટાળો. સૌથી પહેલા તમારી સલામતી સુનિશ્ચિત કરો. જેઓને હલનચલનમાં મુશ્કેલી હોય તેમને મદદ કરો," બૅન લેવી કહે છે.

ઇમેજ સ્રોત, Peter Power/Toronto Star via Getty Images
જોકે, બહુમાળી ઇમારતોમાં બચાવનો એકમાત્ર વિશ્વસનીય માર્ગ સામાન્ય રીતે સીડી પરથી નીચે ઊતરવાનો હોય છે. દુર્ઘટના વખતે સીડી પર ભીડ થઈ જાય છે, કારણ કે દરેક માળ પરથી લોકોનો પ્રવાહ સાંકડી સીડી પર આવતો હોય છે.
બચાવ અર્થે સીડી પરથી નીચી ઊતરવાનું વાસ્તવમાં મોટાભાગના લોકોની અપેક્ષા કરતાં ધીમું હોય છે. નિયંત્રિત અથવા ડ્રિલ વખતે લોકો પ્રતિ સેકંડ લગભગ 0.4થી 0.7 મીટરની ઝડપે નીચે ઊતરે છે, પરંતુ ખાસ કરીને બહુમાળી ઇમારતમાં આગ લાગવાની ઘટનાની વાસ્તવિક કટોકટીમાં તેમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે.
તેમાં થાક એક મુખ્ય પરિબળ હોય છે. લાંબા સમય સુધી ચાલતા રહેવાથી ગતિ નોંધપાત્ર રીતે ઓછી થાય છે અને બહુમાળી ઇમારતમાંથી સ્થળાંતર વખતે મોટાભાગના લોકો ઓછામાં ઓછા એક વખત અટકી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનના શાંઘાઈની એક બહુમાળી ઇમારતમાં વર્ષ 2010માં આગ લાગી ત્યારે બચી ગયેલા લગભગ અડધોઅડધ વૃદ્ધ લોકોએ જણાવ્યું હતું કે તેમની ગતિ નોંધપાત્ર રીતે ધીમી થઈ ગઈ હતી.
એકધારી ગતિ

ઇમેજ સ્રોત, Andrew Stawicki/Toronto Star via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બહુમાળી ઇમારતમાં આગની ઘટના વખતે પરિવારોની સ્થળાંતર વખતની ગતિ ધીમી થઈ જાય છે તે સમજી શકાય તેવું છે. પરિવારના વૃદ્ધ લોકો અથવા નાના સભ્યો એક જ લાઇનમાં ચાલવાને બદલે ધીમી ગતિથી એકસાથે જ આગળ વધે તેવું બની શકે છે.
ઑસ્ટ્રેલિયાની મૅલબર્ન યુનિવર્સિટીમાં અર્બન રિસ્ક, રેઝિલિયન્સ એન્ડ મોબિલિટીના અભ્યાસુ પ્રોફેસર મિલાદ હઘાની બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને કહે છે, "લોકો તેમના પરિવારો સાથે હોય છે ત્યારે તેઓ સીડી પર પણ બહુકોણ આકાર સર્જતા હોવાનું મારું સંશોધન દર્શાવે છે."
તેનો અર્થ એ છે કે તેઓ વચ્ચે ઘણી જગ્યા રોકાયેલી હોય છે, જે બિનઉપયોગી હોય છે. તેનાથી ભીડ સર્જાઈ શકે છે અને ભીડની ગતિ ધીમી થઈ શકે છે.
પ્રોફેસર મિલાદ હઘાની કહે છે, "જ્યારે દરેક પરિવાર અથવા લોકોનું જૂથ એકસાથે હોય અને સાપ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે તેઓ એકમેકનાં કપડાં પકડી રાખે છે. મેં તેનો પ્રયોગ કર્યો હતો અને દર્શાવ્યું હતું કે તેનાથી લોકોના પ્રવાહની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે."
બૅન લેવી કહે છે, "લોકોનું જૂથ એક, બે, ત્રણ, ચાર એવી ગણતરી સાથે આગળ વધતું રહે તો એકધારી ગતિ જાળવવામાં મદદ મળી શકે છે. જેઓ સક્ષમ હોય તેમણે નીચે ઊતરતી વખતે સીડી પરની રેલિંગ પકડી રાખવી જોઈએ."
"જોકે, તમે નીચે ઊતરતા હશો ત્યારે ફાયરફાઇટર્સ સીડી મારફત ઉપર ચડતા હશે તેનું પણ ધ્યાન રાખો," બૅન લેવી ઉમેરે છે.
શું બચાવની કોઈ આધારભૂત રીત ખરી?

ઇમેજ સ્રોત, Tesson/Andia/Universal Images Group via Getty Images
નિષ્ણાતો એ વાતે સહમત છે કે બહુમાળી ઇમારતમાં આગ લાગે ત્યારે બચવાની શક્યતાની ખરી ચાવી તૈયારી છે. વ્યક્તિ ઇમારતમાંની આગ વેળાએ બચવાના માર્ગો અને જનરલ લે-આઉટથી પરિચિત હોવી જોઈએ. તે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને રહેવાસીઓ માટે. કારણ કે તેમણે આગથી બચવા મધરાતે ભાગવું પડે એવું બની શકે છે.
બૅન લેવી સૂચવે છે કે લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી જવાને બદલે સમયાંતરે સીડીના ઉપયોગનો પ્રયાસ કરવો જોઈએ.
"કટોકટીમાં જરૂર પડે એ પહેલાં સીડી પરથી નીચે ઊતરવાનો અનુભવ મેળવો," એમ કહેતાં તેઓ ઉમેરે છે, "સંભવિત ઘટના માટે અગાઉથી તૈયારી કરો."
કટોકટી વેળાએ લોકો જાણે કે થીજી જતા હોય છે, એમ જણાવતાં પ્રોફેસર મિલાદ હઘાની બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને કહે છે, "ઘણા લોકો ફાયર એલાર્મ સાંભળે અને તેમને માહિતી મળે ત્યારે, સ્વાભાવિક રીતે, ખચકાટ અનુભવે છે."
"સામાન્ય રીતે જે લોકો બચી જાય છે તેમણે ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપી હોય છે. તેનો આધાર, આગથી બચવા માટે તેમને કેટલું શિક્ષણ તથા જાગૃતિ મળી છે તેમ જ આગથી બચવા માટે કેટલી કવાયતો કરવામાં આવી છે તેના પર હોય છે," પ્રોફેસર મિલાદ હઘાની કહે છે.
બૅન લેવી ઇમારતો શક્ય તેટલી વધુ સલામત હોય તેની ખાતરીના મહત્ત્વનો મુદ્દો પણ ઉઠાવે છે.
તેઓ કહે છે, "આપણે ધારીએ છીએ કે આપણી ઇમારતો સલામત છે અને તે ધારાધોરણો અનુસાર બનાવવામાં આવી છે, જે આગની ઘટનામાં સલામત રહેશે."
"એવું હોય તો ફાયર ડોર્સ, કમ્પાર્ટમેન્ટેશન અને માળખાકીય અખંડિતતા સંબંધી અગ્નિ સંરક્ષણના સિદ્ધાંતો સાચા ઠરવા જોઈએ, તેમજ રહેવાસીઓ સલામત રહેવા જોઈએ. જરૂર પડ્યે આખી ઇમારત ખાલી કરી શકાય એટલા સલામત હોવા જોઈએ."
"કમનસીબી એ છે કે આપણે વિશ્વભરમાં ઊંચી ઇમારતોનાં સંખ્યાબંધ ઉદાહરણો જોયાં છે, જ્યાં આ ધારણાઓ સાચી સાબિત થઈ નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












