મોબાઇલ ફોનના કૅમેરામાં ચંદ્રનો સારો ફોટો લેવા માટે શું કરવું?

ઇમેજ સ્રોત, Sheikh Saif/BBC
- લેેખક, એલન ત્સાંગ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ગુરુવારની રાત્રે અને શુક્રવારની વહેલી પરોઢિયે જો આકાશ ચોખ્ખું હશે તો તમને મોટો અને ચમકદાર સુપરમૂન જોવા મળી શકે છે.
સુપરમૂન હોય કે ચંદ્ર નરી આંખે તો ખૂબ સારા દેખાય છે, પરંતુ જ્યારે આપણે સ્માર્ટફોનથી તેની તસવીર લેવાનો પ્રયાસ કરીએ, ત્યારે તે બ્લર થઈ જાય છે અને ટપકા જેવા દેખાય છે.
જોકે, તેના માટે ફોટોગ્રાફી સ્કિલ જવાબદાર નથી. સ્માર્ટફોનમાં ચંદ્રની સારી તસવીર લેવામાં મુશ્કેલી પડે છે, તેના માટે કેટલાંક કારણો જવાબદાર છે.
જોકે, કેટલાંક સામાન્ય પગલાં લઈને તમે ફોટોગ્રાફની ગુણવત્તામાં ખાસ્સો એવો સુધાર કરી શકો છો.
બ્લર અને ટપકા જેવો ચંદ્ર

રાત્રે ચંદ્રની તસવીર લેતી વેળાએ સૌથી પહેલો અને મોટો મુદ્દો ઓવરઍક્સપોઝરનો હોય છે.
ઑસ્ટ્રેલિયાની મોનાસ યુનિવર્સિટી ખાતે ખગોળશાસ્ત્રના ઍસોસિયેટ પ્રોફેસર માઇકલ બ્રાઉન કહે છે, "આપણને મોટાભાગે ખૂબ જ ડાર્ક બૅકગ્રાઉન્ડમાં નાનો ચંદ્ર દેખાય છે, એટલે ફોન તેને રાત્રિસમયનો ફોટો જાણીને તસવીર લેવાનો પ્રયાસ કરે છે."
વાસ્તવમાં આપણે જ્યારે તસવીર લઈ રહ્યા હોઈએ, ત્યારે ચંદ્રના એ ભાગ ઉપર સૂર્યપ્રકાશ પડતો હોય છે, એટલે ખરેખર તો ત્યાં દિવસનો સમય છે.
ધ્યાનથી જોશો તો તે ચમકતું અને ઓવરઍક્સપોસ ટપકું છે. આનો સહેલો રસ્તો એ છે કે ખૂબ જ અંધારું થઈ જાય એ પહેલાં ચંદ્રની તસવીર લેવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ચંદ્ર જ્યારે સોળે કળાએ ખિલ્યો હોય, ત્યારે તે પૃથ્વીની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે જ્વલ્લે જ સૂર્યાસ્ત પહેલાં પૂર્ણ ચંદ્ર જોવા મળે છે.
એટલે જો તમારે સુપરમૂનની તસવીર લેવી હોય તો સૂર્ય આથમે તે પહેલાં સંધ્યાકાળે પ્રયાસ કરવો જોઈએ.
નાસા દ્વારા ચંદ્રની ફોટોગ્રાફી કરવા સંદર્ભે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાં જણાવ્યા પ્રમાણે, સંધ્યાકાળએ ખૂબ જ સારો સમય છે, કારણ કે તે સમયે ચંદ્ર તથા આકાશના રંગોનો ભેદ ખૂબ જ ઓછો હોવાથી ફોન માટે સુગમતા રહે છે.
જો તમારે રાત્રે જ ચંદ્રની તસવીર લેવી હોય તો ઍક્સ્પોઝરને ઘટાડવા માટે કેટલાક વૈકલ્પિક ઉપાયો છે.
પ્રો. બ્રાઉન કહે છે કે તમે રાત્રે ફોટોગ્રાફી થઈ શકે, તે માટેની ઍપ ડાઉનલોડ કરી શકો છો, જે યોગ્ય ઍક્સ્પોઝર સાથે ચંદ્રની તસવીર લેવામાં મદદ કરશે.
આ સિવાય તમે મોબાઇલમાં ઑટો-ઍક્સ્પોઝર સેટિંગને ઑફ કરીને તે ઘટાડીને પણ તસવીર લેવાનો પ્રયાસ કરી શકો છો.
જો તમારા મોબાઇલમાં 'પ્રૉ-મોડ' હોય તો તમે ઍક્સ્પોઝરને અસર કરતાં બે સેટિંગ્સમાં – ISO (સેન્સર પ્રકાશ પ્રત્યે કેટલું સેન્સિટિવ છે તે) અને શટર સ્પીડ (શટર કેટલો સમય સુધી ખુલ્લું રહે છે, તે.) ફેરફાર કરી શકો છો.
પ્રો. બ્રાઉન સૂચવે છે, "તમારા મોબાઇલ સાથે થોડા પ્રયોગ કરો અને જુઓ કે કેવા સેટિંગ્સ કારગત નીવડે છે."
ફોટોમાં ચંદ્ર નાનો કેમ લાગે છે?

ઇમેજ સ્રોત, Reuters
આપણને નરી આંખે ચંદ્ર ખૂબ જ મોટો દેખાય છે, પરંતુ જ્યારે આપણે તેની તસવીર લઈએ, ત્યારે તે ખૂબ જ નાનો જણાય છે.
તેનું કારણ ચંદ્ર આભાસ હોય છે, જે તમને ચંદ્ર વાસ્તવમાં જેટલો હોય, તેના કરતાં વધુ મોટો હોવાનું માનવા પ્રેરે છે.
આવું શા માટે થાય છે, તેની કોઈને ખબર નથી. આમ છતાં આપણું મગજ ક્ષિતિજ ઉપર કોઈ ચીજ કેટલી દૂર છે, તેનું અનુમાન લગાડવા માટે પ્રયાસ કરે છે, તેની સાથે હોય શકે છે. અથવા કદાચ વૃક્ષો અને ઇમારતોની સાથે સરખામણી થતી હોવાથી, તે ચંદ્ર મોટો જણાય છે.

બ્રાઉન કહે છે કે આપણે ફોનના કૅમેરાની ડિઝાઇનને પણ ધ્યાને લેવી પડે, જે મોટા અને વ્યાપક ફલક કે ક્લોઝ-અપ સૅલ્ફી લેવા માટે ડિઝાઇન થયેલા છે, પરંતુ દૂરની નાનકડી તસવીરો પાડવા માટે નહીં.
જો તમે આકાશને પૂર્વથી પશ્ચિમે 18 ડિગ્રી તરીકે કલ્પો, તો તેની ઉપર ચંદ્ર માત્ર અડધો ડિગ્રી જેટલો જ છે.
પ્રો. બ્રાઉન કહે છે, "કેટલાક (ફોન કૅમેરામાં) એક જ ફોટોમાં લગભગ 90 અંશ સુધીની તસવીર લઈ શકાય છે."
"ત્યારે સમગ્ર તસવીરમાં ચંદ્રનો હિસ્સો ખૂબ જ થોડો હોય છે.....કદાચ માત્ર 50 પિક્સલ જેટલો."
ઝૂમ કરતાં પહેલાં ધ્યાન આપો

ઇમેજ સ્રોત, Nasa/Bill Ingalls
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્યારે આપણને એમ લાગે કે 'ઝૂમ-ઇન' કરવું એ આ સમસ્યાનો ઉકેલ છે, પરંતુ તેનાથી ખાસ ફરક નહીં પડે.
મોટાભાગના સ્માર્ટફોનમાં કૅમેરા ડિજિટલી ઝૂમ થાય છે, મતલબ કે તસવીર માત્ર 'ક્રૉપ' થયા છે, જેથી તસવીર વધુ ધૂંધળી થઈ જાય છે. આને કારણે ખાસ કોઈ ફેર નહીં પડે.
જોકે કેટલાક હાઇ-ઍન્ડ ફોનમાં ઑપ્ટિકલ ઝૂમ હોય છે, જેના કારણે કૅમેરાની ફૉકલ લૅન્થ (કૅમેરાનો લેન્સ કોઈપણ ચીજને કેટલી મોટી કરી શકે, તેને માપવાનું પરિમાણ) જે કે કૉમ્પેક્ટ કૅમેરા કે ડીએસએલઆર કૅમેરા. જેમાં વધુ સારી ડિટેઇલ જોવા મળી શકે છે.
તમે આ પ્રકારના ઝૂમ લૅન્સવાળા ફોન ખરીદવા માટે વિચારી શો છો. જો તમારી પાસે ટેલિસ્કોપ હોય, તો તેના આઇપિસ પર ફોન મૂકીને તસવીર લઈ શકો છો. તેનાથી ઑપ્ટિકલ ઝૂમિંગ થઈ જશે.
પ્રો. બ્રાઉન કહે છે કે, નાનું અને સસ્તું ટેલિસ્કોપ પણ તસવીરમાં ચંદ્રના પિક્સલ્સ અનેકગણાં વધારી આપશે, જેમાં કદાચ તમે તેની સપાટી ઉપર રહેલાં ખાડા પણ જોઈ શકશો.
જ્યારે તમે ફોન કૅમેરાને ઝૂમઇન કરીને તસવીર લેવાનો પ્રયાસ કરો,ત્યારે તે ડગી જવાની શક્યતા રહે છે, જેથી કરીને તસવીર ધૂંધળી આવી છે. આથી, તમારા ફોનને ટ્રાઇપોડ કે અન્ય કોઈ વસ્તુ ઉપર ટેકવીને પછી તસવીર ખેંચો.
તસવીર લેવાનું બટન દબાવતી વખતે ફોન હલી ન જાય તે માટે ફોનના ટાઇમર વિકલ્પનો અથવા લાઇવ વ્યૂ મોડનો ઉપયોગ કરો. ક્યારેક વાયરવાળા ઇયરફોનમાં વૉલ્યૂમનું બટન તસવીર લેવાના બટન તરીકે કામ કરતું હોય છે, તો તેના વિશે પણ વિચારી શકો છો.
ક્રિયેટિવ આઇડિયાઝ

તમારી પાસે હાઇ-ઍન્ડ ફોન, ઑપ્ટિકલ ઝૂમ કૅમેરા કે ટેલિસ્કોપ નથી તેમ છતાં તમારે ફોટોમાં 'મોટી સાઇઝનો ચંદ્ર' જોઈતો હોય, તો કેટલાક ઉપાયો કરીને તમે તસવીરની ગુણવતા સુધારી શકો છો.
પ્રો. બ્રાઉન કહે છે, "તસવીરમાં ચંદ્રના ફૉરગ્રાઉન્ડમાં કોઈ સુંદર ચીજ રાખીને લઈ શકાય."
નાસાના સિનિયર ફોટોગ્રાફ બિલઇનગાલ્સ એક આર્ટિકલમાં લખે છે કે ચંદ્રની સીધી જ તસવીર લેવાની ટાળો, કારણ કે, "એ તસવીર તો બધા લઈ શકે છે."
"એના કરતાં તમે તસવીરને વધુ ક્રિયેટિવ બનાવો....જેના કારણે તમારી તસવીરમાં સ્થળનો સંદર્ભ આપે તેવું કંઈક લાવો."
સાથે જ સ્વીકારવું રહ્યું કે આપણે બધા પ્રોફેશનલ લાગે તેવી તસવીરો ન પાડી શકીએ.
બ્રાઉન કહે છે કે કેટલાક ફોન ચંદ્રની તસવીરોની ગુણવત્તાને સુધારવા માટે એઆઈનો (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ઉપયોગ કરે છે. જેના કારણે ફોન કૅમેરાના નાના લૅન્સથી શું થઈ શકે, તેના વિશે અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી કરી શકે છે.
જો તમારા ફોનની ટૅક્નૉલૉજી ચંદ્રની સુંદર તસવીર લેવા માટે સજ્જ ન હોય, તો તમારે ફોનની જે ખાસિયત હોય તેના ઉપર ધ્યાન આપવું જોઈએ.
પ્રો. બ્રાઉન કહે છે, "આવા ફોન ઝાંખી ચીજોની ખરેખર ખૂબ સુંદર તસવીર લઈ શકે છે."
"તમે અન્ય ચીજની તસવીર લેવા માટે વિચારી શકો, જેમાં વિશાળ ફલકને કારણે તસવીર ખરેખર સુંદર બની શકે છે."
તેઓ આકાશગંગા, ધ્રુવીય પ્રકાશ કે ચમકતા ધૂમકેતુ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












