પાવાગઢ : રોપ-વેનો કૅબલ તૂટતાં છ લોકોનાં મોત, દુર્ઘટના કેવી રીતે ઘટી?

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનો કૅબલ તૂટી જવાને કારણે કૅબિન દુર્ઘટનાગ્રસ્ત થતાં છ લોકોનાં મૃત્યુ થયાં છે.

ગોધરાથી બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ દક્ષેશ શાહ જણાવે છે, "નિર્માણ સામગ્રી લઈને જતી ટ્રૉલીનો કૅબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના થઈ હતી. મૃતકોમા શ્રમિક તથા લિફ્ટ ઑપરેટર પણ હોવાની પ્રાથમિક માહિતી મળી છે."

શાહના જણાવ્યા અનુસાર, "ગુડ્સ રોપ-વેએ શ્રદ્ધાળુઓની અવરજવર માટેના રોપ-વે કરતાં અલગ છે. દુર્ઘટનાને પગલે યાત્રાળુઓ માટેનો રોપ-વે પણ આગામી સૂચના ન આપવામાં આવે, ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યો છે."

પંચમહાલ જિલ્લાના ડીએસપી (ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) ડૉ. હરેશ દુધાતે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું, "સામાનની હેરફેર કરતી ટ્રૉલી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં."

આ ઘટનાને પગલે પોલીસ તથા ફાયર વિભાગની ટુકડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

શાહ જણાવે છે કે, "ઉપર થઈ રહેલા સમારકામ માટે સામાન લઈ જવાતો હતો, ત્યારે રોપવેનો કૅબલ તૂટી ગયો હતો અને કૅબિન નીચે પટકાઈ હતી. કાટમાળ નીચે આવેલા તળાવમાં પડ્યો હોઈ ત્યાં ત્યાં તપાસઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે."

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકારની કામગીરીની સામે સવાલો ઉઠાવતા કહ્યું કે રાજ્યમાં વારંવાર દુર્ઘટનાઓ બની રહી છે, જે ભાજપની બેદરકારીનું પરિણામ છે.

તાજેતરમાં પાવાગઢમાં થયેલી રોપ-વે દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આવા બનાવોથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે.

પાવાગઢ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

પાવાગઢના ડૂંગર ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે. તે હિંદુઓ માટે શ્રદ્ધાના કેન્દ્ર સમાં 52 શક્તિપીઠ પૈકી એક છે.

દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શને આવે છે. નવરાત્રીના સમયમાં અહીં ભારે ભીડ જોવા મળે છે. હાલનું મંદિર 10મી કે અગિયારમી સદી દરમિયાન બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

તે દરિયાની સપાટીથી લગભગ 800 મીટર ઉપર આવેલું છે. અહીં પહોંચવા માટે રોપ-વે છે તથા શ્રદ્ધાળુઓ પગપાળા દાદર ચઢીને પણ મંદિર સુધી પહોંચી શકે છે.

સામાનની હેરફેર માટેની કૅબલકાર એ મુસાફરો માટના રોપ-વે કરતાં અલગ હોય છે. દુર્ઘટના બાદ યાત્રાળુઓ માટેનો રોપ-વે પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં શ્રદ્ધાળુઓ દૂધિયા તળાવ સુધી રોપવેમાં પહોંચી શકે છે. એ પછીના લગભગ સાડા ચારસો દાદર તેમણે ચઢવાના હોય છે. જોકે, રાજ્ય સરકાર તથા ટ્રસ્ટે મંદિરની નજીક સુધી શ્રદ્ધાળુઓ પહોંચી શકે તે માટે તેને વિસ્તારવા માટેનો પ્રોજેક્ટ પણ હાથ ધર્યો હતો.

લગભગ ત્રણેક વર્ષ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ આવ્યા હતા અને તેમણે જીર્ણોદ્ધાર થયેલાં મંદિરનું લોકાર્પણ કર્યું હતું.

વર્ષ 2023માં લગભગ 40 શ્રદ્ધાળુઓ હવામાં હતા ત્યારે રોપ-વે અટકી ગયો હતો. એ પછી તેમને બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એ સમયે કોઈ જાનહાનિ નહોતી થઈ.

વર્ષ 1989થી પાવાગઢ ખાતે રોપ-વે કાર્યરત્ છે. આ પહેલાં વર્ષ 2003માં પાવાગઢ ખાતે કૅબલ તૂટી ગયો હતો, જેના કારણે સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 45 લોકોને ઈજા પહોંચી હતી. લગભગ 100 જેટલા શ્રદ્ધાળુઓ કલાકો સુધી હવામાં લટકી રહ્યા હતા અને તેમને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા કલાકો સુધી ચાલી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન