You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સ, હત્યા અને સૂટકેસમાં મૃતદેહો, આખા ઇંગ્લૅન્ડને હચમચાવી દેનાર ડબલ મર્ડરનો કેસ શું છે?
- લેેખક, લી બૂબયેર
- પદ, બીબીસી ન્યૂઝ, ઇંગ્લૅન્ડ
ઇંગ્લૅન્ડમાં એક વ્યક્તિએ બે પુરુષોની હત્યા કરીને તેમના મૃતદેહોને એક સૂટકેસમાં ભરીને પુલ નજીક ફેંકી દીધા હતા. ભારે ચર્ચાસ્પદ બનેલો આ કેસ ઉકેલાઈ ગયો છે અને યૉસ્ટિન મોસ્કેરા નામની વ્યક્તિએ 71 વર્ષીય પૉલ લૉંગવર્થ અને 62 અલ્બર્ટ અલ્ફોન્સોની હત્યા કરી હોવાનું સાબિત થયું છે.
ડબલ મર્ડરની આ ઘટનામાં સેક્સ સંબંધિત વિગતો હોવાથી હલચલ મચી ગઈ છે.
(ચેતવણીઃ આ લેખમાં એવી કેટલીક વિગતો છે જે કેટલાક લોકોને વિચલિત કરી શકે છે. તેમાં હિંસા અને જાતીય સંબંધોની વાતો સામેલ છે)
યૉસ્ટિન મોસ્કેરાના હાથે અલ્બર્ટ અલ્ફોન્સો અને પૉલ લૉંગવર્થની હત્યાના કારણે એક એવી દુનિયાનો પર્દાફાશ થયો છે જેના કારણે સેક્સ, ડાર્ક વેબ અને એડલ્ટ કન્ટેન્ટ તરફ ધ્યાન ગયું છે.
પરંતુ આ ત્રણેય એકબીજાને કેવી રીતે ઓળખતા હતા? મોસ્કેરાએ તેમની હત્યા કેમ કરી?
કોલંબિયાના એક લક્ઝરી રિસોર્ટમાં સ્પીડ બોટની સવારી કરતી વખતે અલ્બર્ટ અલ્ફોન્સોએ લીધેલી આ સેલ્ફીમાં આ ત્રણેય લોકો પાક્કા મિત્રો લાગતા હતા.
પરંતુ હકીકત કંઈક અલગ જ હતી.
તસવીરમાં તેમના ચહેરા જે સ્મિત દેખાતું હતું, તેની પાછળ સેક્સ અને નાણાકીય વ્યવહારના જટિલ સંબંધો કામ કરતા હતા. ત્રણેયની વચ્ચે એકબીજા પ્રત્યે પ્રેમ અને સારસંભાળની પાર્ટનરશિપ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તસવીર ખેંચાઈ તેના ચાર મહિના પછી 8 જુલાઈ, 2024ના રોજ મોસ્કેરાએ પોતાના લંડનસ્થિત ફ્લૅટમાં બંનેની ઘાતકી હત્યા કરી નાખી.
ત્યાર પછી મોસ્કેરાએ લૉંગવર્થ અને અલ્ફોન્સોના મૃતદેહોના ટુકડા કર્યા અને એક સૂટકેસમાં પૅક કરીને 186 કિલોમીટર દૂર બ્રિસ્ટોલ સુધી લઈ ગયા.
ત્યાં તેમણે એક વાન ડ્રાઇવરને ભાડે રાખ્યા. આ ડ્રાઇવર તેમને બ્રિસ્ટોલના સસ્પેન્શન બ્રિજ સુધી મૂકી ગયા, જ્યાં મોસ્કેરાએ બંનેના મૃતદેહો ફેંકવાની યોજના બનાવી હતી.
62 વર્ષીય અલ્બર્ટ અને 71 વર્ષના પૉલે એકબીજા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ પછી અલગ થઈ ગયા હતા. આમ છતાં તેમની વચ્ચે ગાઢ સંબંધ હતા અને સાથે જ રહેતા હતા.
પોલીસે જણાવ્યું કે, "આ બંનેનું કોઈ પરિવાર કે ફ્રેન્ડ સર્કલ ન હતું. તેઓ એકબીજા માટે સર્વસ્વ હતા... તેઓ એક બીજાની દુનિયા હતી."
અલ્બર્ટ એક સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર હતા અને વેસ્ટ લંડનના એક્ટનસ્થિત મોડ ક્લબ જિમમાં લાઇફગાર્ડ બનવાની તાલીમ લેતા હતા.
તેઓ ફ્રાન્સના બિદાર્તમાં ઉછર્યા હતા. ફ્રાન્સમાં બિયારિત્ઝની હોટલ સ્કૂલમાં તાલીમ લઈને તેઓ બ્રિટન આવ્યા હતા.
આ ત્રણ લોકો કોણ હતા?
અલ્બર્ટ અગાઉ વેસ્ટ લંડનની એક લક્ઝરી રેસિડેન્શિયલ એસ્ટેટ (375 કેસિંગ્ટન હાઈ સ્ટ્રીટ)માં જનરલ મૅનેજર હતા.
બૂલવિચ ક્રાઉન કોર્ટમાં અપાયેલાં નિવેદનોમાં તેમના પૂર્વ સહયોગીઓએ તેમને એક "રસપ્રદ, પ્રભાવશાળી અને પ્રોત્સાહિત" કરનાર વ્યક્તિ ગણાવ્યા હતા.
આ ઇમારતમાં અલ્બર્ટની મુલાકાત પૉલ સાથે થઈ હતી. મુલાકાતના સમયે પૉલ તાજેતરમાં જ નિવૃત્ત થયા હતા.
ફેબ્રુઆરી 2023માં તેમણે સિવિલ પાર્ટનરશિપની શરૂઆત કરી હતી. જોકે, પૉલના મિત્રોએ બીબીસીને જણાવ્યું કે તેઓ "પોતાની સેક્સ્યુઆલિટીને લઈને ઓપન ન હતા" અને અલ્બર્ટને પોતાના ભાઈ ગણાવતા હતા.
પડોશિયો અને મિત્રોએ પૉલને અત્યંત દયાળુ ગણાવ્યા હતા.
લંડનના શેફર્ડ્સ બુશ વિસ્તારના 74 વર્ષીય કેવિન ડોર વીસ વર્ષથી પૉલના મિત્ર હતા.
ડોર જણાવે છે કે "તેઓ બહુ સારા, ઉમળકાથી ભરપૂર, ઉદાર વ્યક્તિ હતા."
"હંમેશાં વિનમ્ર, હંમેશાં તમારા માટે ડ્રિંક ખરીદનારા અને સાથે બેસીને વાત કરનાર વ્યક્તિ..."
જૉર્જ હચિસન પણ પૉલની સાથે બેસીને પીતા હતા. તેમણે જણાવ્યું કે તેઓ 'વન ઑફ ધ બોય્ઝ' હતા. બહુ સારા માણસ હતા. કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું.
સેક્સ અને ઑનલાઇન વીડિયો
અલ્બર્ટ પોતાના અંગત જીવન વિશે ખૂલીને વાત કરતા ન હતા, પરંતુ ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ એવી દુનિયા સાથે સંકળાયેલા હતા જેમાં રૂપિયા આપીને ચરમ સેક્સ માણવામાં આવતું હતું અને તેના વીડિયો પણ ઑનલાઇન શૅર કરવામાં આવતા હતા.
તેમના જીવનનો આ એવો હિસ્સો હતો જેમાં પૉલ સામેલ ન હતા. જોકે, તેઓ આના વિશે જાણતા હતા અને તેમણે આને સ્વીકારી પણ લીધું હતું.
કોલંબિયાના નાગરિક મોસ્કેરા પણ અલગ-અલગ નામે પોતાના સેક્સ વીડિયો ઑનલાઇન શૅર કરતા હતા.
મોસ્કેરા કોલંબિયાના મેડેલિન શહેરમાં રહેતા હતા. તેમને પાંચ ભાઈ અને એક બહેન હતાં. થોડાં વર્ષો અગાઉ બહેનનું મોત થયું હતું. મોસ્કેરાને બે બાળકો પણ છે.
અલ્બર્ટ અને મોસ્કેરા વચ્ચે 2012માં વાતચીત શરૂ થઈ હતી. 2017 સુધીમાં અલ્બર્ટે મોસ્કેરાના સેક્સ વીડિયો માટે નાણાં આપવાનું શરૂ કર્યું હતું. સમયની સાથે સાથે વીડિયો વધુ ખતરનાક બનવા લાગ્યા.
કોર્ટમાં રહસ્યો ખૂલ્યાં
2023માં મોસ્કેરા ઇંગ્લૅન્ડ પહોંચ્યા ત્યારે અલ્બર્ટ અને તેઓ પહેલી વખત એકબીજાને મળ્યા, પરંતુ અલ્બર્ટ તેમના જાતીય સંબંધોને કંઈક અલગ ધારી બેઠા હતા એવું લાગે છે.
અલ્બર્ટ સેક્સ માટે સંબંધો રાખતા હતા જ્યારે મોસ્કેરા માટે આ માત્ર નાણાં કમાવાનો મામલો હતો.
કોર્ટમાં જણાવાયું કે અલ્બર્ટે પોતાના જીવનની દરેક વાત મોસ્કેરા સામે ખૂલી કરી દીધી હતી, જેના માટે આ સંબંધો માત્ર પૈસા ખાતર હતા.
અલ્બર્ટના બૅન્ક સ્ટેટમેન્ટ પરથી જાણવા મળ્યું કે બીજી સપ્ટેમ્બર 2022થી 12 જુલાઈ 2024 દરમિયાન તેમને એક્સ્ટ્રીમ પૉર્ન વેબસાઇટ ચાલવતી એક કંપની પાસેથી 17500 પાઉન્ડથી વધારે રકમ મળી હતી.
મે 2022થી ફેબ્રુઆરી 2024 દરમિયાન અલ્બર્ટે મોસ્કેરાને કુલ 72 ટ્રાન્ઝેક્શનમાં 7735 ડૉલર મોકલ્યા હતા.
જાન્યુઆરી 2024થી 19 જૂન 2024 વચ્ચે અલ્બર્ટે મનીગ્રામ દ્વારા 928 પાઉન્ડ ટ્રાન્સફર કર્યા હતા.
તેના બદલામાં મોસ્કેરાએ અલગ-અલગ નામે ચાર વેબસાઇટ પર 100થી વધારે વીડિયો અને તસવીરો અપલોડ કરી હતી.
ગ્રાહકોએ સેક્સ શૉની માગણી કરી અને મોસ્કેરાએ 30 જૂન 2022થી 12 જૂન 2024 વચ્ચે આ કામથી 2682.90 ડૉલરની કમાણી કરી હતી.
પરંતુ મોસ્કેરાએ કોર્ટમાં દાવો કર્યો કે તેમને ખબર ન હતી કે અલ્બર્ટ તેમના વીડિયો ઑનલાઇન શૅર કરતા હતા.
જોકે, મોસ્કેરાએ સ્વીકાર્યું કે તેમણે 2023માં એક સમંતિપત્ર પર સહી કરી હતી. જેમાં અલ્બર્ટને વીડિયો અપલોડ કરવા અને તેમાંથી નાણાં કમાવાની અનુમતિ અપાઈ હતી.
ઑક્ટોબર 2023માં મોસ્કેરા બ્રિટન આવ્યા અને અલ્બર્ટના ઘરમાં રહેવા લાગ્યા.
તેમણે કોર્ટમાં જણાવ્યું કે આ દરમિયાન અલ્બર્ટે દરરોજ તેમના પર બળાત્કાર કર્યો અને તેમણે જાતીય સંબંધોથી કોઈ આનંદ ન લીધો. જોકે, તેઓ આના માટે નાણાં લેતા હતા.
અલ્બર્ટે જ મોસ્કેરાને બ્રિટન બોલાવ્યા હતા અને પોતાના લંડનસ્થિત ફ્લૅટમાં રાખ્યા હતા.
પોતાના પ્રવાસ દરમિયાન મોસ્કેરા મેડમ તુસાદ મ્યુઝિયમ ગયા હતા. તેઓ ઓપન ટૉપ બસમાં ઘૂમ્યા અને નદીમાં બોટ ટ્રીપ પર પણ ગયા હતા.
માર્ચ 2024માં અલ્બર્ટ પૉલને કોલંબિયા લઈ ગયા. ત્યાં તેઓ કાર્ટાઝેનામાં રોકાયા અને મોસ્કેરાને પણ ત્યાં બોલાવી લીધા.
પૉલના એક મિત્ર કેવિન ડોરે બીબીસીને જણાવ્યું કે તેમણે પૉલને ચેતવણી આપી હતી.
"અમે કહ્યું, તે ખતરનાક જગ્યા છે પૉલ, ત્યાં મજાક ન કરતા."
મે મહિનામાં મોસ્કેરાએ અલ્બર્ટ માટે એક સેક્સ વીડિયો બનાવ્યો. થોડા જ સપ્તાહમાં તેઓ ફરી બ્રિટન આવ્યા. આ વખતે તેઓ અલ્બર્ટના પૈસાથી લંડન પહોંચ્યા.
આ વખતે અલ્બર્ટે મોસ્કેરાને જિમની ગેસ્ટ મેમ્બરશિપ અપાવી, પોતાની ઑફિસની ફૂટબૉલ ટીમના વૉટ્સઍપ ગ્રૂપમાં સામેલ કર્યા અને અંગ્રેજી શીખવવા માટે ચાર અઠવાડિયાંનો કોર્સ પણ કરાવ્યો.
ત્રણેય લોકો ઇંગ્લૅન્ડના કિનારે આવેલા શહેર બ્રાઈટન પણ ગયા, જ્યાં જિપ-વાયર પર મોસ્કેરાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો.
પણ લંડન પહોંચવાથી લઈને અલ્બર્ટ અને પૉલ સાથે રહેવા દરમિયાન મોસ્કેરા બંનેની નાણાકીય વિગતો શોધી રહ્યા હતા.
તેમણે ડીપ ફ્રીઝર, ઇન્ડસ્ટ્રીયલ લિક્વિડાઇઝર, ઝેરી રસાયણો અને આર્સેનિક વિશે માહિતી શોધી.
આઠ જુલાઈએ અલ્બર્ટ અને પૉલની હત્યા કરવામાં આવી.
પૉલને વારંવાર હથોડાથી મારવામાં આવ્યા જેમાં તેમની ખોપરી તોડી નાખવામાં આવી. તેમના શરીરને દીવાન નીચે છુપાવી દેવાયું. ત્યાર પછી મોસ્કેરાએ અલ્બર્ટ ઘરે પાછા આવે તેની રાહ જોઈ.
એક રેકૉર્ડેડ સેક્સ સેશન દરમિયાન મોસ્કેરાએ અલ્બર્ટને ચપ્પુથી મારી નાખ્યા, ત્યાર પછી તેઓ પોતાના રૂમમાં ગીતો ગાઈને નાચતા રહ્યા.
ત્યાર બાદ મોસ્કેરાએ અલ્બર્ટના કમ્પ્યુટરથી પોતાના કોલંબિયાસ્થિત ખાતામાં ચાર હજાર પાઉન્ડ નાખવાની કોશિશ કરી. આ ઉપરાંત બીજા નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવાનો પણ પ્રયાસ કર્યો.
તેમાં સફળતા ન મળવાથી તેઓ નજીકના એટીએમ ગયા અને અલ્બર્ટના ખાતામાંથી સેંકડો પાઉન્ડ ઉપાડી લીધા.
થોડા દિવસો બાદ મોસ્કેરાએ બંને મૃતદેહના ટુકડા કર્યા. તેમણે બંનેના માથા ડીપ ફ્રીઝરમાં રાખ્યા અને બાકીના શરીરના ભાગ સૂટકેસમાં રાખીને બ્રિસ્ટોલ લઈ ગયા.
અલ્બર્ટ અને પૉલની અણધારી અને ઘાતકી હત્યાએ તેમના મિત્રોને હચમચાવી નાખ્યા છે.
વૂલવિચ ક્રાઉન કોર્ટમાં કેસ ચલાવાયા પછી મોસ્કેરાને બંનેની હત્યાના દોષિત જાહેર કરવામાં આવ્યા.
24 ઑક્ટોબરે તેમને સજા સંભળાવાશે.
(રિપોર્ટિંગઃ ફિયોના લેમડિન, એડમ ક્રાઉદર અને બેથ ક્રૂઝ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન