અમેરિકા જવાના ડૉન્કી રૂટ પર મહિનાઓ સુધી ત્રાસ સહન કર્યો, યુવકે કહ્યું, 'મેં જીવવાની આશા છોડી દીધી હતી'

    • લેેખક, સરબજીત સિંહ ધાલીવાલ

"મેં ફિલ્મો અને ગીતોમાં સાંભળ્યું હતું કે ડૉન્કી રૂટ પર થઈને અમેરિકા જવું સહેલું છે. તમારે ફક્ત મેક્સિકો-અમેરિકા સરહદ પાર કરવાની છે અને વિજયનો સંકેત આપવાનો હોય. પરંતુ જ્યારે હું આ રસ્તે ગયો ત્યારે મને ખબર પડી કે જમીની હકીકત સાવ અલગ હતી."

આ શબ્દો છે કપૂરથલાના યુવક બલવિંદર સિંહના જે ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો દ્વારા છેતરાયા બાદ હવે કોલંબિયાથી સ્વદેશ પરત ફર્યો છે.

23 વર્ષીય બલવિંદર સિંહનું સપનું અમેરિકા જવાનું હતું. પરંતુ રસ્તામાં જ માનવ તસ્કરોની એક ટોળકીએ તેમના પર હુમલો કર્યો.

લગભગ એક વર્ષ સુધી કોલંબિયામાં માનવ તસ્કરો દ્વારા ત્રાસ, ભૂખ અને તરસ સહન કર્યા બાદ હવે તે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયાસોથી સ્વદેશ પાછા ફર્યા છે.

કપૂરથલાના બાજપુર ગામના રહેવાસી બલવિંદર સિંહ 12 ધોરણ પાસ છે. ખેતી તેમના પરિવારની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

તેમનું સપનું સારા ભવિષ્ય માટે અમેરિકા જવાનું હતું અને તેથી તેમણે એક એજન્ટ સાથે 32 લાખ રૂપિયામાં સોદો કર્યો.

"જમીન વેચ્યા પછી અને થોડી લોન લીધા પછી અમે ભારતમાં એજન્ટને 28 લાખ રૂપિયા ચૂકવ્યા અને બાકીના પૈસા અમેરિકા પહોંચ્યા પછી ચૂકવવાના હતા" બલવિંદર સિંહ કહે છે.

બલવિંદરનો અમેરિકા જવાનો રસ્તો

બલવિંદર સિંહે કહ્યું, "18 જુલાઈ, 2024ના રોજ તે અમેરિકા જવા માટે ઘરેથી નીકળ્યો. પહેલાં દિલ્હીથી મુંબઈ પહોંચ્યો અને ત્યાંથી નેધરલૅન્ડ પહોંચ્યો. નેધરલૅન્ડથી સુરીનામ, ઘાના અને ઍમેઝોનનાં જંગલોમાં થઈને હું બ્રાઝિલ પહોંચ્યો અને પછી બોલિવિયા, પેરુ અને ઇક્વાડોર થઈને અંતે કોલંબિયા પહોંચ્યો. જ્યાં મને માનવ તસ્કરોએ પકડી લીધો."

બલવિંદર સિંહે કહ્યું કે કોલંબિયા પહોંચ્યા પછી તસ્કરોએ તેમનો પાસપોર્ટ, ફોન અને અન્ય અંગત સામાન છીનવી લીધો અને તેમને એક રૂમમાં બંધ કરી દીધા. બસ અહીંથી જ તેમની ખરી સમસ્યા શરૂ થઈ.

તસ્કરો તેમને રોજ માર મારતા અને ત્રાસ આપી પૈસાની માંગણી કરવા લાગ્યા. મારપીટથી કંટાળીને તેમણે ઘરે ફોન કર્યો. ત્યારબાદ પરિવારે તસ્કરોને 2 લાખ રૂપિયા મોકલ્યા પરંતુ તેઓ વધુ પૈસાની માંગણી કરતા રહ્યા.

બલવિંદર સિંહ કહે છે, "પરિસ્થિતિઓને કારણે મેં બચવાની આશા છોડી દીધી હતી, પરંતુ અચાનક એક દિવસ મને તક દેખાઈ અને હું તસ્કરોની ચુંગાલમાંથી છટકી ગયો. સ્થાનિક લોકોની મદદથી હું નજીકના શહેરમાં પહોંચ્યો. જ્યાં પાંચ મહિના પછી મેં મારા પરિવાર સાથે વાત કરી અને તેમને ઘટના વિશે જાણ કરી."

બલવિંદર સિંહે કહ્યું કે તેમણે કોલંબિયામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને મદદ માંગી. જ્યારે બીજી તરફ બલવિંદર સિંહનાં માતા-પિતાએ રાજ્યસભાના સભ્ય બલબીર સિંહ સીચેવાલ પાસે મદદ માંગી. જેમણે આ મુદ્દો ભારતીય વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો.

બલવિંદર સિંહ કહે છે, "છેલ્લા એક વર્ષમાં મેં જે જોયું છે તે હું ભૂલી શકતો નથી. હવે હું ક્યારેય વિદેશ નહીં જઉ અને પંજાબમાં જ રહીને કામ કરીશ."

તેમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા જંગલો અને નદીઓ પાર કરવી, ગેરકાયદેસર રીતે એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશ કરવો અને મેક્સિકો પહોંચી પછી અમેરિકા જવું ખૂબ જ જોખમી છે.

વરસાદનું પાણી પીને તરસ છીપાવી

બલવિંદર સિંહ કહે છે, "જ્યારે હું તસ્કરોના સકંજામાં હતો ત્યારે તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ પછી મેં નક્કી કર્યું કે જો મારે મરવાનું જ છે તો તે પહેલાં એક વાર ભાગી જવાનો પ્રયાસ કેમ ન કરું, અને મારો પ્રયાસ સફળ રહ્યો."

બલવિંદર સિંહ કહે છે કે જ્યારે તેઓ કોલંબિયાનાં જંગલોમાં દોડી રહ્યા હતા ત્યારે તેમની પાસે ન તો ફોન હતો કે ન તો પૈસા. તેઓ વરસાદના પાણીથી પોતાની તરસ છીપાવતા અને જ્યારે તેમને ભૂખ લાગતી ત્યારે તેઓ ઝાડ પરનાં ફળો ખાતા.

બલવિંદર સિંહના જણાવ્યા મુજબ તેમનાં કપડાં ફાટેલાં હતાં અને તેઓ ખૂબ જ દયનીય હાલતમાં હતા. તેમણે લોકો પાસેથી લિફ્ટ લીધી અને લગભગ 600 કિલોમીટરનું અંતર કાપ્યું અને કોલંબિયાના શહેર બોગોટા પહોંચ્યા. જ્યાં તેમણે ભારતીય દૂતાવાસમાં આશરો લીધો.

બલવિંદર સિંહ કહે છે, "તસ્કરો ફક્ત સ્પેનિશમાં જ બોલતા હતા અને મેં ધીમે ધીમે તેમની ભાષા શીખવાનું શરૂ કર્યું. જ્યારે હું જંગલમાં ગયો ત્યારે આ ભાષા કામમાં આવી કારણ કે સ્થાનિક લોકો ફક્ત સ્પેનિશ જ જાણતા હતા."

'બીજા દીકરાનો જન્મ થયો'

બલવિંદર સિંહનાં માતા શિંદર કૌર કહે છે કે, " ઘરમાં ગરીબી દૂર થશે એવી આશા સાથે અમે અમારા દીકરાને વિદેશ મોકલ્યો હતો. પણ જે થયું તેની તો અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી."

તેમણે કહ્યું કે તેમના પુત્ર સાથે જે બન્યું તે એક રીતે તેમનો બીજો જન્મ હતો.

શિંદર કૌર કહે છે કે પોતાના દીકરાને અમેરિકા મોકલવા માટે પૈસા એકઠા કરવા માટે તેણે પોતાની જમીન અને ઘર વેચવું પડ્યું અને હવે તે ભાડાના ઘરમાં રહે છે. બલવિંદર બે બહેનોનો એકમાત્ર ભાઈ છે અને તેના પિતા ઘણા સમયથી બીમાર છે.

છેતરપિંડી કરનાર એજન્ટ કોણ છે?

પરિવારે તેમની સામે થયેલી છેતરપિંડી અંગે કપૂરથલામાં ફરિયાદ નોંધાવી છે. શિંદર કૌર કહે છે કે એજન્ટ તેની નજીકના ગામનો બલવિંદર સિંહ નામનો માણસ છે.

જ્યારે બીબીસીએ એજન્ટ બલવિંદર સિંહનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે તેમનાં પત્ની હરબંસ કૌરે ફોન ઉપાડ્યો અને કહ્યું કે બલવિંદર સિંહ ઘરે નથી. તેઓ કામ માટે બહાર ગયા છે.

પતિ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ અંગે તેમણે કહ્યું કે તેમને આ વિશે કંઈ ખબર નથી. તેમણે કહ્યું કે બલવિંદર સિંહ એક ખેડૂત છે.

શિંદર કૌરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં બલવિંદર સિંહ, સોનુ સિંહ, હરભજન સિંહ અને મલકિત સિંહના નામનો સમાવેશ થાય છે.

કપૂરથલા પોલીસના તપાસ અધિકારી ડીએસપી ઉપકાર સિંહના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ ચાલુ છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમેરિકાના નામે વધુ એક પરિવાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી

લુધિયાણાના એક યુવકે આરોપ લગાવ્યો છે કે તેની સાથે વર્ક પરમિટ પર ડૉન્કી રૂટથી અમેરિકા મોકલીને 1.40 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ સંદર્ભમાં લુધિયાણા પોલીસે પીડિત આકાશવીર સિંહ કાંગની ફરિયાદ પર એજન્ટ અને તેના સહયોગીઓ વિરુદ્ધ FIR નોંધી છે.

કાર્યવાહી કરતા પોલીસે એજન્ટના ભાઈ સરબજીત સિંહ કે જે પંજાબ પોલીસમાં ASI તરીકે કાર્યરત છે, તેની કપૂરથલાથી ધરપકડ કરી છે.

પીડિત આકાશવીર સિંહે કહ્યું કે તે તેની પત્ની અને બે બાળકો (અનુક્રમે 2 અને 5 વર્ષના) સાથે કાયદેસર રીતે અમેરિકા જવા માંગતો હતો. તેથી તેણે કપૂરથલા જિલ્લાના એજન્ટ દલજીત સિંહ ઉર્ફે ડોન સાથે વાત કરી.

વાતચીત દરમિયાન આકાશવીર સિંહને વર્ક પરમિટ અપાવવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું કે તેમના આખા પરિવારને 90 લાખ રૂપિયામાં અમેરિકા મોકલવામાં આવશે અને સરબજીત સિંહને રોકડ રકમ આપવામાં આવી હતી.

આકાશવીર સિંહ કહે છે, "મને ખબર નહોતી કે સરબજીત સિંહ પંજાબ પોલીસમાં કામ કરે છે. તેની ધરપકડ બાદ આ વાત પ્રકાશમાં આવી."

આકાશવીર સિંહ કહે છે, "ઑગસ્ટ 2023 માં આખા પરિવારને દુબઈની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યો અને પછી ખરા અર્થમાં રમત શરૂ થઈ."

એજન્ટે આકાશવીર અને તેના આખા પરિવારને દુબઈથી અલ સાલ્વાડોર મોકલ્યો જ્યાંથી તેઓ મેક્સિકો પહોંચ્યા.

આકાશવીર સિંહ કહે છે કે મેક્સિકો પહોંચ્યા પછી એજન્ટે બીજા 50 લાખ રૂપિયાની માંગણી કરી. અને જો પૈસા નહીં આપે તો તેને મારી નાખવાની ધમકી આપવા લાગ્યો.

મજબૂરીમાં આકાશવીર સિંહના પરિવારે એજન્ટને વધારાના 50 લાખ રૂપિયા આપ્યા અને તેઓ મેક્સિકોની સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા. જ્યાં થોડા મહિના રહ્યા પછી તે પાછા ફર્યા.

આકાશવીર સિંહની ફરિયાદ પર કાર્યવાહી કરતા લુધિયાણા પોલીસે દલજીત સિંહ ઉર્ફે ડૉન, પંજાબ પોલીસના ASI સરબજીત સિંહ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોના આંકડા

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓ સામે અમેરિકન વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે. આ અંતર્ગત ભારતીયો સહિત ઘણા ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકાએ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ભારતીયોને પરત મોકલ્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, "જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1,563 ભારતીયોને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે."

આ આંકડો ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકેનો બીજો કાર્યકાળ સંભાળ્યો તે દિવસથી શરૂ થાય છે.

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, "મોટાભાગના ભારતીય નાગરિકો કૉર્મસિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા ફર્યા હતા. યુએસ અધિકારીઓએ ભારતીય અધિકારીઓને દેશનિકાલ કરાયેલા વ્યક્તિઓની યાદી આપી હતી, ત્યાર બાદ તેમની નાગરિકતાની પુષ્ટિ કરવામાં આવી હતી."

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, "વર્ષ 2021 માં 805 ભારતીયોને, વર્ષ 2022 માં 862 ભારતીયોને, વર્ષ 2023 માં 670 ભારતીયોને, વર્ષ 2024 માં 1368 ભારતીયોને અને વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 1563 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે."

બીજી તરફ NIA (રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી) એ આ મામલે કડક વલણ અપનાવ્યું છે.

તાજેતરમાં બે એજન્ટોની 'ડૉન્કી' રૂટ મારફતે ભારતીયોને અમેરિકા મોકલવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

NIA દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાં હિમાચલ પ્રદેશના ધર્મશાલાનો રહેવાસી સની ઉર્ફે સની ડોનકર અને પંજાબના રોપરનો રહેવાસી શુભમ સંધલ ઉર્ફે દીપ હુંડીનો સમાવેશ થાય છે.

NIA અનુસાર, બંને આરોપીઓ ગગનદીપ સિંહ ઉર્ફે ગોલ્ડીના સહયોગી હતા, જેની માર્ચમાં એક પીડિતની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી, જેને "ડૉન્કી રૂટે" યુએસ મોકલવામાં આવ્યો હતો જ્યાંથી તેને દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન