You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારો ભાઈ ડરનો માર્યો ઘરની બહાર પણ નીકળતો નથી', અમેરિકામાં જે લોકો રહી ગયા તેમની હાલત હવે કેવી થઈ છે?
- લેેખક, બરિન્દરસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
'હજુ ત્રણ મહિના પહેલાં અમે એને 40 લાખ રૂપિયા આપીને અમેરિકા મોકલ્યો હતો. અમે ખૂબ જ ડરી ગયાં છીએ. હવે એનું શું થશે? એ ડરને કારણે બહાર પણ જઈ શકતો નથી. અમારે હવે શું કરવું એની કશી જ ખબર નથી પડતી.''
આ હદયદ્વાવક શબ્દો સરબજીત(કાલ્પનિક નામ)નાં બહેનના છે. જેણે કેટલાક સમય પહેલા એક એજન્ટને લાખો રૂપિયા દઈને પોતાના ભાઈને અમેરિકા મોકલ્યો હતો.
અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીયો સામે શરૂ થયેલા અભિયાન બાદ પંજાબનાં ઘણાં ઘરોમાં ભયનો માહોલ છે.
દસ્તાવેજ વગર અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીયોને લઈને અમેરિકાનું સૈન્યવિમાન 5 ફેબ્રુઆરીના રોજ અમૃતસર પહોંચ્યું હતું. જેમાં કેટલાય યુવાનો પંજાબના છે.
ડૉનાલ્ડ ટ્રમ્પનાં આ પગલાંની કડક આલોચના થઈ રહી છે. જે પરિવારે પોતાનાં બાળકોને અમેરિકા મોકલ્યાં હતાં. તેઓ અત્યારે ભયભીત છે.
ભારતમાં અમેરિકી દૂતાવાસના પ્રવકતાએ બીબીસી સંવાદદાતા રવિન્દરસિંહ રૉબિન સાથે વાતચીત કરતા કહ્યું:
'અમે ડિપૉર્ટેડ લોકોના પલાયન વિશે વધુ કોઈ માહિતી શેર કરી શકતા નથી. યુએસ ઇમિગ્રૅશન કાયદા લાગુ કરવા એ યુએસ લોકોની રાષ્ટ્રીય સુરક્ષા અને સુખાકારી માટે જરૂરી છે"
બીબીસીએ તાજેતરમાં અમેરિકા ગયેલા કેટલાક યુવાનો અને તેમના પરિવારો સાથે વાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેવામાં ડૂબી રહેલા પરિવારો
લુધિયાણા જિલ્લાના એક ગામનો એક યુવાન ત્રણ મહિના પહેલા અમેરિકા ગયો હતો. તે લગભગ 33 વર્ષનો છે. તેમને સાત વર્ષનો દીકરો છે અને તેમનાં પત્નીએ 20 દિવસ પહેલાં એક બાળકીને જન્મ આપ્યો હતો.
આખો પરિવાર ઘરમાં નવા સભ્યના આગમનની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે અમેરિકાના તાજેતરનાં પગલાંએ તેમને ચિંતામાં નાખી દીધાં હતાં.
સરબજીતનાં(કાલ્પનિક નામ) બહેને નામ ન આપવાની શરતે બીબીસી સાથે ખાસ વાત કરી.
ગઈકાલે અમૃતસર ઍરપૉર્ટ પર પહોંચેલા ભારતીય લોકોને જોઈને આખો પરિવાર ખૂબ જ ચિંતિત અને ભયભીત છે.
સરબજીતનાં બહેન કહે છે, "આ અમારા માટે ભયાવહ પરિસ્થિતિ છે, જો મારા ભાઈને પણ દેશનિકાલ કરવામાં આવશે, તો અમારી પાસે કંઈ જ નહીં રહે. અમે લોન લઈને તેને અમેરિકા મોકલ્યો હતો. અમે બે દિવસ પહેલા મારા ભાઈ સાથે વાત કરી ત્યારે તે ખૂબ જ ડરી ગયો છે"
યુએસ સરકારની કાર્યવાહી બાદ, ત્યાં ગયેલા યુવાનો તેમના ભવિષ્ય વિશે વિચારી રહ્યા છે. તેઓ એટલા ડરેલા છે કે તેઓ પોતાના ઘરની બહાર નીકળતા નથી.
સરબજીતનાં બહેને કહ્યું, "મારો ભાઈ એટલો ડરી ગયો છે કે તે કંઈપણ ખરીદવા માટે પણ ઘરની બહાર નીકળતો નથી. તે ત્યાં ગયો અને ફક્ત એક મહિનો કામ કર્યું, હવે તે કંઈ કામ પણ નથી કરતો."
40 થી 50 લાખ રૂપિયાનું રોકાણ કરીને અમેરિકા પહોંચેલા યુવાનો યુએસ સરકારનાં પગલાંથી એટલા ડરી ગયા છે કે તેઓ કૅનેડાને પોતાનું આગામી આશ્રયસ્થાન તરીકે જોવા લાગ્યા છે.
અનેક પરિવાર, એક દાસ્તાન
બીજા એક પરિવારે બીબીસી સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે થોડા મહિના પહેલાં તેમનાં બે બાળકો અમેરિકા ગયાં હતાં, પરંતુ ત્યાંના ખરાબ વાતાવરણને કારણે હવે તેમને કૅનેડા મોકલવાની ફરજ પડી છે.
પરિવારના એક સભ્યએ કહ્યું, "અમેરિકામાં પરિસ્થિતિ હાલમાં સારી નથી, અમે અમારાં બાળકોને કોઈને કોઈ રીતે કૅનેડા મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે લોન લીધી અને તેમને અમેરિકા મોકલવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા, હવે તેમને ભારત પાછા લાવવાનો કોઈ રસ્તો નથી, તેથી અમે તેમને કૅનેડા મોકલવાનો રસ્તો શોધી રહ્યા છીએ."
ડિટેન્શન સેન્ટરોમાં કફોડી હાલત
મોહાલી જિલ્લાનો એક યુવાન બે મહિના પહેલા સરહદ પાર કરીને અમેરિકા પહોંચ્યો છે. અમેરિકાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તેમણે નામ ન આપવાની શરતે બીબીસી સાથે વાત કરી.
દિલપ્રીતસિંહ(કાલ્પનિક નામ)એ જણાવ્યું કે તે વિયેતનામ થઈને મૅક્સિકો થઈને ડિંગી બોટ દ્વારા અમેરિકા પહોંચ્યો હતો.
તેણે કહ્યું, "એજન્ટે મને અમેરિકા લઈ જવા માટે મારી પાસેથી 60 લાખ રૂપિયા લીધા હતા. તેણે મને એક મહિનામાં અમેરિકા લઈ જવાનું વચન આપ્યું હતું અને હું અમેરિકા પહોંચી ગયો. માનવતસ્કરો મને મૅક્સિકન શહેર મૅક્સિકાલીથી સરહદ પાર લઈ ગયા હતા."
"સરહદ પાર કર્યા પછી, અમેરિકન પોલીસ મને એક અટકાયત કેન્દ્રમાં લઈ ગઈ, જ્યાં હું 21 દિવસ રહ્યો. તે પછી, તેઓએ મને યુનાઇટેડ સ્ટેટ્સ જવાની મંજૂરી આપી."
તે કહે છે, "હું ડિટેન્શન સેન્ટરમાં ઘણા યુવાનોને પણ મળ્યો જે લગભગ બે વર્ષથી બંધ છે. યુએસ ઇમિગ્રૅશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ ટીમ તેમનો ન તો દેશનિકાલ કરે છે અને ન તો તેમને યુએસ જવા દે છે."
"એ યુવાનો શારીરિક અને માનસિક રીતે ખૂબ જ નબળા પડી ગયા છે અને તેમની રાત અને સવાર રડતા રડતા વિતાવે છે."
'અગાઉ પણ દેશનિકાલ થયા છે'
ઇમિગ્રૅશન નિષ્ણાત રચપાલસિંહ સોસને બીબીસી સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન એક લાખથી વધુ લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
રચપાલસિંહનું કહેવું છે કે અમેરિકા અગાઉ પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરતું રહ્યું છે, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે લશ્કરી વિમાનમાં અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે.
રચપાલ કહે છે કે જે લોકો ગેરકાયદેસર રીતે ડંકી રુટથી અમેરિકામાં પ્રવેશ્યા છે અને કાયદેસર બૉન્ડ ભરીને આશ્રય લીધો છે, તેમને હાલમાં દેશનિકાલ કરવામાં આવી રહ્યા નથી.
રચપાલસિંહે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે જે રીતે કાર્યવાહી કરી રહ્યા છે તે જોતાં ભવિષ્યમાં શું થશે, તેના વિશે કંઈ કહી શકાય નહીં.
ગયા વર્ષે અમેરિકા ગયેલા ફતેહગઢ સાહિબના એક યુવકે કહ્યું હતું કે તેની પાસે કાનૂની દસ્તાવેજો છે અને તે કામ પણ કરી રહ્યો છે, પરંતુ ન્યૂ યૉર્ક વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને જેમની પાસે કાયદેસરના દસ્તાવેજો ન હતા, એવા યુવાનોની અટકાયત કરી હતી.
ટ્રમ્પનાં પગલાંને ખોટું ગણાવતા તેઓ કહે છે કે અહીં રહેતો અને કામ કરતો પંજાબી પણ ટૅક્સ ચૂકવીને અમેરિકાના અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યો છે. અમેરિકન સરકારે ઇમિગ્રન્ટ્સને પોતાના ગણવા જોઈએ અને તેમના માટે સરળ રસ્તા ખોલી આપવા જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન