You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાએ ગુજરાતીઓ સહિત પાછા મોકલેલા ભારતીયોને પ્લેનમાં બાંધેલી હાથકડી વિશે ભારત સરકારે શું ખુલાસો કર્યો?
અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને પાછા મોકલાયા પછી સંસદમાં ભારે હંગામો થયો. અમરિકાથી 104 ભારતીયોને અમેરિકન આર્મીના વિમાનમાં પાછા મોકલાવમાં આવ્યા હતા જેમાં 33 ગુજરાતીઓ પણ હતા.
આ લોકોને સૈન્ય વિમાનમાં હાથકડી પહેરાવીને લાવવામાં આવતા અમેરિકા સહિત ભારત સરકારની પણ ટીકા થઈ રહી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ડિપોર્ટ થયેલા લોકોને હાથકડી પહેરાવવા મામલે સંસદમાં જવાબ આપ્યો છે.
અમેરિકાથી પાછા આવેલા લોકોએ પણ હાથકડી પહેરાવીને પાછા મોકલાયાની માહિતી આપી હતી અને યૂએસ બૉર્ડર પેટ્રોલના વડા વિલિયમ્સ બૅન્કે પણ એક વીડિયો ટ્વીટ કર્યો હતો જેમાં લોકોને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધેલા જોઈ શકાય છે. જોકે આ વીડિયો એ ભારતીયોનો જ છે જેમને પાંચ ફેબ્રુઆરીએ ડિપોર્ટ કરવામાં આવ્યા એની પુષ્ટિ નથી થઈ શકી.
તેમણે લખ્યું છે કે, "યુએસબીપી અને તેના સાથીઓએ ગેરકાયદેસર અમેરિકામાં રહેતા લોકોને પાછા ભારત મોકલ્યા છે, આ વખતે સૈન્યના વિમાનમાં ડિપોર્ટ થયેલા લોકોને સૌથી દૂર મોકલવામાં આવ્યા છે."
તેમણે વધુમાં લખ્યું કે, "જો તમે ગેરકાયદેસર રીતે આવશો તો તમને પરત મોકલી દેવામાં આવશે."
વિપક્ષે આ મામલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, "આ બધાના હિતમાં છે કે આપણે કાયદેસર રીતે જવાને પ્રોત્સાહન આપીએ અને ગેરકાયદેસર રીતે જવાને પ્રોત્સાહિત ન કરવું જોઈએ. આ બધા દેશોની ફરજ છે કે તેઓ વિદેશમાં ગેરકાયદેસર રહેતા પોતાના નાગરિકોને પરત સ્વીકારી લે. ડિપોર્ટેશનની પ્રક્રિયા નવી નથી."
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પરત મોકલતી વખતે હાથકડી પહેરાવવાને લઈને કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ બુધવારે જ સવાલ ઉઠાવ્યા હતા.
'હું 20 દિવસ સુધી જેલમાં રહ્યો,' અમેરિકાથી આવેલા લોકોએ શું કહ્યું?
પંજાબના અમૃતસરમાં શ્રી ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઊતરેલા 104 ભારતીયોમાંથી એક પંજાબના હોશિયારપુરની એક વ્યક્તિએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, "મને જૂઠ્ઠું બોલીને લઈ જવાયો હતો કે હું એક નંબરમાં (કાયદેસર) જઈશ પણ મને ડૉન્કી રૂટમાં મોલક્યો હતો..તેમાં બહુ તકલીફ થઈ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"રસ્તામાં ટેક્સી લઈને જવું પડ્યું અને સમુદ્રમાં કલાકોની મુસાફરી કરવી પડી. આઠ મહિને હું અમેરિકા પહોંચ્યો હતો. હું પકડાયો પછી બૉર્ડર પર 20 દિવસ સુધી જેલમાં રહ્યો."
અમેરિકાથી પાછા મોકલાયા તે અંગે તેમણે કહ્યું કે, "ત્યાંથી અમારા હાથ અને પગમાં હાથકડી લગાવવામાં આવી હતી. તેઓ અમારી સાથે ખોટું બોલ્યા હતા કે અમને કૅમ્પમાં લઈ જઈ રહ્યા છીએ, પછી અમને ઍરપોર્ટ લઈ જવામાં આવ્યા અને વિમાનમાં બેસાડી દીધા. અમેરિકાથી અમૃતસર સુધી આવવામાં અમને 40 કલાક લાગ્યા."
તેમનું કહેવું છે કે, "બાળકો, મહિલાઓ અને પુરુષો મળીને કુલ 104 લોકો હતા. બાળકોને છોડીને બધાને જ હાથકડી લગાવવામાં આવી હતી. શૌચાલય જવું હોય કે જમવું હોય તો પણ હાથકડી બાંધી રાખવાની હતી. ખાવામાં માત્ર એક લેઝ (ચિપ્સ) અને જ્યૂસનું પૅકેટ દેતા હતા."
હોશિપુરમાં જ અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ભારતીય નાગરિકોના એક પરિવારજને સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું, "જે થયું એ દુર્ભાગ્યપૂર્ણ છે. માનવ અધિકાર કોઈને ગુના વગર સાંકળ બાંધવાની પરવાનગી નથી આપતા. બધા તેમના પરિવારોને સેટલ કરવા માગે છે પરંતુ હું કહું છું કે આટલા પૈસા અહીં ખર્ચીને અહીં જ રહે તો સારું. અહીં તેઓ પોતાના પરિવાર સાથે રહી શકશે. આટલા પૈસા બૅન્કમાં રાખવામાં આવે, એ લોકો સરળતાથી જીવન જીવી શકે છે. જો તેઓ ફિક્સ ડિપોઝિટમાં પણ પૈસા રોકે તો તેમને સારું વળતર મળશે."
વિદેશ મંત્રીએ હાથકડી પહેરાવવા મામલે શું જવાબ આપ્યો?
વિદેશ મંત્રી ડૉ એસ.જયશંકરે આ મામલે સંસદમાં આપેલા નિવેદનમાં કહ્યું કે, "અમેરિકાથી ગેરકાયદેસર રહેતા લોકોને પાછા મોકલવાની પ્રક્રિયા ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. 2012થી જ વિમાનમાં લોકોને ડિપોર્ટ કરવાની સામાન્ય પ્રક્રિયા ચાલી રહી છે, હું ફરી કહું છું કે આ પ્રક્રિયા 2012થી લાગુ છે અને તેમાં હાથકડી લગાવવાના નિયમ છે."
તેમણે આગળ કહ્યું, "જોકે, અમને આઈસીઈએ જણાવ્યું છે કે મહિલાઓ અને બાળકોને હાથકડી લગાવવામાં નહોતી આવી. વધુમાં યાત્રા દરમ્યાન ડિપોર્ટ થઈ રહેલા લોકોની ભોજન અને અન્ય પ્રકારની જરૂરિયાતો જેમાં જરૂર પડ્યે મેડિકલ સુવિધાઓ પણ સામેલ છે, એ પૂરી કરવામાં આવે છે. ટૉઇલેટ બ્રેક વખતે આ લોકોની હાથકડીઓ ખોલવામાં આવે છે."
"આ સુવિધા ચાર્ટર્ડ નાગરિક ઍરક્રાફ્ટ અને સેનાના વિમાન બંનેમાં આપવામાં આવે છે. આમાં કોઈ ફેરફાર નથી થયો, હું ફરી કહું છું કે આ પહેલાંથી ચાલી રહેલી પ્રક્રિયામાં પાંચ ફેબ્રુઆરીએ પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી."
ડૉ. એસ.જયશંકરે કહ્યું છે કે, "અમે ડિપોર્ટ થઈ રહેલા લોકો સાથે કોઈ પણ પ્રકારના દુર્વ્યવહાર ન થાય તે માટે અમે અમેરિકાની સરકાર સાથે વાત કરી રહ્યા છીએ."
ભારતમાંથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના ધંધા પર કાર્યવાહી કરવા પર ભાર મૂકતા વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું, "આપણું ધ્યાન ગેરકાયદેસર માઇગ્રેશન ઇન્ડસ્ટ્રી પર કાર્યવાહી કરવા અને કાયદેસર વિદેશ જતા લોકો માટે વીઝાની પ્રક્રિયાને સરળ કરવા પર હોવું જોઈએ."
તેમણે આગળ કહ્યું કે, "અમેરિકાથી પાછા આવેલા લોકોએ એજન્ટ્સ અને અન્ય લોકો વિશે આપેલી માહિતીના આધારે કાયદા અને વ્યવસ્થા એજન્સીઓ પગલાં લેશે."
ડિપોર્ટેશનની પ્રક્રિયા વર્ષોથી ચાલતી આવી રહી હોવાની માહિતી આપતા ડૉ. એસ. જયશંકરે સંસદમાં વર્ષ 2009થી લઈને 2025 સુધી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીય નાગરિકોના આંકડા આપ્યા હતા. જે મુજબ 2019માં સૌથી વધુ 2042 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યસભામાં આ મામલે જવાબ આપતા વિદેશ મંત્રી ડૉ એસ. જયશંકરે કહ્યું કે, "અધિકારીઓને અમેરિકાથી (ડિપોર્ટ કરવામાં આવેલા) પાછી ફરેલી દરેક વ્યક્તિ સાથે બેસી એ જાણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ અમેરિકા કેવી રીતે ગયા હતા, એજન્ટ કોણ હતા અને આપણે શું સાવચેતી રાખીએ કે આવું આગળ ન થાય."
રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ રણદીપસિંહ સૂરજેવાલાના સવાલના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું, "અમને જાણ છે એ મુજબ 104 ભારતીયોને કાલે પાછા મોકલવામાં આવ્યા છે. અમે જ તેમની નાગરિકતાની ખરાઈ કરી છે. આપણે એવું ન દેખાડવું જોઈએ કે આ નવો મામલો છે. આ પહેલાં પણ થતું રહ્યું છે."
વિપક્ષે ભારતીયોને હાથકડી પહેરાવીને મોકલવાની ટીકા કરી
વિપક્ષે ભારતીયોને હાથકડી પહેરાવવા અંગે ભારત સરકારની ટીકા કરી છે. અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયોમાં ગુજરાતીઓ પણ છે. જેમને ગુરુવારે સવારે અમૃતસરથી ગુજરાત લાવવામાં આવ્યા હતા.
કૉંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને કહ્યું કે, "અમેરિકાએ ખૂબ જ ખરાબ વર્તન કરીને હાથમાં હાથકડીઓ અને પગમાં બેડીઓ પહેરાવી જેમ કોઈ આતંકવાદી હોય તેવી રીતે 33 ગુજરાતીઓને દેશમાં મોકલ્યા છે. હવે આ અનેક યાતના પછી ઘરે આવેલા ગુજરાતીઓને ગુજરાતમાં પોલીસ સ્ટેશન શા માટે લઈ જવાય છે? તેમણે દેશમાં કોઈ ગુનો કર્યો જ નથી. આ પ્રકારનો ત્રાસ બંધ કરવો જોઈએ. સરકારને શરમ આવવી જોઈએ કે આપણે આપણા રાજ્યને મોડેલ અને વિકસિત કહીએ છીએ પરંતુ રોજગાર કે નાના માણસને સુવિધા, રોજગારી, ધંધા નથી આપતા, માટે આ લોકો વિદેશ જાય છે."
આ મામલે તૃણમૂલ કૉંગ્રેસના નેતા કલ્યાણ બેનરજીએ કહ્યું કે, "સામાન્ય રીતે અમે વિદેશ મામલે નથી બોલતા પણ જે રીતે હાથકડી પહેરાવીને મોકલવામાં આવ્યા એ સ્વીકાર્ય નથી. આ માનવ અધિકારનું ઉલ્લંઘન છે. હું માનું છું કે ભારત સરકારે આ મામલે ઉચ્ચ સ્તરે વાંધો ઉઠાવવો જોઈએ."
શિવસેના ઉદ્ધવ જૂથનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, "જે રીતે ભારતીયોને સાંકળ બાંધીને મોકલાયા અને તેમને વૉશરૂમ પણ ન જવા દેવાયા, હું અમેરિકાને યાદ અપાવવા માગું છું કે આ લોકો ગુનેગાર નથી. તેમને જે રીતે મોકલાયા છે એ અપમાનિત કરવા જેવું હતું. એક તરફ વડા પ્રધાન મોદીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મિત્ર છે બીજી તરફ આપણા નાગરિકો સાથે આવું વર્તન થઈ રહ્યું છે. આ આપણા દેશના સન્માનની વિરુદ્ધ છે."
તેમણે કહ્યું કે, "નાના-નાના દેશો પણ ટ્રમ્પ સામે ઊભા થઈ રહ્યા છે પરંતુ ભારતે હજુ સુધી વાંધો પણ નથી ઉઠાવ્યો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન