વાઘણ બચ્ચાંના પાલનપોષણ માટે કેવાં બલિદાન આપે અને બચ્ચાંને કેવી રીતે શિકાર શીખવે?

    • લેેખક, કે. શુભગુનમ
    • પદ, બીબીસી તમિલ

સત્યમંગલમ ટાઇગર રિઝર્વમાં લગભગ ચાર દિવસના ટ્રેકિંગ પછી અમે એક તળાવ નજીક પહોંચ્યા. એક દિવસ અગાઉ જ અમે હાથીઓનું એક ઝુંડ જોયું હતું જે એક ગર્ભવતી હાથણીને વચ્ચે રાખીને સુરક્ષિત રીતે આગળ વધતું હતું.

તે દિવસે બપોરનો તડકો આકરો બનતા અમે છાંયડા માટે એક તળાવ પાસે ગયા. પરંતુ ત્યાં હાજર ફૉરેસ્ટ ગાર્ડે કોઈ પણ અવાજ કર્યા વગર ધીરજપૂર્વક આવવાનો ઇશારો કર્યો. તેમને પહેલેથી ખબર પડી ગઈ હતી કે ત્યાં કોણ છે.

ચારે બાજુ વાંસનાં ઝાડ ઊગી ગયાં હતાં અને વચ્ચે એક ગોળાકાર ખાડો હતો. ત્યાંથી થોડે દૂર જાવ તો ગરમી પડે, પરંતુ અંદર જાવ તો વાંસ અને ઠંડું પાણી હતું. તે તળાવની એક તરફ એક વિશાળ ખડક પર એક વાઘણ પોતાના શરીરને અડધું પાણીમાં અને અડધું બહાર રાખીને આરામ ફરમાવતી હતી.

સહેજ અવાજ થતા જ તેને અમારી હાજરીનો અણસાર આવી ગયો અને છલાંગ લગાવીને ભાગી ગઈ. અમે ત્યાંથી તરત નીકળી ગયા, કારણ કે તે દૃશ્ય અમુક સેકન્ડો માટે જ હતું. પરંતુ જંગલમાં વાઘને જોવાનો મારો એ પ્રથમ અને અંતિમ અનુભવ હતો.

તાજેતરમાં મેં મુદુમલાઈ ટાઇગર રિઝર્વમાં એક વાઘણના મોતના સમાચાર સાંભળ્યા, તો મને તે જૂનો અનુભવ યાદ આવી ગયો. સાથે સાથે મેં એ પણ જોયું કે વાઘણના જીવન વિશે કેટલાક સવાલો સતત ઊઠતા રહેતા હોય છે.

વાસ્તવમાં વાઘણનું જીવન કેવું હોય છે? પ્રજનન દરમિયાન તેનું શું કાર્ય હોય છે? પોતાનાં બચ્ચાંની સારસંભાળ કરવામાં તે કઈ રીતે વિશિષ્ટ હોય છે?

વાઘ એકલા રહેવાનું પસંદ કરે, હદ પણ નક્કી હોય છે

વાઘ ચોક્કસ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે અને પ્રજનનની સિઝનને બાદ કરતા એકાંતમાં રહે છે.

કોઈ વાઘનો વિસ્તાર 10 ચોરસ કિલોમીટરથી લઈને વધુમાં વધુ 100 ચોરસ કિમી સુધી હોઈ શકે છે. તેનો આધાર સ્થળ, શિકાર કરી શકાય તેવી પ્રજાતિઓની સંખ્યા, જંગલમાં વાઘની કુલ વસતી વગેરે પર આધારિત હોય છે.

અન્નામલાઈ ટાઇગર રિઝર્વના વાઇલ્ડ લાઇફ જીવવિજ્ઞાની પીટર પ્રેમ ચક્રવર્તી કહે છે, વાઘ પેશાબ કરીને પોતાની હદ નિર્ધારિત કરે છે.

આ ઉપરાંત તેઓ સમયાંતરે પોતાના અવશેષ છોડીને પણ પોતાની હાજરી પ્રસ્થાપિત કરાવતા હોય છે.

વાઘ કઈ રીતે પ્રજનન કરે છે?

વાઘણ જ્યારે પ્રજનન માટે તૈયાર થાય ત્યારે તેના પેશાબની ગંધ વાઘને તેના તરફ આકર્ષિત કરવાનું કામ કરે છે.

"આ રીતે જ્યારે વાઘને જાણ થાય કે વાઘણ પ્રજનન માટે તૈયાર છે, ત્યારે તે તેના ક્ષેત્રમાં જાય છે. જ્યાં થોડા દિવસ બંને સાથે શિકાર કરે છે, એક સાથે ખાય છે, સાથે સમય વીતાવે છે અને પ્રજનન કરે છે."

વાઘ અને વાઘણ થોડા દિવસો સુધી પ્રેમીઓની જોડીની જેમ રહે છે. પરંતુ પ્રજનન પ્રક્રિયા પૂરી થયા પછી તેઓ અલગ થઈ જાય છે. પીટર કહે છે કે, "ત્યાર પછી બચ્ચાંના પાલનપોષણની તમામ જવાબદારી વાઘણની હોય છે."

વાઘણ પોતાનાં બચ્ચાં માટે બલિદાન આપે છે

શિકાર અને હદનું રક્ષણ કરવાની દૈનિક જવાબદારી ઉપરાંત વાઘણે પોતાનાં બચ્ચાંની સારસંભાળ અને ખોરાકની વ્યવસ્થા પણ કરવી પડે છે.

અત્યાર સુધીમાં થયેલા સંશોધન પ્રમાણે વાઘણ પોતાનાં દૈનિક કાર્યો અને બચ્ચાં પાછળ અથાક મહેનત કરે છે અને સમય આપે છે.

સાઇબીરિયામાં વાઘણોના વ્યવહાર પર 2020માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે મુજબ વાઘણ પોતાનાં બચ્ચાંને અન્ય જોખમોથી બચાવવા માટે મોટા ભાગનો સમય તેની સાથે ગાળે છે. વાઘણ પોતાનો લગભગ 20 ટકા સમય પોતાનાં બચ્ચાં સાથે વીતાવે છે.

વાઘનાં બચ્ચાંને ઝરખ જેવાં જાનવરોથી હંમેશાં ખતરો રહે છે. વાઘ પર સંશોધન કરનારા ડો. કુમારગુરુ કહે છે કે જરૂર પડે તો કેટલાક વાઘ પોતાના રહેઠાણની સરહદ પણ ઘટાડી દે છે.

તેઓ કહે છે, "બચ્ચાંને જન્મ આપ્યા પછી વાઘણ બહુ અસુરક્ષિત હોય છે. આવામાં પોતાની અને બચ્ચાંની સુરક્ષા મુખ્ય લક્ષ્ય હોય છે. તેથી તે સમગ્ર હદમાં રાજ કરવાના બદલે પોતાની હદને મર્યાદિત કરી નાખે છે."

તેમના કહેવા મુજબ વાઘણ પોતાનાં નવજાત બચ્ચાં સાથે મૂઝ (એક પ્રકારના હરણ) અને વાઇલ્ડબીસ્ટ (જંગલી બળદ) જેવા મોટા પ્રાણીઓનો શિકાર નથી કરતી. તેના બદલે તે નાનાં અને મધ્યમ કદનાં પ્રાણીઓના શિકાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

"તેનાં બે કારણો છે. એક, તો તે શારીરિક રીતે નબળી સ્થિતિમાં હોય છે, મોટા શિકાર કરવાનું કામ પડકારજનક હોય છે અને તે જોખમી પણ સાબિત થઈ શકે છે."

ડૉ. કુમારગુરુ કહે છે, "આ ઉપરાંત નાનાં બચ્ચાં કડક ભોજન નથી ખાઈ શકતાં. તેમના માટે માંસ નરમ અને સરળતાથી પચી શકે તેવું હોવું જોઈએ. તેઓ હરણ, ટપકાંદાર હરણનાં બચ્ચાં અને જંગલી સસલાંનો શિકાર કરે છે."

સાઇબીરિયાના વાઘો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પૂરતા શિકાર ન મળે ત્યારે વાઘણ પોતાનાં બચ્ચાં માટે પોતાનો આરામ, પોતાનો પ્રદેશ અને ખોરાક પણ જતો કરે છે.

વાઘ ભાગ્યે જ બચ્ચાંનું પાલનપોષણ કરે છે

ડૉ. કુમારગુરુ કહે છે કે બચ્ચાંને જન્મ આપ્યાના એક કે બે મહિનાની અંદર વાઘણ મૃત્યુ પામે તો બચ્ચાં જંગલમાં જીવિત રહે તેની શક્યતા 90 ટકા જેટલી હોય છે.

આ દરમિયાન પીટરે નોંધ્યું છે કે ઘણી વખત વાઘ પણ બચ્ચાંને ખવડાવતા હોય છે અથવા તેની સાથે રમે છે.

પરંતુ ડૉ. કુમારગુરુનું કહેવું છે કે આવું માત્ર 30થી 40 ટકા કિસ્સામાં જ થાય છે. કુમારગુરુએ કહ્યું કે, "માતાના મૃત્યુના થોડા દિવસોની અંદર પિતાની નજર બચ્ચાં પર પડે તો તે પોતાના શિકારનો એક હિસ્સો તેમને આપશે. ત્યાર પછી વાઘનું અનુકરણ કરશે અને આ રીતે તેમની સારસંભાળ રાખવાનું શરૂ કરી દેશે."

આવી જ એક ઘટના 2021માં મધ્ય પ્રદેશમાં પન્ના ટાઇગર રિઝર્વમાં બની હતી. તે વખતે બચ્ચાંને જન્મ આપ્યા પછી સાત મહિનામાં વાઘણ મૃત્યુ પામી હતી.

જોકે, વનવિભાગે એ ક્ષેત્ર પર નજર રાખીને ખાતરી કરી કે બચ્ચાંના પિતા તેમના માટે સુરક્ષિત છે અને તે બચ્ચાં માટે કોઈ ખતરો નહીં બને.

વાઘનાં બચ્ચાં શિકાર કરવાનું કઈ રીતે શીખે છે?

બચ્ચાં જ્યારે 6થી 9 મહિનાના થઈ જાય ત્યારે શિકારની તાલીમ શરૂ થઈ જાય છે. કુમારગુરુએ જણાવ્યું કે શરૂઆતમાં રમત રમતમાં પ્રૅક્ટિસ કરવામાં આવે છે.

માતાના નિરીક્ષણ હેઠળ બચ્ચાં તીડ, સસલાંનાં બચ્ચાં અને કાચિંડા જેવાં નાનાં પ્રાણીઓનો શિકાર કરે છે અને તેનાથી રમે છે.

તાલીમ દરમિયાન માતાને કેન્દ્રમાં રાખીને બચ્ચાં વધુમાં વધુ 200 મીટરની દૂરી સુધી રમવા જાય છે. તેઓ જંગલી બળદ અને હરણ ચરતાં હોય તેવી જગ્યાએ દોડાદોડી કરે છે અને બચ્ચાંના અવાજમાં ગર્જના કરે છે.

કુમારગુરુએ કહ્યું કે આ બધી પ્રક્રિયા બચ્ચાંના રમત જેવી લાગી શકે છે. પરંતુ તે બચ્ચાંને શિકાર કરવાનો આત્મવિશ્વાસ આપવાનો પહેલો પ્રયાસ હોય છે.

ત્યાર પછી એક વર્ષની ઉંમર પછી વાઘણ કોઈ હરણનો શિકાર કરે તો બચ્ચાં તે શિકારને ઘેરી લઈને માતાને મદદ કરશે. ત્યાર પછી શિકારને એક ઝાટકે પાડી દેવાના બદલે વાઘણ તેના પગ તોડી નાખશે અને બચ્ચાં આવીને તેને પાડી દે ત્યાં સુધી રાહ જોશે.

ડૉ. કુમારગુરુ કહે છે કે બચ્ચાંને તેની ટેવ પડી જાય ત્યાર પછી તેઓ લગભગ દોઢથી બે વર્ષની ઉંમરે પોતાની જાતે શિકાર કરવા લાગે છે.

પીટરે નર અને માદા બચ્ચાંના તફાવત વિશે સમજાવ્યું. તેમના કહેવા પ્રમાણે નર બચ્ચાં કદમાં મોટા હોય છે અને હાવી થવાની, લડવાની અને માતાએ કરેલો મોટા ભાગનો શિકાર છીનવી લેવાની પ્રવૃત્તિ ધરાવતા હોય છે. તેથી માદાં બચ્ચાંઓએ ઝડપથી શિકાર કરીને ફટાફટ ખાઈ જવાની ટેવ પાડવી પડે છે. તેથી નરની તુલનામાં માદા બચ્ચાં વહેલા શિકાર કરવા માટે સજ્જ હોય છે.

શિકારની ટેવ પાડવા માટે રાજમાતાએ બચ્ચાંને ભૂખ્યાં રાખ્યાં

પોતાનાં બચ્ચાંને શિકાર કરવાનું શીખવવા માટે વાઘણ તેને ભૂખ્યાં પણ રાખે છે. કલેરવાલી નામની વાઘણ તેનું ઉદાહરણ છે જે 2022માં મધ્ય પ્રદેશના પેન્ચ નૅશનલ પાર્કમાં ઉંમરના કારણે મૃત્યુ પામી હતી.

સંશોધનકર્તાઓ આ વાઘણને રાજમાતા તરીકે ઓળખાવે છે જેમણે પોતાના જીવનકાળમાં 29 બચ્ચાંને જન્મ આપ્યો હતો. રાજમાતાએ પોતાનાં બચ્ચાંને શિકાર માટે સક્ષમ બનાવવા આ પદ્ધતિ અપનાવી હતી. આ વાતને 2013માં સેન્ચ્યુઅરી એશિયા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

રાજમાતાએ ઑક્ટોબર 2008માં ત્રણ નર સહિત કુલ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો. એક દિવસ રાજમાતાએ પોતાનાં બચ્ચાંને અલગ કરી દીધાં.

તે પોતાનાં બચ્ચાંથી લગભગ દોઢ- બે કિમી દૂર ગઈ. પરંતુ તેણે બચ્ચાંને બોલાવવા અથવા તેની નજીક જવા કોઈ અવાજ ન કર્યો. તેણે આખો દિવસ એકલા શિકાર કર્યો અને આંટા માર્યા.

લગભગ 10 દિવસ સુધી ભૂખ્યા રહ્યા પછી એક નર બચ્ચાએ આખરે એક ટપકાંદાર હરણના બચ્ચાનો શિકાર કર્યો. કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહ્યા પછી તેમણે લડ્યા વગર અંદરોઅંદર ખોરાક વહેંચી લીધો. આમ છતાં રાજમાતા તેમની પાસે ન આવી. દિવસો વીતતા ગયા. ત્યાર પછીના દિવસોમાં બચ્ચાંએ વધુ બે ટપકાંદાર હરણનો શિકાર કર્યો.

અંતે 16મા દિવસે રાજમાતા વાઘણે પોતાનાં બચ્ચાંને બોલાવ્યાં અને એક હરણનો શિકાર કરીને પેન્ચ નદીના કિનારે તેમની રાહ જોવા લાગી.

બચ્ચાં આવી પહોંચ્યાં ત્યારે રાજમાતાએ પોતાના પરિવાર સાથે શિકારની જ્યાફત ઉડાવી. આ અભ્યાસમાં બીજી કેટલીક વિશેષતા પણ જોવા મળી. વાઘણે પોતાનાં બચ્ચાંને પેન્ચ નદીથી માત્ર 100 મીટરના અંતરે છોડી દીધા. અહીં ગાઢ જંગલ હતું અને શિકાર કરી શકાય તેવો ખોરાક પુષ્કળ પ્રમાણમાં હાજર હતો.

એટલે કે પોતાનાં બચ્ચાંને શિકાર માટે સક્ષમ બનાવવા વાઘણે તેમને એવી જગ્યાએ છોડ્યાં જ્યાં ખોરાક કે પાણીની કોઈ અછત ન હતી અને સાવ નિર્જન વિસ્તાર હતો.

આ ઉપરાંત પોતાના પિતા ટી-2ના મૃત્યુ પછી વાઘણ ટી-30એ પિતાના પ્રદેશ પર કબજો જમાવ્યો હતો. તે આસપાસ ફરતી રહેતી હતી. રાજમાતા તરીકે ઓળખાતી વાઘણ પોતાના બચ્ચાંને સલામત અંતરેથી રક્ષણ આપતી હતી જેથી તેઓ ખતરામાં ન મુકાય.

વાઘણો નર બચ્ચાંને શા માટે મારીને ભગાવી દે છે?

આ પ્રકારની સુરક્ષા અને પાલનપોષણ, શિકારની તાલીમ અને સ્વતંત્ર રીતે રહેવાનું શીખવ્યા પછી બચ્ચાં જ્યારે એકલા રહેવાની ઉંમરે પહોંચે ત્યારે માતા તેનાથી અલગ થઈ જાય છે.

વન્યજીવના જીવવૈજ્ઞાનિક પીટર કહે છે, "માદા બચ્ચાં માટે વાઘણો ક્યારેક પોતાના ક્ષેત્રનો એક હિસ્સો આપે છે. જ્યારે નર બચ્ચાંને તે લાંબા અંતર સુધી પીછો કરીને ભગાડી દે છે."

પીટર કહે છે, "નર બચ્ચાં પોતાની માતાના રહેઠાણની નજીક હોય તો તેઓ અંદરોઅંદર પ્રજનન અથવા માતાની સાથે પણ સંવનન કરે તેવી શક્યતા રહે છે."

"નર બચ્ચાંને એટલા માટે ભગાડી દેવાય છે કે તેનાથી જીનેટિક ખામીઓ પેદા થઈ શકે છે અને ભવિષ્યમાં પેદા થતા બચ્ચાં પર અસર પડી શકે છે."

આટલું જ નહીં, ડૉ. કુમારગુરુએ કહ્યું કે, "વાઘણનું કોઈ બચ્ચું નબળું હોય તો તે તેને ખાઈ જશે, જેથી કરીને ભવિષ્યમાં નબળાં બચ્ચાં પેદા ન થાય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.