You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીરિયા: પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પરિવાર સાથે મૉસ્કોમાં, રાજ્યાશ્રય અપાયો - મીડિયા રિપોર્ટસ
રશિયન મીડિયાના રિપોર્ટ્સ મુજબ, સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ તેમના પરિવાર સાથે મૉસ્કોમાં છે.
અન્ય એક સહયોગી દેશ ઈરાનનું કહેવું છે કે અસદે તેમની પાસેથી કોઈ પણ પ્રકારની મદદ માગી નથી અને જે કંઈ થયું તે સીરિયાની સેનાએ કર્યું છે તથા એમાં તેમની કોઈ ફરજ નથી.
મધ્ય-પૂર્વ એશિયામાં ઝડપભેર સત્તા અને શક્તિનાં સમીકરણ બદલાઈ રહ્યાં છે જેની ઉપર અમેરિકા ચાંપતી નજર રાખી રહ્યું છે.
બીજી બાજુ, જૉર્ડન અને લેબનોનમાં આશ્રય લઈ રહેલા સીરિયનો અસદ સરકારના પતન બાદ વતન પરત ફરી રહ્યા છે. બંને દેશોમાંથી મોટી સંખ્યામાં ગાડીઓમાં સીરિયા પરત ફરતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં અસદે સત્તા ઉપરથી પકડ ગુમાવી હતી અને ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં તેમની સત્તાનું પતન થયું હતું. સમગ્ર ઘટનાક્રમ અનેક રાજકીય અને સૈન્ય વિશ્લેષકો માટે ચોંકાવનારો હતો.
'રશિયામાં બશર અલ-અસદને રાજ્યાશ્રય'
દરમિયાન રશિયન મીડિયા સૂત્રોને ટાંકતા જણાવે છે કે સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તેમનો પરિવાર મૉસ્કોમાં છે. રશિયાએ અસદ તથા તેમના પરિવારને રાજ્યાશ્રય આપ્યો છે. જોકે, બીબીસી સ્વતંત્ર રીતે આ સમાચારની પુષ્ટિ નથી કરતું.
ઉલ્લેખનીય છે કે અસદ શિયા સમુદાયના છે. જેમણે રશિયા તથા શિયા દેશ ઈરાનની મદદથી સત્તા ઉપર પકડ જમાવી હતી. અસદ પરિવારે લગભગ 50 વર્ષ સુધી આ દેશ પર શાસન કર્યું હતું.
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ રવિવારે ઈરાની મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદે ઈરાન પાસેથી કોઈ પણ પ્રકારની મદદ માગી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરાગચીએ કહ્યું, "અમારી પાસેથી મદદ નહોતી માગી અને મૂળતઃ આ કામ સીરિયાની સેનાનું છે. અમે તેમાં અમારી ભૂમિકા નથી માનતા."
તેમણે ઉમેર્યું, "આમા જે ચોંકાવનારી બાબત એ હતી કે સીરિયાની સેના બળવાખોરોને અટકાવવામાં અસફળ રહી અને બધું ખૂબ જ ઝડપભેર થયું."
ઇઝરાયલની પ્રતિક્રિયા
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સીરિયાની સ્થિતિ પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.
આ સંદેશમાં તેમણે બશર અલ-અસદની સત્તાના પતનને મધ્ય-પૂર્વ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાવ્યું છે. જોકે, તેમણે કહ્યું કે જોખમ ટળ્યું નથી અને ખતરાની આશંકા પણ વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે ઇઝરાયલની હિઝ્બુલ્લાહ અને ઈરાન પરની કાર્યવાહીને કારણે આ પરિણામ જોવાં મળ્યું. કારણ કે, હિઝ્બુલ્લાહ અને ઈરાન અસદના સમર્થક છે.
નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે સીરિયામાં અસદની સત્તાના પતન બાદ તેમણે કુર્દ, ખ્રિસ્તી અને મુસ્લિમો કે જેઓ ઇઝરાયલ સાથે શાંતિથી રહેવા માગે છે તેમને શાંતિનો સંદેશો પણ મોકલ્યો છે.
તેમણે કહ્યું, "ઇઝરાયલ સીરિયામાં નવી તાકત સાથે પાડોશી જેવા શાંતિપૂર્ણ સંબંધ ઇચ્છે છે. પરંતુ જો તેમ ન થયું તો ઇઝરાયલ તેની સરહદને બચાવવા માટે કંઇ પણ કરી શકે છે.
દરમિયાન સીરિયાની સેનાએ ગોલાન હાઇટ્સ પર બફર ઝોનનો કબજો છોડી દીધો હતો, જેની ઉપર ઇઝરાયલની સેનાએ કબજો જમાવી લીધો છે. જે રાજધાની દમાસ્કસથી 60 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કહેવા પ્રમાણે, તેમણે સેનાને ગોલાન હાઇટ્સ ઉપર કબજો જમાવવાના આદેશ આપ્યા હતા. કોઈ દુશ્મન તત્વોનો કબજો ચલાવી ન લેવાય.
અસદ વિશે અફવાઓ અને અટકળો
આ પહેલાં રવિવારે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ક્યાં છે તેના વિશે રાજધાની દમાસ્કસમાં અફવાનું બજાર ગરમ રહ્યું હતું.
લોકો તેમના વિશે ભાળ મેળવવા માટે દમાસ્કસ આવનારાં વિમાનો પર મીટ માંડી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ સાર્વજનિક રીતે દેખાયા ન હતા અને તેમના વિશે માહિતી મળતી ન હતી.
સીરિયા હાલ વિભાજીત દેશ બની ગયો છે. જ્યાં વર્ષોથી ગૃહયુદ્ધ ચાલે છે અને આ ઘા ઉપર મલમ લાગ્યો નથી.
દસ દિવસ પહેલાં સુધી અહીં ચાર વર્ષ પહેલાં જેવી જ યથાસ્થિતિ હતી. પરંતુ અચાનક વિદ્રોહીઓએ એક પછી એક શહેરો પર કબજો કરવો શરૂ કર્યો.
વર્ષોથી સંઘર્ષ ચાલતો આવતો હોવા છતાં રાષ્ટ્રપતિ અસદની ઉપસ્થિતિ સત્તા પર તેમની પકડ છતી કરતું હતું, પરંતુ છેલ્લા લગભગ એક પખવાડિયા દરમિયાન ઘટનાક્રમ ઝડપભેર બદલાયો હતો.
બશર અલ-અસદે દેશ છોડી દીધો છે ત્યારે સીરિયામાં ફરી વખત સત્તાનો શૂન્યાવકાશ સર્જાશે અને આ વાતનો કોઈ સંકેત નથી કે તેમની જગ્યા કોણ ભરશે?
સત્તા માટે અનેક દાવેદારો છે અને તેમની વચ્ચેનો સંઘર્ષ નવેસરથી ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઊભી કરી શકે છે.
રશિયાએ શું કહ્યું?
આ પહેલાં રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ અન્ય ભાગીદારો સાથેની વાતચીત બાદ પોતાનું પદ અને દેશ છોડી દીધો છે.
રશિયાના વિદેશ મંત્રાલયનું એ પણ કહેવું છે કે બશર અલ-અસદે સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણના નિર્દેશ પણ આપ્યા છે.
રશિયાએ કહ્યું કે બશર અલ-અસદ અને અન્ય ભાગીદારો સાથે વાતચીતમાં તે સામેલ નહોતું. સીરિયા અને તેમનાં સૈન્ય ઠેકાણાં હાઈઍલર્ટ પર છે. પરંતુ જોખમથી દૂર છે.
રશિયા અન્ય ભાગીદારોના સંપર્કમાં છે અને રશિયા સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સમર્થન આપે છે.
અલેપ્પો વિદ્રોહીના હાથમા જતું રહ્યા બાદ રશિયાએ અહીં બૉમ્બમારો કર્યો હતો.
આ પહેલાં સીરિયાના વિદ્રોહી જૂથોએ દેશની રાજધાની દમાસ્કસ પર પણ નિયંત્રણ મેળવી લીધું હતું. તેમણે એલાન કર્યું હતું કે સીરિયામાંથી અસદની સત્તા પડી ભાંગી છે.
વિદ્રોહી જૂથો એ જાહેરાત કરી હતી કે અસદ દેશ છોડી ચૂક્યા છે પરંતુ તેઓ ક્યાં ગયા તેના વિશે પ્રારંભિક કલાકો દરમિયાન કોઈ સ્પષ્ટતા ન હતી.
તુર્કીએ પણ કહ્યું હતું કે અસદ દેશ છોડીને જતા રહ્યા છે પરંતુ તેણે પણ એ નહીં જણાવ્યું કે તેઓ ક્યાં છે.
ટ્રમ્પે શું કહ્યું?
સીરિયામાં વિદ્રોહી જૂથ દ્રારા રાજધાની દમાસ્કસ પર કબજાની ખબર પર અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિપ્પણી કરી છે.
તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર લખ્યું, "અસદ ચાલી ગયા છે. તે પોતાનો દેશ છોડી ચૂક્યા છે. પુતિનના નેતૃત્વ ધરાવતા રશિયાને હવે તેમને બચાવવાની ઇચ્છા નથી. રશિયાનું ત્યાં રહેવાનું કોઈ કારણ પણ નથી."
ટ્રમ્પ પ્રમાણે, "યુક્રેન યુદ્ધને કારણે રશિયાએ સીરિયામાં પોતાનું નિયંત્રણ કરવાની ઇચ્છા સમાપ્ત કરી છે. કારણકે યુક્રેનમાં રશિયાના છ લાખ સૈનિકો માર્યા ગયા છે. રશિયા અને ઈરાન હવે કમજોર દેશ છે."
"યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી રશિયા સાથે યુદ્ધ રોકવા સમજૂતિ કરવા ઇચ્છશે. કારણકે યુક્રેનના પણ ચાર લાખ સૈનિકો અને ઘણા નાગરિકો માર્યા ગયા છે."
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થવો જોઈએ. વાતચીત શરૂ થવી જોઈએ. હું પુતિનને સારી રીતે જાણું છું. તેમના માટે આ કંઈ કરવાનો સમય છે. ચીન પણ તેમની મદદ કરી શકે છે."
આ મામલે હાલના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેઓ સીરિયાના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે.
રવિવારે તેમણે અમેરિકાના ગુપ્તચર તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો.
સત્તાના શૂન્યાવકાશમાં હિંસક જૂથો કબજો ન કરી લે અને સીરિયામાં સ્થિર સરકાર સ્થપાય તેવા પ્રયાસ અમેરિકા કરી રહ્યું છે.
અસદના યુએઈ જવાની અટકળો પર યુએઈની શી છે પ્રતિક્રિયા?
એક તબક્કે એવી અટકળો વહેતી થઈ હતી કે બશર અલ-અસદ સંયુક્ત આરબ અમિરાતમાં શરણ માગી શકે છે, પરંતુ તેને સત્તાવાર રીતે નકારી કાઢવામાં આવી હતી.
યુએઈના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગરગશનું કહેવું છે કે તેમને ખબર નથી કે સીરિયાના રાષ્ટ્રપતિ યુએઈમાં છે કે નથી.
બહેરીનમાં મનામા ડાયલૉગમાં પત્રકારો સાથે વાતચીતમાં અનવરે અસદના શરણ માગવાની અટકળો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.
અનવરે એમ પણ કહ્યું કે સીરિયા જોખમી છે અને તેના પર ચરમપંથી જૂથોનો ખતરો યથાવત્ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન