ગુજરાત : શિયાળામાં જૉગિંગ કે કસરત કરવાથી હાર્ટ ઍટેકનું જોખમ વધી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે એવું મનાય છે કે ‘ઠંડી એ કસરત કરવા માટેનો સૌથી સારો’ સમય છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ શિયાળાની ઋતુ જામી છે.
સામાન્ય ધારણાને અનુરૂપ શિયાળામાં ઘણા લોકો કસરત કરવા, આઉટડોર ગેમ રમવા જેવી શારીરિક શ્રમ ધરાવતી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપે છે. પરંતુ આજકાલ કસરત કરતા, સામાન્ય વૉક કરતા કે ક્રિકેટ રમતા લોકોનાં હૃદયસંબંધી તકલીફને કારણે મૃત્યુ થવાના સમાચારો પણ અવારનવાર જોવા મળે છે.
અમેરિકાની સરકારની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનની વેબસાઇટ પર મૂકાયેલા એક સંશોધનમાં પણ નોંધાયું છે કે ઉનાળા કરતાં શિયાળામાં હૃદયસંબંધી માંદગી અને તેને લીધે થતાં મૃત્યુ વધુ થાય છે.
તો આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આખરે શિયાળામાં કસરત કરવાથી ખરેખર વધુ લાભ થાય છે ખરો? તેમજ શું શિયાળામાં કસરત કરવાથી કે જૉગિંગથી હાર્ટ ઍટેકનું જોખમ વધે છે?
આ સવાલોના જવાબ મેળવવા બીબીસી ગુજરાતીએ ગુજરાતના કેટલાક આરોગ્યનિષ્ણાતો સાથે વાત કરી હતી.
ઠંડી અને હૃદયની નળીઓમાં થતા ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ સર્જન ડૉ. સુકુમાર મહેતા ઠંડીની ઋતુ અને હૃદયની પ્રકૃતિ અંગે સમજાવતા કહે છે, “અતિશય ઠંડીમાં આપણા શરીરની ધમનીઓ સાંકડી બને છે. આ ફેરફાર ખૂબ અગત્યનો છે અને કસરત કરતી વખતે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.”
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને મૅક્સ હૉસ્પિટલના ઇન્ટરવેશનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ચંદ્રશેખર ઠંડીની આપણા હૃદય પર થતી અસર અંગે કહે છે, “ઠંડા વાતાવરણને કારણે આપણા હૃદય પર વધુ દબાણ સર્જાય છે. કારણ કે હૃદયને શરીરને ગરમ રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે.”
ડૉ. મહેતાની વાતમાં સૂર પુરાવતાં રાજકોટની ગિરિરાજ હૉસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મયંક ઠક્કર કહે છે કે, “ઠંડીમાં સામાન્યપણે હૃદયની નળીઓ સંકોચાતી હોય છે. આના કારણે હૃદય તરફ લોહી પહોંચાડતી નળીઓ પણ સંકોચાય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઠંડી અને એ દરમિયાન હૃદયની નળીઓમાં થતા ફેરફાર અંગે જાણ્યા બાદ બીબીસી ગુજરાતીએ આ સિઝન દરમિયાન કસરત, વૉકિંગ કે જૉગિંગ અને હાર્ટ ઍટેક સાથેનો તેનો સંબંધ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
એ અંગે સમજાવતા ડૉ. મહેતા જણાવે છે કે, “એવું નથી કે શિયાળામાં કસરત કરવાથી વધુ લાભ થાય છે. કસરત કોઈ પણ સિઝનમાં કરવાથી જેટલો લાભ થાય છે એટલો જ લાભ શિયાળામાં પણ થાય છે.”
આવી જ રીતે ડૉ. ઠક્કર પણ કહે છે કે, “શિયાળા કે ઉનાળામાં કસરત કરવું એ સામાન્યપણે નુકસાનકારક નથી. પરંતુ કસરત શરૂ કર્યા પહેલાં કેટલીક તકેદારીઓ રાખવાની જરૂર છે.”
કસરત કરતી વખતે શું ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. ઠક્કર કહે છે કે, “આગળ કહ્યું એમ ઠંડીમાં હૃદયની નળીઓ સંકોચાતી હોય છે. જ્યારે હૃદયની નળીઓમાં ચરબી જામેલી હોય ત્યારે સ્વાભાવિકપણે જ નળીમાં લોહીની અવરજવર માટેનો માર્ગ પહેલાંથી જ નાનો થઈ ગયો હોય છે.”
“આવી સ્થિતિમાં જ્યારે નળી શિયાળાને કારણે વધુ સંકોચાય તો માર્ગ વધુ નાનો થતો હોય છે. આ કારણે ઠંડીમાં હૃદયરોગનો હુમલો થવાની શક્યતા વધી જાય છે.”
તેઓ કસરત અને શરીર પર થતી તેની અસરો અંગે કહે છે કે, “કસરત, વૉકિંગ, ઍરોબિક્સ અને યોગા વગેરે પ્રવૃત્તિઓ ઠંડીમાં શરીરમાં વધુ સ્ફૂર્તિ હોવાના કારણે સરળતાપૂર્વક થઈ શકે. સામાન્ય રીતે જ્યારે તમે કસરત કરો છો ત્યારે શરીરમાં ગરમાવો પેદા થાય છે. જે તમારી નળીઓનું સંકોચન ઘટાડવામાં સહાયરૂપ બને છે.”
“તેથી એવું ન કહી શકાય કે ઠંડીમાં કસરત કરવાથી હાર્ટ ઍટેકનું જોખમ વધે છે. ઊલટાનું કસરતથી હાર્ટ ઍટેકનું જોખમ નોંધપાત્ર પ્રમાણમાં ઘટતું હોવાનું સાબિત થઈ ચૂક્યું છે.”
ડૉ. ઠક્કર ઉમેરે છે, “એનો મતલબ એ નથી કે કસરત કરવાનું શરૂ કરતી વખતે કોઈ કાળજી લેવાની જરૂરિયાત નથી. કસરત કરવાનું શરૂ કરતા પહેલાં કે કોઈ રમતગમત શરૂ કરતા પહેલાં વ્યક્તિએ એક વાર પોતાનું હેલ્થ ચેકઅપ અચૂક કરાવવું જોઈએ. અને પોતાના રિપોર્ટ અને ડૉક્ટરની સલાહ અનુસાર અને એટલા પ્રમાણમાં જ કસરત કરવી જોઈએ.”
ડૉ. મહેતા પણ આ મુદ્દે સહમત થાય છે. તેઓ કહે છે કે, “કસરત ભલે શિયાળામાં કરો કે ઉનાળામાં એક વખત મેડિકલ ઓપિનિયન લેવો એ હિતાવહ હોય છે. જેથી માણસને ખબર પડે કે એ પોતે કસરત માટે ફિટ છે કે નહીં.”
“જો ફિટનેસ અંગે ખબર પડે તો માણસ એના પરથી કઈ પ્રકારની કે કેટલી તીવ્રતાની કસરત કરવી તેના માટે હિતાવહ છે, એ નક્કી કરી શકે છે. જેથી કોઈ આપણી સાથે આરોગ્યસંબંધી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.”
ડૉ. ચંદ્રશેખરના મત પ્રમાણે “જે લોકો પહેલાંથી હૃદયસંબંધી સમસ્યાથી પીડાય છે, ખાસ કરીને તેમના પર ઠંડીમાં વધુ ખતરો હોઈ શકે છે. તેથી શિયાળા દરમિયાન કસરત કરતી વખતે કેટલીક બાબતોની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જેમકે, ગરમ કપડાં પહેરીને કસરત કરવી અને કસરત શરૂ કરતા પહેલાં યોગ્ય વૉર્મઅપ કરવું.”
આ સિવાય ડૉ. મયંક ઠક્કર આજકાલ કસરત કરતી વખતે કે કોઈ રમત રમતી વખતે અચાનક હૃદય બંધ પડી જવાના કે હૃદયસંબંધી સમસ્યાને કારણે મૃત્યુ થવાના કિસ્સા માટે જવાબદાર પરિબળ અંગે વાત કરતા કહે છે, “આજકાલ ઘણા લોકો પોતાના શરીરને સમજ્યા વગર કસરત કરવાનું કે રમત રમવાનું શરૂ કરી દેતા હોય છે, જેના કારણે આવા બનાવ બને છે. આ સિવાય અપૂરતા આરામ અને પૂરતા વૉર્મઅપ વગર આપણે કસરત કરવાને કારણે પણ હૃદય પર અચાનક દબાણ પડવાની શક્યતા વધી જાય છે. જે આવા કિસ્સાઓમાં પરિણમી શકે છે.”














