ગુજરાતમાં કોરોનાના નવા વૅરિયન્ટના કેસ વધ્યા, JN.1 કેટલો ચેપી છે અને કેવી રીતે ફેલાય છે?

ગુજરાતમાં કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. નવા વૅરિયન્ટના કેસની સંખ્યા વધતાં વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

ભારતમાં અત્યાર સુધીમાં JN.1 વૅરિયન્ટના 83 કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધારે 34 કેસો ગુજરાતમાં છે. ઇનસાકૉગે કોરોનાના કેસની સંખ્યાની પુષ્ટિ કરી છે.

ઇનસાકૉગ લેબોરેટરીઓનું એક નેટવર્ક છે જે ભારતમાં કોવિડ-19ને લગતા વૅરિયન્ટોની માહિતી રાખે છે.

JN.1 વેરિયન્ટના ગોવામાં 18 કેસો, કર્ણાટકમાં આઠ, મહારાષ્ટ્રમાં સાત, કેરળ અને રાજ્સ્થાન બન્નેમાં પાંચ-પાંચ કેસો નોંધાયા છે. આ સિવાય તમિલનાડુમાં ચાર અને તેલંગણામાં બે કેસો નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં 409 નવા કોવિડ કેસો છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ ઍક્ટિવ કેસોની સંખ્યા 4,170 પહોંચી છે જેમાં 3,096 કેસ માત્ર કેરળમાં જ છે.

ગુજરાતમાં નવા વૅરિયન્ટના સૌથી વધુ કેસ નોંધાતાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર વાર્તામાં જણાવ્યું, "ગુજરાતમાં કોવિડના કુલ 67 જેટલા કેસ છે જેમાંથી 36 કેસો નવા વૅરિયન્ટ JN.1ના છે. આપણે કોવિડના તમામ કેસનું જિનોમ સિકવસિંગ કરીએ છીએ એટલા માટે આ કેસોની સંખ્યા બીજાં રાજ્યો કરતાં વધારે લાગે છે."

તેમણે ઉમેર્યું કે આ 36 કેસોમાંથી 22 લોકો સાજા થઈ ગયા છે જ્યારે બાકીના 14 લોકોને ઘરે આઇસોલેટ કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર અનુસાર કોરોના અંગે અત્યારે રાજ્યમાં પરિસ્થિતિ ચિંતાજનક નથી.

ઋષિકેશ પટેલ પ્રમાણે 27 ડિસેમ્બરે 844 કોવિડ ટેસ્ટ કરાયા જેમાંથી 14 કેસ પૉઝિટિવ આવ્યા છે એટલે કે પૉઝિટિવિટી દર ખૂબ જ નીચો છે. ડિસેમ્બર મહિના દરમિયાન કુલ 8,426 ટેસ્ટમાંથી 99 જેટલા ટેસ્ટ પૉઝિટિવ આવ્યા હતા અને પૉઝિટિવિટી દર માત્ર 0.86 ટકા જેટલો જ છે, એટલે પરિસ્થિતી બહુ ચિંતાજનક નથી.

ઝડપથી ફેલાઈ રહ્યો છે વૅરિયન્ટ

કોવિડ-19

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસના ઑમિક્રોન સ્ટ્રેઇનના પેટા પ્રકાર એવા JN.1 ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેના ઝડપથી વધી રહેલા ફેલાવાને કારણે ‘વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

હાલમાં અમેરિકામાં તે સૌથી વધુ ઝડપથી ફેલાઈ રહેલો વૅરિયન્ટ છે. યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રીવેન્શનના જણાવ્યા અનુસાર 15થી 29 ટકા ચેપ પાછળ આ વૅરિયન્ટ જવાબદાર છે.

જ્યારે યુનાઇટેડ કિંગડમ હૅલ્થ સિક્યૉરિટી ઍજન્સીના જણાવ્યા અનુસાર JN.1 વેરિયન્ટનો હાલમાં આવેલા પોઝિટિવ કેસોમાં ફાળો સાત ટકાનો છે.

પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર હાલમાં તેનાથી ખતરો નથી. બજારમાં ઉપલબ્ધ રસીઓ જ તેનાથી રક્ષણ આપશે

કેટલો ચેપી છે JN.1 વૅરિયન્ટ? કેવી રીતે ફેલાય છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જેએન.1 વૅરિયન્ટ ઝડપથી ફેલાય છે તે અંગે વાત કરતા પ્રખ્યાત વાઇરોલૉજિસ્ટ ડૉ. ટી જેકબ જ્હૉને બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીને જણાવ્યું હતું કે, "તે બહુ જીવલેણ નથી પણ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. તે 40થી વધુ દેશોમાં ફેલાયો છે."

"અમે ઑમિક્રોન વિશે જાણીએ છીએ અને તેથી તેના વિશે વધુ આશ્ચર્ય નથી. તે છીંકમાંથી નીકળતા કણોથી હવામાં ફેલાય છે. ઑમિક્રૉનના અન્ય સબ-વૅરિયન્ટની સરખામણીમાં આમાં નાક અને ગળામાંથી નીકળતા પ્રવાહીમાં વાઇરલ લોડ વધારે છે."

JN.1નાં લક્ષણો શું છે?

ડૉક્ટર દિલીપ માવળંકર ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા, ગાંધીનગરના ભૂતપૂર્વ નિયામક છે. તેઓ કહે છે, "આ વૅરિયન્ટનાં લક્ષણો કોવિડ જેવાં જ છે, જેમ કે, ઉધરસ, ખાંસી, શરદી, તાવ આવવો વગેરે. આ સિવાય એ જોવા મળ્યું છે કે આ વૅરિયન્ટ પેટના અવવયોને પણ અસર કરે છે, એટલે દર્દીમાં ઝાડા, ઊલટીના કેસો પણ જોવા મળ્યા છે."

JN.1 વૅરિયન્ટ કેટલો ખતરનાક છે?

ડૉક્ટર માવળંકર કહે છે, "આમ તો આ વૅરિયન્ટ હળવો છે એટલે યુવાનોને થાય તો પણ ગંભીરતાની શક્યતા ઓછી છે. પરંતુ જો વૃદ્ધને કે એને જેને બીજી બીમારીઓ પણ છે અને રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, તેમને થાય તો તે ગંભીર થવાની શક્યતાઓ વધુ છે."

. ગગનદીપ કાંગ ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલ્લોરમાં માઇક્રોબાયૉલૉજીનાં પ્રોફેસર હતાં, તેમણે બીબીસીને કહ્યું, “તે ઇન્ફલ્યુએન્ઝા કરતાં વધુ ખતરનાક છે. વૃદ્ધ લોકો અને અન્ય રોગોથી પીડિત લોકોએ આ વિશે ચિંતા કરવી જોઈએ. જો તમને શ્વસન સંબંધી ચેપ વહેલા થાય છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે."

કેવી સાવચેતી રાખવી જોઈએ?

ડૉક્ટર માવળંકર કહે છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, એકબીજાથી દૂર રેહવું, માસ્ક પહેરવું, હાથ ધોતા રહેવું અને ઘરડાં લોકો જેમને આસાનીથી ચેપ લાગી શકે છે તેમનાથી દૂર રહેવું. ખાંસી-શરદી હોય તો બહાર જવાનું ટાળવું.

રસી લેવી જોઈએ કે નહીં?

ડૉક્ટર માવળંકર જણાવે છે કે, “હાલમાં સરકાર તરફથી રસી માટે કોઈ સૂચના આવી નથી.”

“અત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સંશોધન કરી રહી છે કે રસીની આ વૅરિયન્ટ ઉપર કેટલી અસર રહેશે. એક વાર એ ખબર પડે પછી તે નિર્ણય લેશે કે નવી રસીની જરૂર છે અથવા આગળ શું કરવું.”

શું બૂસ્ટર ડોઝ લેવો જોઈએ?

બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે કે કેમ તે પ્રશ્ન પર ડૉ. જૉન કહે છે, "તે જરૂરી નથી."

તેઓ કહે છે, “જોકે, અગાઉના ચેપ અથવા રસીકરણને કારણે જેટલી વધુ રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ છે, તેટલી જ સુરક્ષાની શક્યતાઓ વધુ હશે. સૌથી સારી બાબત એ છે કે સંપૂર્ણપણે સલામત રસીની ચાવી બૂસ્ટર ડોઝ છે.”

બાકીના વિશ્વની જેમ, અહીં પણ JN.1 વૅરિયન્ટને લક્ષ્ય બનાવતી રસી હજી વિકસિત થઈ નથી.

ડૉ. કાંગે અમેરિકામાં વૃદ્ધો અને અન્ય રોગોથી પીડિત લોકો માટે બનાવવામાં આવેલી મોનોવેલેન્ટ રસીનો ઉલ્લેખ કર્યો.

તેઓ કહે છે, “તેઓ જૂના અને નવા સ્ટ્રેઇન સામે લડવા બાઇવૅલેન્ટ રસીઓ બનાવતા હતા. હવે અમેરિકા જૂના સ્ટ્રેઇન વિશે ચિંતિત નથી, કારણ કે જૂનો સ્ટ્રેઇન અસ્તિત્વમાં નથી.”

તેઓ કહે છે, “નોવોવેક્સ રસી જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા બનાવે છે. મોનોવેલેન્ટ સ્ટ્રેન માટે આ અપડેટેડ રસી છે. આનાથી અમુક હદે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડવામાં આવે તેવી શક્યતા છે.”

ડૉ. ગગનદીપ કાંગ કહે છે, “સામાન્ય રીતે જો તમે સ્વસ્થ હોવ અને રસી લીધી હોય તો પછી પણ તમને ચેપ લાગ્યો હોય તો બીજી રસીનો ફાયદો થશે નહીં. આ રસી માત્ર એવા લોકોને જ લાભ કરશે જેઓ વધુ જોખમી છે. આવા લોકોમાં વૃદ્ધોનો સમાવેશ થાય છે. બૂસ્ટર ડોઝ માત્ર થોડા મહિનાઓ માટે રક્ષણ કરી શકે છે.”

સરકાર કેટલી સજ્જ?

કોવિડ-19

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટર માવળંકર જણાવે છે કે, "સરકારે આ વૅરિયન્ટ સામે લડવા માટે જરૂરી તમામ આધારરૂપ વ્યવસ્થા તૈયાર કરી છે. અત્યારે મૉક ડ્રીલ ચાલી રહી છે જેથી ડૉક્ટરો અને અન્ય સહાયક તંત્ર જરૂર પડ્યે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ રહ્યાં છે."

તેઓ વધુમાં સમજાવે છે કે, જેમ જેમ નવા વૅરિયન્ટ આવતા જાય છે તેમ-તેમ તે હળવા થતા જાય છે. પરંતુ એવું જરૂરી નથી કે બધા જ વૅરિયન્ટ હલકા જ રહેશે. 2019 જેવું તરખાટ મચાવનાર વાઇરસ આવવાની શક્યતા હંમેશાં રહેલી છે. પરંતુ આજે તફાવત એ છે કે, સરકાર આવી લડત માટે મજબૂત સ્વાસ્થ્ય સિસ્ટમ સાથે સજ્જ છે."