You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કથિત ‘ગુલબર્ગ મ્યુઝિયમ’ ગોટાળા કેસમાં સુપ્રીમે તિસ્તાના વચગાળાના જામીન નિયમિત કર્યા
સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદને બુધવારે ભારતની સુપ્રીમ કોર્ટે રાહત આપતો નિર્ણય જાહેર કર્યો હતો.
‘ગુજરાત તોફાન પીડિતો માટેના ફંડ’ કે ‘ગુલબર્ગ મ્યુઝિયમ ફંડ’ના કથિત ગોટાળા મામલે સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટના વર્ષ 2019માં કેસમાં વચગાળાના જામીનના હુકમ અંગે કોઈ પણ દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે પોતાના ઑર્ડરમાં તિસ્તા સેતલવાડ અને તેમના પતિને ઉપરોક્ત કેસમાં ધરપકડ સામે રક્ષણ આપતા પોતાના અગાઉના ઑર્ડરને નિયમિત જાહેર કર્યો હતો.
ધરપકડ સામેના રક્ષણની સાથોસાથ આ કેસમાં તિસ્તાને અપાયેલ વચગાળાના જામીન પણ નિયમિત કરાયા હતા.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી આ બેન્ચમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા પણ હતા.
બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતીના જણાવ્યાનુસાર ત્રણ જજોની બેન્ચે આ કેસ અંગે તાજેતરનો ઑર્ડર આપતાં કહ્યું કે, “આ કેસની ઘટનાને ઘણો સમય થઈ ચૂક્યો છે. છતાં કોઈ ચાર્જશીટ દાખલ કરાઈ નથી. આ કેસમાં દંપતીને તપાસ એજન્સીને સહકાર આપવા કહેવાયું હતું.”
સેતલવાડ માટે કોર્ટમાં હાજર રહેલા સિનિયર વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. જ્યારે ગુજરાત સરકાર વતી કેસમાં એડિશનલ સૉલિસિટર જનરલ (એએસજી) એસ. વી. રાજુ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે તિસ્તા અને તેમના પતિ જાવેદ આનંદ આ મામલે ગુજરાત હાઈકોર્ટે ધરપકડ પહેલાંની તેમની જામી અરજી નકારી દેતાં સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એએસજી રાજુએ કોર્ટ સમક્ષ આરોપીઓ દ્વારા અસહયોગની દલીલ કરી હતી.
શું હતો ગુલબર્ગ સોસાયટી મ્યુઝિયમ કેસ?
ધ હિંદુના એક અહેવાલ અનુસાર અમદાવાદ પોલીસ દ્વારા વર્ષ 2008 અને 2013 દરમિયાન કેન્દ્ર સરકાર પાસેથી ઉપરોક્ત હેતુ માટે 1.4 કરોડ રૂપિયા ‘બનાવટી’ રીતે ફંડ મેળવી, અન્ય હેતુ માટે ખોટી રીતે ઉપયોગ કરાયો હોવાના આરોપસર ફરિયાદ નોંધાવાઈ હતી.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વર્ષ 2002માં ગુજરાતના અમદાવાદ જિલ્લાના મેઘાણીનગર ખાતે થયેલાં અનુગોધરા રમખાણોમાં ગુલબર્ગ સોસાયટીમાં થયેલી ‘હિંસા’માં 60 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતા. જેમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી પણ સામેલ હતા.
તિસ્તા પર આરોપ છે કે તેમણે તેમની સંસ્થા દ્વારા ગુલબર્ગ સાંપ્રદાયિક રમખાણ બાદ એ સ્થળે ‘મ્યુઝિયમ ઑફ રેઝિસ્ટન્સ’ બનાવવા માટે ‘ખોટી રીતે’ ફંડ મેળવ્યું હતું, જેનો ‘અન્ય હેતુસર’ ઉપયોગ કરાયાના પણ આરોપ થયા હતા.
નોંધનીય છે કે ઉપરોક્ત કેસ સિવાય તિસ્તાની ગત વર્ષે જૂનમાં ગુજરાત પોલીસે ‘નિર્દોષ વ્યક્તિને ફસાવવા’ માટે ‘ખોટા પુરાવા’ ઊભા કરવાના કેસમાં ધરપકડ કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી ‘સર્વોચ્ચ અદાલતના સંબંધિત મામલે કરાયેલા અવલોકન’ બાદ કરાઈ હતી.
ગત વર્ષે દેશની સર્વોચ્ચ અદાલતે ગુજરાત રમખાણ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટને પડકારતી ઝકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી અને કેટલાંક તીક્ષ્ણ અવલોકન કર્યાં હતાં. સર્વોચ્ચ અદાલતે અવલોક્યું હતું :
"આખરે અમને એવું લાગે છે કે ગુજરાતના અસંતુષ્ટ સરકારી અધિકારીઓ તથા અન્ય લોકોએ ખોટા ઘટસ્ફોટ કરીને સનસનાટી ફેલાવવાનો સંયુક્ત રીતે પ્રયાસ કર્યો હતો. તેમના દાવાનાં જુઠ્ઠાણાં એસઆઈટીની તલસ્પર્શી તપાસમાં સંપૂર્ણપણે ખુલ્લાં પડી ગયાં હતાં."
"રસપ્રદ બાબત એ છે કે વર્તમાન કાર્યવાહી છેલ્લાં 16 વર્ષથી ચાલુ રાખવામાં આવી હતી. તેમાં કુટિલ કાવતરાને ઉઘાડું પાડવાની પ્રક્રિયામાં સામેલ પ્રત્યેક પદાધિકારીની ઇમાનદારી સામે સવાલ ઉઠાવવાની ધૃષ્ટતાનો પણ સમાવેશ થાય છે. આ ન્યાય પ્રક્રિયાના આવા દુરોપયોગમાં સામેલ તમામ લોકો સામે વાસ્તવમાં કાયદાકીય પગલાં લેવાં જોઈએ"
આ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ તિસ્તા સેતલવાડ સામે ફરિયાદના સંભવિત સાક્ષીઓના બનાવટી દસ્તાવેજો સહિતની હકીકત, દસ્તાવેજો અને પુરાવા ઉપજાવી કાઢ્યા હોવાનો આક્ષેપ સાથે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરી હતો. પોતાની એફઆઈઆરમાં ફરિયાદી અધિકારીએ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલાં અવલોકનોને પણ ટાંક્યાં હતાં.
આ કેસમાં તિસ્તા સહિત ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટનાં પણ નામ સામેલ હતાં.
નોંધનીય છે કે આ કેસમાં ધરપકડ બાદ તિસ્તા અને આર. બી. શ્રીકુમારને આ કેસમાં જામીન પર મુક્ત કરાયાં હતાં.