You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિંગ ચાર્લ્સને કૅન્સરનું નિદાન, અત્યાર સુધી શું જાણવા મળ્યું છે?
બ્રિટનના બકિંગહામ પૅલેસે જાણકારી આપી છે કે કિંગ ચાર્લ્સને કૅન્સર હોવાનું નિદાન થયું છે.
કિંગ ચાર્લ્સ પ્રોસ્ટેટ વધવાનો હાલમાં જ ઇલાજ કરાવી રહ્યા હતા, ત્યારે તેમને આ વાતની જાણ થઈ હતી.
આ કૅન્સર કયા પ્રકારનું છે તેના વિશે જણાવવામાં આવ્યું નથી પરંતુ તે પ્રોસ્ટેટ કૅન્સર નથી.
બકિંગહામ પૅલેસે જણાવ્યું છે કે કિંગ ચાર્લ્સે 5 ફેબ્રુઆરીથી નિયમિત સારવાર શરૂ કરી દીધી છે અને સારવાર દરમિયાન તેઓ તેમની જાહેર જીવનની જવાબદારીઓથી દૂર રહેશે.
કિંગ ચાર્લ્સ 75 વર્ષના છે.
પુત્રોને તેમણે જ આપી જાણકારી
બકિંગહામ પૅલેસના એક નિવેદન અનુસાર, કિંગ ચાર્લ્સ સારવારને લઈને સંપૂર્ણપણે સકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે તેમની જાહેર જવાબદારીઓ તરફ પાછા ફરશે.
કિંગ ચાર્લ્સનું કૅન્સર કયા સ્ટેજ પર છે તેની માહિતી આપવામાં આવી નથી.
કિંગ ચાર્લ્સે પોતે જ તેમના બે પુત્રો પ્રિન્સ હૅરી અને પ્રિન્સ વિલિયમને આ બીમારી વિશે જણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું કહેવામાં આવ્યું છે કે પ્રિન્સ ઑફ વેલ્સ વિલિયમ તેમના પિતાના સતત સંપર્કમાં છે.
ડ્યૂક ઑફ સસેક્સ પ્રિન્સ હૅરી અમેરિકામાં રહે છે. હૅરીએ તેમના પિતા સાથે વાત કરી છે અને આગામી દિવસોમાં તેઓ તેમના પિતાને મળવા બ્રિટન આવશે.
કિંગ ચાર્લ્સ સોમવારે નૉર્ફોકથી લંડન પરત ફર્યા હતા. બકિંગહામ પેલેસે કહ્યું છે કે કિંગ ચાર્લ્સની સારવાર આઉટપેશન્ટ તરીકે કરવામાં આવશે. તેનો અર્થ એ થાય કે તેઓ હૉસ્પિટલમાં દાખલ થઈને સારવાર નહીં લે.
જોકે, કિંગ ચાર્લ્સ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં. તેઓ સરકારના વડા તરીકે પોતાની બંધારણીય જવાબદારી નિભાવતા રહેશે. તેમાં પેપર વર્ક અને પર્સનલ મીટિંગ્સ પણ સામેલ હશે.
જો તબીબો અંતર જાળવવાની સલાહ નહીં આપે તો પીએમ ઋષિ સુનક સાથે કિંગ ચાર્લ્સની સાપ્તાહિક મુલાકાત ચાલુ રહેશે.
ઋષિ સુનકે પણ કિંગ ચાર્લ્સના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે અને સોશિયલ મીડિયા પર લખ્યું – “મને એ વાતમાં કોઈ શંકા નથી કે કિંગ ચાર્લ્સ ટૂંક સમયમાં પૂરી તાકાત સાથે પરત ફરશે અને હું જાણું છું કે આખો દેશ તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે.”
કિંગ ચાર્લ્સ વિશેના આ સમાચાર પર પ્રતિક્રિયાઓ
જો કિંગ તેમની અધિકૃત જવાબદારીઓ પૂરી કરવામાં અસમર્થ છે તો તેના માટે બંધારણમાં વ્યવસ્થા છે. આમ થવા પર કિંગની જગ્યાએ ‘કાઉન્સેલર્સ ઑફ સ્ટેટ’ ને આ જવાબદારી આપવામાં આવી શકે છે.
હાલ ક્વીન કૅમિલા, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સેસ રૉયલ અને પ્રિન્સ ઍડવર્ડ તેમાં સામેલ છે.
કિંગ ચાર્લ્સના પૂર્વ સલાહકાર જૂલિયન પૅને બીબીસીને કહ્યું, “કિંગ એ વાતથી ઘણા નિરાશ હશે કે તેઓ લોકોને નહીં મળી શકે.”
બ્રિટનના અખબારોમાં કિંગ ચાર્લ્સને કૅન્સર થયાના સમાચાર પહેલા પાને છવાયેલા છે.
રાજાશાહીનો વિરોધ કરનારા રિપબ્લિક સમૂહે પણ કિંગ ચાર્લ્સના સ્વસ્થ થવાની કામના કરી છે. આ સમૂહ ભૂતકાળમાં તેમની ટીકા કરતો રહ્યો છે.
ઑસ્ટ્રેલિયન પીએમ ઍન્થોની અલ્બેનિસે પણ કિંગ ચાર્લ્સના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી અને કહ્યું હતું કે તેઓ આ સંદર્ભે બકિંગહામ પૅલેસને પત્ર લખશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાઇડને પણ કિંગ ચાર્લ્સને કૅન્સર હોવાનું નિદાન થવા પર એક પોસ્ટ લખી હતી અને કિંગ ચાર્લ્સના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. બાઇડનના પુત્રનું બ્રેઇન કૅન્સરથી 46 વર્ષની વયે અવસાન થયું હતું.
બીબીસીના મેડિકલ એડિટર ફર્ગસ વૉલ્શના જણાવ્યા અનુસાર, બ્રિટનમાં દરરોજ એક હજાર લોકોને કૅન્સર હોવાનું નિદાન થાય છે. આપણે જાણીએ છીએ કે કૅન્સરના જોખમ માટે એક મહત્ત્વપૂર્ણ પરિબળ ઉંમર છે.