બંગાળની ખાડીમાં વાવાઝોડું વધારે ખતરનાક બનશે, ગુજરાતમાં તેની કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં એક તરફ હવામાનમાં પલટો આવી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલું મિગજોમ નામનું વાવાઝોડું વધારે ખતરનાક બનશે તેવી શક્યતા દેખાઈ રહી છે.
દક્ષિણ આંદામાન સમુદ્રમાં પહેલાં સિસ્ટમ બની હતી અને તે બાદ તે બંગાળની ખાડીમાં આગળ વધતાની સાથે જ મજબૂત બની હતી. આ સિસ્ટમ તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ વાવાઝોડું બની ગઈ છે અને હજી તે મજબૂત બનશે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આ વાવાઝોડું હાલ આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે અને આંધ્ર પ્રદેશ પર તે ત્રાટકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. મિગજોમ વાવાઝોડાની અસર પાંચ કરતા વધારે રાજ્યોને થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
આ વર્ષે બંગાળની ખાડીમાં બનેલું આ ચોથું વાવાઝોડું છે અને ભારતના દરિયામાં બનેલું આ વર્ષનું આ છઠ્ઠું વાવાઝોડું છે. સામાન્ય રીતે ભારતના દરિયામાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સરેરાશ ચારથી પાંચ વાવાઝોડાં સર્જાતાં હોય છે.
મિગજોમ વાવાઝોડાની ગુજરાતને કોઈ અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડીમાં સર્જાયેલું મિગજોમ વાવાઝોડું હાલ ધીરેધીરે આગળ વધી રહ્યું છે અને તેની સીધી અસર ભારતના પૂર્વ તરફના દરિયાકાંઠે આવેલાં રાજ્યોને થશે.
ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાની સીધી અસર નહીં થાય પરંતુ પૂર્વ તરફથી એટલે કે બંગાળની ખાડી પરથી આવતા પવનો ભેજ લઈને ગુજરાત સુધી હાલ પહોંચી રહ્યા છે.
બીજી તરફ ઉત્તરથી આવતા પવનો ગુજરાત અને મધ્ય પ્રદેશની આસપાસ આ પૂર્વના પવનો સાથે મળે છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા ગુજરાતને અસર થઈ રહી છે.
ગુજરાતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાની પરોક્ષ રીતે અસર થઈ રહી છે પરંતુ તેની કોઈ વધારે અસર થાય તેવી શક્યતા નથી અને તેના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી પણ કોઈ શક્યતા નથી. ગુજરાતમાં કોઈ જગ્યાએ સાવ હળવો અને છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે તરફ વાવાઝોડાં સર્જાતાં હોય છે અને તે ભારતના વિવિધ વિસ્તારોને અસર કરતાં હોય છે. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતને થતી હોય છે બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંની રાજ્યને સીધી અસર થતી નથી.
વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે નક્કી કરવું મુશ્કેલ કેમ થઈ રહ્યું છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાંક વાવાઝોડાંની વહેલી આગાહી કરવી મુશ્કેલ હોય છે અને મિગજોમ નામનું વાવાઝોડું એમાનું એક છે. વિવિધ મૉડલો 3 તારીખ સુધી તેની વિવિધ દિશા બતાવતાં રહ્યાં હતાં.
મિગજોમ વાવાઝોડાની શરૂઆત થઈ ત્યારે એવું લાગતું હતું કે તે તામિલનાડુ પર લૅન્ડફૉલ કરશે અને જે બાદ સિસ્ટમે વળાંક લીધો અને પોતાની દિશા બદલી હતી. હવે આ વાવાઝોડું આંધ્ર પ્રદેશ પર ત્રાટકશે.
જોકે, હાલ આ વાવાઝોડું ઉત્તર તામિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે અને દરિયાકાંઠે પહોંચતાની સાથે જ તે ફરી દિશા બદલશે એટલે કે વળાંક લેશે અને ઉત્તર તરફ આગળ વધશે.
આ સિસ્ટમ દક્ષિણ આંદામાન સમુદ્રમાં સર્જાય ત્યારથી જ તે સતત દિશા બદલી રહી છે અને હવામાનનાં વિવિધ મૉડલો પણ તેનો અલગ-અલગ ટ્રેક દર્શાવતાં હતાં. હવામાનવિભાગનું કહેવું છે કે દરિયાકાંઠાની બાજુમાં પહોંચ્યા બાદ વાવાઝોડું વળાંક લેશે અને દરિયાકાંઠાની પાસે-પાસે જ આગળ વધતું રહશે.
વાવાઝોડાની અસરને કારણે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગણાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
વાવાઝોડું કયા વિસ્તારો પર ત્રાટકશે?
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે વાવાઝોડું હજી પણ વધારે મજબૂત બનશે અને તે પ્રચંડ ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. જે બાદ તે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકિનારે ત્રાટકે તેવી સંભાવના દેખાઈ રહી છે.
વાવાઝોડું જ્યારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ 90થી 100 કિમી પ્રતિકલાક તથા મહતમ 110 કિમી પ્રતિકલાકની હશે તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે દરિયામાં વાવાઝોડું હાલ પ્રતિકલાક 9થી 10 કિલોમિટરની ઝડપે આગળ વધી રહ્યું છે.
4 ડિસેમ્બરની આસપાસ વાવાઝોડું દરિયાકાંઠે પહોંચશે અને તે બાદ 5 ડિસેમ્બરના બપોર પહેલાં લૅન્ડફૉલ કરે તેવી શક્યતા છે. હાલ ત્રણ રાજ્યોના દરિયાકાંઠાને સાવચેત કરી દેવાયો છે.
વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં દરિયો પણ તોફાની બનશે અને તેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે સૌથી વધારે અસર આંધ્ર પ્રદેશને થશે અને કેટલાક વિસ્તારોમાં નુકસાન થવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં આ વર્ષનું આ ચોથું વાવાઝોડું છે, આ પહેલાં સર્જાયેલાં વાવાઝોડાં વળાંક લઈને બાંગ્લાદેશ તથા મ્યાનમારની આસપાસ ગયાં હતાં પરંતુ આ સિસ્ટમ ભારતને સીધી અસર કરશે.














