ગાઝાથી ગાયબ થયેલા 13 હજાર લોકોનું શું થયું?

    • લેેખક, અમીરા મહાદબી
    • પદ, બીબીસી અરબી

એક તરફ ગાઝામાં મરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, તો બીજી તરફ અહીં 13 હજારથી વધારે લોકો ગુમ થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. એવામાં લાગી રહ્યું છે કે આ લોકો ગાયબ થઈ ગયા છે. મનાય છે કે મોટાભાગના લોકો કાટમાળમાં દફન થઈ ગયા છે. જોકે, માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે મોટા ભાગના લોકોને 'બળજબરીથી ગાયબ' કરી દેવાયા છે.

મહિનાઓથી અહમદ અબુ ડુકે પોતાના ભાઈ મુસ્તફાને શોધી રહ્યા હતા.

લડાઈથી બચવા માટે એમના પરિવારે દક્ષિણમાં આવેલા ખાન યુનિસ શહેરની નાસેર હૉસ્પિટલના સંકુલમાં આશરો લીધો હતો. જોકે, એમના ઘરે આગ લાગતાં એને જોવા ગયેલા મુસ્તફા પરત ફર્યા જ નહીં.

અહમદ જણાવે છે, "જ્યાં ક્યારેક ઘરો હતાં ત્યાં હવે સળગેલો કાટમાળ બચ્યો છે. આખા વિસ્તાર પર બુલડોઝર ચલાવી દેવાયું છે અને કેટલીય ઇમારતોને ધરાશાયી કરી દેવાઈ છે."

મુસ્તફા ઍમ્બુલન્સ ચલાવતા હતા. એમના પરિવારે એ મૃતદેહો પણ જોયા છે, જે ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત સિવિલ ડિફેન્સની ટીમે કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાં સુધી કે તેણે આસપાસમાં તૈયાર કરાયેલી સામૂહિક કબરોને પણ ચકાસી પરંતુ ત્યાં પણ તેમને કંઈ ના મળ્યું.

અહમદનું કહેવું છે, "અમને આજે પણ આશા પણ છે કે હૉસ્પિટલમાં આવનારી કોઈને કોઈ ઍમ્બુલન્સમાં એને શોધી લઈશું."

ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ સંઘર્ષમાં અત્યાર સુધી માર્યા ગયેલા લોકોની સંખ્યા 35 હજારથી વધારે થઈ ગઈ છે અને આ આંકડો પણ હૉસ્પિટલોમાં નોંધવામાં આવેલાં મૃત્યુઓ પર જ આધારીત છે.

10 હજાર લોકો કાટમાળમાં દબાયા?

મુસ્તફા જેવા કેટલાય પરિવારો છે જે પોતાના પ્રિયજનો અંગે છેલ્લા સાત મહિનાનાથી અનિશ્ચિતતાની સ્થિતિમાં છે.

7 ઑક્ટોબરે હમાસે ઇઝરાયલ ઉપર હુમલો કર્યો હતો, જેમાં 1200 લોકો માર્યા ગયા હતા અને 252 લોકોનું અપહરણ કરી લીધું હતું અને તેમને ગાઝાપટ્ટીમાં લઈ જવાયા હતા.

એ બાદ ઇઝરાયલે ગાઝામાં સૈન્યઅભિયાન આરંભી દીધું હતું.

જીનીવાસ્થિત એનજીઓ 'યુરોમેડ હ્યુમન રાઇટ્સ મૉનિટર'નું આંકલન છે કે એ બાદ 13 હજાર લોકો ગાયબ છે અને તેમના ગાયબ થવા પાછળ કોઈ પુરાવો નથી મળ્યો. આ આંકડામાં નાગરિકો અને હમાસના લડવૈયાઓ પણ સામેલ છે.

ગાઝામાં સિવિલ ડિફેન્સ એ પેલેસ્ટાઇન ઑથોરિટીની સુરક્ષાસેવાનો ભાગ છે અને તેનો દાવો છે કે 10 હજારથી વધારે લોકો કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે ગાઝાપટ્ટીમાં 3.7 કરોડ ટનનો કાટમાળ હોઈ શકે છે અને એની નીચે કેટલાય મૃતદેહો દબાયેલા હોવાની શક્યતા છે. આ ઉપરાંત ગાઝાપટ્ટીમાં લગભગ 7,500 જીવતા બૉમ્બ અને બારૂદ પણ છે. તે રાહતકર્મીઓ અને સ્વયંસેવકો માટે વધારાનું જોખમ સર્જી રહ્યા છે.

સિવિલ ડિફેન્સનું કહેવું છે કે કાટમાળ નીચે દબાયેલા મૃતદેહોને કાઢવા માટે એના સભ્યો સ્વયંસેવકોની મદદ લઈ રહ્યા છે પણ એની પાસે બહુ સાધારણ ઉપકરણો છે અને મોટા ભાગે પીડિત સુધી પહોંચવું અશક્ય બની જતું હોય છે.

આ ઉપરાંત એ વાતની પણ ચિંતા છે કે મૃતદેહોને કાટમાળની નીચે છોડી દેવાતાં એના સડવાથી મહામારી ફેલાઈ શકે છે. કેમ કે ગાઝામાં આ વખતે ભારે આકરો ઉનાળો પડ્યો છે.

ઇઝરાયલી સેનાના કબજામાં?

અબ્દુલ રહમાન યાગી પણ તેમના પરિવારોને કાટમાળમાંથી બહાર કાઢવાના પડકાર સામે લડી રહ્યા છે.

મધ્ય ગાઝામાં દીર-અલ બલાહ શહેરમાં તેમના પરિવારનું એક ત્રણ માળનું મકાન હતું. ગત 22 ફેબ્રુઆરીએ આ મકાન પર મિસાઇલ પડી હતી. એ સમયે તેમના પરિવારના 36 સદસ્યો ઘરની અંદર હાજર હતા.

તેઓ કહે છે કે ત્યારબાદ 17 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ એ મૃતદેહો એટલા ક્ષત-વિક્ષત હતા કે તેમની ઓળખ પણ ન થઈ શકી.

યાગી કહે છે, “ઘરમાં રહેલાં મોટાભાગનાં બાળકોના મૃતદેહ અમને ન મળી શક્યા.”

મૃતદેહોને બહાર કાઢવામાં મદદ માટે સિવિલ ડિફેન્સે સંયુક્ત રાષ્ટ્ર અને એવા દેશો સામે મદદનો પોકાર કર્યો કે જેઓ આવા રાહત બચાવના કાર્યમાં અનુભવી છે.

તેના કારણે આંતરરાષ્ટ્રીય સંગઠનોના ‘તરત હસ્તક્ષેપ’થી તથા રાહત અને બચાવકાર્યમાં મદદ માટે ગાઝામાં મોટાં ઉપકરણો લાવવા માટેની પરવાનગી માટે ઇઝરાયલ પર દબાણ ઊભું કરવાનું કહ્યું. પરંતુ તેમનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી.

ઍમનેસ્ટી ઇન્ટરનેશનલનું માનવું છે કે જે લોકો લાપતા હોવાનું અનુમાન છે તે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીસની અટકાયતમાં હોઈ શકે છે. એવું પણ બની શકે કે તેમના ઘરના સભ્યોને પણ આ વાતની જાણકારી ન હોય.

યુરો-મેડ હ્યુમન રાઇટ્સ મૉનિટરનું આકલન છે કે ગાઝાના સેંકડો પેલેસ્ટિનિયનોને આઈડીએફે તેમના કબજામાં રાખ્યા છે અને તેમના પરિવારોને એ વાતની જાણકારી પણ નથી.

ઇઝરાયલે જીનીવા સંધિ પર હસ્તાક્ષર કરેલા છે. એ સંધિ અનુસાર જે દેશે અન્ય દેશના લોકોની અટકાયત કરી હોય તેણે એ નાગરિકોની ઓળખ અને જગ્યા વિશે જરૂરી માહિતી આપવી જોઈએ.

સાત ઑક્ટોબરના હુમલા પછી ઇઝરાયલના સત્તાવાળાઓએ ડિટેન્શન સેન્ટરોમાં રેડક્રોસની ઇન્ટરનેશનલ કમિટીની મુલાકાતને પણ રદ કરી દીધી છે.

‘જબરદસ્તીથી ગાયબ’ કરી દેવામાં આવ્યા લોકો

ગાઝામાં આઈસીઆરસી સાથે જોડાયેલા હિશામ મુહાન્નાનું કહેવું છે કે તેમના સંગઠને અટકાયતમાં રાખવામાં આવેલા પેલેસ્ટિનિયન નાગરિકો સાથે મુલાકાત કરવાની મંજૂરી મળે તેના માટે સતત અપીલ કરી છે. પરંતુ હજુ સુધી કમિટીને ત્યાં જવા માટે મંજૂરી આપવામાં આવી નથી.

આઈસીઆરસીએ એમ પણ કહ્યું છે કે તેમને હમાસ તરફથી પણ ઇઝરાયલી બંધકોને મળવાની મંજૂરી મળી નથી.

બીબીસીએ આઈડીએફ પાસેથી આ અંગે ટિપ્પણી માંગી છે, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી.

પરંતુ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઇઝરાયલના રક્ષામંત્રી ઈતામાર બેન-ગ્વીરે લખ્યું છે, "જ્યારે ઇઝરાયલને પણ અપહરણ કરીને ગાઝામાં લઈ જવાયેલા લોકો વિશે માહિતી મળતી નથી. તો રેડક્રોસે ઇઝરાયલમાં કેદ હમાસના લડવૈયાઓ વિશે કોઈ જાણકારી એકઠી કરવી ન જોઈએ. માનવતાનો બદલો માનવતાથી જ હોય."

મધ્ય ગાઝાના અન્ય એક શહેર અલ-જાવૈદામાં એક અન્ય પરિવાર પોતાના બીજા ગાયબ પુત્રની તલાશ કરી રહ્યો છે. તેમને ડર છે કે તેમના પુત્રને જબરદસ્તીથી ગાયબ કરી દેવામાં આવ્યો છે.

આવી જ રીતે પોતાના પુત્રની તસવીરો હાથમાં લઈને મોહમ્મદ અલીના માતા ત્યાં સુધી તલાશ કરતાં રહ્યાં કે જ્યાં સુધી કોઈએ તેમને ન કહ્યું કે તેમનો પુત્ર આઈડીએફના કબજામાં છે.

લોકોએ જણાવ્યું કે છેલ્લીવાર જ્યારે તેમણે તેમના પુત્રને જોયો હતો ત્યારે તે જીવિત હતો. પરંતુ ત્યારબાદ શું થયું એ તેમને ખબર નથી.

જીવિત રહેવાની આશા

મોહમ્મદ 23 ડિસેમ્બરથી જ લાપતા છે. એ દિવસે તેમનો પરિવાર ભારે બૉમ્બમારા વચ્ચે શરણ લેવા માટે ઉત્તર ગાઝાના જબાલિયાની એક શાળામાં શરણ લેવા માટે પોતાના ઘરેથી નીકળ્યો હતો.

પરંતુ ઇઝરાયલી સૈનિકો શાળામાં પણ પ્રવેશી ગયા હતા. મોહમ્મદના પત્ની અમાની અલી કહે છે કે તેમણે મહિલાઓ અને બાળકોને ત્યાંથી જવાનો આદેશ આપ્યો.

તેઓ કહે છે કે એ દિવસે તમામ પુરુષો તેમના પરિવારો પાસે પહોંચી ગયા, પરંતુ મોહમ્મદ પાછા ન આવ્યા.

તેમની સાથે શું થયું અને તેઓ ક્યાં છે એ અંગે કોઈને ખ્યાલ નથી.

અમાની કહે છે કે તેમને એ સમજાઈ રહ્યું નથી કે તેમના પતિને મૃત માનવા કે પછી આઈડીએફના કબજામાં માનવા. તેઓ કહે છે કે જો તેઓ આઈડીએફના કબજામાં હશે તો તેમના જીવિત હોવાની આશા છે.

હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે મૃતકો અને ગાયબ થઈ ગયેલા પરિવારો માટે એક ઓનલાઇન ફૉર્મ બનાવ્યું છે. આ ફૉર્મને ગાયબ થનારા લોકોના પરિવારો ભરી શકે છે અને આ રીતે સાત ઑક્ટોબર બાદ ગાયબ થયેલા લોકોનો વધુ અધિકૃત રેકર્ડ તૈયાર કરી શકાશે. તેનાથી એ પણ જાણવામાં મદદ મળશે કે તેમની સાથે શું બન્યું.

ત્યાં સુધી મોટાભાગના પરિવારો તેમના પ્રિયજનોની તલાશ ચાલુ રાખશે.