રાજા સુંદરી પર મોહિત થયા અને અપહરણ કરી લીધું, કોક સ્ટુડિયોના વાઇરલ ગીતની કહાણી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કોક સ્ટુડિયો પાકિસ્તાનના 'પસૂરી...', 'કન્ના યારી...' અને 'પીછે હઠ...' જેવાં ગીતો બાદ હવે સિંધી ભાષાનું 'આઈ, આઈ...' ગીત ન કેવળ પાડોશી દેશમાં, પરંતુ ભારતમાં વાઇરલ થયું છે.

નોમાન અલી રાજપર અને બાબર મંગીએ સિંધની પ્રસિદ્ધ પ્રેમકથા 'ઉમર-મારવી' પરથી આ ગીત લખ્યું છે. બંને ઉપરાંત મારવી અને સાઈબાએ આ ગીત ગાયું છે. બંને ગીતકાર ઉપરાંત ઝુલ્ફી ઝબાર ખાન અને અબ્દુલ્લાહ સિદ્દીકીએ સંગીત આપ્યું છે. જે કોક સ્ટુડિયો પાકિસ્તાનની પંદરમી સિઝનનું પહેલું ગીત છે.

લગભગ છસ્સો વર્ષ પહેલાંની આ દાસ્તાન આજે પણ લોકોને આકર્ષે છે, જે મહિલાની તેનાં પરિવાર અને સમુદાયના લોકો પ્રત્યેની લાગણી, શક્તિશાળી વ્યક્તિ સામે પણ આત્મસમર્પણ નહીં કરવાની હિંમત અને તેણીના વિજયની ઉજવણીનું ગીત છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આકાર લેતી ઉમર-મારવીની દાસ્તાન

ઉમર-મારવીની દાસ્તાન હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આકાર લે છે. તે એવી મહિલાના જીવન પર આધારિત છે, જેના જીવનમાં એકતરફી પ્રેમ કરતા બે પ્રેમી આવે છે, જેના કારણે તેના જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

દક્ષિણ-પૂર્વી એશિયાઈ બાબતોના નિષ્ણાત એન્નીમારી સ્કિમલના મતે ઉમર અને મારવીની કહાણી સૌ પહેલા સિંધી સૂફી સંત શાહ અબ્દુલ કરીમ બુલરીના પુસ્તક 'કરીમ જો રિસાલો'માં વાંચવા મળે છે.

વર્ષ 1050થી 1350ની વચ્ચે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સુમરા વંશનું શાસન સ્થપાયું. આ અરસા દરમિયાન સિંધી ભાષા બોલચાલ અને અભિવ્યક્તિના માધ્યમ તરીકે સ્થાન લઈ રહી હતી.

પ્રારંભિક સમયમાં આ ભાષા પર ફારસી અને અરબી ભાષાનો ભારે પ્રભાવ હતો. આ અરસા દરમિયાન સિંધી ભાષામાં વ્યાપક લોકસાહિત્યનું સર્જન થયું. એ સમયને સિંધના ઇતિહાસના 'રૉમેન્ટિક પીરિયડ' તરીકે ઓળખવામાં આવે છે.

18મી સદીમાં સૂફી સંત શાહ અબ્દુલ લતીફ ભટાઈએ સમગ્ર સિંધમાં ભ્રમણ કરીને અનેક લોકકથાઓને 'શાહ જો રિસાલો'માં સંકલિત કરી છે, જેમાં ઉમર અને મારવીની દાસ્તાનનો પણ સમાવેશ થતો હતો.

કહાણીની નાયિકા શાહ અબ્દુલ લતીફની 'સાત સુરમી'માંથી (સાત નાયિકા) એક છે. શાહ અબ્દુલ કરીમ આ લેખકના વડદાદા થાય. તેમના પુસ્તકમાં 18મી સદી દરમિયાનના સિંધની સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિનો ચિતાર મળે છે.

એક નાયિકા, ત્રણ પ્રેમી

મારવી સિંધના કયા સમુદાયનાં હતાં, તેના વિશે ઇતિહાસકારોમાં આંશિક મતમતાંતર પ્રવર્તે છે. અલતાફ અહેમદ ખાન મુજાહિદનના મતે મારવીનો જન્મ મરુ સમુદાયમાં થયો હતો. જ્યારે અન્ય કેટલાંક લખાણોમાં મુજબ મારવી 'રણનાં દીકરી' હતાં એટલે તેમનો ઉલ્લેખ 'મરુજાદી' તરીકે થયો છે.

થોડાં વર્ષ પહેલાં સુધી રણપ્રદેશના જિલ્લા મીરપુર ખાસ, ઉમરકોટ અને થાર એ ત્રણેય થરપારકર જિલ્લાના ભાગરૂપ હતા. પાકિસ્તાનના નગર પારકરના ભાલવા ખાતે 'મારવીનો કૂવો' આવેલો છે, જે સ્થાનિક પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે અને અહીંથી જ મારવી પાણી ભરતાં હોવાનું કહેવાય છે.

આ વિસ્તારમાં ઢોરઢાંખર પાળનારાઓ 'મારુ' અને બકરીપાલકો 'પનવાહર' તરીકે ઓળખાય છે. જ્યારે બંને કામ કરનારા 'રેબાડી' તરીકે ઓળખવામાં આવે છે.

પાકિસ્તાની સંશોધક રાણા મહેબૂબ અખ્તરના કહેવા પ્રમાણે ઉમર અને મારવીની કહાણી લગભગ છસ્સો વર્ષ પુરાણી છે. મારવીનો પરિવાર ખેતીકામ કરીને ગુજરાન ચલાવતો. તેમનાં માતાનું નામ મદુઈ અને પિતાનું નામ પલિની હતું. ઉંમર થતાં મારવીની સગાઈ ખેતસેન સાથે કરાવવામાં આવી હતી.

એવામાં મારવીના જીવનમાં ફોગસેન નામના યુવકનો પ્રવેશ થયો, જે ખેતીકામમાં પલિનીને મદદ કરતો. મારવી પ્રત્યે આકર્ષણ થતાં તેણે પલિની સમક્ષ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. પરંતુ મારવીની અગાઉથી જ સગાઈ થઈ ગઈ હોવાથી પલિની ગુસ્સે ભરાયા, તેમણે ફોગસેનને કામ પરથી કાઢી મૂક્યો.

ગિન્નાયેલા ફોગસેન સિંધમાં સુમરા વંશના શાસક ઉમરની પાસે પહોંચ્યા અને તેમની ઉમર સુમરા સમક્ષ ફોગસેને મલેરની મારવીની સુંદરતાની પ્રશંસા કરી અને કહ્યું કે આવી સુંદરીનું સ્થાન તો રાજમહેલમાં જ હોવું જોઈએ, જ્યાં એશોઆરામની વચ્ચે તેની સુંદરતા નીખરી ઊઠશે.

મારવીની સુંદરતાનાં વખાણ સાંભળીને ઉમર સુમરો તેમના પ્રત્યે આસક્ત થઈ ગયા. બંનેએ વેશ બદલીને મારવીના ગામ જવાનું નક્કી કર્યું. એ સમયે મારવી કૂવા પર પાણી ભરવા જઈ રહ્યાં હતાં. તેમનું રૂપ જોઈને રાજા ઉમર તેમની પર મોહિત થઈ ગયા. ફોગસેને વટેમાર્ગુના વેશે મારવી પાસે પાણી માગ્યું. જ્યારે મારવી પાણી ભરવા નજીક આવ્યાં, ત્યારે ફોગસેને તેમનું અપહરણ કરી લીધું અને તેમને ઊંટ ઉપર બેસાડીને ઉમરકોટ લઈ ગયાં.

તન કેદ, ન આઝાદ

ઉમરકોટ લાવ્યા બાદ રાજાએ મારવીને તેમનાં રાણી, ચીજવસ્તુ, ઝવેરાત, એશોઆરામની ચીજવસ્તુઓની લાલચ આપી, પરંતુ મારવી તાબે ન થયાં. મારવીએ તમામ લોભ-પ્રલોભનો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કુટુંબકબીલાના લોકો, ખેતર અને મંગેતર પાસે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી.

ઉમર સુમરાએ મારવીને બંધક બનાવી લીધાં, છતાં મારવી રાજાની ઇચ્છાને તાબે ન થયાં. મારવીને તેમના મંગેતર ખેતસેન પર વિશ્વાસ હતો. શાહ અબ્દુલ લતીફે કેદમાં રહેલાં મારવીના દર્દને પોતાની કવિતાઓ દ્વારા વાચા આપી છે.

રાણા મહેબૂબ અખ્તરના કહેવા પ્રમાણે, લગભગ એક વર્ષ સુધી મારવી રાજા ઉમર સુમરોના કિલ્લામાં કેદ રહ્યાં. એક તબક્કે મારવીની સ્થિતિ જોઈને ખુદ ઉમર દ્રવી ઊઠ્યા અને તેમણે મારવીને પોતાના દૂત સાથે તેમના ગામે પરત મોકલી આપ્યાં.

જોકે, મારવીના ગામમાં તેનો સ્વીકાર ન થયો, કારણ કે તેઓ એક વર્ષ સુધી રાજાના કિલ્લામાં રહ્યાં હતાં. મંગેતર ખેતસેને પણ તેમના પ્રત્યે અવિશ્વાસ કર્યો હતો. જ્યારે રાજા ઉમરને આ બાબતની જાણ થઈ, ત્યારે તેઓ પોતાના કટક સાથે મારવીના ગામે ચઢી આવ્યા.

આ સમયે મારવીએ દરમિયાનગીરી કરીને કહ્યું કે, 'ગામજનોનો કોઈ વાંક નથી. પહેલાં તમે મને કેદ રાખી અને હવે મારા કુટુંબકબીલાને પરેશાન કરવા માગો છો?'

'તારીખ-એ તાહિરી'માં મીર તાહિર મોહમ્મદ નાસયાની લખે છે કે ખુદ રાજા ઉમર સુરાએ ગવાહી આપી કે મારવી પાકીઝા છે. કહેવાય છે કે મારવીએ લોખંડનો ગરમ સળિયો હાથમાં આપીને પોતે નિર્દોષ હોવાનો પુરાવો આપ્યો. મારવીને જોઈને ઉમર સુમરા પણ શરમિંદા થયા અને તેમણે પણ મારવીની જેમ પરીક્ષા આપી. બંનેએ લોકાપવાદનો સામનો કર્યો અને તેમાંથી પાર ઊતર્યા.

પત્રકાર અને લેખિકા ઝાહિદા હીનાના કહેવા પ્રમાણે, "જો આપણે શાહ અબ્દુલ લતીફના માનસમાં ઊતરીને જોઈએ તો મારવીએ સિંધી મહિલાનું જ્વલ્લે જ જોવા મળતું ચિત્ર રજૂ કરે છે, જેના દિલમાં પ્રેમની જ્યોત સળગે છે, જેને પોતાના ગામની યાદ આવે છે. તે કેદમાં છે, પણ તેનો આત્મા આઝાદ છે, તે સ્વમાની અને સ્વતંત્રમિજાજી છે."

"દબાવ સામે ન ઝૂકવું એ તેના વ્યક્તિત્વની ખાસિયત છે. તે ક્યારેય આશા નથી છોડતાં. લોકકથાઓમાં મારવીને બાપડી-બીચારી દર્શાવવામાં આવે છે, જ્યારે શાહની કવિતાઓમાં તે અમર નાયિકા બનીને ઊભરી આવે છે."

કોક સ્ટુડિયો પાકિસ્તાનના ગીત 'આઈ, આઈ...'માં મારવી જ્યારે પાછી ફરે છે ત્યારે કબીલાના લોકોમાં જે ખુશી ફરી વળે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે અને યોગાનુયોગ એક ગાયિકાનું નામ પણ મારવી છે. ગીતની સર્જનપ્રક્રિયાના વીડિયોમાં સંગીતકાર ઝુલ્ફી ખાનના કહે છે, 'લોકકથાઓમાં હાલાકીની વાત જ કરવામાં આવે છે, પરંતુ તેના ઉલ્લાસપૂર્વકના પુનરાગમનની વાત કોઈ નથી કરતું. એ ઍંગલ મને સ્પર્શી ગયો હતો. આજે તેની જરૂર છે.'

મારવી નામનો મતલબ 'સુંદરતાની નવી વ્યાખ્યા' એવો થાય છે અને કદાચ શાહ અબ્દુલ લતીફની મારવી પણ સુદરતાને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે.

આ અહેવાલ માટે વકાર મુસ્તફાના બીબીસી ઉર્દૂ પર પ્રકાશિત રિપોર્ટનો આધાર લેવામાં આવ્યો છે. મૂળ લેખ વાચવા માટે અહીં ક્લિક કરો.