You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હીરામંડી: સંજય લીલા ભણસાલીની નવી સિરીઝ પર પાકિસ્તાનના લોકો ગુસ્સે કેમ થયા?
- લેેખક, મુનઝ્ઝા અનવર
- પદ, બીબીસી ઉર્દૂ માટે
બૉલીવૂડના જાણીતા નિર્દેશક સંજય લીલા ભણસાલાની વેબસિરીઝ 'હીરામંડી : ધ ડાયમંડ બાઝાર' ગત સપ્તાહે વેબ સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.
આઠ એપિસોડવાળી આ સિરીઝની કહાણી 1910-1940 દરમિયાન બ્રિટિશરાજ વિરુદ્ધ ભારતના સ્વતંત્રતા આંદોલનની પૃષ્ઠભૂમિમાં ફિલ્માવાઈ છે.
આ વેબસિરીઝની કહાણી વિભાજન પહેલાં અને સ્વતંત્રતા આંદોલનના સમયમાં લાહોરના શાહી મહોલ્લા એટલે કે હીરામંડીમાં વસતી એક તવાયફ 'મલિકા જાન' અને તેમના કોઠાની આસપાસ આકાર લે છે.
શાનદાર મહેલો અને મોંઘાદાટ ઝુંમરોથી ભરેલા આકર્ષક સેટ, સોના-ચાંદીનાં બહુમૂલ્ય રત્નો પહેરેલી હીરોઈનો અને અદભુત કૅમેરાવર્ક અને સાથે જ મનીષા કોઈરાલાનો કમાલનો અભિનય.
આ બધું હોવા છતાં આ સિરીઝ 1940ના લાહોરની હીરામંડીની યોગ્ય છબિ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.
જે સેટમાં એક સાથે આટલી પેચીદી સામગ્રી જમા થઈ જાય ત્યાં ઊંડી માનવીય સંવેદનાઓને દર્શાવતી કહાણી મુશ્કેલ બની જાય છે અને ભણસાલી આખી સિરીઝમાં તેનાથી સંઘર્ષ કરતા જોવા મળે છે.
આઠ કલાક આપ્યા બાદ મને અહેસાસ થયો કે 'કૃત્રિમતા'થી ભરપૂર આ સિરીઝમાં પ્લૉટ, સ્ક્રિપ્ટ અને ડાયલૉગ કશું પણ નથી.
હીરોઇનોનો અંદાજ એટલો કૃત્રિમ છે કે તેમાં વિભાજન અગાઉની તવાયફોની કોઈ ઝલક દેખાતી નથી, જેમની પાસે કુલીનવર્ગ પોતાનાં બાળકોને સંસ્કાર, સંસ્કૃતિ અને ઉર્દૂ ભાષાની બારીકી શીખવા માટે મોકલતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાહોરવાસીઓ અનુસાર, હીરામંડીનાં મકાનોમાં તમને એવું એક પણ આંગણું જોવા નહીં મળે, જેવું ભણસાલીએ દેખાડ્યું છે.
તેમના અનુસાર, એ મહોલ્લામાં અનેક માળવાળાં મોટાં-મોટાં કોઠા કે મકાનો હતાં. "જેવી ઇમારતો આ સિરીઝમાં દેખાડી છે, તેને સત્યતા સાથે દૂર દૂરનો કોઈ સંબંધ નથી."
આ સિવાય આ સિરીઝમાં કેટલીક એવી ભૂલો છે, જેને જોઈને તમે એ વિચારવા પર મજબૂર થઈ જશો કે આટલા મોટા બજેટની સિરીઝમાં રિસર્ચ પર થોડો ખર્ચો કર્યો હોત તો કદાચ આવી ખરાબ સ્થિતિ ન થાત.
હીરામંડીમાં શું છે?
અંદાજે 200 કરોડમાં બનેલી આ સિરીઝને સંજય લીલા ભણસાલી પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ કહે છે. આ લેખ છપાઈ રહ્યો છે એ સમયે આ સિરીઝ સ્ટ્રીમિંગ સાઇટ નેટફ્લિક્સ પર પહેલા નંબરે છે.
આ સિરીઝમાં મલિકા જાન શાહી મહેલ (હીરામંડી)ની સૌથી ખૂબસૂરત, મોટી હવેલીની માલકણ છે અને હીરામંડીની બધી તવાયફો તેમને આપા (દીદી) કહે છે.
શાહી મહેલની મલકણ બનવા માટે મલિકા જાને વર્ષો પહેલાં પોતાની મોટી બહેન (રેહાન, જેમની ભૂમિકા સોનાક્ષી સિન્હાએ ભજવી છે)ની હત્યા કરી નાખી હતી.
સિરીઝમાં દર્શાવાયું કે વર્ષો બાદ રેહાનની પુત્રી ફરીદન (આ ભૂમિકા પણ સોનાક્ષી સિન્હા નિભાવી રહ્યાં છે) પોતાની માતાની હત્યાનો બદલો લેવા અને શાહી મહેલની ચાવીઓ પર કબજો કરવા પહોંચી જાય છે.
અહીં એ બંને વચ્ચે એક લડાઈ શરૂ થઈ જાય છે, જેની લપેટમાં અનેક મહોરાં આવી જાય છે.
આ જંગમાં સૌથી વધુ ફાયદો અંગ્રેજ સરકારને થાય છે, જે આઝાદીની લડાઈમાં સક્રિય પ્રદર્શનકારીઓને નાથવામાં લાગેલી હોય છે.
આ એ સમયે છે, જ્યારે ભારતમાં સ્વતંત્રતા આંદોલન ચરમસીમાએ છે અને શાહી મહોલ્લામાં તવાયફોમાં પણ તેમાં સામેલ છે.
ભણસાલીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, અદિતિરાવ હૈદરી, ફરદીન ખાન, ફરીદા જલાલ, શર્મિન સેગલ અને તાહા શાહ વગેરે સામેલ છે.
આ સિરીઝ મોઈન બેલે લખી છે. સ્ક્રીનપ્લે સંજય લીલા ભણસાલીએ તૈયાર કર્યો છે અને તેમણે તેનું નિર્દશન પણ કર્યું છે.
સિરીઝમાં શું-શું ગોટાળો છે?
હવે વાત કરીએ આ સિરીઝની ભૂલોની.
ઉદાહરણ તરીકે સિરીઝના ચોથા એપિસોડમાં જ્યારે અદિતિરાવ હૈદરી (બબ્બો જાન) પોતાની બહેન આલમઝેબનો તાજદારના નામે લખેલો પત્ર લઈને નવાઝને આપવા જાય છે, તો ત્યાં તેમની પાછળ બારીમાં રાખેલાં પુસ્તકોમાં લેખિકા ઉમૈરા અહમદની લખેલી નવલકથા પીર-એ-કામિલ પણ જોવા મળે છે.
યાદ રહે કે આ સિરીઝ અનુસાર, આ સીન વિભાજન પહેલાંનો છે અને પીર-એ-કામિલ વર્ષ 2004માં છપાઈ હતી.
આવા જ એક સીનમાં સોનાક્ષી સિન્હા (ફરીદન) જે છાપું વાંચી રહ્યાં છે એ વર્ષ 2022નું છે અને સોનાક્ષીએ જે છાપાનું પાનું પકડ્યું છે તેના પર કોરોના વાઇરસના સમાચાર છપાયેલા છે.
આ સમાચારમાં જણાવાયું છે કે કેવી રીતે તમારો આત્મવિશ્વાસ કોરોના વાઇરસ સામે લડવામાં મદદ કરી શકે છે.
છાપાના નામને લઈને પણ અનેક 'મીમ્સ'નો સિલસિલો પણ ચાલુ છે.
લાહોરના લોકો ગુસ્સામાં કેમ છે?
આ સિરીઝ પર સૌથી વધુ ગુસ્સો લાહોરવાસીઓને છે.
પત્રકાર અને વિશ્લેષક સબાહત ઝકિયાએ લખ્યું કે સિરીઝના પહેલા એપિસોડને અડધો જોઈને તેમનાં માતાએ 'બસ આટલું' કહી દીધું.
તેમની ફરિયાદ છે કે તેઓ હીરામંડીમાં રહેતા અનેક ડૉક્ટરો અને કૉલેજના પ્રિન્સિપાલને ઓળખે છે.
તેમને હીરામંડીને માત્ર એવી જ જગ્યા તરીકે દર્શાવવા પર વિરોધ વ્યક્ત કર્યો છે, જ્યાં માત્ર તવાયફો જ રહેતી હતી.
લાહોરથી નાતો રાખનારાં હમ્દ નવાઝે સિરીઝ જોયા બાદ એક થ્રેડના માધ્યમથી તેની આકરી ટીકા કરી છે.
તેઓ કહે છે, 'હીરામંડી'માં હીરામંડી સિવાયનું બધું જ છે.
તેઓ એક સેટની તસવીરની તુલના અસલી શાહી મોહલ્લા સાથે કરીને પૂછે છે કે આ સેટ ક્યાં લગાવ્યો હતો? ઈટાલીમાં લેક કોમો પર કે અમલફઈ કોસ્ટમાં?
આજે પણ લાહોરની બચેલી દરેક ઇમારતોમાં શાહી કિલ્લો, તેની પાસેની ઇમારત અને તેનો મિનાર અલગ પડે છે.
તેમનું માનવું છે કે આ મહોલ્લો ગ્લૅમરથી ભરપૂર નહોતો, પણ અહીં શોષણ, ગુલામી અને ગરીબી હતી અને ત્યાં રહેતા લોકોને એવા જ દર્શાવવા જોઈતા હતા, જેવા તેઓ અસલ જિંદગીમાં હતા.
રાફી કહે છે, જેમ ફિલ્મ ક્લિનિકમાં લાહોરને વીનસ બનાવી દીધું હતું એવી જ રીતે 'હીરામંડી'માં સંજય લીલા ભણસાલીએ એ ગલીઓમાં બગીઓ ચલાવી છે, જ્યાં એક મીડિયમ સાઇઝની કાર આવી જાય તો ચાલતા લોકો દીવાલ પર ચોંટી જતા હતા.
તેઓ કહે છે જો કોઈ કાલ્પનિક જગ્યા પર ફિલ્મ બનાવો તો તમને એ લાઇસન્સ મળી જાય કે તમે ગમે કે દેખાડો. પણ જો એ દાવો હોય કે આ એક અસલી જગ્યા પર આધારિત કહાણી છે, તો સચ્ચાઈથી આટલું અંતર યોગ્ય નથી.
ટીકાકારો આ સિરીઝમાં તવાયફોથી લઈને અન્ય પાત્રોનો બોલચાલના અંદાજ અને હાવભાવ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
આ અંગે વકાસ અલવી કહે છે કે લાહોરની 'બાઝારા-એ-હુસ્ન' હીરામંડીમાં બધી તવાયફોનો સંબંધ લખનૌથી છે? પંજાબી અંદાજ કે ભાષામાં વાત નથી કરતી? આટલો શુદ્ધ ઉર્દૂ અંદાજ કેવી રીતે હોઈ શકે?
તેઓ પૂછે છે કે સજંય લીલા ભણસાલીને આટલો મોટો ફરક કોઈએ ન બતાવ્યો?
ભણસાલી કાલ્પનિક દુનિયા બનાવે છે
જોકે કેટલાક દર્શકો ભણસાલીનો બચાવ કરતા કહે છે કે તેમના પ્રોડક્શનનો સંબંધ ક્યારેય પણ હકીકત સાથે રહ્યો નથી.
તેઓ કાલ્પનિક દુનિયા બનાવે છે, જે અસલમાં હોતી નથી. પછી તે સત્યઘટના પર આધારિત કેમ ન હોય.
તેઓ સંગીતની સાથે સુંદર સીન ક્રીએટ કરે છે અને હકીકત માટે તો આપણી પાસે પુસ્તકો અને ડૉક્યુમેન્ટરી ફિલ્મો છે.
જે દર્શકોને આ સિરીઝ બહુ પસંદ પડી છે, તેઓ ટીકાકારોને એ કહે છે કે સિનેમામાં આનંદ લેવાનું શીખો. મનોરંજન, કળા અને તાજદાર તેમજ આલમઝેબની મોહબ્બતની કહાણીનો આનંદ ઉઠાવો.