You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય યુવાનોને યૂટ્યૂબ મારફતે નોકરીની લાલચ આપી રશિયા લઈ જઈ યુદ્ધમાં ઝોંકતું નેટવર્ક કેવી રીતે કામ કરતું?
- લેેખક, શર્લિન મોલન
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ) એક એવા નેટવર્કનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો છે કે જેમાં ભારતીય યુવાનોને નોકરી આપવાના બહાને રશિયા લઈ જવાતા. તે બાદ તેમને યુદ્ધ લડવા મજબૂર કરાતા હતા.
સીબીઆઇએ કહ્યું કે આ એજન્ટ સોશિયલ મીડિયા મારફતે યુવાનોને રશિયામાં નોકરી અપાવવાની લાલચ આપતા હતા.
સીબીઆઇના અધિકારીઓએ દાવો કર્યો છે કે નોકરીના નામે યુવાનોને રશિયાની સેનામાં ભરતી કરનારા લોકોનું નેટવર્ક ભારતમાં ઘણી જગ્યાએ ફેલાયેલું છે. તેમની આ જાળમાં અત્યાર સુધી કુલ 35 લોકો ફસાઈ ચૂક્યા છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં બે ભારતીયોનાં મૃત્યુ બાદ ભારતીય અધિકારીઓના નેટવર્ક સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરાઈ હતી.
આ બંનેને રશિયાની સેનામાં સહાયક તરીકે નિયુક્ત કરવાના બહાને રશિયા મોકલવામાં આવ્યા હતા.
સીબીઆઇનું કહેવું છે કે ભારતીયોને સહાયક તરીકે નોકરી અપાવવાની લાલચ આપી રશિયન સેનામાં મોકલતા એજન્ટ ખૂબ જ સંગઠિત રીતે કામ કરતા હતા.
સીબીઆઇએ દાવો કર્યો છે કે આ એજન્ટ યૂટ્યૂબ પર પોતાના સ્થાનિક સંપર્કો થકી યુવાનોને ફસાવતા હતા.
આ અગાઉ મોસ્કોમાં રહેતી ઉત્તર પ્રદેશના એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે તેમને એક યૂટ્યૂબ ચેનલ મારફતે રશિયા જવાની ઑફર અપાઈ હતી. તેમને દર મહિને દોઢ લાખ રૂપિયા પગાર આપવાનો વાયદો પણ કરાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ વ્યક્તિએ કહ્યું, “અમને ક્યારેય નહોતું જણાવાયું કે ત્યાં જઈને અમારે રશિયન સૈન્યમાં કામ કરવાનું હશે.”
સીબીઆઇ મુજબ આ ભારતીયોને યુદ્ધની ટ્રેનિંગ અપાઈ હતી. આ પછી તેમને રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં અગ્રિમ પંક્તિ પર તહેનાત કરાયા. આ દલાલોએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો અને હવે તેમને જીવનું જોખમ પણ છે.
વિદેશવિભાગે શું કહ્યું?
આ મામલે સીબીઆઇએ કેટલાંક ખાનગી વિઝા કન્સલ્ટન્સી કંપનીઓ અને એજન્ટો સામે કેસ નોંધ્યો છે. સીબીઆઇએ દિલ્હી અને મુંબઈ સહિત 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.
એજન્સીએ જણાવ્યું કે દરોડા દરમ્યાન 50 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત થઈ છે.
આ જગ્યાઓ પર ભરતી સાથે જોડાયેલા દસ્તાવેજ પણ જપ્ત કરાયા છે. કેટલીક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પણ જપ્ત કરાઈ છે. આ બાબતે કેટલાકની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભારતના વિદેશવિભાગે પહેલાં સ્વીકાર્યું હતું કે કેટલાક ભારતીય રશિયન સૈન્યમાં સહાયક તરીકે ભરતી કરાઈ છે.
વિદેશવિભાગે કહ્યું કે તે આવી પ્રવૃત્તિમાં સામેલ વ્યક્તિઓને ભારત પરત લાવવા માટે રશિયાના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે.
આ સાથે જ વિદેશવિભાગે ભારતીયોને આવા મામલાઓમાં સાવધ રહેવા અને યુદ્ધથી દૂર રહેવાની અપીલ કરી છે.
કેટલાક દિવસો અગાઉ અંગ્રેજી વર્તમાનપત્ર ‘ધ હિન્દુ’એ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે કેટલાક ભારતીયોને નોકરીની લાલચ આપીને રશિયા લઈ જવાયા હતા અને પછી રશિયાની સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા.
આ અહેવાલ મુજબ, રશિયા-યુક્રેન સીમા પર ફસાયેલા વધુ સાત ભારતીય નાગરિકોએ બે વીડિયો શૅર કરી ભારત પરત આવવા માટે મદદ માગી છે.
એજન્ટોની વાતોમાં આવી જઈને રશિયા પહોંચનારા યુવકોમાં કેટલાક હૈદરાબાદના પણ હતા. યુક્રેન સાથે યુદ્ધમાં પહેલી હરોળમાં તહેનાત મહોમ્મદ અસફાનનું મૃત્યુ થઈ ગયું.
આ સમાચાર પછી ભારતના વિદેશવિભાગે કહ્યું કે રશિયાની સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને આ લોકોને પરત લાવવા માટે કામ ચાલી રહ્યું છે.
29 ફેબ્રુઆરીએ ભારતીય વિદેશવિભાગે આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું, “આશરે 20 ભારતીયો મોસ્કોમાં ભારતીય દૂતાવાસ પહોંચ્યા છે અને ભારત પરત ફરવા માટે મદદ માગી છે.”
રશિયા-યુક્રેન યુદ્ધનું ત્રીજું વર્ષ
રશિયા-યુક્રેન યુદ્ધનું ત્રીજું વર્ષ ચાલે છે. એવા કેટલાય સમાચાર આવ્યા હતા કે રશિયામાં સૈનિકોની અછત છે. હાલના સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાના સૈનિકો સાથે ભારતીય નાગરિકો પણ યુદ્ધના મેદાનમાં જોવા મળતા હોવાના સમાચાર આવ્યા છે.
રશિયામાં ફસાયેલા લોકો મુજબ એજન્ટોએ તેમને કહ્યું કે તેમને સેનામાં નહીં, પણ સહાયક અને સુરક્ષા કર્મચારીની નોકરી ઑફર કરાતી.
આ નેટવર્કમાં બે એજન્ટ ભારતના અને બે રશિયાના છે. ફૈઝલ ખાન નામના અન્ય એક એજન્ટ દુબઈમાં હતા અને આ ચાર એજન્ટો વચ્ચે સંકલનનું કામ કરતા હતા.
ફૈઝલ ખાન ‘બાબા બ્લોગ્સ’ નામે યૂટ્યૂબ ચેનલ ચલાવે છે.
આ એજન્ટોએ કુલ 35 લોકોને રશિયા મોકલવાની યોજના બનાવી હતી. પહેલા તબક્કામાં નવ નવેમ્બર, 2023ના રોજ ત્રણ લોકોને ચેન્નાઈથી શારજહા મોકલવામાં આવ્યા હતા.
12 નવેમ્બરે તેમને શારજહાથી રશિયાની રાજધાની મોસ્કો લઈ જવાયા હતા. ફૈઝલ ખાનની ટીમ 16 નવેમ્બરે છ અને બાદમાં સાત ભારતીય નાગરિકોને રશિયા લઈ ગયા. તેમને કહેવાયું હતું કે તેમને સૈનિક નહીં, પણ મદદગાર તરીકે કામ કરવાનું રહેશે.