You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા: 12મું નાપાસ વ્યક્તિએ 'અભણ લોકો'ની ગૅંગ બનાવીને કેવી રીતે કરોડો રૂપિયા પડાવી લીધા?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં બીજી માર્ચે ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતા સહિત અનેક લોકો ટકાવારી અને પર્સેન્ટાઇલની ગણતરી માંડી રહ્યા છે, એવા સમયે ગુજરાતમાં બનેલી એક ઘટનાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
એક બારમું નપાસ વ્યક્તિએ પોતાના 'અભણ મિત્રો'ની એક ગૅંગ બનાવી અને બોગસ કંપની બનાવીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
એટલું જ નહીં બોગસ કંપની ખોલીને લોકોને વધુ ઝડપી લોન અપાવવાને બહાને કરોડોનો ચૂનો લગાવીને પૈસા વિદેશમાં મોકલી દીધા.
બારમું નાપાસ થયા પછી ઉમંગ પટેલ છોટા ઉદેપુર અને બોડેલીની આસપાસ આવેલી સહકારી કંપનીઓમાં એકાઉન્ટનું કામ કરતો હતો અને તેના કારણે એને સહકારી આગેવાનો સાથે સારા સંબંધો બની ગયા હતા.
ઉમંગ પટેલ જૂન 2022માં સોશિયલ મીડિયા થકી કેટલાક વિદેશી લોકો સાથે સંપર્કમાં આવ્યો અને કરોડપતિ થવાનાં સપનાં જોવાં લાગ્યો, પણ કરોડપતિ થતા પહેલાં પોતાની ગૅંગ સાથે એ હવે પોલીસની પકડમાં છે.
'લોનની રકમ કરતાં બમણું વ્યાજ લઈ લીધું'
વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઉમંગ અને એના સાથીઓની ધરપકડ કરી છે. આ કેસની તપાસ કરી રહેલા વડોદરા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માંકડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારી પાસે જિતેન્દ્ર ચૌધરી નામની વ્યક્તિની એક ફરિયાદ આવી હતી કે એણે ફોનમાં પ્લે સ્ટોર પરથી સ્મોલ ક્રેડિટ-બડી કૅશ ઍપ ડાઉનલોડ કરી હતી અને એમાં આપેલા ડોક્યુમેન્ટમાંથી ફોટા મૉર્ફ કરી બ્લૅકમેઇલ કરીને લોનની રકમ કરતા બમણું વ્યાજ લઈ લીધું હતું."
પોલીસના જણાવ્યા અનુસાર, જિતેન્દ્ર ચૌધરીને કેસ પાછો ખેંચવાની ધમકી અપાઈ હતી અને એના મૉર્ફ કરેલા ફોટા એના ફોનને હેક કરી લીધેલા કૉન્ટેક્ટ નંબરો પર મોકલવાની ધમકી આપી હતી.
ઝડપી લોન લેવાના ચક્કરમાં પોતાના પૈસા ગુમાવનાર વડોદરામાં હરિઓમ નોવેલ્ટી સ્ટૉર ચલાવતા જિતેન્દ્ર ચૌધરીએ બીબીસી સાથે વિગતે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "મેં જેવી ફોનમાં સ્મોલ ક્રેડિટ-બડી કૅશ ઍપ ડાઉનલોડ કરી એની સાથે જ 'ગોલ્ડ મની', 'ડ્યુયલ કૅશ', 'ન્યૂ ક્રેડિટ' અને 'તારા રૂપી' નામની ચાર સાઈટ મળી, જેમાં 'નન્હૈ નન્હૈ' રકમની લોન તરત મળતી હતી. આથી મેં ત્રણ મહિનામાં 2 લાખ 64 હજાર 111 રૂપિયાની લોન લીધી હતી."
તેઓ વધુમાં કહે છે કે "લોન લીધાના થોડા દિવસમાં વિદેશના નંબર પરથી મારા દસ્તાવેજના ફોટાને મૉર્ફ કરી ન્યૂડ બનાવાયા હતા અને એની નીચે મારા કેટલાક સગાના ફોન નંબર હતા કે જો હું વધારે વ્યાજ નહીં આપું તો એને વાઇરલ કરવામાં આવશે."
ચૌધરી વધુમાં કહે છે કે મેં લોનથી બમણા પૈસા 4 લાખ 65 હજાર 677 ચૂકવ્યા પછી પણ મને ધમકાવતા હતા. મારી પાસે પૈસા હતા નહીં એટલે થાકીને મેં પોલીસ ફરિયાદ કરી.
વિદેશી લોકો સાથે સંપર્કમાં આવીને અનેક ખાતાં ખોલાવ્યાં
એસીપી હાર્દિક માંકડિયા કહે છે "જે દિવસે આ ફોન આવ્યો એના બે દિવસ પહેલાં અમે બૅન્કનાં જે ખાતાંમાં ટ્રાન્જેક્શન થયું હતું એને ફ્રીઝ કરવા કહ્યું હતું. ચૌધરી પછી બૅન્કના મૅનેજરનો પણ ફોન આવ્યો કે જે ખાતું બ્લૉક કરવાનું કહ્યું હતું એ ખાતા જેવા જ ડોક્યુમેન્ટથી ત્રણ બીજી કંપનીનાં ખાતાં હતાં."
"આથી એ ફ્રીઝ કર્યાં તો ખાતાધારક બૅન્કમાં ઝઘડો કર્યો હતો. એ વ્યક્તિનું વડોદરા વાઘોડિયા શાખામાં એક સેવિન્ગ્સ એકાઉન્ટ હતું, જેમાં ટ્રાન્જેક્શન ઍલર્ટ માટેનો નંબર એક જ હતો, જેના આધારે અમે ઉમંગ પટેલની ધરપકડ કરી."
પોલીસના જણાવ્યા અનુસાર, ઉમંગ પટેલ ઘણો શાતિર છે. એણે સહકારી આગેવાનોના દસ્તાવેજ લઈને અલગઅલગ 30 એકાઉન્ટ ખોલાવ્યાં હતાં અને શેલ કંપની (શેલ કંપની એટલે એવી કંપની કે જેના કોઈ બિઝનેસ ઑપરેશન ના હોય અને કોઈ ઍસેટ પણ ના હોય) ખોલી હતી.
એસીપી હાર્દિક માંકડિયા કહે છે કે "લોકોને એવું કહીને કંપનીઓ ખોલી હતી કે ખેડૂતોને લોન અપાવવાનું કામ સરળ થાય. જૂન 2022માં વિદેશી લોકો સાથે સંપર્કમાં આવ્યા પછી એણે આ ખાતાં ખોલાવ્યાં હતાં. ત્યારબાદ એને સાયબર ક્રાઇમના ઇન્ટરનેશનલ માફિયાઓનો નંબર મળ્યો અને વોલેટાઇલ વોલેટ એક્સચેન્જ બનાવી હતી. પછી તેણે આ લોનને ઍપ્લિકેશન સાથે જોડી દીધી."
"તેઓ લોન જોઈતી હોય એમને સામાન્ય દસ્તાવેજથી લોન આપતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી દસ્તાવેજમાં જે ફોટા આવ્યા હોય એને ન્યૂડ બનાવી લોકો પાસેથી પૈસા લેતા હતા."
"આ 30 ખાતાંમાં આવેલા પૈસા એ સુરતમાં રહેતા અને દસમું નાપાસ થયા પછી મોબાઇલની દુકાન ચાલવતા શોએબ પટેલને કૅશ કરવા આપતો હતો."
'અભણ લોકો'ની ગૅંગ અને કરોડોની છેતરપિંડી
માંકડિયા વધુમાં કહે છે કે પોલીસની ચુંગાલમાંથી બચવા માટે શોએબ પટેલ છ ચોપડી ભણેલા અને મદરેસામાં ભણાવતા અહમદુલ્લાહ ચોક્સીને પૈસા આપતો, જે આ પૈસા બીસીએ થયેલા અને આંગડિયા પેઢીમાં કામ કરતા નીતિન પટેલને આપતો.
છેતરપિંડીની કડી જોડતા એસીપી હાર્દિક માંકડિયા જણાવે છે, "આ પૈસા રાજસ્થાન કોટામાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમિત ગોયલને અપાતા અને અમિત ગોયલ એને 2014માં બનેલી વિદેશી કંપનીમાં ઍસેટ બૅન્ડ ક્રિપ્ટો કરન્સી સ્ટેબલ કોઈનમાં કન્વર્ટ કરતો. એના પાસવર્ડ મોકલે પછી નીતિન પટેલ એને આંગડિયાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રાજસ્થાન કોટા પૈસા મોકલી આપતો હતો."
પોલીસ કહે છે કે એમણે ત્રણ મહિનામાં માત્ર બે શેલ કંપની રામ કબીર અને આદિ ઍસોસિએટમાં 10 કરોડ ને 76 લાખ રૂપિયાનાં ટ્રાન્જેક્શન કર્યાં છે.
તો સંખેડાના કાવિઠા ગામમાં રહેતા ઉમંગ પટેલના મિત્ર હર્ષદ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "એ પરદેશ ગયો હતો. પછી એની પાસે પૈસા બહુ આવી ગયા હતા. પણ એ શું કરતો હતો એની અમને ખબર નથી પડી."
સુરતમાં મદરેસામાં ભણાવતા અહમદુલ્લાહ ચોક્સીને ઓળખતા અને સુરતના ઉન વિસ્તારમાં રહેતા હાજી ઇસ્માઇલ સૈયદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "એ કાયમ સાદગીભર્યું જીવતો હતો. કોઈને અંદાજ પણ નહોતો કે આ આવા કામમાં હશે. શોએબ પટેલ એનો દોસ્ત હતો અને એ લોકો રમઝાન મહિનામાં રોઝા ખૂલ્યા પછી સાથે રહેતા હતા, પણ કોઈને અંદાજ નથી કે આ શું કામ કરતા હતા."
પોલીસે આ મામલે પાંચની ધરપકડ કરીને એમના દસ દિવસના રિમાન્ડ લીધા છે, પ્રાથમિક પૂછપરછમાં એ લોકોએ ગુજરાત જ નહીં તેલંગણા, બૅંગ્લુરુ, ઓડિશા અને પટનામાં બૅન્કના એકાઉન્ટની ડીટેલ અને કેટલાક સીમ કાર્ડ પણ મોકલ્યાં છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.