રોહિત શર્માથી થયેલી એ ભૂલ જેના લીધે તેમને હઠાવી દેવાની માગ કરાઈ રહી છે

    • લેેખક, વિધાંશુ કુમાર
    • પદ, સ્પૉર્ટ્સ પત્રકાર, બીબીસી હિન્દી માટે

સામાન્ય રીતે આવી તસવીર ઘણી ઓછી જોવા મળે છે, જેમાં કૅમેરો જે વ્યક્તિ હોય એ રડી રહી હોય. આવી હાલત રોહિત શર્માની પણ હતી, જ્યારે ઇંગ્લૅન્ડે ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

ભારતના આ એ જ કૅપ્ટન છે જેમણે સફેદ બૉલની રમતમાં અમીટ છાપ છોડી છે અને જેમણે વનડેમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી છે.

દુનિયા તેમને ‘હિટમૅન’ના નામથી ઓળખે છે અને તેઓ આઈપીએલના સફળ કૅપ્ટન પણ ગણાય છે. તેમનું ભાવુક થઈ જવું તે માત્ર તેમના ટીમના સાથી ખેલાડીઓ જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના કરોડો ચાહકોને પણ દુખી કરી ગયું છે.

જોકે ટી-20માં ભારતીય ટીમની કપ્તાની સંભાળતા રોહિત શર્માને હજુ એક વર્ષ જ થયું છે.

વર્લ્ડકપની આ હાર બાદ વાતો થઈ રહી છે કે શું ભારતીય ટી-20નું ભવિષ્ય 35 વર્ષના રોહિત શર્માની કપ્તાની પર ટકેલું છે?

રોહિતની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન

2021ના ટી20 વર્લ્ડકપમાં ભારતને પહેલાં જ રાઉન્ડમાં પેવેલિયનનો રસ્તો બતાવી બતાવાઈ દેવાયો હતો અને બાદ કૅપ્ટનશીપમાં પણ બદલાવ આવ્યો અને વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા ટીમના નવા કૅપ્ટન બન્યા હતા.

નવા કૅપ્ટન રોહિતના નેતૃત્વમાં ભારતીય ટીમે દ્વિપક્ષીય શ્રેણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું અને બધામાં તેમને જીત મળી. આમાં કેટલીક શ્રેણીમાં રોહિત શર્માને વિરામ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ પરિણામ ભારતના પક્ષમાં રહ્યું હતું.

આ દરમિયાન ભારતે ન્યૂઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાને 3-0થી હરાવ્યા. ભારતને વિદેશી પ્રવાસ દરમિયાન આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામે પણ જીત મળી. એ પછી આ વખતના ટી-20 વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને પણ 2-1થી હરાવ્યું હતું.

આ વખતના ટી20 વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમ સતત જીતી રહી હતી અને બધું જ બરાબર ચાલી રહ્યું હોવાનું મનાતું હતું. જોકે બધું બરાબર ચાલી રહ્યું નથી કારણ કે, ભારત આઈસીસીની મોટી ટુર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યું છે.

ભૂલ ક્યાં થઈ?

યુએઈ અને ઓમાનમાં એશિયાકપ રોહિત શર્માની કપ્તાની સામે પ્રથમ મોટો પડકાર બનીને આવ્યો.

ગ્રૂપની પ્રથમ મૅચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, પરંતુ ત્યારબાદ ભારતીય ટીમ પાસે પાકિસ્તાન અને શ્રીલંકા બંનેને હરાવીને ફાઇનલમાં રમવાની તક હતી, જે ગુમાવી દીધી.

રોહિત શર્માની ટીમ સામે બીજો સૌથી મોટો પડકાર ટી20 વર્લ્ડકપનો આવ્યો, જેમાં પણ ટીમે ચાહકોને નિરાશ કર્યા.

ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે છેલ્લા બૉલે મુશ્કેલ મૅચ જીતી હતી. ત્યારબાદ બે મોટી ટીમો દક્ષિણ આફિક્રા અને ઇંગ્લૅન્ડ સામે મુકાબલો થયો, તો તેનું પરિણામ ભારત વિરુદ્ધ આવ્યું હતું.

ટી20 વર્લ્ડકપમાં ભારતની હાર માટેનું સૌથી મોટું કારણ એ રહ્યું કે બેટિંગ પાવરપ્લેનો ઉપયોગ કરવામાં ટીમ અસમર્થ રહી.

શું તમે માનો છો કે રોહિત શર્મા, કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીના ટૉપ ઑર્ડરવાળી ભારતીય ટીમ માત્ર યુએઈ કરતાં વધુ પાવરપ્લે સરેરાશ ધરાવે છે?

ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન નાસિર હુસૈને કહ્યું છે, “ભારતની હારનું કારણ તેની ભયથી ભરેલી બેટિંગ છે, તેઓ ડરીને રમી રહ્યા હતા.”

તેમણે એ પણ કહ્યું કે, “ભારતીય ટીમ દસ વર્ષ જૂના અંદાજથી ટી20 ક્રિકેટ રમી રહી છે, જેનો સમય વિતી ગયો છે.”

“ભારતીય ટીમની રણનીતિ એ હતી કે શરૂઆતમાં વિકેટ બચાવવામાં આવે અને પછી ફટકારવામાં આવે, પરંતુ આ રણનીતિ ફ્લૉપ રહી અને તેની જવાબદારી કોચ રાહુલ દ્રવિડની સાથે કૅપ્ટન રોહિત શર્માને પણ લેવી જોઈએ.”

પહેલાં પણ થયા છે બદલાવ

વર્લ્ડકપ કોઈ પણ ટીમની તૈયારીઓ માટે એક મોટો ટાર્ગેટ રહે છે. ટીમ ઇચ્છે છે કે વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કરવામાં આવે અને તેના માટે ચાર વર્ષ પહેલાંથી જ તૈયારી શરૂ કરી દેવાય છે.

જો ટીમ વર્લ્ડકપમાં અપેક્ષા મુજબ નહીં રમે તો ટીમમાં મોટા ફેરફારો પણ થતા હોય છે. કોચ રાહુલ દ્રવિડને જ પૂછી લો! વર્ષ 2007નો વર્લ્ડકપ ભારતીય ટીમ માટે 1979ના વર્લ્ડકપ બાદ સૌથી ખરાબ રહ્યો હતો. 1979માં ભારત એક પણ મૅચ જીત્યું નહોતું, જ્યારે 2007માં ભારતને બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે હાર મળી હતી અને બરમુડા સામે માત્ર એક જ મૅચ જીત્યુ હતું.

ભારતીય ટીમ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી.

એ વનડે ટીમના કૅપ્ટન રાહુલ દ્રવિડ અને કોચ ગ્રેગ ચેપલ હતા. હારી ગયા બાદ ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવામાં આવ્યા અને થોડા જ મહિનામાં રાહુલ દ્રવિડને પણ વનડે ટીમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.

ટીમમાં નવા કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની આવ્યા અને તેમણે ભારતીય ટીમને એક નવી દિશા આપી જેનું પરિણામ ચાર વર્ષ પછી 2011ની વર્લ્ડકપની જીતમાં મળ્યું.

ભારતના ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ અવાજો ઉઠાવ્યા છે કે ટીમમાં ફેરફારનો સમય આવી ગયો છે અને જ્યારે પહેલાં પણ હારનારા કૅપ્ટનને હટાવવામાં આવ્યા છે, તો હવે કેમ નહીં.”

તેમનું એ પણ કહેવું છે કે આગામી ટી20 વર્લ્ડકપ સુધી રોહિત શર્મા 37 વર્ષના થઈ જશે, તો શું ત્યારે પણ તેઓ કૅપ્ટન રહેશે અથવા ટીમમાં પણ તેમની જગ્યા રહેશે?

તેઓ માને છે કે જો એ કારણોસર બદલાવ લાવવો જ છે તો આ બદલાવ જેટલો જલદી લાવવામાં આવે એટલું સારું છે.

2021માં હારનારી ટીમ જ રમશે 2022નો વર્લ્ડકપ

જોકે ધ્યાનથી જોઈએ તો, ભારતીય ટીમમાં મોટા ફેરફારનો સમય ગયા વર્ષે જ આવી ગયો હતો.

જો 2021ના વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની ભારતીય ટીમ પર નજર કરીએ તો જાણવા મળશે કે ટીમમાં એ બધા જ ખેલાડી હતા, જે 2022માં પાકિસ્તાન સામે મૅચમાં ભાગ લઈ રહ્યા હતા.

માત્ર રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં અક્ષર પટેલ રમી રહ્યા હતા કારણ કે ઈજાના કારણે જાડેજા ટીમની બહાર હતા.

શું જે ટીમે 2021માં ઘણું ખરાબ પ્રદર્શન કર્યું હોય, એ જ ટીમ આવતા વર્ષે વર્લ્ડ ચૅમ્પિયન બની શકે? ખાસ કરીને ત્યારે જ્યારે ટીમના વધુ પડતા ખેલાડીઓની ઉંમર વધી રહી હોય અને ટીમને ‘ડેડીસ આર્મી’ની સંજ્ઞા આપવામાં આવી હોય?

ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિ અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર બધા ખેલાડીઓ 30થી વધુ ઉંમરના છે અને મોટા ભાગનાઓની ઉંમર 34-35 વર્ષની આજુબાજુની છે.

ટીમની વધતી જતી સરેરાશ ઉંમર પણ ઝડપી ક્રિકેટમાં પરિવર્તન માટે આજીજી કરી રહી છે.

અપેક્ષા કરતાં ઓછી સફળતા

ભારતની 10 વિકેટે હાર પછી ટીમના પ્રદર્શનની ચારે બાજુ ટીકા થતી હતી પરંતુ માઇકલ વૉન જેવું કહ્યું એવું કોઈએ કહ્યું નહોતું.

વૉને કહ્યું હતું કે, “ભારતીય ટીમ વર્લ્ડ ક્રિકેટમાં અપેક્ષાના મુકાબલામાં સૌથી ઓછી સફળતા હાસલ કરનારી ટીમોમાંથી એક છે. આશ્ચર્ય થાય છે કે આટલી પ્રતિભાથી ભરેલી ટીમ કેવી ટી-20 ક્રિકેટ રમે છે?”

ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉને કહ્યું છે કે, “તેમની પાસે ખેલાડી તો છે પરંતુ યોગ્ય રીત નથી. તમે કેવી રીતે વિપક્ષી બૉલરોને પ્રથમ પાંચ ઓવરમાં સ્થાયી થવાની તક આપી શકો?”

જોકે, વૉન ભારતીય ટીમની રણનીતિની ટીકા કરી રહ્યા હતા. તેમનું પણ કહેવું એજ હતું કે, પાવરપ્લેમાં વધુ રન નહીં કરવા એ એક નબળાઈ છે, જેનો સંબંધ પ્રતિભા સાથે નહીં પણ માનસિકતા સાથે છે.

સ્પષ્ટ છે કે કૅપ્ટન રોહિત શર્મા ટીમની પ્રતિભા ઊભી કરવામાં ભૂલ કરતા આવ્યા છે જેના કારણે ટીમને આ રીતની હાર જોવા મળી રહી છે.

પાવરપ્લેમાં નબળી બેટિંગ ઉપરાંત લેગ સ્પિનર યુજવેદ્ર ચહલને પણ ના રમાડવું ટીમને મોંઘુ પડ્યું. આ વર્લ્ડકપમાં આદિલ રાશીદ અને શાદાબ ખાને જોરદાર લેગ સ્પિન બૉલિંગ કરી છે.

ભારતીય ટીમને પણ લેગ સ્પિનરનો અભાવ સેમિફાઇનલમાં પણ અનુભવાયો હતો, જ્યારે રવિ શાસ્ત્રીએ નિરાશ સ્વરમાં કૉમેન્ટ્રીમાં કહ્યું કે ભારત પાસે ઘણો સારો લેગ સ્પિનર છે, પરંતુ મેદાન પર નહીં પણ ડગ આઉટમાં છે.

કૅપ્ટન બદલીએ અથવા માત્ર રમવાની રીત?

કૅપ્ટનશિપ અને બદલાવની આ ચર્ચામાં ઇરફાન પઠાણે પણ ટ્વીટ કરીને પોતાની વાત રજૂ કરી છે.

તેમણે કહ્યું છે, “કૅપ્ટનને બદલવાની જરૂર નથી, પણ ત્રણ ઉપાય કરવાની જરૂર છે. તેમના મુજબ ઓપનરોએ ઝડપી રમવું જોઈએ, ટીમમાં એક લેગ સ્પિનર હોવો જોઈએ અને એક ખૂબ ઝડપી બૉલરની પણ જરૂરિયાત છે.”

તેમાં કોઈ શંકા નથી કે ઇરફાનનાં સૂચનો અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ 2024 સુધી શું આ ટીમ આ જ કૅપ્ટનશિપ હેઠળ રહેશે કે કેમ, એમાં ચોક્કસ શંકા છે.

ઘણા નિષ્ણાતો એવું પણ સૂચન કરી રહ્યા છે કે ભારતે અલગ ટીમોના અલગ-અલગ કૅપ્ટન રાખવા જોઈએ. એટલે કે ટેસ્ટ, ટી20 અને વનડેના અલગ કૅપ્ટન.

તેમનું માનવું છે કે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ન્યુઝીલૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ સાથે બદલાવની શરૂઆત થઈ ગઈ હતી.