You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભરૂચનો એક વીડિયો વાઇરલ થતા 'ગુજરાતમાં બેરોજગારી'ની ચર્ચા કેમ થવા લાગી?
સોશિયલ મીડિયામાં ગુજરાતનો એક વીડિયો વાઇરલ થતા રાજ્યમાં નોકરીઓ અંગે ફરી ચર્ચા થવા લાગી છે.
ભરૂચમાં જિલ્લાના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીના વૉક-ઈન-ઇન્ટરવ્યૂમાં યુવાનો મોટી સંખ્યામાં ભેગા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મોટી સંખ્યામાં નોકરીવાંછુઓ આવી જતાં જે હોટલમાં ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો ત્યાં પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુવાનો દરવાજા પર જ ઊભા રહી ગયા હતા અને અંદર જવા માટે ધક્કામુક્કી થતાં દરવાજા પાસેની જે લોખંડની રેલિંગ તૂટી ગઈ હતી અને કેટલાક યુવાનો પડી ગયા હતા. જોકે કોઈને ઈજા પહોંચી નહોતી.
બીબીસીના સહયોગી સાજિદ પટેલના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવાર સાંજે બની હતી. આ ઇન્ટરવ્યૂ ઝઘડિયાસ્થિત એક ખાનગી કંપની દ્વારા રાખવામાં આવ્યો હતો.
કંપનીએ વિવિધ પદ માટે વૉક-ઈન-ઇન્ટરવ્યૂ રાખ્યા હતા. વૉક-ઈન-ઇન્ટરવ્યૂમાં સામાન્ય રીતે કોઈ અરજી મંગાવવામાં આવતી નથી અને ઉમેદવારનો સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લઈને નોકરી આપવામાં આવે છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અતિશય વાઇરલ થયો હતો.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ‘ગુજરાતમાં બેરોજગારી’નો મુદ્દો ઉઠાવ્યો છે. તો ગુજરાત પ્રદેશ ભાજપે પણ આ મુદ્દે ટ્વીટ કરીને જવાબ આપ્યો છે.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્યાં પદ માટે હતી ભરતી?
9 જુલાઈના રોજ ઝઘડિયાની થર્મેકસ કંપનીમાં ટેકનિકલ જગ્યાઓની ભરતી માટે અંકલેશ્વરની લૉર્ડ પ્લાઝા હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા.
આ ઇન્ટરવ્યૂ શિફ્ટ-ઇનચાર્જ, પ્લાન્ટ ઑપરેટર, સુપરવાઇઝર, ફિટર-મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ-ઈટીપીની જગ્યા માટે હતા.
નોકરીની જાહેરાત થઈ હોઈ નોકરી મેળવવા માટે અહીં મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પહોંચ્યા હતા, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી.
આ સમગ્ર ઘટનાને નજીકમાં ઊભેલા અન્ય યુવકોએ મોબાઇલના કૅમેરામાં કેદ કરી. ગુજરાતના અલગઅલગ મીડિયામાં ઉમેદવારોની સંખ્યા અલગઅલગ જણાવાઈ રહી છે.
અંદાજે એક હજારથી પણ વધુ યુવાનો નોકરી માટે આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ અનુસાર, 40 જગ્યા માટે એક હજારથી વધુ યુવાનો આવ્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે હોટલની બહાર મોટી સંખ્યામાં યુવાઓ નોકરી માટે એકઠા થયા હતા અને અંદર જવાનો પ્રયાસ કરતા હતા.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયો બાદ જિલ્લા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસ શરૂ કરી છે.
બીબીસી સાથેની વાતચીતમાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયૂર ચાવડા કહે છે કે "આ મામલે હજુ ફરિયાદ દાખલ કરાઈ નથી. પરંતુ અખબાર અને ચેનલો પર પ્રસારિત થયેલા મીડિયા રિપોર્ટ અનુસાર સુઓમોટો અંતર્ગત તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્ટેટમેન્ટ લેવાઈ રહ્યાં છે.
તેઓ વધુમાં કહે છે કે આ ઘટનામાં કોઈ ઈજાની ઘટના પ્રકાશમાં આવી નથી, પરંતુ તપાસ દરમિયાન જરૂર જણાશે તો જરૂરી પગલાં ભરીશું.
વીડિયો બાદ રાજકીય પ્રતિક્રિયા
ગુજરાતના ભરૂચ જિલ્લામાં નોકરીના ઇન્ટરવ્યૂ માટે પડાપડી કરી રહેલા યુવાનોનો વીડિયો વાઇરલ થયા બાદ ગુજરાતમાં ‘બેરોજગારી’ના મુદ્દાને લઈ રાજકારણ ગરમાયું છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, "બેરોજગારીની બીમારીએ ભારતમાં મહામારીનું રૂપ લઈ લીધું છે અને ભાજપશાસિત રાજ્ય આ બીમારીનું ઍપિસેન્ટર બની ગયાં છે. એક સામાન્ય નોકરી માટે લાઇનમાં ધક્કા ખાતા ‘ભારતનું ભવિષ્ય’ જ છે નરેન્દ્ર મોદીના ‘અમૃતકાળ’ની હકીકત છે.
આ વીડિયોને ગુજરાત કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કર્યો છે.
પોસ્ટમાં લખ્યું છે કે, "ભાજપ સરકારનાં 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં સૌથી વધુ બેરોજગારી... બેરોજગારી દેશનું સૌથી મોટું કૅન્સર છે. ભાજપની જૂની આદત છે કે ચૂંટણી પહેલાં દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપવું અને તે પૂરું ન કરવું."
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે, "અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા પાંચ જગ્યાની ભરતી માટે લૉર્ડ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યૂ રાખ્યા હતા. ફક્ત પાંચ જગ્યાની ભરતી માટે હજારો યુવાનો નોકરી માટે આવી પહોંચ્યા છે એ દર્શાવે છે કે ગુજરાતમાં કેટલી ભયંકર બેરોજગારી છે."
"ભાજપ સરકાર ગુજરાત મૉડલને પૂરા દેશમાં રજૂ કરે છે. છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં પણ ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. ગુજરાત મૉડલ એ બેરોજગારીનું મૉડલ છે."
બીજી તરફ ગુજરાત ભાજપે પણ આ મુદ્દે પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે અંકલેશ્વરના આ વાઇરલ વીડિયો દ્વારા "ગુજરાતને બદનામ" કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
"વૉક-ઈન ઇન્ટરવ્યૂ માટે જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી, તેમાં જ લખ્યું છે કે તેમને અનુભવી ઉમેદવારોની જરૂર છે. આ વાતનો અર્થ એ થાય કે ઇન્ટરવ્યૂ આપવા આવેલા ઉમેદવારો અનુભવી છે અને તેઓ બીજે ક્યાંક નોકરી કરી રહ્યા છે. જો તેઓ નોકરી કરી રહ્યા હોય તો બેરોજગાર હોવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. ગુજરાતની કોઈપણ વાતને નકારાત્મક બનાવવી એ કૉંગ્રેસ પાસેથી જ શીખી શકાય!"
ભરૂચના વર્તમાન સાંસદ મનસુખ વસાવાએ વીડિયોના માધ્યમથી પ્રતિક્રિયા આપી કે "ઓપન ઇન્ટરવ્યૂ રાખ્યું હોવાથી ઘણા લોકો આવી ગયા હતા. કલેક્ટર દ્વારા પણ સૂચના અપાઈ છે કે આવી ઘટના ફરી ન બને તેનું ધ્યાન રાખે. બની શકે તો રોજગાર કચેરીને લિસ્ટ આપવાનું કહ્યું છે કે કંપનીને જેટલા લોકો જોઈતા હોય એનાથી ચાર-પાંચ ગણા લોકોને બોલાવે. આ કંપનીની ભૂલને કારણે થયું છે. આવનારા સમયમાં સાવધાની રાખવા કહેવાયું છે."
તો ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે અંકલેશ્વરમાંથી વાઇરલ થયેલો વીડિયો ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ છે.
તેમણે લખ્યું કે "વૉક-ઇન ઇન્ટરવ્યૂમાં જાહેરાત સ્પષ્ટપણે જણાવે છે કે અનુભવી ઉમેદવારોની જરૂર છે, જેનો અર્થ એ છે કે તેઓ પહેલેથી જ નોકરીએ છે. આમ, આ વ્યક્તિઓ બેરોજગાર હોવાનો દાવો પાયાવિહોણો છે."
આ ઘટના બાદ રોજગાર અધિકારી ભરૂચ દ્વારા જણાવાયું કે થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વર ખાતે 9મી જુલાઈના રોજ પોતાની કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારિત જગ્યા માટે આયોજન કરાયું હતું.
આયોજન હેઠળ 500થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હતા. એ સંજોગોમાં પોલીસ બંદોબસ્ત તથા સિક્યૉરિટી જેવી અન્ય વ્યવસ્થાની બાબત ધ્યાને લેવામાં આવી ન હતી.
ભરૂચ જિલ્લામાં વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા યોગી પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "ઘટના બાદ તેમણે ઇન્ટરવ્યૂ આપવા પહોંચેલા કેટલાક યુવાઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ મીડિયા સમક્ષ આવતા ડરી રહ્યા છે. તેમને ડર છે કે જો તેઓ આ વિશે કંઈ પણ બોલશે તો તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે."
તેઓ કહે છે કે, "સામે આવેલી આ ઘટના પરથી એ સાબિત થાય છે કે જિલ્લામાં રોજગારીની હાલત કેવી છે. અંકલેશ્વર એ એશિયાની સૌથી મોટી જીઆઇડીસી છે. તદુપરાંત ભરૂચ અને દહેજમાં નાનામોટા ઔદ્યોગિક એકમો હોવા છતાં અહીં શિક્ષિત બેરોજગાર યુવાનો મોટી સંખ્યામાં છે. આ મુદ્દાને ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રે ગંભીરતાથી લેવો જોઈએ અને રોજગારીની તક ઊભી કરવી જોઈએ."
આ વિશે કંપની તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
બીબીસીએ કંપનીના પીઆરઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
(બીબીસી સહયોગી શીતલ પટેલના ઇનપૂટ સાથે)