સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના વિશે જાણવા જેવી વાતો

જસ્ટિસ સંજીવ ખન્ના જેઓ ભારતના 51મા ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) હશે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ સંજીવ ખન્ના જેઓ ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ હશે
    • લેેખક, વી. વેંકટેશન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બરે ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. તેમનો કાર્યકાળ માત્ર છ મહિના અને એક દિવસનો રહેશે કારણ કે આગામી વર્ષે 13 મેએ તેઓ નિવૃત્ત થવાના છે.

તેમનો કાર્યકાળ બહુ ટૂંકો રહેશે, છતાં એ બાબત ઘણી રસપ્રદ છે કે ચીફ જસ્ટિસ બનનારા જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ તેમની ક્ષમતા, તેમના ન્યાયદર્શન અને ભારતની કાયદા વ્યવસ્થાની મર્યાદાના સંદર્ભમાં કેવો અર્થ ધરાવે છે.

મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં અત્યાર સુધી ટૂંકા કાર્યકાળવાળા ચીફ જસ્ટિસના ઇતિહાસ પરથી જાણવા મળે છે કે તેઓ કોશિશ કરે તો સુધારાની ગતિ વધારી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક ત્રુટીઓ અને વિસંગતતાથી બચવા અને અન્યાય ઘટાડવા માટે વહીવટીતંત્રના વડા અને ન્યાયિક પરિવારના વડા તરીકે સીજેઆઈની ભૂમિકા મહત્ત્વની હોય છે.

સિસ્ટમની મર્યાદાના કારણે કેટલીક વિસંગતીઓ અનિવાર્ય બની જાય છે. પરંતુ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તેની અસર ઘટાડવા માટે યોગ્ય ઉપચારાત્મક પગલાં લઈ શકે છે.

અદાલતોમાં ઢગલાબંધ કેસ પૅન્ડિંગ છે માત્ર તે બાબત જ આગામી સીજેઆઈ માટે ચિંતાનો વિષય ન હોવો જોઈએ.

2019માં સુપ્રીમ કોર્ટે પાંચ ન્યાયાધીશોના કૉલેજિયમને તેમના કરતા સિનિયર હોય તેવા (હાઇકોર્ટના જજ તરીકે નિમણૂકની તારીખના આધારે) 32 જજના દાવાને એક બાજુ મૂકીને જસ્ટિસ ખન્નાની નિમણૂક કરવા માટે ભલામણ કરી હતી.

તે સમયે તેઓ દિલ્હી હાઇકોર્ટમાં જજ હતા. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની આત્મકથામાં ખુલાસો કર્યો છે કે કૉલેજિયમે જસ્ટિસ ખન્નાની ભલામણ કરી હતી કારણ કે વિચારણા હેઠળના અન્ય લોકોની તુલનામાં 2025માં તેમની નિવૃત્તિથી અગાઉ સીજેઆઈ તરીકે તેમનો કાર્યકાળ ઓછામાં ઓછા છ મહિનાનો રહેવાનો હતો.

કૉલેજિયમ કોઈ વ્યક્તિની યોગ્યતા અને નિષ્ઠાને ધ્યાનમાં લેવાના બદલે તેમના સંભવિત કાર્યકાળની અવધિને ધ્યાનમાં રાખીને સીજેઆઈ તરીકે ભલામણ કરે તે વાત નવાઈભરી લાગી શકે છે.

પરંતુ તાજેતરનાં વર્ષોમાં કેટલાય ટૂંકા કાર્યકાળવાળા સીજેઆઈના ઇતિહાસને ધ્યાનમાં લેતા આ એક વધારાનું પરિબળ છે.

ખાસ કરીને જ્યારે પાત્રતાના માપદંડને પૂર્ણ કરે તેવા ઘણા ઉમેદવારો છે ત્યારે.

23 વર્ષ સુધી વકીલ તરીકેની પ્રેક્ટિસ

જસ્ટીસ સંજીવ ખન્ના અને ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જસ્ટીસ સંજીવ ખન્ના અને ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જસ્ટિસ ખન્ના દિલ્હી હાઇકોર્ટમાંથી આવે છે અને લગભગ 20 વર્ષ સુધી આ હાઇકોર્ટનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ ન હતું, તે વાત પણ તેમના પક્ષમાં ગઈ એવું નિવૃત્ત જસ્ટિસ ગોગોઈ જણાવે છે.

જસ્ટિસ ખન્નાને 2005માં અધિક હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ફેબ્રુઆરી 2006માં તેઓ કાયમી જજ બની ગયા. તેમણે લગભગ 23 વર્ષ સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી હતી.

સૌથી પહેલાં દિલ્હીના તીસ હજારી કૉમ્પ્લેક્સની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને પછી દિલ્હી હાઇકોર્ટ અને અલગ અલગ ફિલ્ડની ટ્રિબ્યુનલમાં તેમણે પ્રેક્ટિસ કરી હતી, જેમ કે કરવેરા, આર્બિટ્રેશન, કંપની કાયદા, જમીન અધિગ્રહણ, આરોગ્ય અને પર્યાવરણ.

હાઇકોર્ટના જજ બનતા પહેલાં તેઓ આવકવેરા વિભાગ અને પછી દિલ્હીના નૅશનલ કૅપિટલ રિજયનમાં સ્થાયી કાનૂની સલાહકાર હતા.

તેમના એકંદર જાહેર રેકૉર્ડને ધ્યાનમાં લેતા તેઓ એકાંતપ્રિય રહે તેવી શક્યતા વધુ છે. જોકે, તેમના હોદ્દા મુજબ એવી અપેક્ષા રખાય છે કે તેઓ સમયાંતરે જાહેરમાં વક્તવ્ય આપે અને જાહેર કાર્યક્રમોમાં રાજકીય નેતાઓની સાથે દેખાય.

તાજેતરનાં વર્ષોમાં રોસ્ટરના માસ્ટર તરીકે પોતાની બેવડી ભૂમિકાના કારણે સીજેઆઈની ઑફિસ જાહેર તપાસના દાયરામાં આવી ગઈ છે.

રોસ્ટરના માસ્ટર તરીકે દરેક સીજેઆઈ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોના રોસ્ટર નિર્ધારિત કરે છે. જોકે, અલગ અલગ જજિસને નિયમિત રીતે રોસ્ટર મુજબ કેસ સોંપવામાં આવે છે, જે કૉમ્પ્યુટરથી નક્કી થાય છે અને જજની ઉપલબ્ધતા તથા તેમની વરિષ્ઠતા પર આધારિત હોય છે.

રોસ્ટરના માસ્ટર સમયાંતરે કેસના લિસ્ટિંગમાં ફેરફાર કરે છે

એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જસ્ટીસ સંજીવ ખન્ના

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જસ્ટિસ સંજીવ ખન્ના

તેના કારણે ઘણી વખત એવી ટીકા થાય છે કે માસ્ટર ઑફ રોસ્ટર પાસે વધારે પડતી સત્તા છે તથા તેનો એવી રીતે દુરુપયોગ થઈ શકે છે જેથી કેસની સુનાવણીના પરિણામ ઍક્ઝિક્યુટિવ (કાર્યપાલિક)ને અનુકૂળ હોય.

કોઈ રાજકીય કેદીની જામીનની અરજીની સુનાવણી હોય કે વૈધાનિક અથવા ઍક્ઝિક્યુટિવના પગલાંને પડકારવાનું હોય, ચોક્કસ પૂર્વધારણાઓ અને માન્યતાઓ ધરાવતા અમુક ન્યાયાધીશો સામે તેને રજૂ કરવામાં આવે તો તેનાં અનુચિત પરિણામો આવે તેવી ટીકા થઈ રહી છે.

જસ્ટિસ ખન્નાએ એ ચુકાદો લખ્યો હતો જેમાં જણાવાયું હતું કે ન્યાયિક સ્વતંત્રતા પારદર્શિતાની જરૂરિયાતથી વિપરીત નથી. તેથી શું જસ્ટિસ ખન્નાએ જે વાત કહી છે તેનો અમલ કરશે, અને જે રીતે માસ્ટર ઑફ રોસ્ટર પોતાની સત્તાનો ઉપયોગ કરે છે તેમાં પારદર્શિતા સુનિશ્ચિત કરશે તથા સુપ્રીમ કોર્ટના કૉલેજિયમની કામગીરીમાં પારદર્શિતા વધારશે, તેવો સવાલ નિરીક્ષકો પૂછે છે.

સીજેઆઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટનું કૉલેજિયમ એક એવી સંસ્થા છે જેની કામગીરીને વધુ પારદર્શક બનાવવા માટે ઘણા સીજેઆઈએ પ્રયાસ કર્યા છે, છતાં તેમાં પારદર્શીતાનો અભાવ છે.

જુદી જુદી હાઇકોર્ટમાં પ્રસ્તાવિત ન્યાયાધીશોની નિમણૂક અંગે સરકાર સાથે ચાલતી રસ્સાખેંચમાં આ કૉલેજિયમ ઍક્ઝિક્યુટિવ સામે નમતું જોખતી જોવા મળે છે. જોકે, કાયદા પ્રમાણે કૉલેજિયમની ભલામણને દોહરાવવામાં આવે તો તે સરકાર માટે બંધનકર્તા છે.

શું જસ્ટિસ ખન્ના આ વલણમાં મોટું પરિવર્તન લાવી શકશે? એક પછી એક સીજેઆઈએ તેને એક વહીવટી મુદ્દા તરીકે જોવાનું પસંદ કરે છે, તેથી સરકારને ન્યાયિક રીતે શિસ્તબદ્ધ કરવાનો કોઈ પણ પ્રયાસ, જે કૉલેજિયમ આધારિત નામાંકિત વ્યક્તિઓની નિયુક્તિ અને ટ્રાન્સફરમાં વિલંબ કરે, તે સફળ થવાની સંભાવના નથી.

ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે

જસ્ટીસ સંજીવ ખન્ના

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જસ્ટીસ સંજીવ ખન્ના

જસ્ટિસ ખન્નાએ એવા કેટલાક ઐતિહાસિક નિર્ણય લખ્યા છે જે તેમનાં ન્યાયિક દર્શનનો બોધ કરાવે છે, જેને ઘણા નિરીક્ષકો દ્વારા સરકાર તરફી તરીકે જોવામાં આવી શકે છે.

તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ)થી નાખવામાં આવેલા મતની વોટર વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રેઅલ (વીપીપીએટી)ની સાથે 100 ટકા વેરિફિકેશનની અરજી ફગાવી દીધી હતી. હાલમાં કોઈ મતક્ષેત્રમાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલા માત્ર પાંચ પોલિંગ બૂથ પર વીવીપીટી વેરિફિકેશન કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ ખન્નાની આગેવાની હેઠળની બૅન્ચે સૌથી પહેલાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને લોકસભાનો ચૂંટણી પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા અને જુલાઈમાં તેમને એ આધારે નિયમિત જામીન આપ્યા કે તેમણે 90 દિવસ કરતા વધુ સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જામીન મળ્યા પછી મુખ્ય મંત્રી તરીકે તેમના કામકાજને નિયંત્રિત કરતી અદાલતી શરતોના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

તેમણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને નાબૂદ કરવાનો નિર્ણય માન્ય રાખીને એક સહમતિ દર્શાવી હતી. તેમનો તર્ક હતો કે આ કલમની નાબૂદીથી સંઘીય માળખાનો ક્યાંય ભંગ નહીં થાય, કારણ કે જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને દેશના બીજા નાગરિકો જેવો જ દરજ્જો અને અધિકારો પ્રાપ્ત થશે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના રાજ્યના દરજ્જાને બહાલ કરવામાં આવશે અને લદ્દાખની રચનાને યથાવત રાખવામાં આવશે, તેવા સરકારના નિવેદનને રેકૉર્ડ કરવા માટે તેઓ પોતાના સાથી જજ સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ સાથે સહમત થયા હતા. જોકે, પોતાના અલગ નિર્ણયમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કરવાના ગંભીર પરિણામ આવે છે અને તે સંઘવાદ પર પ્રતિકૂળ અસર કરે છે.

તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશની રચનાને યોગ્ય ઠરાવવા માટે મજબૂત અને નક્કર આધારની જરૂર છે અને તેમાં બંધારણની કલમ 3નું ચુસ્ત રીતે પાલન થવું જોઈએ. સરકારે આ શરતોને પાળી છે કે નહીં તે તેમણે સ્પષ્ટ કર્યું હતું.

તેમણે પાંચ જજની બૅન્ચના ભાગ તરીકે ચૂંટણી બૉન્ડમાં સહમતિનો અભિપ્રાય પણ આપ્યો હતો. તેમાં કેન્દ્રની ચૂંટણી બૉન્ડની યોજનાને એમ કહીને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી કે દાન કરનારાઓને ગુપ્તતાનો અધિકાર નથી.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કેસમાં તેમની અસહમતિને એ માટે યાદ રાખવામાં આવશે કારણ કે તેમણે દર્શાવ્યું કે જાહેર ભાગીદારી એ નિર્ણય લેવાની પ્રક્રિયામાં એક યાંત્રિક પ્રક્રિયા ન હોઈ શકે. ત્રણ જજની બૅન્ચમાં બે જજે બહુમતીથી જણાવ્યું કે ન્યાયાધીશોની નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઈ ખામી ન હતી અને પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

જસ્ટિસ ખન્ના વિવાદોથી મુક્ત નથી

ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ આઠ નવેમ્બરના રોજ નિવૃત્ત થયા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ આઠ નવેમ્બરના રોજ નિવૃત્ત થયા છે

સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ કર્મચારી દ્વારા રંજન ગોગોઈ (હાલમાં સાંસદ) સામે કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપોનું ખંડન કરવા માટે શનિવારે બૅન્ચ (20 એપ્રિલ, 2019) બેઠી હતી. તે વખતે સંજીવ ખન્ના તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બૅન્ચનો ભાગ હતા.

આ બૅન્ચમાં જસ્ટિસ ગોગોઈ અને જસ્ટિસ અરુણ મિશ્રા પણ સામેલ હતા. તેમાં જસ્ટિસ ખન્નાની હાજરીએ નિરીક્ષકોને ચોંકાવી દીધા કારણ કે બૅન્ચે મીડિયાને આરોપોના રિપોર્ટિંગમાં સંયમ રાખવાના નિર્દેશ આપ્યા હતા.

ગોગોઈના કારણે આ સુનાવણીમાં હિતની ટક્કર થતી હતી તે સ્પષ્ટ હોવા છતાં આવું થયું હતું. જોકે, બૅન્ચના ચુકાદામાં ગોગોઈ સામેલ ન હતા.

સુપ્રીમ કોર્ટના ત્રણ જજના રિપોર્ટમાં ગોગોઈને ક્લીન ચિટ આપવામાં આવી અને તેનો રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવ્યો. વરિષ્ઠતાને અવગણવામાં આવી છે તેવી ટીકાને ફગાવીને તત્કાલીન ચીફ જસ્ટિસ ગોગોઈના નેતૃત્વવાળી કૉલેજિયમે જસ્ટિસ ખન્નાને પદોન્નતિની ભલામણ કરી હતી.

વિદાય લઈ રહેલા સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડે જસ્ટિસ ખન્નાની ઉચ્ચ સ્તરની નિષ્પક્ષતા, અદાલતમાં ગંભીર દલીલો વચ્ચે સ્મિત રેલાવવાની તેમની ક્ષમતા અને સીજેઆઈની ઑફિસમાં અનુભવનો ખજાનો લાવવા બદલ તેમની પ્રશંસા કરી છે.

વ્યક્તિગત રીતે જસ્ટિસ ખન્નાને ન્યાયાધીશોના એવા પરિવાર સાથે સંકળાયેલા હોવાના કારણે પ્રતિષ્ઠા પ્રાપ્ત છે, જે પરિવાર પોતાની પ્રામાણિકતા માટે વિખ્યાત છે.

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટ

તેઓ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ હંસરાજ ખન્નાના ભત્રીજા છે જેઓ ઇમરજન્સી વખતે હેબિયસ કોર્પસ કેસમાં અસહમતી દર્શાવનાર એકમાત્ર જજ હતા. તેમણે જ કહ્યું હતું કે નાગરિકોના મૂળભૂત અધિકારોને યોગ્ય પ્રક્રિયા વગર રદ કરી ન શકાય.

ત્યાર પછી તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની સરકારે આગામી સીજેઆઈની નિમણૂક કરતી વખતે હંસરાજ ખન્નાની વરિષ્ઠતાને અવગણી હતી. સુપરસીડ થવાના વિરોધમાં હંસરાજ ખન્નાએ રાજીનામું આપ્યું હતું, પરંતુ તેનાથી તેમણે ન્યાયતંત્રના ઇતિહાસમાં કાયમી સ્થાન મેળવી લીધું.

હવે એ જોવાનું રહેશે કે શું જસ્ટિસ સંજીવ ખન્ના પોતાના કાકાના શાનદાર યોગદાન પ્રત્યે સભાન રહીને કોઈ લક્ષ્મણ રેખાને પાર કરે છે કે કેમ, ખાસ કરીને જાહેર હિતના કેસમાં, જ્યાં કારોબારી અને ન્યાયતંત્રને અલગ કરતી રેખા બહુ ધૂંધળી હોય છે.

તેમના માટે જ્યાં સુધી મૂળભૂત અધિકારો અથવા વૈધાનિક અધિકારોના આરોપો ન લગાવાય અને સાબિત ન થાય ત્યાં સુધી ન્યાયિક સમીક્ષાનો કોઈ અવકાશ નથી.

જસ્ટિસ સંજીવ ખન્નાના કાર્યકાળને તેઓ મહત્ત્વના પેન્ડિંગ કેસને કેવી રીતે ઉકેલી શકે છે તેના માટે પણ જોવામાં આવશે. તેમાં એલજીબીટીક્યુ+ સમુદાયને વૈવાહિક સમાનતાનો ઇનકાર કરતા અદાલતના ચુકાદાની સમીક્ષા, વૈવાહિક રેપના કેસમાં અપવાદ, વૈવાહિક અધિકારોની બહાલીની કાયદેસરતા, નાગરિકતા (સંશોધન) એક્ટ વગેરેનો સમાવેશ થાય છે.

કેટલાંય વર્ષોથી જેલમાં સબડતા રાજકીય કેદીઓને તેમના કાર્યકાળ દરમિયાન સમયસર રાહત મળે છે કે નહીં તે સીજેઆઈ તરીકે તેમની સફળતાની વધુ એક કસોટી હશે.

(વી. વેંકટેશન વરિષ્ઠ કાનૂની પત્રકાર છે જેઓ ભારતના અગ્રણી પ્રકાશનોમાં નિયમિત રીતે લખતા હોય છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.