દલિતો પર હિંસાના કેસમાં 98 લોકોને આજીવન કેદ, એક દાયકા બાદ કોર્ટે શું ચુકાદો આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બૅંગલુરુથી, બીબીસી માટે
કર્ણાટકની સ્થાનિક કોર્ટે દલિતો પર હુમલો કરવા બદલ 98 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. બીજા પાંચ લોકોને સાદી જેલની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે એક દાયકા પહેલાં થયેલી હિંસાની સૂનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે.
સમગ્ર કર્ણાટકમાં ચર્ચાસ્પદ બનેલી આ ઘટનામાં સામાન્ય બોલાચાલી બાદ ઉચ્ચ જ્ઞાતિના લોકોએ કથિત રીતે દલિતોની વસતિ પર હુમલો કર્યો હતો અને તેમનાં ઘરો અને દુકાનો બાળી નાખ્યાં હતાં.
172 પાનાના ચુકાદામાં કર્ણાટકના કોપ્પલના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ અને સ્પેશિયલ જજ સી. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, 28 ઑગસ્ટ 2014ના રોજ ગંગાવતી ગ્રામીણ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મારુકુંબી ગામમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધની હિંસા એ 'સામાન્ય ટોળાની હિંસા કરતાં જાતિની હિંસા' વધુ હતી.
દોષિતોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989ની કલમ 3(2)(iv) હેઠળ આજીવન કેદ અને દંડની સજા કરવામાં આવી છે.
આ કલમ પ્રમાણે કોઈપણ વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિની મિલકત, મકાન અથવા પૂજા સ્થળને ઇરાદાપૂર્વક આગ કે વિસ્ફોટક પદાર્થ વડે નુકસાન પહોંચાડશે તો તેને આજીવન કેદની સજાનો દંડ આપવામાં આવશે.
એ દિવસે શું થયું હતું?

કથિત ઉચ્ચ જાતિમાંથી આવતી એક વ્યક્તિએ ફરીયાદ કરી હતી, જે બાદ દલિતો પર હુમલો કરવામાં આવ્યો હતો. મારુકુંબી ગામમાં રહેતા મંજૂનાથ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા.
જ્યારે તેઓ પાછા આવ્યા તો તેમને ફરીયાદ કરી હતી કે, કેટલાક લોકે ટિકિટ ખરીદવા બાબતે તેમની સાથે મારપીટ કરી છે.
ત્યારબાદ કથિત ઉચ્ચ જાતિના લોકો મોટી સંખ્યામાં એક મંદિરમાં ભેગા થયા હતા. આ મંદિર દલિતોના મહોલ્લાની બહાર આવેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભેગા થયા બાદ ઉચ્ચ જાતિનાં લોકોએ દલિતો પર હુમલો કરી દીધો અને તેમનાં ઘરો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાક દલિતોનાં ઘરોમાં આગ પણ ચાંપી દેવામાં આવી હતી. જેમના પર હમલો કરવામાં આવ્યો હતો તેઓ મડિગા પંથ સાથે સંબંધ ધરાવે છે.
બીબીસી સાથેની વાતચીતમાં સરકારી વકીલ અપર્ણા દામોદર બંદી કહે છે, "ખરેખર જોઈએ તો, જે લોકોએ અનુસૂચિત જાતિના લોકો પર હુમલો કર્યો હતો તેઓ મુખ્યત્વે ઉચ્ચ જાતિમાં આવતા લિંગાયત, ભોવી સહિત બીજી જાતિના લોકો હતા."
ઘટના બની ત્યારે બીબીસી હિન્દીએ દલિત સંઘર્ષ સમિતિ (ડીએસએસ)ના જિલ્લા મહાસચિવ રત્નાકર ટી સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ''સિનેમાની ઘટના પહેલાં પણ મડિગા સમાજ સાથે ભેદભાવ થતો આવ્યો છે. સમાજના લોકો ગામમાં વાળ પણ કપાવી શકતા નહોતા. તેમને ગંગાવતી કહેવામાં આવતા હતા. આ મુદ્દો અસ્પૃશ્યતા (દલિતો વચ્ચે) વિરુદ્ધ અસ્પૃશ્યતાનો બની ગયો હતો જેના કારણે હિંસા ફાટી નીકળી હતી."
કોર્ટે પોતાના ચુકાદામાં શું કહ્યું છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચુકાદો આપતી વખતે કોપ્પલના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ અને સ્પેશિયલ જજ સી ચંદ્રશેખરે અલગ-અલગ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ટાંક્યા હતા. સાથે-સાથે તેમણે અમેરિકન ગાયક મૅરિયન ઍન્ડરસનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મૅરિયન એક આફ્રિકન-અમેરિકન કલાકાર હતાં. તેમણે 20મી સદીના મધ્યમાં વંશીય ભેદભાવ સામે આફ્રિકન-અમેરિકન કલાકારોને ન્યાય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મેટ્રોપોલિટન ઓપેરામાં પર્ફોર્મ કરનાર તેઓ પ્રથમ આફ્રિકન-અમેરિકન હતાં. સાલ 1939માં વ્હાઇટ હાઉસમાં બે વખત પર્ફોમ કરનારાં તેઓ પ્રથમ તેઓ પ્રથમ આફ્રિકન-અમેરિકન મહિલા હતાં.
જજનો ચુકાદો વાસ્તવમાં મૅરિયન ઍન્ડરસનની વાતથી શરૂ થાય છે, જેમાં તેઓ કહે છે, "કોઈ પણ રાષ્ટ્ર ભલે ગમે તેટલું મહાન કેમ ન હોય, તે પોતાના સૌથી નબળા લોકો કરતાં વધુ મજબૂત નથી હોતો. અને જ્યાં સુધી તમે વ્યક્તિને દબાવી રાખો છો ત્યાં સુધી તમારે તે વ્યકિતને દબાવવા માટે નીચે નમવું પડે છે. તો આનો અર્થ એ થયો કે તમે જેટલા ઉપર આવી શકતા હતા, તેટલા નહીં આવો."
ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, ''મંજુદેવીના કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટ અનુસાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં હોવા છતાં, તેમની સ્થિતિ નાજુક છે અને તેમને તેમના અધિકારીઓથી વંચિત રાખવામાં આવે છે.''
''આગળ જતા તેઓ વિવિધ ગુનાઓ, તિરસ્કાર, અપમાન અને ઉત્પીડનનો ભોગ બને છે. આ કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લેતા, મને રેકૉર્ડ પર એવો કોઈ સંજોગો મળતો નથી જે એમ કહે કે કેસમાં ઉદારતા દાખવવી જોઈએ.''
''ઘાયલ પીડિત, પુરૂષો અને સ્ત્રીઓ અનુસૂચિત જાતિનાં છે. આરોપીઓએ મહિલાઓનાં ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે. પીડિતો પર લાકડી, ઈંટ અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મારો વિચાર છે કે આરોપીઓ નિર્ધારિત સજા કરતાં વધુ લાંબી સજાને પાત્ર છે. સજા ઘટાડવા માટે રેકૉર્ડ પર કોઈ કારણ જણાતું નથી.''
સરકારી વકીલે કહ્યું કે, ''આરોપીનું કૃત્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ સમાજ વિરુદ્ધ ગુનો છે. એકવીસમી સદીમાં પણ આવાં ગુનાઓ થઈ રહ્યા છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ દર્શાવે છે કે અસ્પૃશ્યતાની પ્રથા હજુ પણ ચાલુ છે.''
બચાવ પક્ષની દલીલ હતી કે આરોપીઓની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે. તેઓ આર્થિક રીતે વંચિત વર્ગમાંથી આવે છે અને એટલે તેમને દંડમાંથી મુક્તિ મળવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












