એસસી-એસટી અનામતમાં પેટા-વર્ગીકરણના ચુકાદાનો અમલ કઈ રીતે થશે, કેવી સમસ્યાઓ સર્જાઈ શકે?

એસસી-એસટી અનામત, પેટા વર્ગીકરણ, સુપ્રીમ કોર્ટ, જાતિગત વસ્તીગણતરી, બીબીસી ગુુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટે તેના પહેલી ઑગસ્ટના ચુકાદામાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતમાં સબ-ક્લાસિફિકેશન કે પેટા-વર્ગીકરણ કરી શકાય છે.

અદાલતના આ ચુકાદાને સમર્થન મળવાની સાથે તેનો વિરોધ પણ બહુ થયો છે.

આ ચુકાદાના સમર્થકોનું કહેવું છે કે તેનાથી પછાત જ્ઞાતિઓ અને જનજાતિઓને લાભ થશે.

આ ચુકાદાના સમર્થકોમાં તામિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન, આંધ્ર પ્રદેશના એન ચંદ્રબાબુ નાયડુ, બિહારના નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓનો સમાવેશ થાય છે.

બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતી અને આઝાદ સમાજ પાર્ટીના સંસદસભ્ય ચંદ્રશેખર આઝાદે આ ચુકાદાનો વિરોધ કર્યો છે.

ટીકાકારોનું કહેવું છે કે આ ચુકાદો અનામતના મૂળ સિદ્ધાંતો વિરુદ્ધનો છે અને તેનાથી દલિત તથા આદિવાસી સમાજમાં રાજકીય ફૂટ પડશે.

એક મહત્ત્વનો મુદ્દો આ વર્ગીકરણના અમલનો પણ છે.

કોર્ટે જણાવી દીધું છે કે તે આંકડાઓને આધારે થશે. કોર્ટે વધારે વિગત આપી નથી.

ઓબીસી રિઝર્વેશનમાં પેટા-વર્ગીકરણ, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી રિઝર્વેશન અને સરકારી નોકરીઓમાં બઢતીમાં અનામત જેવા કેટલાક મુદ્દે અદાલતે અગાઉ અનામતની કેટલીક નીતિઓ ફગાવી દીધી છે.

પેટા-વર્ગીકરણ સાથે પણ આવું જ થશે?

કોર્ટે શું કહ્યું?

એસસી-એસટી અનામત, પેટા વર્ગીકરણ, સુપ્રીમ કોર્ટ, જાતિગત વસ્તીગણતરી, બીબીસી ગુુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલ અનુસૂચિત જાતિને 15 ટકા અનામત મળે છે અને અનુસૂચિત જનજાતિને 7.5 ટકા. તેની યાદી રાષ્ટ્રપતિ બનાવે છે.

સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે એ યાદીમાં રાજ્ય સરકાર માત્ર પેટા-વર્ગીકરણ કરી શકે છે અને કેટલીક બેઠકો એક અનુસૂચિત જાતિ કે જનજાતિ માટે અંકિત કરી શકે છે.

કોર્ટનું માનવું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ એકસમાન નથી. કેટલીક જાતિઓ અન્યોથી વધારે પછાત છે.

વડા ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે કેટલાક રિસર્ચના ઉદાહરણ આપ્યાં હતાં.

સમાજશાસ્ત્રી એ એમ શાહે પોતાના એક પુસ્તકમાં લખ્યું હતું કે ગરોડો જેવી કેટલીક અનુસૂચિત જાતિઓને દલિતોમાં પૂજારી જેવી માનવામાં આવે છે. તેમનું અસ્તિત્વ કેટલીક અનુસૂચિત જાતિઓમાં ઉપર ગણવામાં આવે છે.

ચંદ્રચૂડે લખ્યું હતું કે ગુજરાતમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કેટલીક અનુસૂચિત જાતિઓમાં અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. તેઓ એકમેક દ્વારા તૈયાર કરાયેલો ખોરાક કે પાણી લેતા નથી. અમુક આદિવાસીઓને દલિત મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો.

તેમણે લખ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં વણાટનું કામ કરતી માલા જાતિ અને ચામડાનું કામ કરતી મઢિગા જાતિ બન્નેમાં અનેક અસમાનતા છે.

મઢિગા જાતિને માલા જાતિની સરખામણીએ નીચલા સ્તરની ગણવામાં આવે છે. તેનાથી તેમના શિક્ષણ, નોકરી અને રાજકીય ગતિવિધિઓમાં પણ ફરક પડે છે.

જસ્ટિસ બી આર ગવઈએ જસ્ટિસ ઉષા મેહરા કમિટીના અહેવાલને ટાંકતા જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં 60 અનુસૂચિત જાતિઓમાંથી માત્ર ચાર-પાંચને જ અનામતનો લાભ મળી રહ્યો છે.

આ બધાનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે પેટા-વર્ગીકરણની પરવાનગી આપી હતી.

પેટા-વર્ગીકરણ કેવી રીતે થશે?

એસસી-એસટી અનામત, પેટા વર્ગીકરણ, સુપ્રીમ કોર્ટ, જાતિગત વસ્તીગણતરી, બીબીસી ગુુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ

વર્ગીકરણનો અમલ ગૂંચવણભર્યો સાબિત થઈ શકે છે.

અદાલતે એમ પણ કહ્યું હતું કે કોર્ટ જે રીતે આંકડાઓ માગતી રહી છે એ જ રીતે આગળ પણ કરતી રહેશે.

તેની સમીક્ષા પણ કરી શકે છે, એમ પણ જણાવ્યું હતું.

કોર્ટે પહેલાં એમ કહ્યું હતું કે અનામત માત્ર જનસંખ્યાને આધારે થઈ શકે નહીં. આ સિદ્ધાંત પણ લાગુ પડશે.

ડી વાય ચંદ્રચૂડે કહ્યું હતું કે પહેલાં કોઈ જાતિ કે જનજાતિનું સામાજિક પછાતપણું ધ્યાનમાં લેવામાં આવશે. તેનાથી તેમની શૈક્ષણિક અને આર્થિક સ્થિતિમાં પણ ફરક પડતો હોય છે.

તે બાકી જાતિઓ અને જનજાતિઓની તુલનામાં હશે.

બીજી એ બાબત ધ્યાનમાં લેવામાં આવશે કે પછાતપણાને કારણે સરકારી સેવાઓમાં તેમની હિસ્સેદારી અપૂરતી છે કે કેમ.

આ બન્ને બાબતો માટે રાજ્ય અથવા કેન્દ્ર સરકારે આંકડા રજૂ કરવા પડશે.

અદાલતે કહ્યું હતું કે અનામતમાં પેટા-વર્ગીકરણ રાજકીય લાભ માટે થવું ન જોઈએ.

જોકે, ટીકાકારોનું કહેવું છે કે તેનો ઉપયોગ રાજકારણ માટે કરવામાં આવશે.

પૉલિટિકલ સાયન્ટિસ્ટ અને યુનિવર્સિટી ઑફ લંડનમાં આસિસ્ટંટ પ્રોફેસર અરવિંદ કુમાર આ ચુકાદાનો વિરોધ કરે છે.

તેઓ કહે છે, "સરકાર તેના ટેકેદારો અને વિરોધીઓના હિસાબે જાતિ પસંદ કરી શકે છે. તેનાથી દ્વેષ વધી શકે છે, જે આપણે મણિપુરમાં જોયું છે."

વાલ્મિકી સમુદાયના એક ધાર્મિક નેતા દર્શન વાલ્મિક રાવણે આ ચુકાદાનું સ્વાગત કર્યું છે.

પંજાબમાં વાલ્મિક સમુદાયનું પેટા-વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું, પરંતુ દર્શન વાલ્મિક રાવણ કહે છે, "આગળ જતાં વધારે સંઘર્ષ કરવો પડશે. આ ચુકાદાના અમલ માટે પણ વધારે લડાઈ લડવી પડે તે શક્ય છે."

આંકડામાં અવરોધ

એસસી-એસટી અનામત, પેટા વર્ગીકરણ, સુપ્રીમ કોર્ટ, જાતિગત વસ્તીગણતરી, બીબીસી ગુુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રકાશ આંબેડકર

આ ચુકાદાના અમલ માટે એક મોટો અવરોધ આંકડા એકઠા કરવાનો હશે. અરવિંદ કુમાર કહે છે, "પેટા-વર્ગીકરણ કરવાનું આસાન નહીં હોય. કોર્ટ ભરોસાપાત્ર આંકડાના આધાર પર અનેક સવાલ કરી શકે છે."

સરકાર દ્વારા આપવામાં આવેલી અનામતને પૂરતા આંકડા ન હોવાને કારણે કોર્ટે ફગાવી દીધી હોવાનું અગાઉ અનેકવાર બન્યું છે.

વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે કોર્ટના ચુકાદાની ટીકા કરતાં કહ્યું હતું, "પછાતપણું ક્યા આધારે નક્કી કરવામાં આવશે તે અદાલતે જણાવ્યું નથી."

એક ન્યાયમૂર્તિ જસ્ટિસ પંકજ મિત્તલે પણ પોતાના ચુકાદામાં એ વાત કહી હતી કે અનામત નીતિના અમલમાં એક મોટી અડચણ એ હોય છે કે તેને કોર્ટમાં પડકારવામાં આવે છે.

તેનાથી નોકરી માટે ભરતીમાં અને કૉલેજ ઍડમિશનમાં બહુ વિલંબ થાય છે.

આંકડા એકઠા કરવામાં પણ લાંબો સમય લાગી શકે છે. જેમ કે, ઓબીસી અનામતમાં વર્ગીકરણ માટે નરેન્દ્ર મોદી સરકારે 2017માં જસ્ટિસ રોહિણી કમિટીની રચના કરી હતી. તેનો રિપોર્ટ 2023માં પૂર્ણ થયો હતો.

અત્યારે એ રિપોર્ટ અભરાઈ પર છે અને તેની કૉપી માત્ર સરકાર પાસે જ છે.

અરવિંદ કુમાર કહે છે, "કોર્ટ આંકડાનો સ્વીકાર કરે એ ન્યાયમૂર્તિઓનો પોતાનો અભિપ્રાય હોય છે. કોર્ટે ડેટાને અનેકવાર બિન-ભરોસાપાત્ર ગણાવ્યા છે."

અગાઉ કોર્ટે કેવા આંકડાઓ માગ્યા હતા?

તામિલનાડુ સરકારે વન્નિયાકુલા ક્ષત્રિય સમાજને 10.5 ટકા અનામત આપી હતી. તેને સુપ્રીમ કોર્ટે 2022માં રદ કરી હતી.

રાજ્યમાં અતિ પછાત વર્ગ માટે 20 ટકા અનામત હતી. તેમાંથી વન્નિયાકુલા ક્ષત્રિય સમાજ માટે 10.5 ટકા અનામતની વ્યવસ્થા 2021માં કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સરકાર પાસે સાચા આંકડા નથી.

અદાલતે એમ પણ જણાવ્યું હતું કે સરકારે જૂના આંકડાઓનો ઉપયોગ કર્યો હતો અને વસ્તીના આધારે અનામત આપી હતી.

અદાલતના કહેવા મુજબ, વન્નિયાકુલા ક્ષત્રિય સમાજના લોકો પ્રધાન અને જજ પણ બન્યા છે. તેથી સરકાર તેમનું પછાતપણું સાબિત કરી શકી નથી.

2021માં મરાઠા અનામતને ફગાવી દેતાં કોર્ટે જણાવ્યું હતું કે સરકારે અનામતની 50 ટકાની મર્યાદાને પાર કરવી હોય તો આંકડા આપવા પડશે.

જોકે, સરકારે એક સમિતિ બનાવી હતી, પરંતુ અદાલતે તે કમિટીના આંકડા જોઈને જણાવ્યું હતું કે તેનાથી 50 ટકાની મર્યાદાને ઓળંગી શકાય નહીં.

આ પહેલાં પણ ડેટા કલેક્શન અને સરકારી નોકરીઓમાં પ્રમોશનને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

સુપ્રીમ કોર્ટે ડેટા એકત્ર કરવા સંબંધે 2006માં કેટલીક શરતો લાદી હતી, પરંતુ અનેક હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે તે અનામતને ગેરકાયદે જાહેર કરી હતી. પછી 2022માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ડેટા કેવી રીતે એકત્ર કરવામાં આવશે.

ઘણાં રાજ્યોમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પણ ડેટા કલેક્શનને કારણે અન્ય પછાત વર્ગો માટેની અનામતનો અમલ કરવામાં આવતો નથી.

જાતિની વસ્તી ગણતરી

એસસી-એસટી અનામત, પેટા વર્ગીકરણ, સુપ્રીમ કોર્ટ, જાતિગત વસ્તીગણતરી, બીબીસી ગુુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અનેક નિષ્ણાતોએ કહ્યું છે કે કોર્ટની ડેટાની માંગને પહોંચી વળવા માટે બિહારની માફક જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી જરૂરી છે.

સામાજિક વિજ્ઞાની યોગેન્દ્ર યાદવે તેમના એક લેખમાં જણાવ્યું છે, "ડેટા આધારિત નીતિ સમગ્ર દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને દૃઢ કરે છે."

અલબત, બિહારમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપવામાં આવી ત્યારે પટના હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ સમુદાયોની વસ્તીને આધારે જ અનામત આપી હતી. કોર્ટના મતાનુસાર, સરકારી નોકરીઓમાં તેમની હિસ્સેદારી પૂરતા પ્રમાણમાં હતી.

તેથી આગામી દિવસોમાં રાજ્યો જ્યારે પેટા-વર્ગીકરણ કરશે અને તેને કોર્ટમાં પડકારવામાં આવશે ત્યારે આ પેટા-વર્ગીકરણનો અમલ કેવી રીતે કરવો તે વધુ સ્પષ્ટ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.