બારડોલી : 'મને બીજી નોકરી ના મળી', પોસ્ટગ્રૅજ્યુએટ મહિલા બસ કંડક્ટરનો આપઘાત

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દક્ષિણ ગુજરાતમાં આવેલા બારડોલી શહેરના એસટી સ્ટેન્ડ પાસે આવેલી આનંદપાર્ક સોસાયટીમાં 8 ઑગસ્ટથી શોકનો માહોલ છે. આ સોસાયટીમાં મોટા ભાગે એસ.ટી. બસના ડ્રાઇવરો અને કંડકટરો રહે છે. એમની સાથે કામ કરતાં, અને ચહેરા પર હંમેશાં સ્મિત રાખતાં, મળતાવડા સ્વભાવનાં 25 વર્ષીય બસકંડક્ટર ભૂમિકા પરમારે 8 ઑગસ્ટે આત્મહત્યા કરીને અકાળે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
આ આત્મહત્યા પાછળનું સંભવિત કારણ પણ વિચારતા કરી મૂકે એવું છે. ભૂમિકાએ આત્મહત્યા પહેલાં લખેલી પોતાની અંતિમ ચિઠ્ઠીમાં 'બીજી નોકરી ન મળી' હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. બી.એ. બી.એડ. સુધીનો અભ્યાસ કર્યા બાદ 'ગુજરાત માર્ગ પરિવહન નિગમ' (જીએસઆરટીસી)માં બસ કંડક્ટરની નોકરી કરનાર ભૂમિકાએ નોકરી સાથે એમ.એ.નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો.
તેમના મિત્રો અને પરિવારજનો સાથેની વાતચીતમાં સંકેત મળે છે કે ઉચ્ચ અભ્યાસ બાદ શૈક્ષણિક લાયકાત મુજબની નોકરી ન મળી હોવાથી તેઓ નિરાશ હતાં. પોલીસે ભૂમિકાની આત્મહત્યાને 'અકસ્માતે મોત' તરીકે નોંધી છે.
ભૂમિકા આવું પગલું ભરી લેશે, તેવી કલ્પના પણ આ સોસાયટીમાં રહેનારા તેમના સાથી કર્મચારીઓને નહોતી. તેને કારણે હજી પણ તેઓ ભૂમિકાએ ભરેલાં આત્મહત્યાના આત્યંતિક પગલાંથી આઘાતમાં છે.
(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
અભ્યાસ પ્રમાણેની નોકરી ન મળવાનો વસવસો?

ઇમેજ સ્રોત, Amish singh chawda
મૂળ અરવલ્લી જિલ્લાનાં વતની ભૂમિકા એસ.ટી.માં બસ કંડક્ટરની નોકરી કરતાં હતાં અને હાલ બારડોલીમાં ફરજ બજાવતાં હતાં.
ભૂમિકાની સાથે જ રહેલાં તેમનાં રૂમ પાર્ટનર અને બારડોલીમાં બસકંડક્ટર તરીકે કામ કરતાં જિજ્ઞાસા પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “એ (ભૂમિકા) કંડક્ટરની ફિક્સ પગારની નોકરીમાં લાગી ત્યારે બી.એ.,બી.એડ.ની ડિગ્રી ધરાવતી હતી. બસ કંડક્ટરની નોકરી કરતાં-કરતાં એણે એમ.એ.નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. એ ઘણી વખત કહેતી હતી કે “હવે તલાટીની પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવીશ.””
“એની સગાઈ થઈ ગઈ હતી, એ એના મંગેતર સાથે ખુશ હતી. શિક્ષક કે તલાટીની સરકારી નોકરી માટે એ મહેનત કરતી હતી. એને લાગતું હતું કે આટલું ભણ્યા પછી બસ કંડક્ટરની નોકરી કરવાની? તો એ પોતે જીવનથી ખુશ છે, એવાં ‘ઍફર્મેશન’ (પોતાના મનને આપવામાં આવતાં હકારાત્મક સૂચનો) મૂકતી હતી. કાયમ કહેતી કે, “હું ઍફર્મેશન મૂકું છું એટલે સફળ થાઉં છું.” પણ અમને ક્યાં ખબર હતી કે એ આપઘાત કરી લેશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“અમે ગુરુવારે ફરવા જવાનું નક્કી કર્યું હતું. મેં નોકરીથી છૂટી એને ફોન કર્યો, એણે ફોન ના ઉપાડ્યા એટલે હું ઘરે આવી. એણે દરવાજો અંદરથી બંધ કરેલો હતો. આજુબાજુમાં રહેતા અમારા સાથીઓ ભેગા થયા અને બારીમાંથી જોયું કે એણે પંખાથી લટકી આપઘાત કર્યો હતો.”
સાથી કર્મચારીઓ અને પરિવાર પણ વિમાસણમાં

ઇમેજ સ્રોત, Ankit chauhan
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભૂમિકા જ્યાં રહેતાં હતાં તે આનંદપાર્ક સોસાયટીમાં જ રહેતા અને તેમની સાથે જ બસ ડ્રાઇવર તરીકે કામ કરતાં જશપાલસિંહ ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “એ મારી જ બસમાં કંડક્ટર તરીકે કામ કરતી હતી. હસમુખી છોકરી હતી. એને એક વાતનો અફસોસ હતો કે એ જેટલું ભણેલી છે, એ પ્રમાણે એને નોકરી મળી નથી. એના માથે ઘરની જવાબદારીઓ હતી. એણે એની સગાઈની મીઠાઈ વહેંચી ત્યારે કહ્યું હતું કે એનો મંગેતર સરકારી નોકરી માટે પરીક્ષા આપી રહ્યો હતો અને એ પણ શિક્ષકની નોકરી માટે પ્રયાસ કરતી હતી. સાસરિયામાં લોકો પણ સારા હોવાનું કહેતી હતી. અચાનક એણે આવું પગલું કેમ ભર્યું એ સમજાતું નથી.”
બારડોલીમાં 26 હજાર રૂપિયા પ્રતિ માસના ફિક્સ પગારમાં કંડકટરની નોકરી કરનાર ભૂમિકાએ આપઘાત કેમ કર્યો? એ એના સાથીઓને નથી સમજાતું એમ એના પરિવારના લોકોને પણ સમજાતું નથી.
અરવલ્લીના મેઘરજ પાસેના મહુડી ગામમાં નળિયાવાળા એમના મકાનમાં હજુ શોકનો માહોલ છે. સગાસંબંધીઓ એના પિતા રમેશભાઈને દિલાસો આપવા આવે છે.
દીકરીના આપઘાતને પગલે રમેશભાઈ વાત કરવાની હાલતમાં નથી.
ભૂમિકાના ભાઈ હેત પરમાર બીબીસી સાથે વાતચીત કરતાં જણાવે છે, “અમે ત્રણ ભાઈબહેન હતાં. ભૂમિકાને ભણવા સિવાય કોઈ બાબતમાં રસ નહોતો. અમારા ગામમાં ખેતીની આવક વધુ નહીં હોવાથી મારા પિતા ઇલેક્ટ્રિકનું કામ શીખી શહેરમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરીને અમને ત્રણેય ભાઈબહેનને ભણાવતા હતા. મારી બહેનની સગાઈ થઈ ગઈ હતી. મારા થનારા બનેવી પણ સરકારી નોકરી માટે ભણી રહ્યા હતા.”
તેમણે વધુમાં કહ્યું, “મારું ભણવાનું પૂરું થયું, ત્યારે એવું નક્કી થયું કે અમારા બંનેનાં લગ્ન એક સાથે એકાદ વર્ષ પછી કરવાં, જેથી બે લગ્નનો ખર્ચ વધારે ના થાય. મારી બહેન સાથે થોડા દિવસ પહેલાં જ વાત થઈ હતી. એણે સરકારી નોકરીની તૈયારી માટે પૂરતો સમય મળતો ના હોવાની વાત કરી હતી.”
“એ કહેતી હતી કે ‘આટલું ભણીને કંડક્ટરની નોકરી કરવાનું ગમતું નથી. બીજે નોકરીના ઇન્ટરવ્યૂમાં હાલ કંડક્ટરની નોકરી કરતા હોવાનું કહીએ એટલે કોઈ તક નથી મળતી. આ વર્ષે ગમે તેટલી મહેનત થાય, પણ પરીક્ષા પાસ કરીને જ રહીશ.’ એને સરકારી શિક્ષક અથવા તલાટીની પરીક્ષા પાસ કરવી હતી. એના માટેનું કોચિંગ લેવા એ ઓનલાઇન ક્લાસમાં પણ જોડાવાની હતી. એ મહેનત પણ કરતી હતી, ક્યારેક એવું કહેતી કે શિક્ષકની ભરતી હોય કે તલાટીની, પાસ થયા પછી જગ્યા મળશે કે કેમ? પણ એ આવું પગલું ભરશે એની અમને કલ્પના નહોતી.”
સરકારી નોકરી મેળવવા મહેનત કરતી યુવતીઓ પર કેવું ભારણ રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભૂમિકાએ સારું ભણ્યા પછી પણ શૈક્ષણિક લાયકાત મુજબની “બીજી નોકરી ન મળી” હોવાના દુખથી આત્મહત્યા કરી હોવાનો સંકેત તેમણે લખેલી છેલ્લી ચિઠ્ઠીમાંથી મળે છે.
સરકારી નોકરી મેળવવા માટે યુવાનોને ગ્રૅજ્યુએટ થયા પછી પણ કોચિંગ કરવા ભારે માનસિક તણાવ ભોગવવો પડે છે . હિંમતનગરનાં અલ્પા ચૌહાણ શિક્ષકની નોકરી માટે ટાટ-2 ની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “અમે આ પરીક્ષા પાસ કરવા માટે ગ્રૅજ્યુએટ થયા પછી કોચિંગ લઈએ છીએ. મોટા ભાગના વિદ્યાર્થીઓ મધ્યમવર્ગના હોય છે. દરેકનાં માતાપિતા પેટે પાટો બાંધીને ભણાવતાં હોય ત્યારે સારી નોકરી મળશે એવી એમની સહજ અપેક્ષા હોય. ઘર છોડીને અમે અમદાવાદ કે ગાંધીનગરમાં હૉસ્ટેલમાં રહી કોચિંગ લઈએ. આટલો ખર્ચો કરીને ભણ્યા પછી નોકરી મળશે કે નહીં, એની અનિશ્ચિતતા હોય છે.”
યુવતીઓને ખર્ચ ઉપરાંત કૌટુંબિક અને સામાજિક દબાણનો પણ તણાવ પણ સહન કરવો પડે છે. અલ્પા ચૌહાણ કહે છે, “છોકરીઓની ઉંમર વધે એટલે લગ્નનું દબાણ હોય. જો સરકારી નોકરી હોય તો સારા કુટુંબનું માંગુ આવે અને જો હૉસ્ટેલમાં રહી કૉચિંગ કર્યા બાદ પણ નોકરી ના મળે તો છોકરીમાં આવડત નથી, એવું પ્રસ્થાપિત થાય છે. જેનાથી અમારા પર અલગ પ્રકારનો માનસિક તણાવ હોય છે, જે અમે વ્યક્ત કરી નથી શકતાં.”
તેમણે વધુમાં કહ્યું, “મારા પિતા મને ભણાવવા માંગે છે. જ્યારે કુટુંબના બીજા લોકો એમ કહે છે કે છોકરી 25 વર્ષની થવા આવી હવે પરણાવી દો, નહીંતર સારું માગું નહીં આવે. આ સ્થિતિમાં પરીક્ષામાં પાસ થઈ નોકરી મેળવવાનો અલગ તણાવ હોય છે.”
મનોચિકિત્સકનો કેવો મત છે?
ભૂમિકાએ કેવી મનોસ્થિતિને કારણે આવું અંતિમ પગલું ભરી લીધું હશે તે સમજવા બીબીસીએ વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સી સાથે વાતચીત કરી.
ભૂમિકા ઍફર્મેશન લખતાં હતાં અને ખુશ રહેવાનો પ્રયાસ કરતાં હતાં. આ વિગતોને ધ્યાનમાં રાખીને ડૉ. ચોક્સી કહે છે, “આવા કિસ્સામાં વધુ ભણ્યા પછી પોતાનાથી ઓછું ભણેલાની સમકક્ષમાં નોકરી કરવાનું પણ એક 'સાઇલન્ટ ડિપ્રેશન' હોય છે. એટલે આવા કિસ્સામાં વ્યક્તિ પોતાની આજુબાજુની પરિસ્થિતિ મુજબ અનેક સમાધાન કરીને જીવતી હોય. એનો ચહેરો ભલે હસતો હોય પણ એમનું માનસિક દ્વંદ્વ સતત ચાલતું હોય.”
તેમણે વધુમાં જણાવે છે, “એમની આસપાસના લોકોને એમના વર્તન પરથી ખબર ના પડે, પણ તેઓ પોતાની સામાજિક-આર્થિક સ્થિતિને કારણે સમાધાન કરી લેતા હોય છે. અંદરથી એ ડિપ્રેશનમાં હોય છે. આ પ્રકારનાં અણધાર્યાં પગલાં માટેની જે બીજી સંભાવના છે તેને 'ઇમ્પલ્સિવ સુસાઇડ' કહે છે. આવેશાત્મક ભાવનાઓમાં વહી જઈને વ્યક્તિ એ આવેશની ક્ષણમાં આત્મહત્યા કરે છે. આવા કિસ્સામાં એ વ્યક્તિ આપઘાત કરે એના અડધાકલાક પહેલાં સ્વસ્થ હોય પણ આવેશમાં આવીને આવું પગલું ભરી બેસે છે.”
ડૉ. ચોક્સી ઉમેરે છે, “આવા સંજોગોમાં કોઈ સધિયારો આપનાર હોય તો વ્યક્તિ આવી ક્ષણમાંથી નીકળી શકે છે. આ કિસ્સામાં પણ એવું જ લાગે છે. કારણ કે જો એ ઍફર્મેશન લખતી હોયતો સાઇલન્ટ ડિપ્રેશનમાં હોય અને એવી સ્થિતિમાં જ્યારે એકલા હોય ત્યારે કોઈ એવી આવેશાત્મક ભાવનામાં આપઘાત કરી લીધો હોય એવું બને. કારણ કે એમની સુસાઇડ નોટમાં એમને પોતાને કુટુંબ કે અન્ય કોઈથી તકલીફ હોવાની વાત નથી કરી. એટલે જેમ વિદ્યાર્થીઓ નાપાસ થવાના ડરમાં આત્મહત્યા કરી લે છે, એમ સાઇલન્ટ ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિએ આવેશાત્મક ક્ષણમાં આપઘાત કરી લે એમ પણ બને.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












