ગુજરાત : SC-STની સબ-કૅટેગરીમાં અનામત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર દલિતો શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં અનુસૂચિત જાતિઓની અંદર સબ-ક્લાસીફિકેશન કરવાની વાત કરી છે. આ આદેશ પછી રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓમાં અનામતના લાભોથી વંચિત રહી ગયેલા સમાજોને અનામતની અંદર પેટાઅનામત આપી શકશે.
જોકે, દેશભરમાં આ ચુકાદાને લઇને મીશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. અમુક લોકો માને છે કે આ પ્રકારના ચુકાદાની જરૂર હતી, જેથી અનામતના લાભોથી વંચીત રહી ગયેલા અનુસૂચિત જાતિના સમાજો પણ તેનો ફાયદો લઇ શકે જ્યારે બીજી તરફ અમુક લોકો માને છે કે જ્યાં સુધી સચોટ આંકડાકીય માહિતી અને અનુસૂચિત જાતિઓને મળેલા લાભો સંદર્ભની સચોટ માહિતી ન હોય ત્યાં સુધી આ આદેશનો યોગ્ય અમલ થવો મુશ્કેલ છે.
વિવિધ દલિત મુદ્દાઓ પર દલિત સમાજોનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ધારાશાસ્ત્રી ગોવિંદ પરમાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે, “એ વાતમાં કોઇ બે મત નથી કે દલિત સમાજોની અમુક જ્ઞાતીઓ અનામતમાં લાભ લઇ શકી નથી અને તેને લાભ મળવો જ જોઇએ.”
જોકે, ચુકાદા વિશે વાત કરતા તેઓ કહે છે કે, “વિવિધ રાજ્ય સરકારો આ ચુકાદાનું અર્ધઘટન કેવી રીતે કરે અને સરકાર તેને લઈને કેવું વલણ અપનાવે તેના પર ઘણું નિર્ભર છે. હું માનું છું કે આ ચુકાદા બાદ દલિત સમાજોમાં પેટાજ્ઞાતિવાદ વકરી શકે છે.”
દલિત કર્મશીલ કિરીટ રાઠોડ પણ આવું જ કંઇક માને છે. તેમના પ્રમાણે આ ચુકાદા થકી દલિત સમાજોનું વધારે વર્ગીકરણ થશે અને તેઓ અલગ-અલગ થતાં જશે. તેમના મતે આ ચુકાદા બાદ દલિત સમાજોમાં વૈમનસ્ય વધી શકે છે.

અનુસૂચિત જાતિઓમાં નૉન-ક્રિમીલેયર?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટની સાત જજોની ખંડપીઠના એક જજ બી. આર. ગવઇએ કહ્યું હતું કે જેમ ઓબીસી સમાજોમાં નૉન-ક્રિમીલેયરની જોગવાઈ છે, તેવી જ રીતે અનુસૂચીત જાતિઓમાં પણ એને લાગુ કરવી જોઈએ. તેમની આ વાતનું અન્ય બે ન્યાયાધીશે સમર્થન પણ કર્યું હતું.
અનુસૂચિત જાતિઓમાં નૉન-ક્રિમીલેયર વિશે વાત કરતા દલિત કર્મશિલ ચંદુ મહેરિયા જણાવે છે, “સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે અનામત એ ગરીબી નાબુદ કરવા માટે ની યોજના નથી, પરંતુ સમાનતા માટે બંધારણે અનુસૂચિત જાતિઓને આપેલો એક માર્ગ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“સમાનતા થકી પ્રતિનિધિત્વ આવે. અનામતના મુદ્દાને દલિત સમાજોની આવક સાથે સરખાવવમાં આવે છે અને નૉન-ક્રિમીલેયરની વાત કરવામાં આવે છે. બંધારણ પ્રમાણે અનામત અને આવકનો કોઇ સંબંધ નથી, આખી વાત સમાનતા અને પ્રતિનિધિત્વની છે. એટલે આ ચુકાદાનું અર્ધઘટન વિવિધ રાજ્ય સરકારો કેવી રીતે કરે તેના પર છે અને એના પરથી કહી શકાશે કે ખરેખર આનાથી દલિત સમાજોને ફાયદો થશે કે નુકસાન.”
જોકે, તેમણે એ પણ કહ્યું કે આ ચુકાદા થકી ગુજરાતના વાલ્મીકિ જેવા અતિપછાત વર્ગોને લાભ મળશે અને એ બાબત તેઓ આવકારે છે.
દલિતો શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, ManjulaPradeep/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ચુકાદાની અનામત પર પડનારી અસરથી ઘણા કર્મશીલો ચિંતામાં છે. એ ચિંતાનું મુખ્ય કારણ એ પણ છે કે પેટાજ્ઞાતિઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં આવે અને જો એ ના ભરાય તો?
કિરીટ રાઠોડ જણાવે છે, “જેમ કે અમુક સરકારી નોકરીમાં ભરતી માટે પેટાજ્ઞાતીનો ઉમેદવાર ન મળે તો? તો એ જગ્યા જનરલ કૅટગરીના ઉમેદવારની થઈ જશે કે પછી દલિતો માટે જ રહેશે? આવી તમામ પ્રકારની ચોખવટ હોવી જરૂરી છે.”
મોટા ભાગના દલિત આગેવાનો આ મામલે જાતિગત વસ્તીગણતરીના આંકડા ઇચ્છે છે. ઘણા કર્મશીલોએ બીબીસીને કહ્યું કે જ્યાં સુધી આંકડાકીય માહિતી ન હોય ત્યાં સુધી અનામતની અંદર અનામત મુશ્કેલ રહેશે.
આ અંગે વાત કરતાં ચંદુ મહેરિયા જણાવે છે, “જ્યાં સુધી વાલ્મીકિ સમાજના લોકોની આંકડાકીય માહિતી ન હોય ત્યાં સુધી આ અનામતનો કોઇ ફાયદો નહીં થાય. એટલે સરકાર વહેલી તકે વાલ્મીકી સમાજની વસ્તીનો અંદાજ લગાવવો જરૂરી છે.”
આ વિશે વાત કરતાં દલિત કર્મશીલ મંજુલા પ્રદીપ કહે છે કે, “મને લાગે છે કે આ ચુકાદા પાછળ કોર્ટનો ઇરાદો સારો છે, પરંતુ તેમાં ઉતાવળ કરી દીધી છે. પહેલા એ જાણવાની જરૂર છે કે ખરેખર અનામતને કારણે કોને કેટલો ફાયદો થયો, કોણ પાછળ રહી ગયું અને કોને અત્યારે સૌથી વધારે જરૂર છે. દલીત કર્મશીલ તરીકે કહી શકુ છું કે ગુજરાતમાં વાલ્મીકિ સમાજ સુધી અનામતના ફાયદા નથી પહોંચ્યા અને તેમના સુધી અનામતના ફાયદા પહોંચવા જ જોઇએ એમાં કોઇ બે મત નથી. આ પ્રકારના આદેશની જગ્યાએ 'બ્લૅક રિપર્સેશન' પ્રકારની કોઇ યોજનાની જરૂર છે, જે આવા તમામ વર્ગોને મુખ્યધારામાં વહેલી તકે લાવી શકે.”
અમેરિકાનાં અમુક શહેરોમાં અશ્વેત લોકોના અધિકારો માટે 'બ્લૅક રિપર્સેશન' કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં દેશની સરકાર કાળા લોકો સાથે થયેલા અત્યાચારોની માફી માંગીને તેમને જમીન, ઘર વગેરેની સવલતો પૂરી પાડે છે.
દલિત કર્મશીલ રાજુ સોલંકી કહે છે, “જસ્ટીસ બેલાબહેન ત્રીવેદીની વાતથી હું સહમત છું. એમણે કહ્યું છે કે રાજ્ય સરકાર દલિતોની હૉમોજીનિટી (સમાજોની સમાનતા) સાથે છેટછાડ ન કરી શકે. એ દલિત સમાજોની પેટાજ્ઞાતીનું વર્ગીકરણ પણ ન કરી શકે. એ માત્ર સંસદ જ કરી શકે છે. અનામત કોઇને વારસામાં મળતી નથી પરંતુ સમાનતા માટે અપવામાં આવે છે. જ્યાં સુધી સમાનતા ન આવે ત્યાં સુધી નૉન-ક્રિમીલેયર જેવી વાત પણ ન આવવી જોઇએ. જો વધુ પડતા પ્રતિનિધિત્વની વાત હોય તો સવર્ણ વર્ગનું પ્રતિનિધિત્વ બધે જ છે અને કેમ તેમાં ગરીબ સવર્ણોને અગ્રીમ તક આપવાની વાત નથી થતી? હું માનું છું કે આ ચુકાદાથી સમસ્યાનું સમાધાન તો નથી થયું પરંતુ તે વધુ વિકટ બની છે.”
દલિતોમાં પણ વર્ણવ્યવસ્થા?

ગુજરાતમાં 'માનવગરિમા' નામની સંસ્થાના સંસ્થાપક અને વાલ્મીકિ આગેવાન પુરુષોત્તમ વાઘેલા છેલ્લાં ઘણાં વર્ષોથી દલિત સમાજોમાં થતા ભેદભાવોનો અભ્યાસ કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વાઘેલા જણાવે છે, “હિંદુ સમાજની વર્ણવ્યવસ્થા અનુસાર જ દલિત સમાજોમાં પણ એક અલગ વર્ણવ્યવસ્થા પ્રવર્તે છે. એમાં વણકર અને રોહિત સમાજ સૌથી ઉપર અને વાલ્મીકિ સમાજ સૌથી નીચે ગણાય.”
“આ વ્યવસ્થામાં કથિત ઉપરના સમાજો વાલ્મીકિ સમાજના ઘરનું પાણી પણ નથી પીતા. વણકર બ્રાહ્મણ અમારા ઘરે (વાલ્મીકિના ઘરે) લગ્ન કરાવવા આવે તો પોતાના ઘરેથી પાણી લેતા આવે છે. સેનવા સમાજના લોકો અમને એમના ઘરમાં પાણી પણ ના પીવા દે. આ પ્રકારના ચુકાદા થકી હજુ સુધી તમામ લાભોથી વંચિત રહેલા વાલ્મીકિ લોકો ફાયદો થઈ શકે. જોકે, એક ભય એવો પણ છે કે આનાથી વર્ણવ્યવસ્થામાં પોતાના ઉપર ગણતા દલિતો અને વાલ્મીકિ જેવા દલિત સમાજો વચ્ચે સંબંધો કથળી શકે છે."
ગુજરાતમાં દલિત સમાજો હેઠળ કુલ 36 જાતિઓનો સમાવેશ થાય છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય પ્રમાણે ગુજરાતમાં વાલ્મીકિ, હદી, એસસી બાવા, વણકાર સાધુ, સેનવા, તુરીબારોટ, તીરગરતીબંદા, થોરી, અને માતંગ સમાજો અતિપછાત ગણવામાં આવ્યા છે.
બીબીસી ગુજરાતીએ જ્યારે આ વિશે સામાજિક કલ્યાણ અને અધિકારીતા વિભાગના રાજ્યાકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "હજી આ વિશે કોઈ પણ વાત કરી શકાય તેવી પરિસ્થિતિ નથી. અમે આદેશનો અભ્યાસ કરી, તેના પર વાત કરીશું."
આ ચુકાદાની કેવી અસર થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દાર સાથે જાદવપુર યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અને પૉલિટિલ સાયન્ટિસ્ટ સુભાજિત નસ્કર વાત કરતાં કહે છે, “ઉપ-વર્ગીકરણનો અર્થ છે કે એસસી-એસટી મત વિભાજીત થઈ શકે છે. આવું એ એક સમુદાયના અંદર રાજકીય વિભાજન ઊભું કરશે. ભાજપે પણ ન્યાયાલયમાં ઉપ-વર્ગીકરણના સમર્થન કર્યું છે. કદાચ આથી તેને રાજકીય ફાયદો મળી શકે છે. રાજ્ય સ્તરની રાજકીય પાર્ટીઓ પણ તેમના ફાયદા મુજબ સબ-ક્લાસિફીકેશન લાવશે.”
તેમણે આ ચુકાદા સાથે અસહમતી વ્યક્તિ કરી અને કહ્યું, “અનુસૂચિત જાતિને અનામત આભડછેટના આધાર પર આપવામાં આવે છે. આનું સબ-ક્લાસિફીકેશન કરી શકાતું નથી. આ ચુકાદા સામે આવતા દિવસોમાં ભારે વિરોધ થશે.”
ઉના અત્યાચારોના પીડિત પરિવારના વકીલ ગોવિંદ પરમાર ઉમેરે છે કે રાજ્ય સરકારો આને કેવી રીતે લોકો સામે પ્રસ્તુત કરે, એના પરથી નક્કી થશે કે આગળ શું કરવું. જો જરૂર પડે તો તેઓ આ ચુકાદાને પડકારશે.
શું છે મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે પોતાનો વર્ષ 2004નો ઈ. વી. ચેન્નઇયા વીરુદ્ધ સ્ટેટ ઑફ આન્ધ્ર પ્રદેશના ચુકાદાને ફેરવી દીધો છે.
આ કેસ માલા અને મદીગા અનુસૂચિત જાતિઓમાં અનામતનો ખરેખર લાભ કોને મળવો જોઇએ તે મામલે કોર્ટના દ્વાર ખટખટાવાયા હતા. 2004 ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિઓની અંદર સબ-ક્લાસિફીકેશન ન થઈ શકે.
જોકે હવે આ ચુકાદા ફેરવી દેવામાં આવ્યો છે.
2024ના ચુકાદાનો અર્થ એ થાય કે કોઈ રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે 15% અનામત નક્કી કરેલ હોય તો એમાં 15% અનામતની અંદર કેટલીક વિશિષ્ટ અનુસૂચિત જાતિઓ માટે અનામત નિર્ધારિત કરી શકાય.
જેમ કે ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ માટે 7% અનામત છે, એટલે કે રાજ્ય સરકાર હવે આ 7% અનામતની અંદર અનુસૂચિત જાતિઓની પછાત જાતિઓ માટે પેટાઅનામત લાગુ કરી શકે છે.
1975માં પંજાબ સરકારે અનુસૂચિત જાતિ માટેની કૅટેગરીમાં નોકરી અને શિક્ષણમાં 25% અનામત વાલ્મીકિ અને મઝહબી શીખ જાતિઓ માટે નિર્ધારિત કરી હતી.
જેને હાઈકોર્ટે 2006માં રદ કરી દીધી હતી. એ રદ કરવાના આધાર 2004માં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો હતો, જેમાં કહેવાયું હતું કે અનુસૂચિત જાતિની સબ-કૅટેગરી બનાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે રાજ્યો પાસે આવું કરવાનો અધિકાર નથી, કારણ કે અનુસૂચિત જાતિની યાદી રાષ્ટ્રપતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે.












